સપ્તાહની ચાલ ને મુરતના મૂડનો આધાર રિઝર્વ બૅન્ક ને યુરોપ પર

Published: 24th October, 2011 20:00 IST

કાલે પૂર્ણ થતું ઑક્ટોબર સેટલમેન્ટ, જાહેર થનાર રિઝર્વ બૅન્કની નીતિ અને બુધવારે યુરોપની આર્થિક કટોકટીનો નિવેડો કેવો આવે છે એ બાબત બજારનો ટ્રેન્ડ ડિસાઇડ કરશે(શૅરબજારનું ચલકચલાણુ - અનિલ પટેલ)

વૉલેટિલિટી વચ્ચે નબળા ટ્રેન્ડમાં ગત સપ્તાહે પોણાબે ટકા કે ૧૯૭ પૉઇન્ટની પીછેહઠમાં પૂરું થયું છે. નવું સપ્તાહ મુરત સેશનને બાદ કરો તો ત્રણ દિવસનું છે. ઘટનાસભર આ સપ્તાહનો મુખ્ય મદાર બૅન્કરો પર રહેશે. ઘરઆંગણે પચીસ ઑક્ટોબરના રોજ નાણાનીતિની અર્ધવાર્ષિક સમીક્ષા છે. અઢારેક મહિનામાં ડઝન વાર વ્યાજદરનો વધારો કર્યા પછી રિઝર્વ બૅન્ક કડક નાણાનીતિનો સિલસિલો આગળ ધપાવે છે કે પછી બ્રેક લે છે એના પર સૌની નજર છે. છ મહિના પછી ફુગાવો ફરી ડબલ ડિજિટે પહોંચી ગયો હોવાથી વ્યાજદરમાં ૦.૨૫ ટકાના વધારાની સંભાવના છે. આમ છતાં અર્થતંત્રમાં 

સ્લો-ડાઉનની સ્થિતિ જોતાં એક વર્ગ એવું માને છે કે મધ્યસ્થ બૅન્ક આ વખતે થાકોડો ખાશે. ઔદ્યોગિક વિકાસદર ત્રણ-ચાર ટકાના તળિયે આવી ગયો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામોમાં ખુશી કમ જ્યાદા ગમ જેવી હાલત છે. નવું મૂડીરોકાણ લગભગ સ્થગિત છે. હાથ પરના પ્રોજેક્ટોના અમલની કોઈને ઉતાવળ નથી. પશ્ચિમી વિશ્વ રિકવરીની વાતો છોડી હવે

ડબલ-ડીપ રિસેશન છે કે નહીં એની વિમાસણમાં પડ્યું છે. ડૉલર સામે રૂપિયો ૫૦ને ભેદી ૩૦ મહિનાની ખાઈમાં પડ્યો છે. છેલ્લા અઢીએક મહિનામાં જ રૂપિયો સવાતેર ટકા ધોવાયો છે. મતલબ કે અર્થતંત્રમાં કૉસ્ટ-પુશ ઇન્ફ્લેશનને નવું કારણ મળશે. વળી તાજેતરમાં જ ઇન્ડોનેશિયા, પાકિસ્તાન તથા સાઉથ કોરિયા જેવા દેશોની મધ્યસ્થ બૅન્કોએ ઘરઆંગણે

સ્લો-ડાઉનથી ચિંતિત બની વ્યાજદરમાં વધારાની નીતિ બાજુ પર મૂકી દીધી છે. રિઝર્વ બૅન્ક પણ આ માર્ગે જાય તો નવાઈ નહીં. ફુગાવા સામે લડવાનો ઠેકો રિઝર્વ બૅન્કે થોડો લીધો છે? કેન્દ્ર સરકાર અમારી પાસે જાદુઈ લાકડી નથી એમ કહીને ફુગાવા સામે ખુલ્લેઆમ લાચારી વ્યક્ત કરી દેતી હોય તો પછી રિઝર્વ બૅન્કે કેસરિયા નીતિને વળગી રહેવાની કોઈ જરૂર નથી. રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં વધારો કરવાની નીતિને બ્રેક મારશે તો એ આ વેળા શૅરબજાર માટે દિવાળી-બોનસ પુરવાર થશે. યુરો-ઝોનની કટોકટી માટે ખાસ ભંડોળનો માર્ગ વિચારી કાઢવા ત્યાંના નેતાઓ તથા નીતિઘડવૈયા બૅન્કરોની મીટિંગો ચાલી રહી છે. પાકો નર્ણિય

તો બુધવારે આવવાના નર્દિેશો છે. દેશ-દુનિયાનાં શૅરબજારો એના તાલે ઉપર-નીચે થશે ત્યાર પછી બુધવારે સંયુક્ત સ્ટેટમેન્ટ જારી કરાશે, જે બજારની ટૂંકા ગાળાની રૂખ નક્કી કરશે. મંગળવારના રોજ પચીસમીએ જ એફ ઍન્ડ ઓનું સેટલમેન્ટ છે. રિઝર્વ બૅન્કની નીતિના આધારે એમાં એકતરફી 

મોટી ચાલ જોવા મળે એવો સંભાવ છે. ૪૮૦૦ કે ૫૧૦૦ની ઉપરનો નિફ્ટી એ દિવસે ફાઇનલ થશે. ૨૬ ઑક્ટોબરના રોજ શૅરબજાર બંધ છે, પરંતુ સાંજે પોણા સાતથી આઠ વાગ્યા સુધી ખાસ મુહૂર્તસત્ર છે. મંગળવારની રહી ગયેલી કસર એ દિવસે ખેલાડીઓ પૂરી કરશે. નવા સપ્તાહે આઇટીસી, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, ડૉ. રેડ્ડીઝ લૅબ, કોટક મહિન્દ્ર બૅન્ક, યુનિયન બૅન્ક, મારુતિ સુઝુકી, એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ, ટાઇટન, એનટીપીસી ઇત્યાદિનાં પરિણામ છે. સ્ટૉક સ્પેસિફિક મૂવમેન્ટ શક્ય છે. ગત સપ્તાહે ચાઇનીઝ માર્કેટ ૪.૪ ટકા, હૉન્ગકૉન્ગ ૨.૬ ટકાના ઘટાડે વસ્ર્ટ પર્ફોર્મર રહ્યાં છે. ૧.૯ ટકાના જમ્પ સાથે રશિયન બજારે બેસ્ટ પર્ફોર્મર તરીકેની હૅટ-ટ્રિક મારી છે.

કંપની પરિણામો

  • એચડીએફસી બૅન્કે ક્વૉર્ટરલી ગાળામાં ૪૦ ટકાના વધારા સાથે ૬૭૧૮ કરોડ રૂપિયા જેવી આવક પર ૩૧ ટકાના વૃદ્ધિદરથી ૧૧૯૯ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે.
  • ટૉરન્ટ ફાર્માએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે ૧૯ ટકાના વધારા સાથે ૬૫૮ કરોડ રૂપિયાની આવક પર ૩૧ ટકાના વૃદ્ધિદરથી ૧૦૦ કરોડ રૂપિયા જેવો ચોખ્ખો નફો મેળવ્યો છે.
  • ક્રૉમ્પ્ટન ગ્રીવ્સે ક્વૉર્ટરલી ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે ૧૨.૭ ટકાના વધારા સાથે ૨૭૨૭ કરોડ રૂપિયાની આવક કરી છે, પણ નેટ પ્રૉફિટ ૪૫ ટકા ઘટીને ૧૧૭ કરોડ રૂપિયાની નીચે જોવા મળ્યો છે.
  • બજાજ ફાઇનૅન્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૫૧ ટકાના વધારા સાથે ૪૫૧ કરોડની આવક પર ૬૬ ટકાના વૃદ્ધિદરથી ૮૭૩૭ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે.
  • હેક્સાવેર ટેક્નૉલૉજીઝે કન્સોલિડેટેડ ધોરણે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૬૬ કરોડ રૂપિયાની (૨૮૨ કરોડ રૂપિયા) આવક પર ૬૪૭૦ લાખ રૂપિયા (૪૨૦૪ લાખ રૂપિયા) નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે.
  • કેસીપી શુગર દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪૦ ટકાના વધારા સાથે ૮૧૩૬ લાખ રૂપિયાની આવક પર ૨૭૦ ટકાના વૃદ્ધિદરથી ૧૦૯૫ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો હાંસલ કરવામાં આવ્યો છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK