દલાલ સ્ટ્રીટમાં મંદીના રાસડા

Published: 5th October, 2011 18:37 IST

બજારમાં મંદીનો રાસ દિવસે-દિવસે જોર પકડી રહ્યો છે. સેન્સેક્સ ગઈ કાલે વધુ ૧.૮ ટકા કે ૨૮૬ પૉઇન્ટ ડૂબી ૧૫,૮૬૫ તથા નિફ્ટી ૭૭ પૉઇન્ટના ઘટાડે ૪૭૭૨ બંધ આવ્યા છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ૪૦૬ પૉઇન્ટના કડાકામાં ૧૫,૭૪૫ના વર્ષના નવા તળિયે ગયો હતો.

(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

સવા મહિનામાં સેન્સેક્સે ફરી વાર વર્ષનું નવું તળિયું બનાવ્યું: માર્કેટકૅપ પણ ૫૭.૮૩ લાખ રૂપિયાની બૉટમે પહોંચી ગયું

બપોરના ૧૨.૫૦થી ૧.૩૦ સુધીની ૪૦ મિનિટમાં જ ૪૦૦ પૉઇન્ટનું ગાબડું પડ્યું હતું, જે મુખ્યત્વે યુરોપની તગડી નરમાઈ વચ્ચે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના રેટિંગના ડાઉનગ્રેડને આભારી હતું. બજારનું માર્કેટ કૅપ ૮૪,૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડે હવે ૫૭.૮૩ લાખ કરોડ રૂપિયાના તળિયે પહોંચી ગયું છે. ૨૬ ઑગસ્ટ ૨૦૧૧ના રોજ શૅરઆંકે ૧૫,૭૬૫ની બૉટમ બતાવી એ દિવસે માર્કેટ કૅપ ૫૮.૧૭ લાખ કરોડ રૂપિયાના તળિયે હતું. યુરોપ તથા એશિયા ખાતે સતત ત્રીજા દિવસની ખરાબીમાં લગભગ તમામ શૅરબજારોમાં મંદીનો માર ચાલુ હતો. ક્રૂડ પણ ઘટાડાની હૅટ-ટ્રિકમાં બૅરલદીઠ ૭૬ ડૉલરની નીચે ચાલી ગયું હતું.

૨૧માંથી ૧૧ ઇન્ડેક્સ તળિયે

ગઈ કાલે સેન્સેક્સની સાથે બીએસઈ-૧૦૦, બીએસઈ-૨૦૦, બીએસઈ-૫૦૦, મિડ કૅપ, સ્મૉલ કૅપ, બૅન્કેક્સ, પાવર, મેટલ, આઇપીઓ, પીએસયુ જેવા ૧૧ બેન્ચમાર્ક વર્ષની નીચી સપાટીએ ગયા હતા. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ આગલા દિવસે વર્ષના તળિયે ગયા બાદ ગઈ કાલે ૦.૬ ટકા પ્લસમાં હતો. આ સિવાય બાકીના ૨૦ બેન્ચમાર્ક માઇનસમાં હતા. સેન્સેક્સના ૩૦માંથી ૨૩ શૅર ઘટેલા હતા. ખરાબી છતાં રાલીઝ ઇન્ડિયા, તિલક ફાઇનૅન્સ, અગરવાલ હોલ્ડિંગ્સ, જેએસએલ ઇન્ડસ્ટ્રીઝ, રવિનય ટ્રેડિંગ, ક્રિષ્ના વેન્ચર્સ, આઇશર મોટર્સ, હિન્દુસ્તાન મિલ્સ, ન્યુ માર્કેટ્સ ઍડ્વાઇઝરી, બનાસ ફાઇનૅન્સ, જેરી ગોલ્ડ ટેક્સટાઇલ્સ, શાર્પ ટ્રેડિંગ, ડીએફએમ ફૂડ્ઝ, બ્રૅન્ડ રિયલ્ટી, શુભમ્ ગ્રેનાઇટ, ગેલન્ટ ઇસ્પાત, એરોમ એન્ટરપ્રાઇઝિસ, પીએફએલ ઇન્ફોટેક જેવા દોઢ ડઝન શૅર ભાવની રીતે બીએસઈ ખાતે ઑલટાઇમ હાઈ થયા હતા.

સારા શૅરો ખાડામાં

માનસ ખરાબ હોય ત્યારે બજાર સારા-ખોટાનો ભેદભાવ રાખ્યા વિના સમાજવાદી અભિગમમાં કોઈની શરમ ભરતું નથી. સંખ્યાબંધ શૅરો રોજેરોજ વર્ષની નવી બૉટમ બનાવતા જાય છે. ગઈ કાલે કેટલાંક આવાં જાણીતાં નામોમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, તાતા સ્ટીલ, તાતા કેમિકલ્સ, તાતા કમ્યુનિકેશન્સ, તાતા ગ્લોબલ બિવરેજીસ, ભારત ફૉર્જ, અરબિંદો ફાર્મા, ઝાયડસ વેલનેસ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, ગોદાવરી પાવર, વૉલ્ટાસ, ફૉર્ટિસ હેલ્થકૅર, ફૉર્સ મોટર્સ, ઍડ્સર્વ, ભારત બિજલી, એસડી ઍલ્યુમિનિયમ, જે. બી. કેમિકલ્સ, ગ્રેટ ઑફશૉર, ઇપ્કા લૅબ, જયશ્રી ટી, જ્યોતિ લૅબ, ઇન્ડિયન મેટલ્સ, એસ્સાર ઑઇલ્સ, ક્યુમિન્સ, કેએસબી પમ્પ્સ, સન ટીવી, જેએસડબ્લ્યુ સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, પેન્ટાલૂન રીટેલ, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, યુનિટેક, જેએમસી પ્રોજેક્ટ્સ, શિપિંગ કૉર્પોરેશન, સેઇલ, ઉષા માર્ટિન, એમએમટીસી, એમઓઆઇએલ તેમ જ ડઝનેક બૅન્ક-શૅરો વર્ષના તળિયે જવાની યાદીમાં સામેલ હતા.

એશિયા-યુરોપમાં હૉરર શો

વર્ષની ટોચથી ૨૪ ટકા જેવા તગડા ધોવાણથી મંદીના તબક્કામાં પ્રવેશી ચૂકેલાં એશિયન તથા યુરોપિયન શૅરબજારોમાં કડાકા ચાલુ છે. ગઈ કાલે એશિયા ખાતે જૅપનીઝ નિક્કી એક ટકો ડાઉન હતો. એ સિવાયનાં તમામ અગ્રણી બજારો ૧.૯ ટકાથી લઈ પોણાચાર ટકા સુધી લથડ્યા હતાં. લંડન શૅરબજારનો ફુત્સી ઇન્ડેક્સ સતત પાંચમા દિવસની ખરાબીમાં પોણાત્રણ ટકા નીચે બોલાતો હતો. ગોલ્ડમાન સાશે ગ્રોથ રેટ ધારણા કરતાં નબળો રહેવાની આગાહી કરતાં જર્મની અને ફ્રાન્સનાં સ્ટૉક માર્કેટ્સ ત્રણથી સાડાત્રણ ટકા તૂટેલાં હતાં. અન્યત્ર પણ પોણાબેથી અઢી ટકાની નબળાઈ દેખાતી હતી. ઘરઆંગણે નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૯૮૫ શૅર વધેલા હતા. ૧૭૬૨ જાતો નરમ હતી. ૧૨૫ ãસ્ક્રપ્સ તેજીની સર્કિટે તો ૨૧૪ શૅર મંદીની સર્કિટે બંધ હતા. બૅન્કેક્સના ૩.૧ ટકાના ગાબડા પછી ઘટાડામાં ઑટો ઇન્ડેક્સ ૧.૯ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૧.૮ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણાબે ટકા, મેટલ ઇન્ડેક્સ દોઢ ટકો તથા આઇપીઓ ઇન્ડેક્સ ત્રણ ટકાની ખરાબી સાથે અગ્રક્રમે હતા.

બૅન્ક-શૅરો લથડ્યા

મૂડીઝ દ્વારા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના રેટિંગને ડાઉનગ્રેડ કરીને ડી-પ્લસ કરવામાં આવ્યું છે. અગાઉ એ સી-માઇનસ હતું. રેટિંગમાં ઘટાડા માટેનું મુખ્ય કારણ બૅન્કનો ટીઅર-૧ હેઠળનો કૅપિટલ ઍડિક્વસી રેશિયો નિયત આઠ ટકાના ધોરણ કરતાં ઘટીને ૭.૬ ટકા થવાની સ્થિતિના પગલે બૅન્કની નાણાકીય સધ્ધરતા સામેનું સંભવિત જોખમ ગણાવાય છે. રેટિંગના ડાઉનગ્રેડિંગની અસરમાં શૅર ૧૮૬૩ રૂપિયાના આગલા બંધથી ૧૧૨ રૂપિયા કે પાંચ ટકાથી વધુના કડાકામાં ૧૭૫૧ રૂપિયાની વર્ષની નવી નીચી સપાટીએ ગયો હતો. આ ઉપરાંત બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, દેના બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, પીએનબી, આઇડીબીઆઇ બૅન્ક, આઇઓબી, વિજયા બૅન્ક, ઍક્સિસ બૅન્ક ઇત્યાદિ જેવા બૅન્ક-શૅરોય બાવન સપ્તાહના તળિયે ગયા હતા. બૅન્કેક્સના તમામ ૧૪ શૅર માઇનસમાં હતા. ઇન્ટ્રા-ડેમાં બૅન્કેક્સે ૪૧૭ પૉઇન્ટ કે સાડાચાર ટકાના કડાકામાં ૧૦,૧૨૭ની વર્ષની બૉટમ બતાવી હતી. માર્કેટ કૅપમાં બૅન્કેક્સનો હિસ્સો સવાનવ ટકા જેવો છે. પીએસયુ ક્ષેત્રની ૨૪માંથી ૨૩ તથા ખાનગી ક્ષેત્રની ૧૭માંથી ૧૬ બૅન્કોના શૅર ગઈ કાલે ગગડ્યા હતા.

પ્રકાશથી અંજાશો નહીં

શૅરદીઠ ૧૩૮ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા પ્રકાશ કન્સ્ટ્રોવેલનું લિસ્ટિંગ તોફાની રહ્યું છે. શૅર ૧૪૫ રૂપિયા ખૂલી નીચામાં ૧૧૨ રૂપિયા થઈ ખરાબ બજારે પણ સડસડાટ વધતો રહી ઉપરમાં ૨૪૫ રૂપિયા બતાવી છેલ્લે ૨૩૫ રૂપિયા આસપાસ બંધ હતો. બીએસઈ ખાતે આશરે ૨૪૪ લાખ શૅરનાં વૉલ્યુમ હતાં. ઇશ્યુ માંડ સવાબે ગણો ભરાયો હતો. રીટેલ પૉર્શન ૪.૭ ગણું, હાઈ નેટ વર્થ પૉર્શન પોણાત્રણ ગણું અને ક્વિબ પૉર્શન ફક્ત ૦.૩ ગણું ભરાયું હતું. ઑપરેટરની પકડ છે. પીજી ઇલેક્ટ્રૉપ્લાસ્ટ યાદ છેને? ઑક્શનમાં ૫૪૮ રૂપિયાનો ભાવ ફરી શૉર્ટ સેલર્સનાં કપડાં ઉતારી લેવાયાં ને પછી ભાવ તરત ગગડી ૨૨૫ રૂપિયા થઈ ગયો છે. અહીં પણ આવી રમતની આશંકા જાગે છે. જોઈએ કે કોનાં કેટલાં લૂગડાં કેવી રીતે ઊતરે છે.

ICICI-રિલાયન્સની જુગલબંદી

સોમવારની જેમ ગઈ કાલે પણ સેન્સેક્સને આઇસીઆઇસીઆઇ બૅન્ક તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમજોરી વિશેષ ભારે પડી હતી. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૪.૬ ટકાના ઘટાડે ૮૦૦ રૂપિયાના તળિયે બંધ આવતાં બજારને ૫૪ પૉઇન્ટનો તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બે ટકાની કમજોરીમાં ૭૭૨ રૂપિયા રહેતાં સેન્સેક્સને ૩૫ પૉઇન્ટની હાનિ થઈ હતી. વૉરન બફેટને રિલાયન્સ રીટેલ સાથે હથેવાળો કરવામાં રસ હોવાના અહેવાલ છતાં રિલાયન્સમાં ઘસારો ચાલુ છે એ ચિંતાનો વિષય કહી શકાય. જાણકારો આ શૅર ૭૧૮ રૂપિયાની તાજેતરની બૉટમની વધુ નીચે જવાની શક્યતા જુએ છે. ભેલ, તાતા સ્ટીલ અને હિન્દાલ્કો વર્ષના તળિયે ગયા પછી છેવટે પોણા ટકાથી લઈ બે ટકાની રેન્જમાં વધીને બંધ આવ્યા હતા. અમારાં સૂત્રો નરમાઈની હૅટ-ટ્રિક બાદ આજે ઘટાડો અટકવાની, સંભવત: બજાર દોઢસો-બસો પૉઇન્ટ વધવાની ગણતરી રાખી રહ્યાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK