વ્યાજદર ન ઘટતાં રૂપિયો વધ્યો, પાઉન્ડમાં જોરદાર તેજી

Published: Dec 09, 2019, 13:29 IST | Biren Vakil | Mumbai

ફેડની બેઠક, યુકેની ચૂંટણીઓ અને ટ્રેડ ડીલ પર બજારની નજર

ભારતીય રૂપિયો
ભારતીય રૂપિયો

રિઝર્વ બૅન્કે વ્યાજદર યથાવત્ રાખતા બૅન્ક શૅરોમાં ભારે વેચવાલી જોવાઈ હતી. જોકે રૂપિયો ઝડપી સુધર્યો હતો. આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જીડીપી વિકાસદર ૬.૧ ટકાથી ઘટાડીને ૫ ટકા કરતાં શૅરબજારમાં ઉછાળે વેચવાલી હતી. જોકે એફઆઇઆઇની લેવાલીને કારણે ડૉલરનો પુરવઠો સારો હોવાથી રૂપિયો ૭૧.૮૭થી વધીને ૭૧.૧૯ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પાઉન્ડમાં જબ્બર તેજી હતી. શુક્રવારે જોબ ડેટા ૧,૮૯,૦૦૦ના વધારા સામે ૨,૬૬,૦૦૦ આવતા ડૉલર અને ડાઉ વધ્યા હતા.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયાની ચાલ બેધારી રહી છે. રૂપિયો ૭૦.૩૭થી ઘટીને ૭૨.૨૮ થયા પછી ફરી સુધરીને  ૭૧.૧૯ થયો છે. જીડીપીમાં નરમાઈ, ઔદ્યોગિક ઉત્પાદનમાં નરમાઈ અને રાજકોષીય ખાધમાં ચિંતાજનક વધારો જેવા નકારાત્મક કારણોને અવગણીને રૂપિયો મજબૂત રહ્યો છે. ટેક્નિકલી રૂપિયામાં નજીકના સપોર્ટ ૭૧.૧૭, ૭૦.૯૭ અને રેઝિસ્ટન્સ ૭૧.૩૭, ૭૧.૫૮ અને ૭૧.૮૪ છે.

વૈશ્વિક બજારોમાં પાઉન્ડમાં જોરદાર તેજી છે. ગુરુવારે યુકેની ચૂટંણી છે અને એમાં ટોરિ પક્ષે હાલના વડા પ્રધાન બોરિસ જોન્સનને બહુમતી મળે એવા સંકેતો છે. જો લેબર પક્ષને બહુમતી મળે એટલે કે વિપક્ષી નેતા જેરેમી કોરબીનના વડા પ્રધાન બનવાની સંભાવના વધે તો પાઉન્ડમાં મંદીનો કડાકો બોલશે. પાઉન્ડ ૧.૨૬થી એકધારો સુધરીને ૧.૩૪ આવ્યો છે અને આગળ પર ૧.૩૬ સુધીની સંભાવના છે. બોરિસ જોન્સનને નવતરવાદી નેતા નિગેલ ફરાજનો ટેકો છે. યુરોપમાં યુરો પ્રમાણમાં કમજોર રહ્યો છે. પાઉન્ડ સ્ટાર પર્ફોર્મર છે.

ચાલુ સપ્તાહે બજારમાં ઘટનાઓની હારમાળા છે. ૧૧મીએ ફેડનો વ્યાજદર અંગેનો નિર્ણય આવશે. ફેડે તાજેતરમાં કહ્યું છે કે ફુગાવો વધુ પડતો વધે તો પણ ફેડને પરવા નથી. મતલબ કે ફેડ લાંબો સમય વ્યાજદર નીચા રાખવાના મતમાં છે. રેપો ક્રાઇસિસને હલ કરવા, શોર્ટ ટર્મ લિક્વિટિડીની સમસ્યા હલ કરવા ફેડ મહિને ૬૦ અબજ ડૉલરની ટ્રેઝરી સિક્યૉરિટી લે છે. અત્યાર સુધીમાં ૩૬૦ અબજ ડૉલરની ખરીદી કરી છે. ઉપરાઉપરી ત્રણ વ્યાજદર ઘટાડા કર્યા છે. શૅરબજારમાં ફાટફાટ તેજી છે. આવતા મહિને યુરોપ અને જપાનમાં પણ બૉન્ડ ખરીદી અને કયુઇ શરૂ થશે એટલે શૅરબજારોની તેજીને વેગ મળશે. એનો થોડો ઘણો લાભ સોનાને પણ મળશે. જોબ માર્કેટ ફાટીને ધુમાડે ગયું તો પણ ટ્રમ્પ કહે છે કે હજી વ્યાજદર ઘટાડો. બૅન્કો વ્યાજદર ઘટાડાનો કોઈ લાભ વેપારધંધામાં પાસઑન કરતી નથી. પોતાની ખોટ ઘટાડવા અને બેલેન્સશીટ સુધારવામાં જ બૅન્કોને રસ છે.

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતીનું ભાવિ હજી ધૂંધળું લાગે છે. ૧૫મી ડિસેમ્બરે ચીન પર ટૅરિફ વધવાની ડેડલાઇન અગાઉ ચીને સોયાબીન અને અમુક વસ્તુઓ પર ટૅરિફ ઘટાડી છે. સમજૂતી વિશે બેઉ પક્ષો પકડ મુજે, જોર આતા હે કરી કરીને વિલંબ કરે છે એમાં વિકસતા અર્થતંત્રોને મોટો માર પડ્યો છે. ચીનને પણ માર પડયો છે. અમેરિકા અત્યારે માતેલા સાંઢ જેવું થઈ ગયું છે એટલે આખી દુનિયા સાથે શિંગડાં ભરાવ્યા કરે છે. ટ્રમ્પે ફ્રાન્સ પર, આર્જેન્ટિના પર અને બ્રાઝિલમાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર પણ ટૅરિફ લગાવવાનું જાહેર કર્યું છે. જો ૧૫મી ડિસેમ્બરે ટ્રેડ ડીલ ન થાય તો બજારોમાં ફરી વેચવાલી આવી શકે.

દરમ્યાન ઓપેકે ક્રૂડ તેલના ઉત્પાદનમાં માર્ચ ૨૦૨૦ સુધી દૈનિક પાંચ લાખ બેરલનો ઘટાડો કરવાનું નક્કી કરતા અને સાઉદીએ નક્કી કરેલા માપદંડથી ચાર લાખ બેરલ વધારે ઘટાડો કરી કુલ નવ લાખ બેરલ ઉત્પાદન ઓછું કરતાં શુક્રવારે ક્રૂડ તેલ ૬૦ ડૉલર નજીક પહોંચી ગયું હતું. ક્રૂડ તેલની તેજી ભારત, જપાન માટે પ્રતિકૂળ અને કૅનેડા, ઇન્ડોનેશિયા, રશિયા અને અખાતી દેશોનાં અર્થતંત્રો માટે સારી છે. આગામી સપ્તાહે બજારમાં વધ-ઘટ તોફાની રહેવાનો અંદાજ છે. એ પછી નાતાલની રજાઓને કારણે ધીમે-ધીમે સુસ્તી આવશે. સોના-ચાંદી ઘટ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK