Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકામાં બૉન્ડ યીલ્ડ ઊછળતાં રૂપિયો, શૅરબજારો, કૉમોડિટીઝ તૂટ્યાં

અમેરિકામાં બૉન્ડ યીલ્ડ ઊછળતાં રૂપિયો, શૅરબજારો, કૉમોડિટીઝ તૂટ્યાં

01 March, 2021 12:21 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

અમેરિકામાં બૉન્ડ યીલ્ડ ઊછળતાં રૂપિયો, શૅરબજારો, કૉમોડિટીઝ તૂટ્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં ૧૦ વર્ષના બૉન્ડ યીલ્ડ ઝડપી વધીને ૧.૬૧ થઈ જતાં ઇમર્જિંગ શૅરબજારો, સેન્સેક્સ, રૂપિયો, મેટલ્સ, બુલિયન, બિટકૉઇન, કૉટન જેવી અનેક રિસ્કી ઍસેટમાં મોટું કરેક્શન આવ્યું હતું. બૉન્ડ યીલ્ડ છેલ્લે ૧.૬૧ ટકાથી ઘટીને ૧.૪૦ ટકા રહ્યા હતા. શનિવારે ડેમોક્રૅટના પ્રભુત્વ ધરાવતા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવમાં ૧.૯ ટ્રિલ્યન ડૉલરનું રાહત પૅકેજ પાસ થઈ ગયું છે. સેનેટમાં બેઉ પક્ષ પાસે ૫૦ સેનેટર છે, પણ ટાઇબ્રેકર વોટ કમલા હૅરિસ પાસે છે એટલે પૅકેજ પસાર થવામાં મોટા અંતરાય નહીં આવે. સોનું એક તબક્કે ૧૭૧૫ ડૉલર થઈ ગયા પછી ૧૭૩૨ ડૉલર બંધ રહ્યું હતું. દુબઈમાં રવિવારે સોનું મજબૂત હોવાથી લોકલ બજારમાં વેચવાલી નહોતી. કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો એક દિવસમાં ૧૦૦ પૈસા તૂટી એક તબક્કે ૭૪.૧૭ થઈને છેલ્લે ૭૩.૫૭ બંધ હતો. રૂપિયો ચારેક મહિનાથી ૭૨.૫૦-૭૩.૮૦ની મર્યાદિત રેન્જમાં અથડાતો હતો. શુક્રવારે બૉન્ડ યીલ્ડ ૩૫ બેસિસ પૉઇન્ટ વધ્યા હતા, જે ત્રણ વર્ષમાં સૌથી મોટો એકદિવસીય ઉછાળો છે. એક રીતે જોઈએ તો શુક્રવાર રિસ્ક રિવર્સલનો દિવસ હતો. તેજી-મંદીની માત્રા માર્કેટ રિસ્કની પરિભાષામાં ૧.૫-૩ સિગ્મા રેન્જમાં હતી. એટલે કે વૉલેટિલિટી ઘણી મોટી કહેવાય. રૂપિયાનો ઘટાડો વન-ટાઇમ ઇવેન્ટ છે કે હવે રૂપિયાની તેજી પૂરી થવાનો સંકેત છે એ સમજવા બે-ત્રણ દિવસ રાહ જોવી પડે. જીડીપી મંદીમાંથી બહાર નીકળી છે. કૃષિ સેક્ટરનો વિકાસ ઘણો સારો છે, પણ હજી ઘણાં સેક્ટર નબળાં છે.

રાજકોષિય ખાધ, વપરાશી ફુગાવો, ઈંધણના ત્રાહિમામ્ ઊંચા ભાવથી ઍગ્રીગેટ ડિમાન્ડ પર નકારાત્મક અસર થતી હોય છે. ઊંચા ફુગાવા અને નબળી ડિમાન્ડ સ્ટૅગફ્લેશનને નોતરે છે. હાલમાં કોરોના પછીના ન્યુ નૉર્મલમાં વિકસતાં અર્થતંત્રો માટે K રિકવરી છે. ડિજિટલ ઇકૉનૉમી તેજ રફતારથી ઉપર જાય અને મટીરિયલ ઇકૉનૉમી - બ્રિક્સ ઍન્ડ મોર્ટાર ઇકૉનૉમી નીચે જાય. ૧૦૦ નાના કરિયાણાવાળાની દુકાન બંધ થાય અને એક ઑનલાઇન સેલર મોટો થાય એને K શેપ રિકવરી કહી શકાય. હાલપૂરતું રૂપિયામાં ૭૨.૮૫-૭૨.૫૦ સપોર્ટ અને ૭૩.૮૫, ૭૪.૨૦-૭૪.૫૦ રેઝિસ્ટન્સ છે. વૈશ્વિક બજારોમાં બિટકૉઇનમાં ૨૦ ટકા જેવું મોટું કરેક્શન આવતાં ટેસ્લા સહિત ટેક્નૉલૉજી શૅરો તૂટ્યા છે. એની પાછળ નૅસ્ડૅક, કૉપર, મેટલ, રૂપિયો, કૉટન, સોના-ચાંદી - આખી રિસ્કી ઍસેટમાં બાસ્કેટ સેલિંગ આવ્યું હતું. ભારતીય શૅરબજારનો સેન્સેક્સ શુક્રવારે ૧૮૦૦ પૉઇન્ટ તૂટ્યો હતો. કૉપરમાં પણ બે દિવસમાં ૯૫૦૦થી ૮૯૦૦, ટીનમાં ૨૭,૭૦૦થી ૨૫,૪૦૦, ચાંદીમાં ૭૧,૦૦૦થી ૬૭,૦૦૦નો કડાકો આવ્યો હતો. બૉન્ડ યીલ્ડ ૧.૬૩થી ઘટીને પછીથી ૧.૪૦ થયા હતા, પણ બજારમાં હજી ફુગાવાને મામલે અજંપો છે. પૉવેલે ગયા બુધવારે કહ્યું હતું કે ફેડ જોઈએ એટલી લિક્વિડિટી આપશે, પણ બજારને પૉવેલની વાત પર ભરોસો નથી અથવા તો બજાર ઇન્ફ્લેશન રિસ્કને ઓવર-રિએક્ટ કરી રહ્યું છે. બે દિવસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલની તેજી મોટું કરેક્શન છે કે નવી મંદીનો આરંભ છે એનો જવાબ પણ ટૂંક સમયમાં મળી જશે. હાલમાં બિટકૉઇન ૪૪,૦૦૦ છે. જો બિટકૉઇન ૫૦,૦૦૦ ઉપર આવી જાય અને ત્યાં રહે તો તેજી પાછી ફરે. જો બિટકૉઇન ૪૦,૦૦૦ નીચે સ્ટેબલ થાય તો હાલનું કરેક્શન લંબાશે. નાણાપ્રધાન જેનેટ યેલેન આંતરમાળખામાં મોટો ખર્ચ કરવાનો કૉલ આપે છે. બાઇડન સરકારનો ૧.૯ ટ્રિલ્યન કોરોના રિલીફ પ્લાન હાઉસમાં પસાર થઈ ગયો છે. સેનેટમાં પણ નાના-મોટા સુધારા પછી એ પાસ થઈ જશે. આગળ જતાં મેન્યુ સેક્ટરની તેજી મેટલ્સ અને ઇમર્જિંગ બજારોમાં તેજી લાવી શકે. જોકે ટેક્નૉલૉજી સેક્ટર દબાવમાં રહે. ઓલ્ડ ઇકૉનૉમી પાછી જોરમાં આવે.



(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2021 12:21 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK