લથડવાની હૅટ-ટ્રિકમાં બજાર ૨૮ મહિનાના તળિયે

Published: 21st December, 2011 10:21 IST

બેતરફી કે ગણતરીની મિનિટોમાં ધમાલ સાથે લથડવાનું અને નવી નીચી બૉટમ બનાવવાનું ચાલુ રાખતાં શૅરબજાર ૨૮ મહિનાના તળિયે પહોંચ્યું છે. ગઈ કાલે સેન્સેક્સ ૨૦૪ પૉઇન્ટ ઘટીને ૧૫,૧૭૫ તથા નિફ્ટી ૬૯ પૉઇન્ટની ખરાબીમાં ૪૫૪૪ બંધ આવ્યા હતા, જે ૨૧ ઑગસ્ટ ૨૦૦૯ પછીની સૌથી નીચી સપાટી છે.(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ નીચામાં ૧૫,૧૩૫ તથા નિફ્ટી ૪૫૩૧ થયો હતો. બજારનું માર્કેટ કૅપ ૮૮,૦૦૦ કરોડ રૂપિયાના ધોવાણમાં હવે ૫૨.૬૦ લાખ કરોડ રૂપિયાનું થઈ ગયું છે. સેન્સેક્સમાં ૧૫,૦૦૦ની તથા નિફ્ટીમાં ૪૫૦૦ની બૉટમ એક વખત અવશ્ય તૂટશે અને આ માટે વધુ રાહ જોવી નહીં પડે. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ શૅર તથા એફએમસીજીને બાદ કરતાં માર્કેટના ૨૧માંથી ૨૦ બેન્ચમાર્ક ગઈ કાલે ખરડાયા હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૮૬૩ જાતો વધીને બંધ હતી, સામે ૧૮૭૭ શૅર ડાઉન હતા. એ ગ્રુપના માત્ર ૧૭ ટકા શૅર પ્લસ હતા. રોકડામાં આ રેશિયો ૩૦ ટકા જેવો હતો. ૧૨૦ શૅર તેજીની સર્કિટે બંધ હતા, સામે ૩૦૦ જાતો મંદીની સર્કિટે બંધ હતી.

મેટલ, બૅન્ક ને રિયલ્ટી નોંધારા

સેન્સેક્સના ૧.૩ ટકાના ઘટાડા સામે કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ વ્યાપક વેચવાલીનું પ્રેશર તથા તદ્દન નબળા માનસમાં સાડાત્રણ ટકા તૂટuો હતો. મેટલ ઇન્ડેક્સ પણ આટલો જ ખરડાયો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પોણાત્રણ ટકા નરમ હતો. પાવર ઇન્ડેક્સ ૨.૬ ટકા, ઑટો ઇન્ડેક્સ અઢી ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક ૨.૪ ટકા, પીએસયુ તથા બૅન્કેક્સ ૧.૭ ટકા, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ દોઢ ટકો અને ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧.૪ ટકા પીછેહઠમાં હતા. એ ગ્રુપમાં જૈન ઇરિગેશન અને યુકો બૅન્ક ૧૧ ટકા, વૉખાર્ટ ૧૦ ટકા, સિન્ડિકેટ બૅન્ક ૭.૭ ટકા તથા જેટ ઍરવેઝ ૭.૪ ટકાની ખરાબી સાથે ટૉપ લૂઝર્સ હતા, જ્યારે બાટા ઇન્ડિયા ૫.૬ ટકા, બાયોકોન ૫.૧ ટકો, રૅનબૅક્સી ૩.૧ ટકા તથા ઓએનજીસી ૨.૪ ટકાના વધારા સાથે ટૉપ ગેઇનર્સમાં મોખરે હતા.

૧૭૭ શૅર ઑલટાઇમ લો

સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા ધોવાણની હૅટ-ટ્રિક સાથે ઑલટાઇમ તળિયે જનારા શૅરની સંખ્યા પણ ખાસ્સી મોટી થતી જાય છે. સોમવારે ૧૮૩ શૅરની સામે ગઈ કાલે ૧૭૭ શૅર બીએસઈ ખાતે ભાવની રીતે પાતાળમાં પહોંચ્યા હતા. આ યાદીમાંનાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : આર. કૉમ, પુંજ લૉઇડ, સુઝલોન એનર્જી, પિલાની ઇન્વેસ્ટમેન્ટ્સ, ઍલેમ્બિક ફાર્મા, એમબી સ્વિચ, સુડાર ગાર્મેન્ટ્સ, જિન્દાલ કોટેક્સ, ટીસીઆઇ ડેવલપર્સ, ફિનોટેક્સ કેમિકલ્સ, રેલિગેર ટેક્નો, ડીબી કૉર્પ, આરડીબી રિયલ્ટી, એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ, પંજાબ-સિંધ બૅન્ક, અગ્ર ડેવલપર્સ, કરીઅર પૉઇન્ટ્સ, વા ટેક વા બૅગ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, ટેક્નો ઇલેક્ટ્રિકલ્સ, તલવલકર બેટર વૅલ્યુ, સતલજ જલવિદ્યુત નિગમ, ગુજરાત પીપાવાવ, જેપી ઇન્ફ્રાટેક, ઇન્ફિનિટ કમ્પ્યુટર્સ, યુનાઇટેડ બૅન્ક, શ્રીગણેશ જ્વેલર્સ, માન ઇન્ફ્રા, એઆરએસએસ ઇન્ફ્રા, એમટીએનએલ, મહિન્દ્ર હૉલિડેઝ, રાજ ઑઇલ્સ, અદાણી પાવર, ડી-લિન્ક ઇન્ડિયા, જેએસડબ્લ્યુ એનર્જી, એનએચપીસી, કેએસકે એનર્જી, આલ્કલી મેટલ્સ, જીએસએસ ઇન્ફોટેક, કિરી ઇન્ડસ્ટ્રીઝ, સેજલ ગ્લાસ, રિલાયન્સ પાવર, બંગ ઓવરસીઝ, રોમન ટારમેટ, અલાઇડ ડિજિટલ, વિશાલ રીટેલ, કુટોન્સ રીટેલ, મુક્તા આર્ટ્સ, વાયર ઍન્ડ વાયરલેસ, એનડીટીવી, થ્રી-આઇ ઇન્ફોટેક, જીટીએલ વગેરે. સામે તિલક ફાઇનૅન્સ, ક્રિષ્ના વેન્ચર્સ, નિમ્બસ ઇન્ડસ્ટ્રીઝ, મક્યુર્રી મેટલ્સ, ગ્લોબલ લૅન્ડ માસ્ટર્સ, આર. બી. ગુપ્તા ફાઇનૅન્શિયલ, જીવીટી ઇન્ફ્રા અને આશિકા ક્રેડિટ કૅપિટલ જેવી આઠ જાતો ઑલટાઇમ હાઈ થઈ હતી.

રિલાયન્સનો ફાળો ૫૦ પૉઇન્ટનો

સેન્સેક્સના ૨૦૪ પૉઇન્ટના ઘસારામાં ૫૦ પૉઇન્ટનો ફાળો એકલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હતો. આ શૅર ત્રણ ટકા ગગડી ૭૧૩ રૂપિયા બંધ રહ્યો હતો. એટલું જ નહીં, ઇન્ટ્રા-ડેમાં ૭૦૯ રૂપિયાની બૉટમ બની હતી, જે લગભગ અઢી વર્ષનો નીચો ભાવ મનાય છે. ખરાબી જારી રાખતાં લાર્સન ૫.૧ ટકા તૂટી ફોર ફિગરની અંદર ૯૭૯ રૂપિયા બંધ હતો. આ ભાવ પણ બે વર્ષથી વધુનું તળિયું છે. એના કારણે બજારને ૩૬ પૉઇન્ટની હાનિ થઈ હતી તો ભારતી ઍરટેલે ચાર ટકાથી વધુના ઘટાડામાં ૩૨૩ રૂપિયાની નીચે બંધ આપી માર્કેટને બાવીસ પૉઇન્ટનો ફટકો માર્યો હતો. તાતા સ્ટીલ ૫.૨ ટકા ગગડી ૩૪૪ રૂપિયાના વર્ષના એક વધુ તળિયે બંધ હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણા ટકાની નબળાઈમાં ૬૫૨ રૂપિયા બંધ હતો. એબીબી, ભેલ, સિયેટ, હોટેલ લીલા, ઇકરા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, જય કૉર્પ, આઇઓબી, જેટ ઍરવેઝ, જિન્દાલ સ્ટીલ, મોન્સાન્ટો, એમઆરપીએલ, નૅશનલ ફર્ટિલાઇઝર્સ, એનએમડીસી, પીએનબી, રિલાયન્સ કૅપિટલ, રોલ્ટા, એસબીઆઇ, સેસાગોવા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, તાતા પાવર, તાતા ટેલિસર્વિસિસ, થર્મેક્સ, ટેક્સમાકો, ટેક્સમાકો રેઇલ, ટૉરન્ટ કૅબલ, યુનિફ્લેક્સ, વૉલ્ટાસ જેવી બ્લુચિપ સંખ્યાબંધ જાતોમાં વર્ષ કે એથી વધુ સમયગાળાનાં તળિયા દેખાયાં છે.

વિશ્વ્બજારો મિશ્ર માહોલમાં

વિશ્વ્નાં શૅરબજારો મંગળવારે એકંદર મિશ્ર માહોલમાં હતાં. એશિયા ખાતે ઇન્ડોનેશિયન માર્કેટ અડધો ટકો ડાઉન હતું, જ્યારે ચાઇના, થાઇલૅન્ડ અને સિંગાપોર નામ કે વાસ્તે ઘટીને બંધ હતાં. સામે સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ એકાદ ટકો જેવો વધેલો હતો. જૅપનીઝ નિક્કી તેમ જ તાઇવાનીઝ ત્વેસી ઇન્ડેક્સ અડધા ટકાની આજુબાજુ અપ હતા તો હૉન્ગકૉન્ગ માર્કેટ નહીંવત્ વધ્યું હતું. યુરોપ ખાતે લંડન શૅરબજારનો ફુત્સી ઇન્ડેક્સ સહેજ નીચે ચાલતો હતો. બાકીનાં યુરોપિયન શૅરબજારો અડધાથી એક ટકાની નજીક ઉપર મુકાતાં હતાં. ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ ૦.૯ ટકા જેવાં ઉપર બોલાતાં હતાં. ભારતીય બજારની ચાલ વૈશ્વિક બજારોથી વિપરીત રહી છે.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇસ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૯૭૬.૧૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૫૦૨.૪૦ કરોડ રૂપિયા  અને ચોખ્ખી વેચવાલી ૫૨૬.૨૬ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૫૩.૮૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૮૬૭.૧૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૧૮૬.૭૨ કરોડ રૂપિયા જોવા મળી હતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK