મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો, તાતા મોટર્સ ૧૭ ટકા વધ્યો

Published: Oct 28, 2019, 08:40 IST | મુંબઈ

તાતા મોટર્સનાં ધારણા કરતાં સારાં પરિણામને કારણે શૅરના ભાવમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. તાતા મોટર્સની જેગ્વારમાં નફાનાં માર્જિન વધ્યાં હતાં અને નફો પણ વધ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સંવત ૨૦૭૫માં સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧૨ ટકા જેટલી વૃદ્ધિ પછી દિવાળીએ મુહૂર્ત ટ્રેડિંગમાં પણ બજારનો તેજીમય પ્રારંભ થયો હતો. સેન્સેક્સ ૧૯૨ પૉઇન્ટ વધી ૩૯૨૫૦.૨૦ અને નિફ્ટી ૪૪ પૉઇન્ટ વધી ૧૧૬૨૮ની સપાટીએ બંધ આવ્યા હતા. એનએસઈ ઉપર બધાં જ ક્ષેત્રના ઇન્ડેક્સ વધીને બંધ આવ્યા હતા. તાતા મોટર્સની આગેવાની હેઠળ ઑટો ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
માત્ર સેન્સેક્સ જ નહીં મિડ કૅપ અને સ્મૉલ કૅપ કંપનીઓના શૅરમાં પણ ખરીદી જોવા મળી હતી. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર એક કલાકમાં ૫૭૯૭ કરોડ રૂપિયાનાં વૉલ્યુમ જોવા મળ્યાં હતાં, જ્યારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર ૪૫૧ કરોડ રૂપિયાનું વૉલ્યુમ હતું. બજારમાં ૧૬૫૧ કંપનીના શૅર વધ્યા હતા અને ૫૧૫માં ઘટાડો જોવા મળ્યો હતો.
મુહૂર્ત ટ્રેડિંગમાં જોવા મળેલી તેજી વર્તમાન આર્થિક પડકારો અને વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે ત્યારે કેટલી ટકી રહે છે એ જોવાનું રહ્યું. એનબીએફસીની કટોકટી અને એને કારણે મ્યુચ્યુઅલ ફન્ડ અને બૅન્કિંગ સામેના પડકારો પણ બજાર માટે નવી અડચણ ઊભી કરી શકે છે.
તાતા મોટર્સનાં ધારણા કરતાં સારાં પરિણામને કારણે શૅરના ભાવમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. તાતા મોટર્સની જેગ્વારમાં નફાનાં માર્જિન વધ્યાં હતાં અને નફો પણ વધ્યો હતો. કંપનીની ખોટ પણ ઘટી હતી. બીજી તરફ તાતા સન્સ દ્વારા ૬૫૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની જાહેરાત થતાં રોકાણકારોમાં કંપની પર વિશ્વાસ વધ્યો હતો અને શૅરના ભાવમાં અપેક્ષા અનુસાર વધારો જોવા મળ્યો હતો. આજે શૅર ૧૭.૮૦ ટકા વધીને ૧૪૯.૫૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅર આજે વધ્યા હતા. શુક્રવારે કંપનીએ પોતાના ટેલિકૉમ બિઝનેસ અને ટેલિકૉમના કન્ટેન્ટ બિઝનેસ માટે સબસિડિયરી કંપનીની જાહેરાત કરી હતી. આ જાહેરાત થકી ટેલિકૉમ કંપનીમાં પ્રમોટર સિવાય રોકાણકાર લાવવાનું સરળ બનશે અને રિલાયન્સ પર દેવું ઘટશે એવી શક્યતા હોવાથી શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. રિલાયન્સના શૅર ૦.૩૦ ટકા વધી ર૧૪૩૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

આ પણ વાંચોઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું

અન્ય કંપનીઓમાં યસ બૅન્ક ૫.૨૭ ટકા વધી રૂ. ૫૪.૯૦, વેદાન્તા ૨.૧૮ ટકા વધી રૂ. ૧૪૫.૧૫, ઇન્ફોસિસ ૧.૯૮ ટકા વધી રૂ. ૬૫૦.૨૦ બંધ આવ્યા હતા. ઘટેલા શૅરમાં સ્ટેટ બૅન્ક ૦.૦૭ ટકા ઘટી રૂ. ૨૮૧.૪૦, બજાજ ફાઈનાન્સ ૦.૨૨ ટકા ઘટી

રૂ. ૩૯૭૭, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૨૩ ટકા ઘટી રૂ. ૪૬૮, ભારતી એરટેલ ૦.૬૪ ટકા ઘટી રૂ. ૩૭૩.૪૦ અને મારુતિ ૦.૭૮ તક ઘટી રૂ. ૭૪૧૧.૦૫ની સપાટીએ બંધ આવ્યા હતા. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK