રેલો આવ્યો રાજ, બજાર ફરી ૧૭,૦૦૦ની નીચે

Published: 16th November, 2011 09:17 IST

અમે સોમવારે ‘મિડ-ડે’ના ચલકચલાણામાં લખ્યું હતું કે બજાર ફરીથી ૧૭,૦૦૦ની નીચે જશે. ગઈ કાલે ઑલરાઉન્ડ ખરાબીમાં સેન્સેક્સ ૨૩૬ પૉઇન્ટના વધુ ઘટાડામાં ૧૬,૮૮૨ તથા નિફ્ટી ૮૦ પૉઇન્ટ જેવા ધબડકા સાથે ૫૦૬૮ બંધ રહ્યા હતા.(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ઉપરમાં ૧૭,૧૭૨ તથા નીચામાં ૧૬,૮૩૭ થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શૅર તેમ જ બજારના તમામ ૨૧ બેન્ચમાર્ક ગઈ કાલે માઇનસ ઝોનમાં બંધ આવ્યા હતા. માર્કેટ કૅપ ખાસ્સું ૧.૧૩ લાખ કરોડ રૂપિયા ધોવાઈને ૫૯.૪૦ લાખ કરોડ રૂપિયાએ આવી ગયું હતું. અતિ નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૬૨૯ શૅર વધેલા હતા. સામે એનાથી ત્રણ ગણા કરતાંય વધુ એટલે કે ૨૨૩૦ જાતો ડાઉન હતી. નકારાત્મક સર્કિટ ફિલ્ટરમાં ૧૩૧ શૅર ઊંચકાયા હતા તો ૨૬૯ સ્ક્રિપ્સ નરમ હતી. બજારમાં બે વાગ્યા સુધી એકંદર સમુંસૂથરું હતું. ત્યાર પછીનો દોઢેક કલાક વેચવાલીના મારાનો હતો. વિશ્વબજારો એક દિવસ ઉપર ને બે દિવસ નીચેના ટ્રેન્ડમાં હાલકદોલક થાય છે. આ વલણ અટકે એમ લાગતું નથી. ઘરઆંગણે સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં નબળાં પરિણામો પછી હવે ડિસેમ્બર ક્વૉર્ટર વધુ ખરાબ હોવાની ભીતિ વ્યાપક બની રહી છે. આ સંજોગોમાં ૧૭,૦૦૦ની અંદર ગયેલું બજાર વધ-ઘટે મહિનો-દોઢ મહિનામાં ૧૬,૦૦૦ની અંદર પણ જઈ શકે છે.

રિયલ્ટી અને રોકડું ગબડ્યું

સેન્સેક્સના ૧૦૪ ટકા જેવા ઘટાડા સામે ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ સવાપાંચ ટકા તૂટ્યો હતો. આ બેન્ચમાર્ક સપ્તાહમાં બાર ટકા ગગડ્યો છે. હેવીવેઇટ ડીએલએફ ૬.૭ ટકાના ધોવાણમાં ૨૦૮ રૂપિયા બંધ રહી સેન્સેક્સ શૅરોમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો હતો. એચડીઆઇએલ ૮.૩ ટકા ઘટીને ૭૮ રૂપિયા, ડીબી રિયલ્ટી સાત ટકાના ગાબડામાં ૫૭ રૂપિયા તથા યુનિટેક છ ટકા જેવી ખરાબીમાં ૨૪ રૂપિયા બંધ હતા. આ બેન્ચમાર્કના ૧૪માંથી એકમાત્ર અપવાદ ઑબેરૉય રિયલ્ટી હતો, જે સવા ટકાના સુધારામાં ૨૨૪ રૂપિયા બંધ હતો. કૅપિટલ ગુડ્ઝ તથા મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૮ ટકા અને સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૨.૬ ટકા ડાઉન હતા. રોકડામાં ઍડસર્વ સૉફ્ટ સિસ્ટમ્સ, બિલકેર, કેઆરબીએલ, કૅમ્બિ્રજ સૉલ્યુશન્સ, ક્વૉલિટી ડેરી, લૅન્કો ઇન્ફ્રા સહિત સંખ્યાબંધ શૅરો ૧૦થી ૨૦ ટકા ખરડાયા હતા. રમા પેપર, સુજાના મેટલ્સ, પૅરામાઉન્ટ પ્રિન્ટ, લેશા ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન બાયો વગેરે ૧૫થી ૨૦ ટકા ડાઉન હતા.

શુગર શૅરોમાં કડવાશ જારી

નબળા માનસ વચ્ચે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે શેરડીના લઘુતમ વેચાણભાવમાં ૧૯ ટકાનો વધારો કર્યો હોવાની અસર તથા શ્રી રેણુકા શુગર જેવી ટોચની કંપની નફામાંથી જંગી ખોટમાં સરી પડી હોવાના પગલે શુગર શૅરોની કડવાશ વધી રહી છે. ગઈ કાલે શ્રી રેણુકા શુગર વધુ ખરાબીમાં ૩૪ રૂપિયાના નવા તળિયે ગયો હતો, તો બજાજ હિન્દુસ્તાનમાં ૩૦ રૂપિયા, દાલમિયા શુગરમાં ૧૬ રૂપિયા, ધામપુર શુગરમાં ૩૪ રૂપિયા, એમ્પી શુગરમાં ૧૪ રૂપિયા, ઔધ શુગરમાં ૧૮ રૂપિયા, પિકાડેલી એગ્રોમાં ૨૧ રૂપિયાના ભાવ દેખાયા હતા, જે વર્ષના અને ઑલટાઇમ નવા નીચા ભાવ છે. શુગર શૅરોની સાથે-સાથે કેઆરબીએલ, રિદ્ધિસિદ્ધિ ગ્લુકો બાયોલ્સ, રાષ્ટ્રીય કેમિકલ્સ, રાજ ઑઇલ મિલ્સ, નૅશનલ ફર્ટિલાઇઝર્સ, કેએસ ઑઇલ, ફેક્ટ વગેરે જેવા કૃષિ આનુષંગિક શૅરમાં પણ નવી નીચા બૉટમ બની હતી. શુગર તથા ફર્ટિલાઇઝર્સ શૅરોમાં નજીકના સમયમાં વધુ ઘટાડાની જગ્યા દેખાઈ રહી છે.

રિલાયન્સ મિડિયા નવા તળિયે

અનિલ ગ્રુપનો રિલાયન્સ મિડિયા તેમ જ રિલાયન્સ બ્રોડકાસ્ટિંગમાં વર્ષનાં તળિયાં બન્યાં હતાં, જે અનુક્રમે ૮૦ રૂપિયા તથા પંચાવન રૂપિયા આસપાસ બંધ હતા તો આર. કૉમ પાંચ ટકાના ઘટાડે ૮૧ રૂપિયા બંધ હતો. રિલાયન્સ કૅપિટલ ત્રણ ટકાની નબળાઈમાં ૩૩૨ રૂપિયા બંધ થયો હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દોઢ ટકાની નજીકના ઘટાડામાં ૮૬૨ રૂપિયા બંધ હતો. થ્રી-આઇ ઇન્ફોટેક, એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, એઆઇએ એન્જિનિયરિંગ, ઍલેમ્બિક, આશાપુરા માઇનકેમ, ભેલ, બ્લુસ્ટાર, સેન્ટ્રલ બૅન્ક, દેના બૅન્ક, એફડીસી, જીએનએફસી, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ, આઇઓસી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, એમટીએનએલ, નાલ્કો, મુક્તા આર્ટ્સ, એનડીટીવી, નેટવર્ક ૧૮, ઑર્બિટ કૉર્પોરેશન, સેઇલ, એસકેએસ માઇક્રોફાઇનૅન્સ, સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર-જયપુર, ટીનપ્લેટ, યુબી હોલ્ડિંગ્સ, યુ. બી. એન્જિનિયરિંગ, યુનિટેક, વૉલ્ટાસ વગેરે નબળા આંતરપ્રવાહમાં વર્ષના તળિયે ગયા હતા.

વિશ્વબજારો કમજોર

મંગળવાર વિશ્વબજારો માટે નબળો હતો. ઇટલી તથા ગ્રીસમાં નવી સરકારોને આવકારનો ઉત્સાહ નફારૂપી વેચવાલીમાં ફેરવાયો હોવાનું જણાતું હતું. યુરોપમાંનાં શૅરબજારો સવાથી અઢી ટકા નીચે ચાલતાં હતાં, જેની અહીં બજારના અંતિમ સત્ર પર વિશેષ અસર થઈ હોવાનું કહી શકાય. એશિયન શૅરબજારો સાધારણથી એક ટકાની નજીક નબળાં બંધ આવ્યાં હતાં. એકમાત્ર થાઇ માર્કેટ નામ કે વાસ્તે વધીને બંધ હતું. જોકે એમાં ૦.૪ ટકા વધીને બંધ રહેલા ચાઇનીઝ બજારનો પણ સમાવેશ કરવો ઘટે. ડાઉ ફ્યુચર્સ તથા નાસ્ડેક ફ્યુચર્સ એકથી સવા ટકો ખરાબ મુકાતાં હતાં. સેન્સેક્સના વધેલા ત્રણ શૅરમાં સિપ્લા સાડાછ ટકા વધી ૩૦૭ રૂપિયા બંધ હતો, જે વેચાણમાં ૧૦ ટકાના વધારા સામે નફામાં ૧૮ ટકા જેવા નોંધપાત્ર વધારાની અસર કહી શકાય. તાતા મોટર્સ ૧.૯ ટકા વધી ૧૮૧ રૂપિયા બંધ હતો તો એચડીએફસી બૅન્ક સાધારણ સુધારામાં ૪૭૨ રૂપિયા રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણાચાર ટકાના ગાબડામાં ૭૯૦ રૂપિયા બંધ આવ્યો છે.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૬૯૮.૮૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૧૦૮.૮૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૪૦૯.૭૭ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૮૯.૨૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૭૮૩.૨૬ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૨૦૫.૯૬ કરોડ રૂપિયા રહી હતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK