કરેક્શન અને કન્ફ્યુઝનનો સમય: GSTની ચિંતા આખા દેશને થઈ રહી છે તો બજારને પણ હોય જને

Published: Jul 03, 2017, 06:29 IST

છેલ્લા અમુક દિવસથી બજાર ઠંડું પડી જવાનું કારણ GST અને બૅન્કોની GSTની સમસ્યાનું છે. હવે પછી પણ આ બન્નેની અસર ચાલુ રહેવાની શક્યતા પાકી છે. જોકે બજાર ઘટવાનું એક કારણ એ વધુપડતું વધી ગયું હોવાનું પણ ગણવું પડે. તેથી શૉર્ટ ટર્મ માટે શાંતિ અને સાવચેતી રાખજો અને લૉન્ગ ટર્મ માટે હમણાં વેઇટ ઍન્ડ વૉચ તેમ જ સિલેક્ટિવ બની રહોશૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નો અમલ શરૂ થઈ જવા સાથે એક ચર્ચાનો અંત અને બીજી ચર્ચાનો આરંભ થઈ ગયો છે. હવે GSTની અસર કેવી રહેશે અને કેટલો સમય ચાલશે? આ સંજોગોમાં બજારમાં શું ધ્યાન રાખવું? વગેરે સવાલો અને કન્ફ્યુઝન ચાલી રહ્યાં છે. બાય ધ વે, આ કન્ફ્યુઝનના સમયમાં કરેક્શન આવે તો એને વિવેક સાથે લાંબા ગાળાની તક બનાવી શકાય. આમ પણ બજાર એની પાત્રતા કરતાં વધુ ઊંચે ગયું હોવાની લાગણી વધી જવાને કારણે જ બજાર વધુ ઉપર જતાં અટકી ગયું છે અને જાય છે તો તરત નીચે પણ આવી જાય છે. ગયા સપ્તાહમાં આપણે આ ટ્રેન્ડ જોયો છે અને માથે GSTની તલવાર આવી ગઈ હોવાથી આમ ચાલશે, કારણ કે અનિશ્ચિતતા બજારને ઘેરી રાખશે. બૅન્કોની બૅડ લોન્સની સમસ્યા અને એની સામે નવા કાનૂન મારફત લેવાઈ રહેલી ઍક્શન તેમ જ રિઝર્વ બૅન્ક દ્વારા બૅન્કો પર આવી રહેલા નીતિ-નિયમોના દબાણને લીધે પણ બૅન્કિંગ સેક્ટર પ્રેશરમાં આવી રહ્યું છે જેની અસર બજાર પર થાય એ સ્વાભાવિક છે. આ બે ઉપરાંત ક્યાંક ગ્લોબલ અસર પણ ચાલી આવતી હોય છે.

GST ગેમ-ચેન્જર બની શકે

છેલ્લા છ મહિનાથી આખા દેશમાં ચર્ચા જગાવનાર GSTના અમલની શરૂઆત થઈ ગઈ છે. આ અમલ પહેલાં જ નાણાપ્રધાને એકરાર કર્યો હતો કે GSTના અમલના આરંભના સમયમાં મુશ્કેલીઓ પડશે, પરંતુ લાંબે ગાળે GST દેશના અને પ્રજાના તેમ જ અર્થતંત્રના લાભમાં રહેશે. આ હકીકત નજર સામે આવતાં કેટલો સમય લાગશે એ નક્કી ન કહી શકાય, પણ આ હકીકત બનશે એ નક્કી છે. જો આટલી સાદી વાત સમજાતી હોય તો ભારતીય અર્થતંત્ર અને શૅરબજારમાં વિશ્વાસ વધવો જોઈએ તેમ જ એને આધારે રોકાણનું પ્લાનિંગ થવું જોઈએ.

ગ્રોથ ઊંચો જવાની આશા

GST એક ક્રાન્તિકારી કરવેરામાં સુધારો છે એ જાહેર છે અને આવા સુધારાથી જ્યાં એક રાષ્ટ્ર, એક ટૅક્સ લાગુ થઈ રહ્યો હોય ત્યારે એની અસર કેટલી ગહન અને વ્યાપક બને એ સમજાવવાની જરૂર રહેતી નથી. GSTની અસરથી ભાગ્યે જ કોઈ નાગરિક મુક્ત રહેશે. દેશની ઇકૉનૉમી માટે ગેમ-ચેન્જર અને પરિવર્તનની મિસાલ બનવા જનારો આ સુધારો બિઝનેસ અને કૉર્પોરેટ સેક્ટર તથા શૅરબજારના સુધારા માટે પણ લાંબા ગાળાની અસર ઊભી કરશે એ નિશ્ચિત છે. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ GSTથી કેટલો લાભ ક્યાં સુધીમાં થશે એ કહેવું કઠિન છે, પરંતુ ત્રણેક વર્ષમાં ભારતનો વિકાસદર ડબલ ડિજિટ થઈ શકે એવી આશા રાખી શકાય. ભારત જેવા દેશ માટે આર્થિક સુધારામાં સાતત્ય અને ઝડપ જરૂરી છે. GSTથી બિઝનેસની પારદર્શકતા વધશે અને એને કારણે ટૅક્સની આવક વધશે એ પણ ખરું.

સૌથી મોટું પરિબળ સમય

જો શૅરબજાર ઑલરેડી ઊંચાઈ પર હોય અને મોટા ભાગના સારા શૅરોના ભાવ પણ ઑલટાઇમ હાઈ હોય ત્યારે શૅરોમાં રોકાણ કરવામાં ખચકાટ થાય અને વેઇટ ઍન્ડ વૉચની લાગણીને અનુસરવાનું દિલ થાય એ સ્વાભાવિક છે. GSTને પરિણામે રાષ્ટ્ર સિંગલ માર્કેટ બનવા સજ્જ થઈ ગયું છે. કરવેરાના આ સુધારા ભારતીય અર્થતંત્ર માટે પરિવર્તનનો પવન લઈને આવી ગયા છે ત્યારે ઇકૉનૉમી પણ એને આવકારશે ખરી, પરંતુ સમય પણ માગશે અને ઇકૉનૉમી સમય લેશે તો બજાર પણ સમય લે એ સહજ છે.

અમેરિકાની આશા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા સહિતની વિદેશયાત્રા સફળ રહી હોવાનું ગણાય છે. ખાસ કરીને અમેરિકામાંથી પૉઝિટિવ સંકેત પ્રાપ્ત થયા છે. અમેરિકન ઇકૉનૉમીને પણ ભારતની જરૂર છે એવું પ્રતીત થાય છે એથી અમેરિકા ભારતને મહત્વનું બિઝનેસ પાર્ટનર બનાવવા ઉત્સુક છે. આ બાબત ભારત માટે પણ લાભદાયી છે. કેટલી અને કેવી રીતે એ આગામી સમયમાં સ્પક્ટ થઈ જશે. એ ખરું છે કે ભારત એક સતત વિકસતા રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યું છે અને અહીં થઈ રહેલા આર્થિક સુધારાના સાતત્યને પગલે વિશ્વનું ધ્યાન ભારત તરફ વધી રહ્યું છે. ભારત સાથે વેપાર-રોકાણસંબંધો વધારવામાં અનેક દેશોને રસ છે. આ વાત ભારતીય ઇકૉનૉમી અને માર્કેટ બન્ને માટે સકારાત્મક છે.

બૅન્કો સામેની ઍક્શનની અસર

ગયા સપ્તાહમાં બૅન્કોની બૅડ લોન્સ સામેના રિઝર્વ બૅન્કના ઇનસૉલ્વન્સી ઍક્ટ હેઠળના પગલાની અસર છવાઈ રહી હતી. બૅન્કોએ જોગવાઈઓ વધારવી પડશે, બૅન્કોની બૅલૅન્સ-શીટ એને કારણે નબળી પડશે જેવાં કારણોએ બૅન્ક શૅરોએ નબળાઈ દર્શાવી હતી એટલું જ નહીં; એને લીધે સમગ્ર માર્કેટને પણ અસર થઈ હતી. સરકાર અને રિઝર્વ બૅન્ક બૅન્કો સામે કઠોર પરંતુ અસરકારક પગલાં લઈ રહ્યાં હોવાથી અત્યારે આ સેક્ટર પીડામાંથી પસાર થયા વિના રહી શકશે નહીં, પરંતુ આખરે આ જ માર્ગ બૅન્કોના હિતમાં રહેશે. બૅન્ક શૅરો માટે આ એક પડકારનો સમય છે, પણ આમાંથી પસાર થઈને ઊભરનારી બૅન્કો રોકાણકારો માટે નવો વિશ્વાસ લઈને આવશે. આવી બૅન્કોના શૅરોને રોકાણની તક બનાવવી જોઈએ; પણ હા, આ લાંબા ગાળા માટે થવું જરૂરી છે.

અનિશ્ચિતતા / સાવચેતીનો માહોલ

ગયા સપ્તાહમાં સેન્સેક્સ ૩૧,૦૦૦ની નીચે અને નિફ્ટી ૯૫૦૦ની નીચે ઊતરી ગયા હતા. બજારે વધવા સાથે પણ સમાન દિવસે ઘટાડાની ચાલ બતાવી હતી, જે બજાર હવે વધવા માટે તૈયાર નથી અથવા બજારની એ ઊંચાઈ સ્વીકાર્ય નથી બનતી એવું કહી શકાય. જોકે બજાર જોરદાર ઘટતું પણ નથી. જો એ મોટે પાયે ઘટે તો એને ખરેખર કરેક્શન ગણીને લોકો ખરીદીની તક પણ બનાવે, પરંતુ વર્તમાન લેવલે અનિશ્ચિતતા વધુ જણાય છે એટલે આ માહોલમાં લોકો સાવચેતીપૂર્વક જ આગળ વધવાનું વિચારે એ જરૂરી છે. બુધવાર અને ગુરુવારે ઘટાડાતરફી ટ્રેન્ડ બાદ શુક્રવારે બજારે પૉઝિટિવ બંધ નોંધાવીને થોડી રાહત આપી હતી. આવા સંજોગોમાં પણ CDSLનો શૅર ૮૦ ટકા પ્રીમિયમે લિસ્ટ થયો એને સારા સંકેત કહી શકાય. આમ નવા ઇશ્યુની માર્કેટનું આકર્ષણ જળવાઈ રહે એવા નિર્દેશ છે.

નાની સાદી વાત

યાદ રહે કે GSTને કારણે શરૂમાં બિઝનેસ માહોલમાં તકલીફો રહેવાની જેને લીધે બજારમાં પણ વૉલેટિલિટી યા અનિશ્ચિતતા રહેશે. આ સ્થિતિનો લાભ લેવા લાંબા ગાળાનો અભિગમ અપનાવવો જોઈએ. જે બાબત ઇકૉનૉમી માટે સારી બનવાની છે એ માર્કેટ માટે પણ સારી બનશે જ. આ સાદી વાત સમજી લો. અલબત્ત, આ માટે ધીરજ અને વિવેક રાખવાં જરૂરી બનશે. અન્યથા મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ બહેતર રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK