આર્થિક સુધારા : પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત...

Published: 24th September, 2012 05:38 IST

આ દિવાળી સુધીમાં અથવા ડિસેમ્બરના અંત સુધીમાં સેન્સેક્સ ૨૦ હજારના લેવલે પહોંચી જશે, વરસ ૨૦૧૩ના અંત સુધીમાં બજારની તેજી સેન્સેક્સને ૨૩ હજાર સુધી પહોંચાડી દે તો નવાઈ નહીં. દોસ્તો, આમ અમે નથી કહેતા, આ તો વૈશ્વિક બ્રોકરેજ હાઉસિસ, નાણાસંસ્થાઓ - ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુટ્સ હવે ધારણા મૂકવા લાગ્યાં છે.


શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

આ દિવાળી સુધીમાં અથવા ડિસેમ્બરના અંત સુધીમાં સેન્સેક્સ ૨૦ હજારના લેવલે પહોંચી જશે, વરસ ૨૦૧૩ના અંત સુધીમાં બજારની તેજી સેન્સેક્સને ૨૩ હજાર સુધી પહોંચાડી દે તો નવાઈ નહીં. દોસ્તો, આમ અમે નથી કહેતા, આ તો વૈશ્વિક બ્રોકરેજ હાઉસિસ, નાણાસંસ્થાઓ - ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુટ્સ હવે ધારણા મૂકવા લાગ્યાં છે. મોટા બ્રોકરો હોય કે અગ્રણી ઍનલિસ્ટ હોય, દરેકને શૅરબજારની દિવાળી ઝમકવાળી દેખાવા લાગી છે. ત્રણથી લઈ તેર મહિનામાં ઇન્ડેક્સના ૨૦ હજારથી ૨૩ હજારના અંદાજ મુકાવા લાગ્યા છે. સરકારે છેલ્લા એકાદ સપ્તાહમાં આર્થિક સુધારાનાં જે પગલાં લીધાં છે અને હવે પછી વધુ મક્કમ પગલાં લેવાની વાત કરી છે એના આધારે બજારમાં સેન્સેક્સની નવી ટૉપ માટે નવી હૉપ ફરતી થઈ છે. શુક્રવારના ૪૦૦ પૉઇન્ટથી વધુના ઉછાળા પછી તેજી માટેનું માનસ વધુ મજબૂત બન્યું હોવાની વાતો પણ જોરમાં થવા લાગી છે. આ આશાવાદના પ્લસ-માઇનસ સમજી લઈએ, કારણ કે આપણને ૨૦-૨૧ હજારની સપાટીથી ૧૨ હજાર અને ૮૦૦૦ સુધી તૂટતા સેન્સેક્સની દાસ્તાન અને તેનું દર્દ પણ ખબર છે.

તદ્દન નિરાશામાંથી નવી આશા

અત્યાર સુધી સતત ભારતીય માર્કેટ માટે નબળી ધારણા મુકાવા સાથે ચેતવણી અપાતી રહેલી કે સરકાર હવે જો સુધારા હાથ નહીં ધરે તો વિકાસ વધુ મંદ પડશે અને ભારતનું રેટિંગ વધુ ડાઉનગ્રેડ થવાની સંભાવના પણ વ્યક્ત થતી હતી, કારણ કે સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવાતા નહોતા. સતત અધ્ધરતાલ અને નિરાશાજનક સ્થિતિ રહેતી હતી, એ સંજોગોમાં સરકારે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં સીધા વિદેશી રોકાણની છૂટ, ડિસઇન્વેસ્ટમેન્ટ, ડીઝલના ભાવમાં વધારો, વગેરે જેવાં બોલ્ડ રિફૉર્મ્સનાં પગલાં જાહેર કરતાં વિદેશી રોકાણકારોમાં નવી આશા જાગી છે. એટલું જ નહીં, મોટા ભાગની ઇન્ટરનૅશનલ એજન્સી -ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર, બ્રોકરેજ હાઉસિસ વગેરે તરફથી માર્કેટ માટે નવી ધારણા મુકાવી શરૂ થઈ છે, જે અનુસાર મૉર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ, ડોઇશ બૅન્ક, નોમુરા સિક્યૉરિટીઝ વગેરે જેવી સંસ્થાઓએ સેન્સેક્સ માટે એકાદ વરસમાં ૨૦થી ૨૩ હજારની રેન્જ મૂકી છે. અલબત્ત, આ તમામની ધારણાનો આધાર આર્થિક સુધારા છે, પણ જો આમાં કોઈ પણ પ્રકારની પીછેહઠ થઈ તો ધારણા પણ બદલાઈ શકે છે. વાસ્તે, રોકાણકારોએ સુધારાના અમલ પર વિશેષ ધ્યાન આપવું જોઈશે. અત્યારે તો સરકાર આ મામલે મક્કમ હોવાનું જણાય છે.

શંકા અને સવાલો પણ

જેમ વૈશ્વિક બ્રોકરેજ હાઉસિસ તરફથી ઊંચા સેન્સેક્સની આગાહી કરાઈ છે એમ સ્ટૅન્ડર્ડ ઍન્ડ પુઅર્સ, ફિચ જેવી વૈશ્વિક રેટિંગ એજન્સીઓ તરફથી ભારતના સુધારા સામે સવાલો અને શંકા પણ વ્યક્ત થયાં છે. આ એજન્સીઓએ સરકાર રાજકીય વિવાદો વચ્ચે આ સુધારાનો અમલ કરી શકશે કે કેમ એ સવાલ ઉઠાવ્યા છે અને આ અમલ કેટલી હદ સુધી તેમ જ કયા સ્વરૂપે થાય છે એ જોવું પણ મહkવનું રહેશે. આ ઉપરાંત પણ સરકાર તરફથી ઘણા મુદ્દાઓ અધ્ધર સ્થિતિમાં છે. વિદેશી એજન્સીઓની જેમ સ્થાનિક સ્તરે ભારતમાં વધી રહેલી મોંઘવારી, તેમાં વળી ડીઝલનો, એલપીજીનો ભાવવધારો જેવાં પગલાંને લીધે મોંઘવારી ઑર વધવાની દહેશતને ધ્યાનમાં રાખી પ્રશ્નો થઈ રહ્યા છે. ઊંચા ફુગાવાના વાતાવરણમાં વિકાસ કઈ રીતે સંભવ બનશે?, સરકારે એક યા બીજાં સમાધાન કરવાં પડશે એવી વાતો સંદેહ ફેલાવી રહી છે. આ તેજી વેગ પકડે એ પહેલાં શંકા, ભય અને વિપરીત ધારણા પણ પોતાનું કામ કરી રહી છે. આ સંજોગો વચ્ચે રોકાણકારો માટે નિર્ણય લેવાનું વધુ કઠિન બની શકે છે, જે એક રીતે સારું છે, કેમ કે રોકાણકારો સાવચેતીપૂર્વક આગળ વધવાનો અભિગમ રાખે એ જરૂરી પણ છે. તેજીની ધારણાને જ તેજી ન સમજી બેસે એ પણ આવશ્યક છે.

રિઝર્વ બૅન્કના સંકેત સમજવા જરૂરી

અહીં એ નોંધવું પણ જરૂરી છે કે હજી સંજોગો બધા સારા કે અનુકૂળ બની ગયા નથી. બલ્કે, એને સુધરતાં સમય લાગવાનો છે. રિઝર્વ બૅન્કનાં પગલાં આ સાવચેતીના સંકેત આપતાં રહે છે. રિઝર્વ બૅન્કે તેની તાજેતરની નાણાનીતિની જાહેરાતમાં માત્ર સીઆરઆર (કૅશ રિઝર્વ રેશિયો) જ પા ટકા ઘટાડ્યો છે, જેને લીધે રૂ. ૧૭ હજાર કરોડની પ્રવાહિતા વધી છે. જોકે રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કોઈ જ કાપ મૂક્યો નથી, જે ધિરાણને મામલે હજી કડક વલણનો નિર્દેશ કરે છે. રિઝર્વ બૅન્ક માટે ઊંચો ફુગાવો બહુ જ મોટો પડકાર છે. વાસ્તે, જ્યાં સુધી રિઝર્વ બૅન્ક ઉદાર બની શકતી નથી ત્યાં સુધીનો અર્થ એ રહે છે કે સંજોગો સામે સાવચેતી જરૂરી છે. અલબત્ત, રિઝર્વ બૅન્ક ઑક્ટોબરના અંતે આ વ્યાજદરમાં કાપને મામલે કંઈક રાહતદાયી કરે એવી આશા છે. જો આમ થયું તો બજારને દોડાવા માટે ઢાળ મળશે.

નાણાપ્રધાનના નિર્દેશ

નાણાપ્રધાને આર્થિક સુધારાનાં પગલાં હવે રોલ-બૅક નહીં થાય એવી ખાતરી આપી છે અને હજી વધુ સુધારા આવી રહ્યાનો નિર્દેશ આપ્યો છે ત્યારે તેઓ જાણે કહેવા માગે છે કે, પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્ત... કારણ કે આગામી દિવસોમાં સરકાર વીમા, પેન્શન, બૅન્કિંગ, કૅપિટલ માર્કેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ક્ષેત્રે સુધારા લાવવા માગે છે. આ સૂચિત સુધારા ઉદારીકરણને, ઇન્વેસ્ટમેન્ટ વાતાવરણને, સ્પર્ધાને વધુ ઉત્તેજન આપશે. રોકાણપ્રવાહને વધારશે. હાલ સેન્ટિમેન્ટ સુધર્યું છે, તેઓ હવે પછી લિક્વિડિટી (પ્રવાહિતા) સુધારવા પર ધ્યાન આપશે. અલબત્ત, આ સાથે ઇકૉનૉમીના ફન્ડામેન્ટલ્સ સુધારવા પણ જરૂરી રહેશે અને આ બધું થશે તો રોકાણકારોનો વિશ્વાસ પુન: સ્થપાશે. આમ નાણાપ્રધાનનું પિક્ચર હજી બાકી છે એનો બીજો અર્થ એ પણ થાય કે રોકાણકારો સમજી-વિચારીને આગળ વધે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK