Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અગમચેતીના પગલારૂપે ફેડ દ્વારા વ્યાજદરમાં ઓચિંતો ઘટાડો

અગમચેતીના પગલારૂપે ફેડ દ્વારા વ્યાજદરમાં ઓચિંતો ઘટાડો

09 March, 2020 03:42 PM IST | Mumbai Desk
Jitendra Sanghvi

અગમચેતીના પગલારૂપે ફેડ દ્વારા વ્યાજદરમાં ઓચિંતો ઘટાડો

રિઝર્વ બૅન્ક

રિઝર્વ બૅન્ક


દિવસે-દિવસે પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. આ વરસની શરૂઆતમાં ચીનના વુહાન પ્રાંતમાં પહેલી વાર દેખાયેલ કોરોના વાઇરસ અઢી મહિનાથી ઓછા સમયમાં વિશ્વના ૯૧ જેટલા દેશોમાં ફેલાઈ ગયો છે. એક લાખ જેટલા કેસ નોંધાયા છે જેમાંના ૩૪૦૦ જેટલા જીવલેણ સાબિત થયા છે. 

આ વાઇરસનો ઉદ્ભવ જ્યાં થયો એ ચીનમાં ૮૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે જેમાંના ૩૦૦૦થી વધુ જીવલેણ નીવડ્યા છે. વધારે અસરગ્રસ્ત થયેલા દેશોમાં દક્ષિણ કોરિયા (૫૦૦૦ પ્લસ), ઇટલી (૨૫૦૦ પ્લસ) તથા જપાન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં આવા કેસ ૧૦૦નો આંક ઓળંગી ગયા છે. ઑસ્ટ્રેલિયા પણ એમાંથી બાકાત નથી. ભારતમાં આ આંક ૩૧નો છે. આમ આ વાઇરસનો સ્પ્રેડ એક પછી એક દેશોમાં જ નહીં, એક પછી એક કૉન્ટિનેન્ટ (ખંડ)માં પ્રસરતો જાય છે. એશિયા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર તથા દક્ષિણ અમેરિકા આ ખંડો વધુ પ્રભાવિત થયા છે. ગ્લોબલાઇઝેશનના અનેક પ્લસ પૉઇન્ટ સામે એક દેશમાં શરૂ થતી સ્થાનિક સમસ્યા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી શકે એ એનો માઇનસ પૉઇન્ટ ગણાય.



આપણા દેશની વાત કરીએ તો આ વાઇરસનો ચેપ ઝડપથી ફેલાય તો વિશ્વમાં ચીન પછી બીજા નંબરની ગીચ વસ્તી ધરાવતા ભારત માટે ઉપર દર્શાવેલ તબીબી ઉપચારો માટેની તદ્દન નબળી અને ઓછી સગવડોને કારણે આપણે માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે.
મેક્રો લેવલે કોઈ પણ દેશના આર્થિક વિકાસનો દર પા કે અડધો ટકો ઘટે એનાથી પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ઓછો આવે, પણ માઇક્રો લેવલના આંકડા સાચી સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. વાઇરસની સૌથી મોટી અસર ટૂરિઝમ ઉદ્યોગ પર પડી છે જેની સીધી અસર એવિયેશન (ઍરલાઇન્સ) ઇન્ડસ્ટ્રી પર છે. એક આધારભૂત અંદાજ પ્રમાણે ૨૦૨૦માં વિશ્વની એવિયેશન ઇન્ડસ્ટ્રીના રેવન્યુમાં ૧૧૩ બિલ્યન ડૉલર જેટલો ઘટાડો થશે અને એનાથી ઍરલાઇન્સને ૨૯ બિલ્યન ડૉલરનું નુકસાન થશે. એવિયેશન ફ્યુઅલના ભાવ ન ઘટ્યા હોત તો ઍરલાઇન્સના નુકસાનમાં વધારો થાત.


જે ઝડપે વાઇરસ ફેલાઈ રહ્યો છે એ જોતાં ૨૦૨૦ના ત્રીજા ક્વૉર્ટરના મધ્ય ભાગ સુધી વિશ્વના અર્થતંત્રના સુધારાની સંભાવના નથી. પરિસ્થિતિ સુધરવાની શરૂઆત ડિસેમ્બર ક્વૉર્ટરમાં સંભળી શકે. પરિસ્થિતિ વધારે બગડે તો ૨૦૨૦માં મંદી પણ આવી શકે.
એકલા મુંબઈ ઍરપોર્ટ પર ઊતરનાર રોજના ૮૦,૦૦૦થી વધુ મુસાફરોના સ્ક્રીનિંગને કારણે અને અમુક દેશ (ઇટલી, ઈરાન, જપાન અને દક્ષિણ કોરિયા)ના નાગરિકોના વિઝા રદબાતલ કરાતાં ટૂરિઝમ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પર એની ગંભીર અસર પડી રહી છે. શૅરબજારનું રોકાણ તો બૉટમલેસ પીટ જેવું સાબિત થઈ રહ્યું છે. યસ બૅન્કના ધબડકાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું.

બીજી તરફ અપવાદરૂપે સુખી માણસો ટ્રાવેલ રદ કરવાને બદલે કે ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરવાને બદલે પ્રાઇવેટ અને ચાર્ટર્ડ પ્લેનમાં પણ ઊડી રહ્યા છે. તેઓ તેમની યાત્રા રદ કરવાને બદલે એનું સ્થળ કે દેશ બદલીને કોરોના વાઇરસથી હજી સુધી અસરગ્રસ્ત ન થયા હોય એવા દેશ પસંદ કરે છે. એથી પણ વધુ સાધનસંપન્ન લોકો વાઇરસથી બચવા માટે પોતાના નિવાસસ્થાનને જ સૈન્ય માટે તૈયાર કરાતા જરૂરી બધી સાધનસામગ્રીથી સજ્જ એવા બૉમ્બપ્રૂફ ભોંયરા (બંકર) તૈયાર કરીને જાતને સલામત બનાવતા હોવાના છૂટાછવાયા સમાચાર પણ વાંચવા મળે છે.


જુદા-જુદા દેશોને થઈ રહેલી કોરોના વાઇરસની ઓછી-વધતી અસર વચ્ચે અમેરિકાનું અર્થતંત્ર સ્થિર હોવા છતાં ફેડરલ રિઝર્વે એની નિર્ધારિત મીટિંગનાં બે અઠવાડિયાં પહેલાં ગયા અઠવાડિયે વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે અમેરિકાના વ્યાજના દર ઘટીને ૧થી ૧.૨૫ ટકા જેટલા થયા છે. ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. ફેડના ચૅરમૅને અમેરિકન અર્થતંત્ર સામે ઊભા થયેલા અને સતત ચાલુ રહેલા જોખમને ટાળવા માટે, અર્થતંત્રના વિસ્તરણના સૌથી લાંબા તબક્કાને જારી રાખવા માટે, ભાવોની સ્થિરતા માટે અને નોકરીઓ જાળવી રાખવા માટે (અમેરિકામાં બેરોજગારીનો દર ૫૦ વરસનો સૌથી નીચો છે) આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. અમેરિકન અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ મજબૂત છે એટલે આ પગલું અગમચેતીરૂપે ‘પાણી પહેલાં પાળ બાંધવા’ જેવું ગણાવ્યું છે.

જેરોમ પૉવેલના અધ્યક્ષપદ હેઠળ ફેડે પ્રથમ દિવસથી જ મૉનિટરી પૉલિસી હળવી કરવાના અને વ્યાજના દર વધુ પડતા ઘટાડવાની નીતિ ખોટી હોવાનો મત આપ્યો છે. ૨૦૧૯માં વ્યાજના દર ત્રણ વાર ઘટાડ્યા પછી ૨૦૨૦ (અમેરિકામાં પ્રમુખની ચૂંટણીનું વરસ)માં વ્યાજના દર ઘટાડવાની શક્યતા નથી એવી જાહેરાત અગાઉ ફેડ ચૅરમૅને કરી હતી. એમ છતાં વ્યાજના દરમાં અડધા ટકાનો ઘટાડો અને એ દ્વારા ધિરાણ સસ્તું બનાવવાની ગણતરી કોરોના વાઇરસને કારણે ઊભો થયેલ વિશ્વવ્યાપી મંદીનો ડર હોવાથી વિશ્વના અનેક દેશોમાં જુદાં-જુદાં ક્ષેત્રોની આર્થિક પ્રવૃત્તિઓ લકવાગ્રસ્ત બનતી જાય છે.

વ્યાજદરનો અડધા ટકાનો ઘટાડો ફેડ માર્કેટ કમિટીના સભ્યોની સર્વાનુમતીએ કરાયો છે અને એને વિશ્વની બીજી સેન્ટ્રલ બૅન્કો અનુસરે એવો સંકેત પણ મનાય છે. ઑસ્ટ્રેલિયા તથા મલેશિયાની સેન્ટ્રલ બૅન્કોએ ફેડને પગલે વ્યાજના દર ઘટાડ્યા છે. અમેરિકામાં વાઇરસે દરદીઓનો ભોગ લીધાની શરૂઆત અને વિશ્વના અન્ય દેશોમાં વાઇરસ ફેલાવાની વધતી જતી ઝડપે અમેરિકનોનો વિશ્વાસ ડગી ન જાય અને તેમની આર્થિક પ્રવૃત્તિઓ ઠપ ન થઈ જાય એ કારણે ફેડરલ રિઝર્વે એનો અગાઉનો અભિપ્રાય બદલ્યો છે. વ્યાજના આ ઘટાડાની ખાસ અસર પબ્લિક હેલ્થ ઇમર્જન્સી પર ન પડે તો પણ કન્ઝ્યુમર અને બિઝનેસ સેન્ટિમેન્ટ ટકાવી રાખવા અને સુધારવા માટે આ પગલું લેવાયું છે. વાઇરસની અસર ઓછી કરવા માટે ટ્રમ્પે ૮.૩ બિલ્યન ડૉલરનું બિલ પાસ કર્યું છે.

વિદેશોમાંથી આવતા કાચા માલનો પુરવઠો ખોરવાઈ ગયો હોય ત્યારે ઘટાડેલા વ્યાજના દર અમેરિકાની ફૅક્ટરીઓ ચાલુ કરવામાં ઓછી મદદ કરી શકે અને વાઇરસના ફેલાવાના ડર વચ્ચે કન્ઝ્યુમરને શૉપિંગ માટે પ્રોત્સાહન પણ ન જ આપી શકે. તો પણ વ્યાજના દરના ઘટાડા દ્વારા નાણાકીય પરિસ્થિતિ હળવી બનતાં દેવાની ચુકવણી સરળ બની શકે અને સ્ટૉક માર્કેટની વૉલેટિલિટી ઘટી શકે જે મૂડીરોકાણકારોનો વિશ્વાસ ટકાવી શકે. ૨૦૨૦ના પૂર્વાર્ધ (જૂન સુધી)માં વિશ્વનું અર્થતંત્ર નબળું પડતું જણાય તો ફેડ વ્યાજના દરમાં હજી બીજા અડધા ટકા જેટલો ઘટાડો કરશે.

વિશ્વની અન્ય સેન્ટ્રલ બૅન્કો સાથે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ પૉલિસી રેટના ઘટાડા દ્વારા અર્થતંત્રને નાણાકીય સ્ટિમ્યુલસ પૂરું પાડવાની અને એ દ્વારા ભારતના અને વિશ્વના અર્થતંત્ર પર પડનારી કોરોના વાઇરસની અસર ઓછી કરવાની વાત કરી છે. રિઝર્વ બૅન્કની પૉલિસી કમિટીની હવે પછીની એપ્રિલમાં મળનારી મીટિંગને લગભગ એક મહિનાની વાર છે. ભારતના અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસર વધતી જણાય તો રિઝર્વ બૅન્ક પણ એપ્રિલની મીટિંગ પહેલાં વ્યાજના દર ઘટાડવાનું પગલું ભરે તો નવાઈ નહીં.
જોકે ભારતમાં વ્યાજના દર ઘટાડવાનો કેસ બહુ સ્પષ્ટ નથી. ક્રૂડના ભાવો ઘટીને બેરલદીઠ ૪૫ ડૉલર થઈ ગયા છે તો પણ ભારત માટે ભાવવધારાનું જોખમ તો માથા પર ઊભું જ છે. રૂપિયાની બાહ્ય કિંમત પણ ઘટતી જાય છે. દેખીતી રીતે જ રિઝર્વ બૅન્ક ભાવવધારાની જે સમસ્યાનો સામનો કરી રહી છે એ સમસ્યા ફેડરલ રિઝર્વને નડતી નથી છતાં કોરોના વાઇરસનું મોટું જોખમ ઊભું થાય તો આ બધાં સમીકરણો બદલાઈ શકે.

વ્યાજના દરના આવા અણધાર્યા ઘટાડા (ફેડરલ રિઝર્વનો બે માર્કેટ કમિટીની નિર્ધારીત મીટિંગો વચ્ચેનો ૨૦૦૮ની નાણાકીય કટોકટી પછીનો પ્રથમ ઘટાડો) અર્થતંત્ર પરના જોખમ વિશે ગભરાટ ઊભો કરે અને સ્ટૉક માર્કેટમાં પૅનિક સેલ શરૂ ન થઈ જાય એ માટે વિશ્વની કેટલીક સેન્ટ્રલ બૅન્કો ‘વેટ ઍન્ડ વૉચ’ની નીતિ પણ અપનાવવાની જ.

એક બાજુ ફિસ્કલ પૉલિસીના ફેરફાર કાયદાની ગૂંચમાં અટવાય છે અને પાર્લામેન્ટ (લોકસભા અને રાજ્યસભા હોય કે સેનેટ અને કૉન્ગ્રેસ હોય)ની પ્રક્રિયા કે વિધિમાંથી પસાર થવામાં સમય લાગતો હોવાથી ધીમી ગતિએ થાય છે. તો બીજી તરફ મૉનિટરી પૉલિસીના ફેરફાર (જ્યાં સેન્ટ્રલ બૅન્કો પર નાણાં મંત્રાલયનો પ્રભાવ કે દબાણ ન હોય ત્યાં) ઝડપી હોય છે, પણ એની અસર બૅન્કોના ધિરાણ માટેના વ્યાજદર પર થતા અને એ દ્વારા અર્થતંત્રને સ્લોડાઉનની અસરમાંથી ઉગારવામાં સમય લાગે છે.

૨૦૦૮ની કટોકટી પછીનાં વરસોમાં અર્થતંત્રને બેઠું કરવા માટે ઘણી સેન્ટ્રલ બૅન્કોએ તેમના ભાથામાં રહેલ હથિયારનો (વ્યાજના દરના ઘટાડા અને લિક્વિડિટી પૂરી પાડવા દ્વારા) ઉપયોગ કરી લીધો હોય એટલે પણ આવી સેન્ટ્રલ બૅન્કો હવે પછીનાં પગલાં લેતાં વિચાર કરવાની. આવાં નવાં પગલાં ડિઝાઇન કરાય કે એની ક્ષમતા અને અસરકારકતા તપાસાય એ દરમ્યાન આવી સેન્ટ્રલ બૅન્કો જે-તે દેશની સરકાર હાલની આર્થિક કટોકટી, મંદી કે સ્લોડાઉન નિવારવાનાં પગલાં લેવાની પહેલ કરે એવું પણ વિચારતી હોય. આવી સેન્ટ્રલ બૅન્કો (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આમાંની એક છે) માર્કેટના, મીડિયાના કે ફેડના દબાણ સામે કેટલો વખત ઝઝૂમી શકશે એ હવે આવનાર સમય જ કહી શકશે.

સામાન્ય રીતે સેન્ટ્રલ બૅન્કો જે-તે દેશની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મૉનિટરી પૉલિસી (વ્યાજના દર)માં ફેરફાર કરતી હોય છે, પણ જ્યારે વિશ્વવ્યાપી અસર કરે એવી ઘટનાઓ બને ત્યારે આવી બૅન્કો એકસૂરમાં એકબીજાના સંપર્કમાં રહીને પગલાં લેતી હોય છે. ૨૦૦૮ની નાણાકીય કટોકટી કે ૨૦૧૧નો જપાનનો ધરતીકંપ આના નજીકના ભૂતકાળનાં ઉદાહરણો છે.

ફેડના અણધાર્યા કટથી સ્ટૉક માર્કેટ પ્રાથમિક રીઍક્શનમાં ઊંચકાયું, પણ ત્યાર બાદ અમેરિકાના સ્ટૉક ઇન્ડેક્સમાં ૩ ટકાનો ઘટાડો થયો. ૧૦ વરસના યુએસ ટ્રેઝરી બિલ પરનું વળતર પહેલી વાર ઘટીને એક ટકાથી ઓછું થયું એ પણ કોરોના વાઇરસના ફેલાવાને લીધે વિશ્વ આર્થિક મંદીમાં ફસાય તો શું એવો હાઉ ઊભો થવાને કારણે.

સરકાર અને પ્રજા જેટલા વધુ જાગૃત બનશે અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાનાં આગોતરાં પગલાં લેશે એટલી અસર કોરોના વાઇરસની ઓછી થશે. એકસ્ટ્રા-ઑર્ડિનરી સિચ્યુએશન રીક્વાયર્સ એક્સ્ટ્રા ઑર્ડિનરી મેઝર્સ.

Whatsapp-channel Whatsapp-channel

09 March, 2020 03:42 PM IST | Mumbai Desk | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK