Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતની બજારોની કામગીરી પ્રમાણમાં સારીઃ સેબી

ભારતની બજારોની કામગીરી પ્રમાણમાં સારીઃ સેબી

24 December, 2018 01:44 PM IST |

ભારતની બજારોની કામગીરી પ્રમાણમાં સારીઃ સેબી

સેબી

સેબી


સતત ચંચળતા રહેવા છતાં ભારતીય કૅપિટલ માર્કેટે આ વરસે સારી કામગીરી બજાવી છે, ખાસ કરીને અન્ય બજારોની તુલનાએ આપણી માર્કેટે સારું પ્રદર્શન કર્યું છે એવું વિધાન મૂડીબજારની નિયમન સંસ્થા સેબીના અધ્યક્ષ અજય ત્યાગીએ કર્યું છે. તેમના મતે ગ્લોબલ માર્કેટ વધુ વૉલેટાઇલ રહ્યું છે. જે હવે પછી પણ ક્રૂડના ભાવની અનિશ્ચિતતા, અમેરિકા-ચીન વચ્ચેના વેપાર-વિવાદ અને વિશ્વભરની સેન્ટ્રલ બૅન્કોની ફૉર્મલ મૉનિટરી પૉલિસીને કારણે વૉલેટાઇલ રહેવાની શક્યતા વધુ છે.

CIIની ફાઇનૅન્શિયલ માર્કેટ સમિટમાં બોલતાં અજય ત્યાગીએ કહ્યું હતું કે ‘આ ઉપયુર્ક્તભ પરિબળોની ભારતીય માર્કેટ પર અસર જરૂર થઈ છે, પરંતુ અન્ય વિકસિત અને ઊભરતી બજારોની તુલનાએ એ ઓછી થઈ છે. ભારતીય માર્કેટે વૉલેટિલિટી અને ઇન્ડેક્સ-વળતરની દૃષ્ટિએ અન્ય માર્કેટ જેવી કે એથી વધુ ખરાબ કામગીરી બજાવી નથી.’



માર્કેટની વૉલેટિલિટી


ભારતીય માર્કેટની વૉલેટિલિટી આ સમયમાં ૧૨ ટકા રહી છે જે અન્ય વિકસિત અને ઇમર્જિંગ માર્કેટ્સની સરખામણીએ ઓછી છે. જેમ કે અમેરિકન માર્કેટમાં ૧૬ ટકા વૉલેટિલિટી, ચીનમાં ૧૯ ટકા, બ્રિટનમાં ૧૨ ટકા, બ્રાઝિલમાં ૨૧ ટકા, જપાનમાં ૧૭ ટકા, સાઉથ કોરિયામાં ૧૪ ટકા અને હૉન્ગકૉન્ગ ૧૯ ટકા રહી છે.

ડૉલર સામે રૂપિયાના ઘસારાની વાત કરીએ તો એપ્રિલથી નવેમ્બરમાં રૂપિયો ડૉલર સામે સાત ટકા ઘટ્યો છે, જ્યારે ચીનની કરન્સી ૧૦.૮૧ ટકા, બ્રિટનની ૧૦.૧૦ ટકા, જૅપનીઝ યેનની ૭.૩ ટકા, યુરોપની ૮.૭૩ ટકા અને બ્રાઝિલની કરન્સી ૧૬.૮૫ ટકા ડાઉન થઈ છે.


મ્યુચ્યુઅલ ફન્ડ સાથે ચર્ચા

અજય ત્યાગીએ જણાવ્યું હતું કે ‘સપ્ટેમ્બરમાં ભારતમાં NBFC અને HFCએ પ્રવાહિતાની ખેંચ અનુભવી હતી, જે હવે રિઝર્વ બૅન્કનાં પગલાને લીધે સુધારાના પંથે છે. સેબી આ પ્રવાહિતાના મામલે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ સાથે પણ ચર્ચા કરી રહ્યું છે. સેબી દરેક પગલું સંબંધિત ઉદ્યોગ સાથે ચર્ચા કર્યા બાદ ભરે છે. આ વિષયમાં સેબી ધીમે-ધીમે કદમ ભરવામાં માને છે. મૂડીબજારે કૉર્પોરેટ સેક્ટરને ફન્ડ ઊભું કરવામાં ઘણી સહાયતા કરી છે, જેના પરિણામે અર્થતંત્રને વિકાસમાં સહાયરૂપ થવાય છે.’

ફન્ડ ઊભું કરાયું

૨૦૧૭-’૧૮માં મૂડીબજારે ઇક્વિટી અને ડેટ મારફત ૮.૮ લાખ કરોડ રૂપિયા જેટલું રેકૉર્ડ ભંડોળ ઊભું કર્યું હતું, જે એના આગલા વરસે ૭.૭ લાખ કરોડ રૂપિયા થયું હતું. ચાલુ વરસે અત્યાર સુધીમાં ૪.૮૫ લાખ કરોડનું ફન્ડ ઊભું થયું છે.

નવાં રોકાણસાધનો

આ ઉપરાંત હવે ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ સાધનોને પણ રિસ્પૉન્સ મળવાનો શરૂ થયો છે તેમ જ રિયલ એસ્ટેટ ફન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ, મ્યુનિસિપલ બૉન્ડ્સ પણ પૉપ્યુલર થઈ રહ્યાં છે.

મૂડીબજારની ભૂમિકા

અજય ત્યાગીએ જણાવ્યું હતું કે ‘હવેના સમયમાં જ્યારે બૅન્ક સતત દબાણ હેઠળ રહે છે ત્યારે મૂડીબજારની ભૂમિકાનું મહત્વ વધી જાય છે અને સેબી આ માટે સજાગ અને સજ્જ છે. સેબી સુધારા માટે સતત માર્કેટ મધ્યસ્થીઓ સાથે ચર્ચા-વિચારણા કરતું રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 01:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK