ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નવી નીચી સપાટીએ, આજે 70 પૈસા તૂટ્યો

Published: Apr 09, 2020, 10:41 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

વૈશ્વિક બજારોમાં મજબૂત ડૉલર, એશિયામાં મોટા ભાગનાં ચલણો ઘટ્યાં વચ્ચે ભારતમાં આજે ડૉલર સામે રૂપિયો ફરી એક વાર સર્વકાલીન નીચી સપાટીએ બંધ આવ્યો હતો.

ડૉલર
ડૉલર

વૈશ્વિક બજારોમાં મજબૂત ડૉલર, એશિયામાં મોટા ભાગનાં ચલણો ઘટ્યાં વચ્ચે ભારતમાં આજે ડૉલર સામે રૂપિયો ફરી એક વાર સર્વકાલીન નીચી સપાટીએ બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો ઘટવાનાં કારણોમાં ભારતમાં કોરોના વાઇરસના કારણે વધી રહેલા કેસો વચ્ચે સરકાર લૉકડાઉનની મુદત વધારે એવી શક્યતા અને ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવ જેવા અન્ય સ્થાનિક પરિબળો પણ જવાબદાર હતા.

આજે ડૉલર સામે રૂપિયો ૭૫.૮૩ની સપાટીએ નરમ ખૂલ્યા પછી ઘટીને ૭૬.૩૪ બંધ આવ્યો હતો. મંગળવારે ૭૫.૬૪ બંધ આવેલો રૂપિયો આજે ૭૦ પૈસા ઘટી ૭૬.૩૪ બંધ આવ્યો છે જે રૂપિયાની ડૉલર સામે ઐતિહાસિક નીચી સપાટી છે. ડૉલર વૈશ્વિક બજારમાં ફરી વધી રહ્યો છે અને ડૉલર ઇન્ડેક્સ ૧૦૦ની નજીક આવી ગયો છે. આ ઉપરાંત ભારતમાં કોરોના વાઇરસના સતત વધી રહેલ કેસના કારણે તા. ૧૪ એપ્રિલે પૂર્ણ થતું લૉકડાઉન વધારવામાં આવે તેવી શક્યતા છે. લૉકડાઉનના કારણે ભારતીય અર્થતંત્રમાં મોટો ફટકો પડશે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નાણાખાધ વધી રહી છે એટલે ડૉલર સામે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૦ની શરૂઆતે ડૉલર સામે રૂપિયો ૭૧.૩૮ની સપાટી ઉપર હતો. ક્રૂડ ઑઈલના ભાવ વૈશ્વિક મંદીના કારણે ૫૫ ટકા જેટલા ઘટ્યા હોવા છતાં ભારતનો રૂપિયો શૅરબજારમાંથી વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી અને નબળા પડી રહેલા અર્થતંત્રના કારણે ઘટી રહ્યો છે. ડૉલર સામે રૂપિયો આ વર્ષે ૬ ટકા જેટલો ઘટી ગયો છે.

એશિયાઈ ચલણો ડૉલર સામે નરમ

એશિયામાં મોટા ભાગના ચલણ ડૉલર સામે ઘટેલા જોવા મળ્યા હતા. વૈશ્વિક રીતે કોરોના વાઇરસના કારણે વધી રહેલા કેસ અને મૃત્યુની સંખ્યાની અસર વચ્ચે માનસ જોખમથી દૂર રહેવાનું જણાય આવે છે. ડૉલર વૈશ્વિક કરન્સી બજારમાં સૌથી મજબૂત ચલણ છે એટલે એશિયાનાં નબળાં ચલણો અને તે ચલણોની અસ્કયામતો વેચી ડૉલર એકત્ર કરવાની વૃત્તિ જોવા મળી રહી છે.

આજે ડૉલર સામે યેન ૦.૧૭ ટકા ઘટી ૧૦૮.૮૮, સિંગાપોર ડૉલર ૦.૩૦ ટકા ઘટી ૧.૪૨૭, થાઈલૅન્ડનો ભાત ૦.૧૨ ટકા હતી ૩૨.૭૯૦, ફિલિપાઈન્સનો પેસો ૦.૨૦ ટકા ઘટી ૫૦.૬૧ ઇન્ડોનેશિયાનો રૂપિયો ૦.૬૫ ટકા ઘટી ૧૬૨૩૦, મલેશિયન રિંગિટ ૪.૩૩૫ ઉપર સ્થિર જ્યારે ચીનનો યુઆન ૦.૩૦ ટકા ઘટી ૭.૦૬૬ની સપાટીએ બંધ આવ્યા હતા.

ચાલુ કેલેન્ડર વર્ષમાં ઇન્ડોનેશિયાનો રૂપિયો ડૉલર સામે ૧૪.૪૮ ટકા ઘટી ગયો છે અને એશિયામાં સૌથી નબળું ચલણ છે. આ ઉપરાંત સિંગાપોર ડૉલર ૫.૮૧ ટકા, કોરિયન વોન ૫.૧૧ ટકા, થાઈલૅન્ડનો ભાત ૮.૭૮ ટકા, મલેશિયાનો રિંગિટ ૫.૬૭ ટકા અને ચીનનો યુઆન ૧.૪૫ ટકા ઘટી ગયા છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK