સેટલમેન્ટની રસાકસીમાં બજાર ઢીલું પડ્યું

Published: 28th December, 2011 05:43 IST

આગામી બે દિવસ પ્રમાણમાં વધુ મોટી અફડાતફડી થવાનો સંભવ : ડિસેમ્બર વલણની વિદાય ૪૮૦૦ના નિફ્ટીથી થશે(શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ)

એશિયા-યુરોપનાં બજારોની જેમ સાંકડી વધ-ઘટમાં અથડાઈ ગઈ કાલે અહીં શૅરબજાર ૯૭ પૉઇન્ટના ઘટાડે ૧૫,૮૭૪ તથા નિફ્ટી ૨૮ પૉઇન્ટ ઘટીને ૪૭૫૦ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ ઉપરમાં ૧૬,૦૪૯ તથા નીચામાં ૧૫,૭૯૯ થયો હતો. ધીરુભાઈના જન્મદિનની વિશિષ્ટ ઉજવણીના પ્રસંગે સમગ્ર અંબાણી-પરિવાર ચોરવાડમાં ઉપસ્થિત છે. અંબાણીબંધુના આ રી-યુનિફિકેશનથી બજાર અંદરખાને ઘણું ખુશ છે. જોકે તેમના શૅરોમાં આવેલી પ્રારંભિક ગર્મજોશી છેવટે આર. કૉમ પૂરતી સીમિત હતી. બાકીના શૅર સાધારણ નરમ-ગરમ હતા. નારાયણમૂર્તિનું વેન્ચર કૅપિટલ ફન્ડ એસકેએસ માઇક્રો ફાઇનૅન્સમાંથી એક્ઝિટ લેશે એવી હવામાં આ શૅર અઢી ટકા ઘટી ૯૯ રૂપિયા જેવો બંધ હતો. આ અહેવાલ શૅરના ભાવ માટે મોટા ભારણનું કારણ બની શકે છે. ગુરુવારે એફ ઍન્ડ ઓનું સેટલમેન્ટ છે એ પૂર્વે નિફ્ટીની રસાકસી જામશે. આગામી બે દિવસ પ્રમાણમાં વધુ મોટી અફડાતફડી રહેવાનો સંભવ છે. અમારાં સૂત્રો ડિસેમ્બર વલણ ૪૮૦૦ પ્લસના નિફ્ટી સાથે પૂરું થવાની પાકી શક્યતા જુએ છે.

રિયલ્ટી, બૅન્ક, મેટલ વધુ નરમ

સેન્સેક્સના ૦.૬ ટકાના ઘટાડા સામે ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૭ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા તથા બૅન્કેક્સ ૧.૩ ટકા ડાઉન હતા. સેન્સેક્સના ૩૦માંથી બાવીસ શૅર અને બજારના ૨૧માંથી ૨૦ ઇન્ડેક્સ માઇનસમાં બંધ હતા. એકમાત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ નહીંવત્ ૦.૨ ટકા પ્લસમાં હતો. બજારનું માર્કેટ કૅપ ૩૬,૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડે ૫૪.૩૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. માર્કેટ બ્રેડ્થમાં ૧૧૯૮ શૅર વધેલા હતા. સામે ૧૪૯૮ જાતો નરમ હતી. એ ગ્રુપમાં ૭૦ ટકા શૅર ઘટીને બંધ હતા તો રોકડામાં આ રૅશિયો પંચાવન ટકા આસપાસ હતો. ૧૯૭ સ્ક્રિપ્સ તેજીની સર્કિટે બંધ હતી, સામે ૧૮૪ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી. એફએમસીજી, કૅપિટલ ગુડ્ઝ, હેલ્થકૅર, ટેક્નૉલૉજી અને આઇટી ઇન્ડેક્સ સેન્સેક્સના મુકાબલે ઓછા ડાઉન હતા. ફેમ ઇન્ડિયા ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૧ રૂપિયા નજીક બંધ હતો. એ ગ્રુપમાં ફૉર્ટિસ હેલ્થકૅર ૬.૬ ટકાના ઘટાડે ટૉપ લૂઝર બન્યો હતો. ગુજરાત ફ્લુરોકેમ ૬.૫ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી ૫.૪ ટકા અને વૉલ્ટાસ ૫.૩ ટકા નરમ હતા. સામે રેડિંગ્ટન ઇન્ડિયા સાડાપાંચ ટકાની તેજીમાં ટૉપ ગેઇનર હતો. આર. કૉમ પાંચ ટકા, જૈન ઇરિગેશન ૪.૩ ટકા અને બજાજ ફિનસર્વ સવાચાર ટકા અપ હતા. સેન્સેક્સ શૅરોમાં ૧.૯ ટકાના વધારામાં તાતા પાવર વિશેષ ઝળક્યો હતો. બજાજ ઑટો ૧.૨ ટકા પ્લસ હતો.

એમબીમાં લાખના બાર હજાર


એમબી સ્વિચ ગિયરનો શૅર સતત ઘસારામાં ગઈ કાલે ૬૨ રૂપિયાની ઑલટાઇમ લો સપાટીએ ગયો હતો. અઢીએક મહિના પહેલાં મૂડીબજારમાં આવેલી આ કંપનીએ લિસ્ટિંગ ટાંકણેની ધમાલમાં ૨૪ ઑક્ટોબર ૨૦૧૧ના રોજ ૩૯૦ રૂપિયાની ટોચ બતાવી હતી. બે મહિનામાં અહીં ૮૬ ટકા મૂડી સાફ થઈ ગઈ છે. આ સાથે ૩૫ શૅર ઑલટાઇમ લો થયા હતા, જેમાં ઍલેમ્બિક ફાર્મા, બ્રશમેન ઇન્ડિયા, જીએસએસ ઇન્ફોટેક, ડી-લિન્ક ઇન્ડિયા, બેડમૂથા ઇન્ડસ્ટ્રીઝ, એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ, બિરલા પૅસિફિક, તારાપુર ટ્રાન્સફૉર્મર્સ, પ્રીમિયર એનર્જી, ઓરિયેન્ટ ગ્રીન પાવર, યુનાઇટેડ બૅન્ક, ઇન્ડ્સ ફિલા, મૅગ્નમ વેન્ચર્સ, ફિલાટેક્સ ફૅશન્સ, આનંદ ક્રેડિટ વગેરે સામેલ છે. સામે તિલક ફાઇનૅન્સ, ક્રિષ્ના વેન્ચર્સ, બ્લુ સર્કલ, અલ્કોન પેરેન્ટલ, એસ્સેન સપ્લિમેન્ટ, ડૉ. અગરવાલ્સ આઇ હૉસ્પિટલ્સ, ટીસીએસ ટેક્નો, ટ્રાઇકૉમ ફ્રૂટ્સ, ટ્રેન્ડી નીટવેર જેવી ૧૧ જાતો નવા શિખરે ગઈ હતી.

ઈપીએસ ૫૦ પૈસા, ભાવ ૫૦૦ રૂપિયા

કેજીએન યાદ છે? ચારેક વર્ષ પહેલાં કેજીએન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના ૧૦ રૂપિયાના શૅરનો ભાવ રી-લિસ્ટિંગમાં ૫૫,૦૦૦ રૂપિયા બોલાયો હતો. મેમણ-પરિવાર દ્વારા પ્રમોટ કરાયેલી મૂળ અમદાવાદી આ કંપની હવે મુંબઈની થઈ ગઈ છે. ચર્ચગેટ ખાતે વાસવાણી મેન્શન ખાતે એની ઑફિસ છે. એના એક રૂપિયાની ફેસ વૅલ્યુવાળા શૅરનો ભાવ અત્યારે ૨૩ રૂપિયા જેવો ચાલે છે. વર્ષનો ઊંચો ભાવ ૨૨૮ રૂપિયા તથા નીચો ભાવ ૧૩ રૂપિયા હતો. હવે આજે પ્રમોટર ગ્રુપ સાથે કનેક્શન ધરાવતી કેજીએન એન્ટરપ્રાઇઝિસ નામની કંપનીના, ૫૩૩૭૯૦ કોડ હેઠળ બીએસઈ ખાતે ગઈ કાલ સોદા પડ્યા. કેસ રી-લિસ્ટિંગનો છે કે પછી ડી-મર્જરનો છે એની વિગત મળતી નથી, પરંતુ ૧૦ રૂપિયાની ફેસ વૅલ્યુ ધરાવતી કેજીએન એન્ટરપ્રાઇઝિસનો શૅર ૨૦૦ રૂપિયા ખૂલી બંધમાં ૫૦૦ રૂપિયા થયો હતો. વૉલ્યુમ ફક્ત ૧૭,૦૦૦ શૅરનું હતું. ૨૦૪૭ લાખ રૂપિયાની ઇક્વિટી પર કંપનીએ ગત વર્ષે ૯૬૦ લાખ રૂપિયાની આવક તથા ૧૦૩ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૫૦ પૈસાની કમાણી મેળવી છે, તો ચાલુ વર્ષે છ મહિનામાં એની આવક ૫૭૫ લાખ રૂપિયા અને નેટ પ્રૉફિટ ૩૧ લાખ રૂપિયા છે, જે ૧૮ પૈસાનો ઈપીએસ બતાવે છે. રિઝર્વ માત્ર ૧૮૪૭ લાખ રૂપિયા છે.

જાન્યુઆરીમાં બજાર ઘટશે

વર્ષ ૨૦૧૧ની નિરાશા પછી નવા વર્ષનો આરંભ કેવો હશે એની અટકળ ચાલુ છે. ઘણા માને છે કે ડિસેમ્બર ક્વૉર્ટરનાં નબળાં પરિણામો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. અમેરિકન ઇકૉનૉમી સુધારાના પંથે છે. યુરોપ તરફથી કશાક સારા વાવડ મળે તો વૈãfવક શૅરબજારોની વર્તમાન રૅલી વધુ આગળ ધપી શકે છે, જેમાં સેન્સેક્સ ૧૭,૦૦૦ની આજુબાજુ કે નિફ્ટી ૫૦૦૦ પ્લસ જાન્યુઆરીમાં જોવા મળશે. સામે અંબરીશ બાલિગા જેવા કેટલાક વિfલેષકને લાગે છે કે જાન્યુઆરી શૅરબજાર માટે વધુ ખરાબ જશે. તેમને બજાર વધવા કરતાં ઘટવાની સંભાવના વધુ પ્રબળ જણાય છે અને નિફ્ટીમાં ૪૪૦૦નું લેવલ દેખાઈ રહ્યું છે. મતલબ કે ૧૪,૮૦૦ની આસપાસનો સેન્સેક્સ થયો. આઇઆઇએફએલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અનુ જૈન આ વાત જરાક જુદી રીતે કહે છે. તેમના મતે બજાર નવી ટોચ પર જાય એ પહેલાં નીચામાં ૪૩૦૦નો નિફ્ટી બતાવશે. એટલે કે ૨૧,૦૦૦નો સેન્સેક્સ જ્યારે થાય ત્યારે, પણ એ પહેલાં ૧૪,૫૦૦થી નીચેનો સેન્સેક્સ પાકો ગણી લેવાનો.

અંબાણીની એકતાની ખુશી ટકી નહીં

સ્વ. ધીરુભાઈ અંબાણીના ૮૦મા જન્મદિનની વિશિષ્ટ ઉજવણી માટે સમગ્ર અંબાણી-પરિવાર ચોરવાડ ખાતે એકત્રિત થયો છે. આના પગલે અંબાણીબંધુઓ વચ્ચેનું

રી-યુનિફિકેશન વધુ મજબૂત બનવાની ધારણા છે. અંબાણીઓના શૅરોમાં પ્રારંભે આની સાનુકૂળ અસર જોવા મળી હતી. ગઈ કાલે રિલાયન્સ બ્રોડકાસ્ટિંગ્સ ઇન્ટ્રા-ડેમાં ૧૦ ટકા વધી ઉપરમાં પંચાવન રૂપિયા નજીક ગયો હતો. આર. કૉમ સાડાપાંચ ટકા વધી ૭૩ રૂપિયા, રિલાયન્સ મિડિયા ચાર ટકાની મજબૂતીમાં ૭૭ રૂપિયા, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટિÿયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ પોણાચાર ટકાની તેજીમાં ૩૨૩ રૂપિયા, રિલાયન્સ કૅપિટલ ત્રણ ટકાના સુધારામાં ૨૬૦ રૂપિયા, રિલાયન્સ ઇન્ફ્રા પોણાત્રણ ટકા વધીને ૩૮૦ રૂપિયા થયા હતા. મુકેશ અંબાણીની હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૭૬૮ રૂપિયા તથા નીચામાં ૭૪૫ રૂપિયા બતાવી છેલ્લે એક ટકાના ઘટાડામાં ૭૫૨ રૂપિયા આસપાસ બંધ હતો. અંબાણીબંધુઓના શૅરોમાં પ્રારંભિક આકર્ષણ પાછળથી ધોવાયું હતું. એકમાત્ર આર. કૉમ પાંચેક ટકા વધીને બંધ હતો.

ભારતી શિપયાર્ડમાં કરન્ટ

ભારતી શિપયાર્ડના ર્બોડ ઑફ ડિરેક્ટર્સે ૨૮૫૪ કરોડ રૂપિયાની લોનનું રીસ્ટ્રક્ચરિંગ કરવાની યોજનાને બહાલી આપી છે. કંપનીનું કુલ દેવું ૩૨૫૦ કરોડ રૂપિયા જેવું છે. ડેટ-રીસ્ટ્રક્ચરિંગના પગલે કંપની પર વ્યાજનો બોજ ઘટવાની તથા નાણાભીડ હળવી બનવાની શક્યતા છે. કંપનીના હાથ પર હાલમાં ૬૮૦૦ કરોડ રૂપિયાના ઑર્ડર છે, જે વર્ષ ૨૦૧૪ સુધીમાં પૂરા કરવાના છે. આ અહેવાલના પગલે શૅરનો ભાવ ગઈ કાલે આઠ ટકાના ઉછાળે ઉપરમાં ૭૪ રૂપિયા નજીક ગયો હતો. વર્ષ દરમ્યાન ઉપરમાં ૨૨૩ અને નીચામાં ૬૫ રૂપિયાની બૉટમ બનાવનાર આ શૅરની ફેસ વૅલ્યુ ૧૦ રૂપિયાની છે. ૩૦૦ રૂપિયાની તગડી બુક વૅલ્યુ તથા ૩૨ રૂપિયા પ્લસની શૅરદીઠ કમાણી ધ્યાનમાં લઈએ તો અત્યારના ભાવે પી/ઈ માત્ર સવાબે બેસે છે. સામે ઉદ્યોગનો પી/ઈ ૧૯નો છે. વર્તમાન સ્તરે રોકાણની તક ઝડપનારને નાખી દેતાં ૧૮થી ૨૪ મહિનામાં ૧૦૦ ટકા રિટર્ન મળવાની ગણતરી જાણકારો આપે છે. કુલ ઍસેટ્સની રીતે આ કંપની શિપિંગ કૉર્પોરેશન (૧૧,૮૮૩ કરોડ રૂપિયા) અને જીઈ શિપિંગ (૯૧૨૦ કરોડ રૂપિયા) પછી ૪૪૮૮ કરોડ રૂપિયાના ફિગર સાથે ત્રીજા ક્રમે છે.

એફઆઇઆઇની ચોખ્ખી લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૦૩૮.૦૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૮૨૩.૭૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૨૧૪.૩૧ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૪૯૭.૨૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૫૯૨.૫૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૯૫.૨૯ કરોડ રૂપિયા જોવા મળી હતી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK