Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આત્મનિર્ભર ભારત ૩.૦ પ્રજા માટે દિવાળીની બક્ષિસ

આત્મનિર્ભર ભારત ૩.૦ પ્રજા માટે દિવાળીની બક્ષિસ

16 November, 2020 01:37 PM IST | Mumbai
Jitendra Sanghvi

આત્મનિર્ભર ભારત ૩.૦ પ્રજા માટે દિવાળીની બક્ષિસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં વીતેલું સંવત ૨૦૭૬નું વર્ષ લાંબા સમય માટે અનેક કારણોસર ચીરસ્મરણીય અને યાદગાર બની રહેશે. ૨૦૦૮ની વિશ્વની નાણાકીય અને આર્થિક કટોકટીના વર્ષ કરતાં પણ આ વર્ષ વધારે કપરું અને કસોટીરૂપ સાબિત થયું.
૨૦૦૮માં માત્ર આર્થિક અને નાણાકીય પ્રશ્નો હતા. ૨૦૨૦માં તે ઉપરાંત કોરોનાની મહામારીએ લોકોના સ્વાસ્થ્ય અંગેની ગંભીર સમસ્યા ઊભી કરી હતી. મહામારીના શરૂઆતના દિવસો અને મહિનાઓમાં ચાલુ થયેલ જાનહાનિ વધતી ચાલી.
સરકારે વાપરેલ અગમચેતીએ દેશવ્યાપી લૉકડાઉનના અમલ દ્વારા કલ્પના બહાર જાનહાનિ થઈ શકે એવી સંભવિત હોનારતમાંથી દેશને બચાવી લીધો. તે માટેની ભારે કિંમત તો ચૂકવવી જ પડી. કાંઈક બચાવવા કાંઈક ખોવું પડ્યું. યુરોપ અને અમેરિકા જ્યાં શરૂઆતમાં મહામારીને ગંભીરતાથી ન લેવાઈ ત્યાં તેની ડબલ ભારે કિંમત ચૂકવવી પડી. આ દેશો આર્થિક નુકસાનમાંથી તો ન બચ્યા પણ જાનહાનિ પણ ન રોકી શક્યા.
આપત્તિઓ પારાવાર હતી. હજારો લોકોએ સ્વજન ગુમાવ્યા, લાખો લોકોએ વેતન, રોજગારી અને ધંધા, તો લાખોએ વતન ભેગા થવાનો વારો આવ્યો.
શરૂઆતના એ દિવસો અને મહિનાઓની અનેકવિધ યાતનાઓ ભોગવી લાંબી મજલ કાપી આજે આપણે એ મુકામે પહોચ્યા છીએ કે જ્યાં અંધારી લાંબી ટનલ છેડે પ્રકાશનું કિરણ દેખાતું હોય.
એપ્રિલ-મેના સખત લૉકડાઉનને કારણે જૂન ક્વૉર્ટર તો તદ્ન ધોવાઈ ગયો. આર્થિક વિકાસના દરમાં ૨૪ ટકાનો ઘટાડો થયો, જે છેલ્લા ૪૪ કવૉર્ટરનો પહેલો ઘટાડો હતો. એક તરફ
માગ વધુ ને વધુ ઘટવા માંડી તો બીજી તરફ સપ્લાય ચેઇનના ભંગાણને કારણે ઉપખંડ જેવા મોટા દેશમાં ચીજવસ્તુઓની અછત વર્તાવા માંડી.
જૂન મહિનાથી આર્થિક પ્રવૃત્તિઓની ફરી શરૂઆત થતાં અને તેનો વ્યાપ વધતા જતા આર્થિક વિકાસના ઘટાડાની ગતિ ધીમી પડી. તે પછી પણ અર્થતંત્રના જામ થઈ ગયેલ ચક્કાને કારણે નાના વેપાર ઉદ્યોગોમાંના કેટલાયે બંધ થવાને આરે પહોંચ્યા. રાજ્યોના સ્થાનિક લૉકડાઉનને લીધે સપ્લાય ચેઇનમાં થતા મીસ-મૅચને કારણે અને લાખોની સંખ્યામાં વતન પાછા ફરી ગયેલ શ્રમિકોને કારણે ઊભી થયેલ કારીગરોની અછતને લીધે આર્થિક વિકાસની ગતિમાં વારંવાર ચડતી અને પડતી જોવા મળી.
જુલાઈ-સપ્ટેમ્બર કવૉર્ટરના આર્થિક વિકાસના દરમાં પણ રિઝર્વ બૅન્કના અંદાજ અનુસાર પ્રમાણમાં નાનો તો પણ ૮.૬ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે. (આ આંકડા નવેમ્બરની ૨૭મીએ પ્રગટ થશે). ડિસેમ્બર ક્વૉર્ટરથી આર્થિક વિકાસનો દર પૉઝિટિવ થાય તો પણ ૨૦૨૦-૨૧નો (૨૦૨૦નો કે સંવત ૨૦૭૬નો) આર્થિક વિકાસનો દર તો નેગેટિવ જ રહેવાનો.
આજથી શરૂ થતાં સંવત ૨૦૭૭ (૨૦૨૧)માં આર્થિક વિકાસના પૉઝિટિવ દરની અપેક્ષા રાખી શકાય.
રિઝર્વ બૅન્કના મત અનુસાર સળંગ બીજા ક્વૉર્ટર માટે ભારતનો આર્થિક વિકાસનો દર નેગેટિવ રહેવાનો હોઈ આપણું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે તેમ કહેવાય. જોકે આ માટે માત્ર કોરોના મહામારી જ જવાબદાર ન ગણી શકાય. મહામારી પહેલાના છેલ્લા છ ક્વૉર્ટરથી માગમાં થઈ રહેલ ઘટાડાએ સ્લોડાઉનની સ્થિતિ સર્જી હતી. મહામારીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું.
સમગ્ર વિશ્વ પણ આર્થિક સ્લોડાઉન અને મંદીમાંથી પસાર થઈ રહ્યું હોવાને કારણે નિકાસોના વધારા થકી પણ આર્થિક વિકાસ વધારવાની સંભાવના ઘટી છે.
સરકારે સમયે સમયે રાહતના પૅકેજો જાહેર કર્યાં છે. ગયે અઠવાડિયે જાહેર કરાયેલ ૨.૬૫ લાખ કરોડના ત્રીજા પૅકેજ સાથે અને રિઝર્વ બૅન્ક દ્વારા જાહેર કરાયેલ રાહતો સાથે કુલ રાહતનું મૂલ્ય રૂપિયા ૩૦ લાખ કરોડ જેટલું થાય છે જે જીડીપીના ૧૫ ટકા જેટલું ગણાય. સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત ૩.૦ નામ અપાયેલ ત્રીજા પૅકેજમાં કૅબિનેટ દ્વારા મંજૂર કરાયેલ ૧.૪૫ લાખ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન) સ્કીમનો સમાવેશ થાય છે.
રાહતનાં આ પૅકેજોની અમુક રકમ મદદરૂપે પ્રજાજનોના હાથમાં કે ખાતામાં મૂકવાની નહીં પણ બૅન્કો દ્વારા અપાનાર ધિરાણ માટેની ગેરંટીના રૂપમાં હોવાથી સરકારના અંદાજપત્રની ફિસ્કલ ડેફિસિટનો વધારો ૩૦ લાખ કરોડ કરતાં ઘણો ઓછો હોવાનો.
સરકારના પહેલા બે પૅકેજમાં રોજગારી કે માગ વધે તેવાં પગલાં ઓછાં હતાં. તે રાહત મોટે ભાગે ગરીબો અને નાના એકમો માટે ડિસ્ટ્રેસ રિલીફના રૂપમાં હતી. એવા કૉર્પોરેટ ક્ષેત્રના પ્રતિસાદને કારણે છેલ્લા રાહતના પૅકેજમાં સરકારે નવી રોજગારીના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇપીએફ યોજના હેઠળ બે વર્ષ માટે સરકાર કર્મચારીઓ દ્વારા તથા કંપનીઓ દ્વારા આપવાની થતી રકમ જમા કરાવશે (એ થઈ સરકાર દ્વારા સબસિડી) જેની સારી અસર રોજગારીના સર્જન પર પડી શકે.
આ પૅકેજમાં ખેડૂતો માટે, એમએસએમઇ એકમોને ગેરંટી સિવાય અપાનારી લોન માટે, ઘર ખરીદનારાઓ માટે, મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર માટે, માળખાકીય સવલતો માટે, શહેરી આવાસ યોજના માટે, બાંધકામ ક્ષેત્ર માટે, નિકાસ માટે અને કોરોનાની વેક્સિન માટેની રાહતનો સમાવેશ થાય છે.
ઘણા સમયથી જેની અપેક્ષા હતી તે રાહતનું પૅકેજ જાહેર કરીને સરકારે પ્રજાને દિવાળીની બક્ષિસ આપી છે.
ઇન્ટરડિપેન્ડન્ટ વિશ્વમાં માળખાકીય સવલતો જ રીકવરીની ઝડપ વધારી શકે એ વાત પણ સરકારે સ્વીકારી હોવાનો પડઘો રાહતના પૅકેજમાં પડે છે. સરકારે કૃષિ ક્ષેત્રે અને શ્રમબળ ક્ષેત્રે આર્થિક સુધારાઓ પણ દાખલ કર્યા છે. આ સુધારાઓનો અમલ રાજ્ય સરકારો દ્વારા કરવાનો હોઈ અને ઘણી રાજ્ય સરકારોએ એનો વિરોધ કર્યો હોઈ એ સુધારાઓની કેવી અને કેટલી અસર આર્થિક રીકવરી પર થશે તે એક પ્રશ્ન છે.
રોજગારી અને માગ વધે એવાં ઘણાં પગલાં રાહતના ત્રીજા પૅકેજમાં હોવા છતાં તેની સમગ્ર અસર ટૂંકા ગાળા કરતાં લાંબા ગાળામાં વધુ વર્તાવાની.
અનેક આર્થિક પેરામિટર્સના આંકડા સુધરતા જાય છે. તેમાં સરકારની રાહત ઉમેરાય અને પરિણામે આર્થિક વિકાસનો દર ચાલુ ક્વૉર્ટરથી જ પૉઝિટિવ જવાની આશા ફળીભૂત થાય તો તે અનેક નિરાશાઓ અને નેગેટિવિટી વચ્ચે દિવાળીના તહેવારોમાં મળેલ પૉઝિટિવ સમાચાર ગણાશે. કોરોના પૉઝિટિવના ઘટતા જતા કેસ બીજા એક સૌથી મોટા પૉઝિટિવ સમાચાર છે.
ટૂંકમાં કહી શકાય કે ૨૦૭૬માં આપત્તિઓની વણઝારમાંથી પસાર થયા પછી સંવત ૨૦૭૭નું આજનું પ્રભાત દેશવાસીઓ માટે મુશ્કેલીઓનો સમય પૂરો થઈ રહ્યો હોવાનો સંકેત કરે છે.
અમેરિકામાં પ્રમુખની ચૂંટણીમાં થયેલ સત્તાપલટો પણ ભારત માટે લાભદાયી બની શકે. વિશ્વના આર્થિક અને રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે ત્યારે આ સત્તાપલટો ચીનની મહત્વાકાંક્ષાઓને મર્યાદિત કરવામાં અને તે દ્વારા ભારતની મુશ્કેલીઓ દૂર કરવામાં નિર્ણાયક બની શકે. બાઇડન અને ભારતીય-અમેરિકન કમલા હેરિસની પ્રમુખ અને ઉપપ્રમુખની જોડી આવનાર થોડાં વર્ષો માટે ભારતનું સ્થાન વિશ્વમાં મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે.
બિહારની ચૂંટણીના અને ૫૮ જેટલી વિધાનસભાની બાય-ઇલેક્શનના પરિણામ પણ સૂચક છે જે કેન્દ્ર સરકારના હાથ મજબૂત કરશે.
પાછલા ૧૦૦ વર્ષમાં ન આવેલ અને ન ભુલાય તેવા સંવત ૨૦૭૬ના સૅટબેક (વિઘ્નો)ને ભૂલીને પૂરા આત્મવિશ્વાસ સાથે સરકાર અને પ્રજા ખભેખભા મિલાવીને કામ કરવાનો સંકલ્પ નવા વર્ષે કરે તો ૨૦૭૭નું આજથી શરૂ થતું નૂતન વર્ષ આપણી પારાવાર મુસીબતોના અંતની શરૂઆત બની શકે - એ ટર્નિંગ પોઈન્ટ.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2020 01:37 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK