Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયામાં શાનદાર તેજી, યુરોમાં સાર્વત્રિક નરમાઈ - સોનું ૧૮૦૦ ડૉલરને પાર

રૂપિયામાં શાનદાર તેજી, યુરોમાં સાર્વત્રિક નરમાઈ - સોનું ૧૮૦૦ ડૉલરને પાર

06 July, 2020 02:43 PM IST | Mumbai Desk
Biren Vakil | vakilbiren@gmail.com

રૂપિયામાં શાનદાર તેજી, યુરોમાં સાર્વત્રિક નરમાઈ - સોનું ૧૮૦૦ ડૉલરને પાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લદાખ સરહદે લશ્કરી કુમકોમાં વધારો, સાઉથ ચાઇના સીમાં અમેરિકા અને ચીનની લશ્કરી કવાયતો, ઇરાનના અણુમથક પર ઇઝરાયલનો કથિત હુમલો, હૉન્ગકૉન્ગની સ્વાયતત્તા ખતમ કરવા સાથે જ હૉન્ગકૉન્ગમાં સરમુખત્યારશાહીનું પાછલા બારણે પગરણ થઈ ગયું છે. સામૂહિક ધરપકડો શરૂ થઈ છે. જપાન નજીક ચીની યુદ્ધજહાજોની હાજરી દેખાઈ છે. ચીની લશ્કરી વિમાનો તાઇવાનની હવાઇ સરહદ ઓળંગી રહ્યાં છે. સિરિયા-લિબિયા-ટર્કી-રશિયા વચ્ચે બહુપક્ષીય સંઘર્ષ ચાલુ છે. નોર્થ કોરિયા પણ યુદ્ધખોર ભાષામાં વાત કરે છે. એશિયા મિલિટરી હૉટ-સ્પૉટ બની ગયું છે અને સ્થિતિ સ્ફોટક છે. આર્કટિક, બાલ્ટિક સી નજીક કાલિનીગ્રેડ રશિયન બેઝમાં લશ્કરી હિલચાલ વધી ગઈ છે. ભીતરમાં અશાંતિનો લાવા ધગે છે.
બજારની વાત કરીએ તો રૂપિયામાં શાનદાર ઉછાળો હતો. રિઝર્વ બૅન્ક રૂપિયાની ઝડપી તેજી રોકવા ડૉલર ખરીદી કરી રહી હતી, પણ એની પાસે ત્રણેક માસમાં અંદાજે ૫૦ અબજ ડૉલર જમા થઈ જતા અને ખપત કરતાં આવક વધારે હોઈ એણે ડૉલર લેવાનું બંધ કરતાં રૂપિયો ઝડપી ૧૦૦ પૈસા સુધર્યો હતો. ત્રણ માસથી સોનાની આયાત બંધ છે. ચીન સાથેના તનાવ પછી ચીની કન્ઝ્યુમર ગુડઝની આયાત પણ થોડી ઘટી છે. ચાલુ વરસે જિયો ડિજિટલ સહિત ભારતીય ટેલિકૉમ સેક્ટરમાં અંદાજે ૧૫ અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે જે આખા વિશ્વમાંથી ૫૦ ટકા રોકાણ છે. આમ ડૉલરમાં માગ કરતાં પુરવઠો વધારે છે. શૅરબજારમાં તેમ જ ડેટ માર્કેટમાં પણ વિદેશી રોકાણ ચાલુ છે. ચીનમાંથી ઘણીખરી કંપનીઓ ઉચાળા ભરી ભારતને એક પ્રોમિસિંગ તક ગણે છે. હાલમાં કોરોના કેસને કારણે સ્લોડાઉન છે. સમસ્યાઓ ઘણી છે, પણ એક વાર કોરોનાની રસી આવી જાય પછી સુધારો પણ ઝડપી હશે. અમેરિકામાં ઘરેલુ રોકડ-નાગરિકોના હાથમાં કૅશ ૧૯૯૨ પછી સૌથી વધુ છે. હેજફંડો, ફૅમિલી, ઑફિસ પાસે અઢળક નાણાં છે. આમાંનાં એક ટકા નાણાં પણ ભારતમાં આવે તો અર્થતંત્ર માટે મોટો બુસ્ટર ડૉઝ થાય.
કોરોનાની વાત કરીએ તો અમેરિકામાં કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. ભારતમાં પણ કેસ વધતા જાય છે, પણ હવે કોરોનાનો ડર ઓસરતો જાય છે. લોકો સાવચેતી સાથે કામ પર પાછા ફરતા થયા છે. અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણીસભામાં ટ્રમ્પ પોતે અને એના ચાહકો પણ માસ્ક પહેર્યા વિના ફરે છે. આવી બેદરકારીથી કેસ ન વધે તો જ નવાઈ. કોરોના વેક્સિન માટે ૧૭૦ કંપનીઓ રેસમાં છે. નવેમ્બરની અમેરિકા પ્રમુખપદની ચૂંટણી પહેલાં રસી આવી જશે એમ કહેવું ઉતાવળીયું ન ગણાય. આર્થિક મોરચે અમેરિકામાં રીકવરી ઘણી સારી છે. જૂન માસમાં ૪૮ લાખ નોકરીઓનું સર્જન થયું તે મે માસમાં ૨૭ લાખ હતું. બેકારીદર ૧૩.૩ ટકાથી ઘટીને ૧૧.૧ ટકા થયો. ઓદ્યોગિક ઉત્પાદનનો ઇન્ડેકસ પણ ૫૦ ઉપર આવ્યો છે. શૅરબજારમાં ફાટફાટ તેજી છે. નાસ્દાક સતત નવા હાઈ બનાવે છે.
યુરોપમાં બ્રેક્ઝિટ ડેડલાઇન કોઈ અફરાતફરી વિના પૂરી થઈ ગઈ છે. હવે બેઉ દેશો માટે ટ્રેડ ડીલ થવાની શકયતા ઓછી છે. યુકે પોતાની રીતે દ્વિપક્ષીય વેપારી સમજૂતીઓ કરી રહ્યું છે. યુકે છૂટું થતાં યુરોપિયન યુનિયન પર નાણાકીય બોજો વધશે. આ સપ્તાહે યુરો ડૉલર અને રૂપિયા સામે નોંધપાત્ર ઘટ્યો છે. હજી પણ વધુ ઘટાડો આવી શકે. જર્મનીએ મોડા મોડા સ્ટિમ્યુલસ ચાલુ કર્યા છે એટલે યુરોપમાં સરકારી દેવાં વધશે અને યુરોને થોડો નબળો પાડશે. યુરો રૂપિયા સામે ૮૬.૫૦થી ઘટીને ૮૩.૫૦ થયો છે. આગળ પર ૮૨.૨૦-૮૧.૫૦ થઈ શકે. પાઉન્ડ ડૉલર સામે ટકેલો હતો પણ રૂપિયા સામે નરમ હતો. પાઉન્ડ ૯૩.૫૦ બંધ હતો અને આગળ પર ૯૧.૫૦-૯૨ થઈ શકે છે. ડૉલર સામે યુરો ૧.૧૧૩૦-૧.૧૩૦૦ની રેન્જમાં છે અને પાઉન્ડની રેન્જ ૧.૨૨-૧.૨૬ છે. પાઉન્ડ આગળ જતાં ૧.૨૦૦૦ અને યુરો ૧.૧૧૦૦ તોડી શકે. ડોલેકસ ૯૭.૫૦ આસપાસ મર્યાદિત રેન્જમાં છે. કૉમેકસ સોનું ૧૮૦૦ ડૉલર વટાવી ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 02:43 PM IST | Mumbai Desk | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK