ઇન્વેસ્ટરો દ્વારા સાવચેતીના વલણને કારણે શૅરબજાર રેન્જ બાઉન્ડ રહ્યું

Published: 25th September, 2012 05:27 IST

કૅપિટલ ગુડ્સ, સુઝલોન એનર્જીમાં વૃદ્ધિ : ઑઇલ ઍન્ડ ગૅસ ડાઉનશૅરબજારનું ચલકચલાણું

બજાર સાથે સંકળાયેલા વર્ગની અપેક્ષા મુજબ ગઈ કાલે માર્કેટ રેન્જ બાઉન્ડ રહી હતી. સરકાર દ્વારા ઇકૉનૉમિક રિફૉમ્ર્સની જાહેરાતને પગલે શુક્રવારે સેન્સેક્સમાં ૪૦૦ પૉઇન્ટ્સ કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. હવે બજારને ચલાવવા માટે નવા ટ્રિગરની રાહ જોવાઈ રહી છે.

યુરોપિયન બજારો ઘટ્યાં હતાં અને એશિયન માર્કેટ્સમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આ ઉપરાંત ગઈ કાલે જે સમયે સેન્સેક્સમાં વૃદ્ધિ જોવા મળી ત્યારે નફારૂપી વેચવાલી આવવાને કારણે બજાર ઘટ્યાં હતાં. આગામી સમયમાં હવે કોઈ મોટા પરિબળની ગેરહાજરીમાં બજારની સ્થિતિ રેન્જ બાઉન્ડ જ રહેવાની અપેક્ષા છે.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૭૯.૪૯ ઘટીને ૧૮,૬૭૩.૩૪ બંધ રહ્યો હતો. શુક્રવારના ૧૮,૭૫૨.૮૩ના બંધ સામે સવારે સેન્સેક્સ વધીને ૧૮,૭૫૬.૩૧ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૮૧૧.૧૩ અને ઘટીને નીચામાં ૧૮,૬૫૦.૪૩ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ૨૧.૫૫ ઘટીને ૫૬૬૯.૬૦ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૨૧.૪૫ વધીને ૬૪૫૩.૮૮ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૫૭.૭૦ વધીને ૬૮૬૬.૯૧ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ


ગઈ કાલે મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૭ વધ્યાં હતાં અને ૬ ઘટ્યાં હતાં. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૨૩.૬૩ વધીને ૧૮,૮૫૬.૮૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૧૫ કંપનીના ભાવ વધ્યા હતા. સુઝલોન એનર્જીનો ભાવ સૌથી વધુ ૭.૦૧ ટકા વધીને ૧૮.૪૬ રૂપિયા બંધ રહ્યો હતો. ભેલનો ભાવ ૬.૪૧ ટકા, અલ્સટૉમ ટી ઍન્ડ ડીનો ૬.૧૧ ટકા અને ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ભાવ ૫.૪૨ ટકા વધ્યો હતો. ભારત ઇલેક્ટ્રૉનિક્સનો ભાવ સૌથી વધુ ૩.૩૧ ટકા ઘટીને ૧૧૮૫ રૂપિયા બંધ રહ્યો હતો.

ઑટો ઇન્ડેક્સ ૭૯.૯૯ વધીને ૧૦,૩૪૯.૫૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૬ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ભાવ સૌથી વધુ ૩.૬૬ ટકા વધીને ૮૩૭.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકીનો ભાવ ૩.૧૩ ટકા વધ્યો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૪.૧૦ ટકા ઘટીને ૧૪૨.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ સૌથી વધુ ૧૨૬.૯૬ ઘટીને ૮૭૨૬.૬૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવ ઘટ્યાં હતા. ઓએનજીસીનો ભાવ સૌથી વધુ ૨.૦૬ ટકા ઘટીને ૨૮૭.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો ભાવ સૌથી વધુ ૨.૦૧ ટકા વધીને ૩૦૪.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો.

એફએમસીજી ઇન્ડેક્સ ૭૮.૧૫ ઘટીને ૫૨૧૭.૫૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી પાંચના ભાવ ઘટ્યાં હતા. આઇટીસીનો ભાવ સૌથી વધુ ૨.૨૫ ટકા ઘટીને ૨૫૫.૭૫ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવરનો ભાવ ૨.૧૬ ટકા ઘટ્યો હતો. યુનાઇટેડ સ્પિરિટ્સનો ભાવ સૌથી વધુ ૬.૦૩ ટકા વધીને ૧૦૫૪ રૂપિયા બંધ રહ્યો હતો. યુનાઇટેડ બ્રુઅરીઝનો ભાવ ૩.૦૮ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ શૅરો


સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૧૩ના ભાવ વધ્યા હતા અને ૧૭ના ઘટ્યાં હતા. ભેલનો ભાવ સૌથી વધુ ૬.૪૧ ટકા વધ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ૪.૧૮ ટકા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનો ૩.૬૬ ટકા વધ્યો હતો. આઇટીસીનો ભાવ સૌથી વધુ ૨.૨૫ ટકા ઘટ્યો હતો.

૩૨ કંપનીઓના શૅર ટૉપ પર


ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૨ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં લક્ષ્મી વિલાસ બૅન્ક, કાવેરી સીડ, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી, વીકેએસ પ્રોજેક્ટ્સ, યુનાઇટેડ બ્રુઅરીઝ, હેવેલ્સ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, કજરિયા સિરૅમિક્સ વગેરેનો સમાવેશ છે. ૧૫ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વિનાયક પોલિકૉન, જે. જે. એક્સર્પોટ્સ, પેન્નાર ઍલ્યુમિનિયમ, ધનુષ ટેક્નૉલૉજીઝ વગેરેનો સમાવેશ છે. મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૬૯૪ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૧૯૮ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

કેઈસી ઇન્ટરનૅશનલ

કેઈસી ઇન્ટરનૅશનલનો ભાવ ૫.૪૧ ટકા વધીને ૭૨.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૫.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૬.૯૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૪.૨૮ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. કુલ ટર્નઓવર ૩.૧૨ કરોડ રૂપિયા થયું હતું. કંપનીને ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ક્લાયન્ટ્સ તરફથી કુલ ૬૦૨ કરોડ રૂપિયાના ઑર્ડ્ર્સ મળ્યાં છે.

જીવીકે પાવર

જીવીકે પાવર ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાવ ૬.૦૭ ટકા વધીને ૧૪.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૪.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૩.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૫૭.૩૧ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. ટર્નઓવર ૮.૨૯ કરોડ રૂપિયા રહ્યું હતું. કંપની દ્વારા નિયંત્રિત મુંબઈ ઍરપોર્ટ દ્વારા ટેરિફમાં ૬૬૦ ટકાની વૃદ્ધિની ડિમાન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત પૅસેન્જરો પાસેથી યુઝર ડેવલપમેન્ટ ફી વસૂલ કરવાની ડિમાન્ડ કરવામાં આવી છે. ઍરપોર્ટ મૉડર્નાઇઝેશનનો પ્રોજેક્ટ ખર્ચ વધીને બમણો ૧૨,૩૦૦ કરોડ રૂપિયા થયો છે.

એબીજી શિપયાર્ડ

એબીજી શિપયાર્ડનો ભાવ ૯.૦૪ ટકા વધીને ૫૩૮૦.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૯૧.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૫૨ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૯૭,૧૦૦ શૅર્સનાં કામકાજ થયાં હતાં. બિઝનેસ ૩.૭૦ કરોડ રૂપિયાનો થયો હતો. કંપની વિસ્તરણ માટે ૧૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનો પ્લાન ધરાવે છે. આ માટે ગુરુવારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શૅરહોલ્ડરોની મંજૂરી મેળવવામાં આવશે.

લક્ષ્મી વિલાસ બૅન્ક

લક્ષ્મી વિલાસ બૅન્કના શૅર્સ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટેડ હતા. ગઈ કાલે બૅન્કના શૅરનું લિસ્ટિંગ મુંબઈ શૅરબજારમાં કરવામાં આવ્યું હતું. ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા શૅરનું લિસ્ટિંગ ૭૭.૬૦ રૂપિયાના ભાવે થયું હતું. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૮૩ રૂપિયા અને ઘટીને નીચામાં ૭૫.૦૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. કુલ ૧,૩૫,૯૩૨ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. ટર્નઓવર ૧.૦૯ કરોડ રૂપિયા રહ્યું હતું.

ઇન્ફોસિસ

ઇન્ફોસિસ લિમિટેડના સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થનારા સેકન્ડ ક્વૉર્ટરનાં નાણાકીય પરિણામો ૧૨ ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ દિવસે કંપની ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરશે. ઇન્ટરિમ ડિવિડન્ડ માટે રેકૉર્ડ ડેટ ૧૯ ઑક્ટોબર જાહેર કરી છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૪૫૦૦.૮૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૯૦૫.૧૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૧૫૯૫.૭૨ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૩૬૬.૪૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૫૨૨.૯૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૧૫૬.૪૫ કરોડ રૂપિયા રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK