Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાના રોકાણકારોનો વિશ્વાસ : દિલ્હી બહુ દૂર છે!

નાના રોકાણકારોનો વિશ્વાસ : દિલ્હી બહુ દૂર છે!

17 December, 2012 05:38 AM IST |

નાના રોકાણકારોનો વિશ્વાસ : દિલ્હી બહુ દૂર છે!

નાના રોકાણકારોનો વિશ્વાસ : દિલ્હી બહુ દૂર છે!




શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

બીએસઈ અને એનેસઈ બન્નેમાં રજિસ્ટર્ડ થયેલા નવા પૅન (પર્મનન્ટ અકાઉન્ટ નંબર)ના આધારે આ અંદાજ મુકાયો હતો. અર્થાત્ ગત ટૂંકા સમયગાળામાં બજાર પ્રત્યે નવી આશા જાગી હોવાનું કહી શકાય. બીજા સમાચાર મુજબ છેલ્લાં ચાર વર્ષમાં પાંચથી સાત લાખ નાના રોકાણકારો પોતાના શૅરો વેચીને બજારમાંથી બહાર નીકળી ગયા છે અથવા શૅરબજારમાં પોતાનો હિસ્સો તેમણે ઘટાડી દીધો છે. અ બન્ને વાત આમ તો વિરોધાભાસી લાગે એમ છતાં બન્ને વાત સાચી છે. આ સત્યને સમજીએ અને આગામી સમયમાં શું થઈ શકે એના સંકેત મેળવીએ.

રોકાણકારો કેમ બજાર છોડે છે?

સરકાર કમ સેબી (મૂડીબજારની નિયમન સંસ્થા) સતત એવા પ્રયાસ કરી રહી છે કે બચતકારો રોકાણકારો બનવા તરફ વળે અને ફાઇનૅન્શિયલ સાધનોમાં રોકાણ કરે, દેશમાં ઇક્વિટી કલ્ટ વિકસે. ઉદ્યોગોને મૂડીબજારમાં આ માર્ગે મૂડી મળતી રહે જેથી ઔદ્યોગિક વિકાસ ઝડપી બને, પરંતુ વાસ્તવમાં બની એવું રહ્યું છે કે શૅરબજારનાં વહેણો પર, એમાં ચાલતા સટ્ટાને લીધે અને વૉલેટિલિટીને પરિણામે તથા સતત અનિશ્ચિતતાને કારણે રોકાણકારોનો બજારમાં વિશ્વાસ સ્થપાતો નથી. મોટા ભાગના નાના રોકાણકારો આ બજારમાં નુકસાન કરતા હોવાનું જોવા મળે છે. આખરે તેઓ નિરાશ થઈને બજાર છોડીને જાય છે અથવા એમાં પોતાનો સ્ટેક ઓછો કરી નાખે છે. શૅરબજારની દશાને લીધે મ્યુચ્યુઅલ ફન્ડની કામગીરી પણ નબળી રહે છે અને એ પણ સારું વળતર આપી શકતા નથી જેને લીધે રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડમાંથી પણ બહાર નીકળતા જાય છે. આ જ રીતે ઇન્શ્યૉરન્સ સ્કીમ મારફત મૂડીબજારમાં પ્રવેશેલા રોકાણકારો પણ બજારની બહાર નીકળી ગયા હોવાનું નોંધાયું છે. ૨૦૦૯થી આ સિલસિલો ચાલી રહ્યો છે. શૅરબજારની સાથે-સાથે આઇપીઓ (પ્રારંભિક પબ્લિક ઇશ્યુ)માં પણ મહદંશે રોકાણકારોએ નાણાં ખોયાં હોવાથી આ માર્ગે પણ નાના રોકાણકારોનો ટ્રસ્ટ ઘટી રહ્યો છે. સાવ જ ઓછું વળતર માત્ર લૉસ અથવા સતત વૉલેટિલિટી અથવા અનિશ્ચિતતા, વધુપડતો સટ્ટો, ઊંચા ભાવે ભરાઈ જવાનો સતત ભય વગેરે કારણોને લીધે નાના રોકાણકારો બજારથી દૂર થઈ ગયા હોવાનું તારણ છે.

નવા રોકાણકારો શા માટે આવ્યા?

બીજી બાજુ છેલ્લા એકાદ વરસમાં આઠથી દસ લાખ નવા રોકાણકારો બજારમાં આવ્યા છે એ પણ હકીકત છે. આ નવા રોકાણકારો નવી આશા સાથે આવ્યા છે. તેમણે બજારનાં પૉઝિટિવ પાસાંઓને નજરમાં રાખીને કદમ ભર્યા છે. સરકાર, સેબી અને સ્ટૉક એક્સચેન્જિસ તરફથી સતત ચાલતા ઇન્વેસ્ટર્સ અવેરનેસ ઝુંબેશને કારણે પણ આ પરિણામ જોવામાં આવ્યું હોઈ શકે. વધુમાં સતત નિરાશાવાદ બાદ બજારના રિવાઇવલની આશા પણ જાગી હોઈ શકે. સરકારે આર્થિક સુધારાના પંથે આગળ વધવાના નિર્ણયનો અમલ કરી બતાવતાં પણ રોકાણકારોમાં નવો વિશ્વાસ પેદા થયો છે. વિદેશી રોકાણકારોના એકધારા પ્રવાહે પણ આમાં ભૂમિકા ભજવી હશે. સરકારે રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ મારફત કર રાહત આપીને પણ નવા રોકાણકારોને આકષ્ર્યા છે જેનું પરિણામ હવે પછી જોવા મળશે. ગ્લોબલ આર્થિક કટોકટી વધુ નહીં વકરવાના સંકેત પણ બજાર માટે પૉઝિટિવ પરિબળ બન્યું છે. ઇન શૉર્ટ બજાર વધવાની અપેક્ષાને લીધે પણ નવા રોકાણકારો આવી રહ્યા છે.

ઓછા વળતરે પણ સલામતી વહાલી

જોકે હજી આપણા દેશમાં ઇક્વિટી તરફ બહુ જ નાનો વર્ગ ખેંચાયો છે. આધારભૂત અભ્યાસ મુજબ ઘરગથ્થુ બચતોમાંથી હજી માત્ર સાત ટકા રોકાણકારો ઇક્વિટી શૅરોમાં જાય છે. જ્યારે ૨૦ ટકા રોકાણ પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ), નૅશનલ સેવિંગ સ્કીમ વગેરેમાં અને ૧૫ ટકા વીમા પૉલિસીમાં જાય છે. ૩ ટકા જેવી બચત અન્ય ડેટ સાધનોમાં રોકાય છે. ૧૦ ટકા જેવી રકમ કૅશ સ્વરૂપે રાખવામાં આવે છે અને ૪૫ ટકા જેવો મોટો હિસ્સો બૅન્કો તેમ જ અન્ય ડિપોઝિટ્સમાં રોકાય છે એટલે કે હજી મહત્તમ બચત બૅન્કો સહિતનાં સલામત સાધનોમાં પડી રહે છે જ્યાં સલામતી તો ચોક્કસ છે, પણ વળતર મોંઘવારી સામે ટકી શકે એવું નથી એમ છતાં શૅરબજાર પ્રત્યે વિશ્વાસના અભાવે બચતકારો ઓછા વળતરે પણ સલામતીને વધુ પસંદ કરે છે.

શું થાય તો વિશ્વાસ વધે?

આવા સંજોગોમાં શૅરબજાર પ્રત્યે વિશ્વાસ જાગવો જરૂરી છે. આમ ત્યારે થઈ શકે જ્યારે ઇકૉનૉમી પ્રત્યે વિશ્વાસ વધે. વધુમાં શૅરબજારમાં સટ્ટાકીય તત્વ ઘટે, ગોલમાલ કે ગેરરીતિની પ્રવૃત્તિ ડામી દેવાય, શૅરસોદાના ખર્ચને નીચે લાવવામાં આવે, કંપનીઓ તરફથી પારદર્શકતા અને ગવર્નન્સ વધે, રોકાણકારો સાથે છેતરપિંડી ઘટે, ખુદ રોકાણકારોમાં જાગૃતિ-શિક્ષણ વધે, સારા શૅરોની ઑફરો વધે, બજારમાં નાના રોકાણકારોને સલામતી સાથે નિયમિત નિયત વળતર આપતાં નવાં સાધનો લાવવામાં આવે. અર્થાત્ સતત પ્રોડક્ટ ઇનોવેશન થયા કરે, બજાર માટેનું માઇન્ડસેટ - અભિગમ બદલાય અને બજાર સાતત્યપૂર્ણ વૃદ્ધિ પામતું રહે એ જરૂરી બને છે. આ સાથે નાના રોકાણકારોની હિતરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાય, તેમની સમસ્યાના ઝડપી ઉકેલ આવે, દોષી હસ્તીઓ સામે દાખલારૂપ આકરી ઍક્શન લેવાય, રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર પાસેથી નાણાવસૂલી સંબંધિત રોકાણકારોને પરત કરવાના ઉપાય થાય, રોકાણકારોને સતત માર્ગદર્શન મળતું રહે એ પણ આવશ્યક છે.

આમ તો આ બધી વાતો કે અપેક્ષા વધુપડતી લાગી શકે, પરંતુ ખરેખર નાના રોકાણકારને શૅરબજાર-મૂડીબજાર તરફ વાળવા હોય અને બચતકારનું રોકાણકારમાં પરિવર્તન કરવું હોય તો આ તમામ બાબતોનો અમલ જરૂરી છે. આમ કરવામાં સમય લાગી શકે એ ખરું. પરંતુ લાંબા ગાળે શૅરબજાર-મૂડીબજારના તંદુરસ્ત વિકાસ માટે અને મહત્તમ રોકાણકારોમાં ઇક્વિટી-ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર ફેલાવવા માટે તેમ જ અર્થતંત્રના વિકાસ અર્થે આ પગલાં સાર્થક સાબિત થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2012 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK