Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Scam 1992: હર્ષદ મહેતા હિરો કે વિલન?

Scam 1992: હર્ષદ મહેતા હિરો કે વિલન?

28 October, 2020 12:19 PM IST | Mumbai
Keval Trivedi

Scam 1992: હર્ષદ મહેતા હિરો કે વિલન?

વેબ સિરીઝનું પોસ્ટર

વેબ સિરીઝનું પોસ્ટર


શૅર દલાલ હર્ષદ મહેતા (Harshad Mehta)ના જીવન પર આધારિત હંસલ મહેતા (Hansal Mehta) દિગ્દર્શિત વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story)એ આઇએમડીબી (IMDb) પર તમામ રેકૉર્ડસ્ તોડી દીધા છે અને પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. આ વૅબ સિરીઝે આઇએમડીબી પર 9.6/10 રેટિંગ પ્રાપ્ત કરી છે.

હર્ષદ મહેતા 'ભારતીય શેર બજાર'ના 'બિગ બુલ' તરીકે પ્રખ્યાત હતા. વર્ષ1992માં હર્ષદ મહેતાએ દેશનું સૌથી મોટું કૌભાંડ કર્યું હતું. વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવનની વાર્તા જણાવે છે. 10 એપિસોડની સિરીઝમાં 'બિગ બુલ' અને 'શૅરબજારના અમિતાભ બચ્ચન'ના નામે જાણીતા હર્ષદ મહેતાની જીવનકથા બતાવવામાં આવી છેજેણે તેની કારકિર્દીમાં મોટા ઉછાળ અને પતન જોયા છે. આ વૅબ સિરીઝ ચારેય તરફથી લોકોની પ્રશંસા મેળવી રહી છે પણ આ વેબસિરીઝ જોયા બાદ સવાલ એ થાય છે કે અંતે તમે હર્ષદ મહેતાને હિરો કહેશો કે વિલન? દાયકાઓથી ફાઈનાન્સિયલ ક્ષેત્રનો અનુભવ ધરાવતા નિષ્ણાતોએ આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતા આ બાબતે ઉંડાણપૂર્વક વાત કરી હતી.



હાલ દુબઈમાં રહેતા દિનેશભાઈ ગાઠાણીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, હર્ષદ મહેતા તે સમયે હિરો હતા. નો ડાઉટ લોકોને તેમના લીધે ફાયદો પણ ખૂબ થયો હતો. આમ જોવા જઈએ તો હર્ષદ મહેતાએ નબળી સિસ્ટમનો ફાયદો લીધો એમ કહી શકાય. જો સિસ્ટમમાં જ પ્રોબ્લેમ હોય તો વ્યક્તિનો શું દોષ? ઉદાહરણ તરીકે જો તમને રસ્તામાં 100 રૂપિયાની નોટ પડેલી મળે તો તમે તે નોટને ઉપાડશો એ તો પાક્કું છે.


તેમણે ઉમેર્યું કે, વેબ સિરીઝમાં દરેક એપિસોડ ચાલુ થાય ત્યારે જે થિમ સોંગ આવે છે તેમાં એક વ્યક્તિને બીએસઈના ટાવરના ટોચ ઉપર તેની લેક્સિસ કાર સાથે બતાવવામાં આવ્યો છે અને પછી તેને નીચે પડતા પણ દેખાડે છે આમ વેબ સિરીઝે પણ એક મેસેજ આપ્યો છે કે જો તમે ખોટું કામ કરશો તો તેનું ફળ તમારે અને તમારા કુટુંબે ભોગવવું જ પડશે. કર્મનું ફળ બધાને મળે જ છે.

દિપકભાઈ પંડ્યાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને તે વખતનો પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહ્યું કે, એવુ નથી કે તે વખતે બધા ફક્ત કમાયા જ હતી, બાદમાં બધાએ પૈસા ગુમાવ્યા પણ હતા. કમાણી કરવા માટે આવી રીતે રસ્તો ન અપનાવો જોઈએ. નવી પેઢીને મારી એ જ સલાહ છે કે રોકાણ ઉપર પણ ધ્યાન આપવુ જોઈએ, ઓવરટ્રેડિંગ ન કરવું જોઈએ. રોકાણ કરવાની સારુ વળતર મળતુ હોય છે.


મેજિક વિઝનના મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ મહેતાએ કહ્યું કે, સ્કેમ 1992 આ ટાઈટલ પરથી જ તમે સમજી શકો કે હર્ષદ મહેતા હિરો હતો કે વિલન. તે વખતે સિસ્ટમમાં ખામી હતી એ વાત સાચી પરંતુ તે ત્રુટીઓનો લાભ લેવો એ વાત ખોટી જ કહેવાય. મારી આખની સામે મે લોકોને બરબાદ થતા જોયા છે. લોકોએ બજારની વોલેટિલીટીને સમજીને ક્ષમતા પુરતું જ જોખમ ઉપાડવું જોઈએ. જોકે 1992 બાદ રોકાણકારો સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરતા થયા હતા.

ફાઈનાન્સિયલ એક્સપર્ટ સંદેશભાઈ રાણેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ તમને કહે કે આ કંપનીમાં પૈસા નાખો ફાયદો થશે તો તેની વાતમાં આવી જવુ ન જોઈએ. કંપનીની બેલેન્સશીટ, તેનો પાછલા વર્ષોનો બિઝનેસ, તેનો ભૂતકાળ એમ ઓવરઓલ બેકગ્રાઉન્ટ જોઈને દરેક પાસાઓનું અવલોકન કરીને એ કંપનીમાં રોકાણ કરવું કે નહીં તે બાબતે નિર્ણય લેવો જોઈએ.

દુબઈ સ્થિત ફાઈનાન્સિયલ એક્સપર્ટ અમિત શાહના મતે, હર્ષદ મહેતાને એક લાલચ હતી, તેમને ખબર નહોતી કે તેમને ક્યા પહોંચવું છે. તેમને ‘ટોપ ઓફ ધ વર્લ્ડ ’ રહેવુ હતું. એમ ન કહી શકાય કે તેમણે મોટુ કૌભાંડ કર્યું કારણ કે તેમણે સિસ્ટમની ત્રુટીઓનો ફાયદો ઉપાડ્યો હતો. પહેલાથી જ કાર્ટલ તો ચાલતુ જ હતું. શરૂઆતમાં તેમનો પ્રવાસ પ્રેરણારૂપ ગણાય પણ તે પછી જે બ્લંડર કર્યા એ તો ખોટુ છે. પહેલા સિસ્ટમમાં પ્રોબ્લેમ હતી, બે કે ત્રણ સ્ક્રિપ્ટ્સથી જ માર્કેટની મુવમેન્ટ થતી હતી. જોકે હવે સમય બદલાયો છે. બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાવરફૂલ બની છે. ભારતીય નાણાકીય બજાર હવે વિકસિત થયુ છે. જો તમને શોર્ટ ટર્મમાં પૈસા કમાવવા હોય તો તમારે જોખમ લેવુ જ પડશે, પરંતુ પોતાની ક્ષમતાના હિસાબે બજારમાં નાણા રોકવા જોઈએ.

ફાઈનાન્સિયલ નિષ્ણાત દિપેન મહેતાએ કહ્યું કે, સ્ટોક બ્રોકર તરીકે શરૂઆત કરતા હર્ષદ મહેતાએ તે વખતે ડિજિટલ સંસાધનોને અભાવે સિસ્ટમમાં જે ત્રુટીઓ હતી તેનો ફાયદો ઉપાડ્યો હતો. તે વખતે બજારમાં અમૂક સ્ટોક્સનું મૂલ્ય કંઈ જ નહોતુ તેમ છતાં આર્ટિફિશિયલ રીતે તેમાં ઉછાળો લાવવામાં આવ્યો હતો. પરિણામે રોકાણકારોએ નાણા ગુમાવ્યા હતા. લોકો ભલે હર્ષદ મહેતાને એક હિરો તરીકે જોતા હોય પરંતુ ઘણા બધા લોકોએ તે સમયે નાણા ગુમાવ્યા હતા. ઘણા લોકોએ બજારમાંથી વ્યાજે પૈસા લઈને, ઘર ગીરવી રાખીને શૅરબજારમાં વેલ્યુ ઈન્વેસ્ટમેન્ટ કરવાનું વિચાર કર્યો હોય તેઓ મેન્યુપુલેટ થયા હતા. આજની તારીખમાં પણ શૅરબજારનું મૂલ્ય વધુ હોય તેમ જણાય છે. બજારમાં આજે પણ આર્ટિફિશિયલ રીતે ડિમાંડ વધતી હોય એમ જણાય છે તેથી આગળ જતા કરેકશન આવી શકે છે એમ મારો અંગત વિચાર છે. લોકોને આજની તારીખમાં જલદી પૈસાદાર બનવું છે પરંતુ હકીકતમાં એવુ હોતુ નથી, વર્ષો સુધી વેલ્યુ-ઈનવેસ્ટમેન્ટ કર્યા બાદ સંપત્તિનું નિર્માણ થાય છે.

એવુ લાગતુ હતુ કે હર્ષદ મહેતાની કારકિર્દીમાં શરૂઆતનો સમય પ્રોત્સાહકરૂપ છે પરંતુ ત્યારબાદ તેમણે જે સિસ્ટમનો ફાયદો ઉપાડ્યો એ ખોટુ હતું પરંતુ ઈનવેસ્ટમેન્ટ બૅન્કર સુરજ અમિને વિગતવાર વાત કરતા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ વાતને પણ નકારી હતી. તેમણે કહ્યું કે, વેબ સિરીઝ કે તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે પોતાના દમ ઉપર બીએસઈ પાસેથી જે 10 લાખ રૂપિયાની લિમિટ લીધી તે બરાબર હતી. પરંતુ તેમણે આટલી લિમીટ મળ્યા બાદ પણ ‘એ’ ગ્રુપના શૅર્સની પસંદગી ન કરતા પેની સ્ટોક્સની પસંદગી કરી. શૅરનો ભાવ ત્યારે વધે જ્યારે માગને પુરી ન કરી શકે. હર્ષદ મહેતાએ આર્ટિફિશિયલ માગ ઉભી કરી હતી. 1991-1992માં ભારતનો વિકાસ થઈ રહ્યો હતો. તે વખતે ભારતમાં ઘણી પોલિસીઓ આવી હતી. હર્ષદ મહેતાએ પણ કહ્યું કે ભારતનો વિકાસ થઈ રહ્યો છે. વેબ સિરીઝમાં પણ જોવા મળશે કે હર્ષદ મહેતા કંપનીઓના શૅર ભાવને નહીં પણ તેના ‘રિયલાઈઝેબલ વેલ્યુ’ ઉપર ભાર મૂકે છે. ધારો કે કોઈ કંપની ઉભી કરવામાં રૂ.50 કરોડનો ખર્ચ થયો તો તમે એમ ન કહી શકો કે તે કંપનીનું મૂલ્ય રૂ.50 કરોડ છે? કંપની કેટલો નફો કરે તેના ઉપર મૂલ્ય ધારી શકાય પરંતુ હર્ષદ મહેતાએ તે વખતે રિયલાઈઝેબલ વેલ્યુ ઉપર ભાર મૂક્યો. રિયલાઈઝેબલ વેલ્યુ એટલે કે જો તમને સંબંધિત ધંધો કરવો હોય તો તે આજે આટલા રૂપિયામાં થશે. આ જ વાર્તા હર્ષદ મહેતાએ કરી હતી. કોઈ ધંધો જ્યારે વેચાય તો તેના મૂલ્ય કરતા તો ઓછામાં જ વેચાય જેને ‘ડિસ્ટ્રેસ સેલ વેલ્યુ’ કહેવાય છે. આપણે BRની વાત કરીએ તો તે વખતે હર્ષદ મહેતા જ નહીં પરંતુ બધા જ લોકો આ ત્રુટીનો લાભ લેતા હતા. આજની તારીખમાં આપણે ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો ડ્યુ ડેટ 30 તારીખની હોય તો મોટા ભાગના લોકો 30મી તારીખે જ ચૂકવણી કરશે એ સ્વાભાવિક છે. આમ ફક્ત BRની વાત કરીને આપણે હર્ષદ મહેતાને દોષી કેવી રીતે માની શકીએ?      

ફ્યૂચર્સની ભારતીય નાણાકીય બજારમાં શરૂઆત 2001માં થઈ હતી. આથી 90ની દાયકામાં ફ્યૂચર્સનો અભાવ હોવાથી તે વખતે જ્યારે ટ્રેડિંગ સેટલમેન્ટ થતુ હતુ ત્યારે 14 દિવસની વિન્ડો હતી. એટલે કે આજે તમે કોઈક ટ્રાન્ઝેક્શન કરો તો તેનુ સેટલમેન્ટ આવતા 14 દિવસે થાય. આજની તારીખમાં ટી+2માં થાય છે. તે વખતે 21 દિવસ સુધી ખેચવાનો પણ વિકલ્પ હતો. તેથી તે વખતે ટ્રેડર્સ શોર્ટ કરતો હતો. તે વખતે ‘બદલા’ મિકેનિઝમ હતું.

‘બદલા’ મિકેનિઝમ બાબતે સમજાવતા સુરજ અમિને કહ્યું કે, આમાં તમે ખરીદદાર હોવ અને હું એક સ્ટોક બ્રોકર હોઉ તો મારી પાસે એક્સચેન્જ દ્વારા એક લીમીટ મળેલી હોય, જો તમને શોર્ટ કરવું હોય તો તમે ન કરી શકો કારણ કે તમારી પાસે બીએસઈની લીમીટ નથી. આમ હું એટલે કે સ્ટોક બ્રોકર પોતાના જોખમે સામી વ્યક્તિનું શોર્ટ કરે. આજની તારીખમાં તમે આને ‘ઓવરડ્રાફ્ટ’ કહી શકો જેમાં તમારી પાસે પૈસા ન હોય તો પણ તમે ખર્ચ કરો છો. ફ્યૂચર અને ઑપ્શન્સ 2001 પછી ભારતીય નાણાકીય બજારમાં યુએસ બજારને જોઈને રજૂ કરવામાં આવ્યા હતા. આમ વેબ સિરીઝમાં મનુ મુંદ્રાનો રોલ ભજવનારા સતિષ કૌશિકનું જે પાત્ર છે તે કોઈ એફએન્ડઓની ગેમ નહીં પરંતુ બદલા મિકેનિઝમની ગેમ હતી.

 

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 12:19 PM IST | Mumbai | Keval Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK