Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રોકાણકારોમાં IPOની બોલબાલા: જોકે સેકન્ડરી માર્કેટમા છે ટ્રિગરનાં ફાંફાં

રોકાણકારોમાં IPOની બોલબાલા: જોકે સેકન્ડરી માર્કેટમા છે ટ્રિગરનાં ફાંફાં

14 September, 2020 05:00 PM IST | Mumbai
Jayesh Chitalia

રોકાણકારોમાં IPOની બોલબાલા: જોકે સેકન્ડરી માર્કેટમા છે ટ્રિગરનાં ફાંફાં

શૅર માર્કેટ

શૅર માર્કેટ


વીતેલા સપ્તાહમાં બજારને પૉઝિટિવ ટ્રેન્ડમાં રાખવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સિંહફાળો રહ્યો હતો. માર્કેટમાં મહત્તમ વાત ઓન્લી રિલાયન્સની હતી. રિલાયન્સ રીટેલમાં ગ્લોબલ રોકાણ પ્રવાહની વાત, ખાસ કરીને ઍમેઝૉનના સંભવિત જંગી રોકાણના અહેવાલે ધૂમ મચાવી હતી. આમ પણ ઍમેઝૉન વિશ્વના ટોચના સંપત્તિવાન અને મુકેશ અંબાણી ભારતના ટોચના તેમ જ વિશ્વના અગ્રણી સંપત્તિવાન ખરા. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટનું પૉઝિટિવ સેન્ટિમેન્ટ, વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યે આશાવાદ, વિકાસદરના ઘટાડાની નિરાશા વચ્ચે રિકવરીની ઊંચી આશા, આઇપીઓને મળી રહેલો જોરદાર રિસ્પૉન્સ, ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પર વધતો આધાર, કૃષિના સારા સંકેત વગેરે જેવાં પરિબળો ઓવરઑલ માર્કેટના સેન્ટિમેન્ટને સારું બનાવતાં રહ્યાં હતાં. જોકે હાલના સંજોગોમાં સમગ્ર વ્યાપક આર્થિક ચિત્રને ધ્યાનમાં લેતાં માર્કેટ વધવા કરતાં કરેક્શનમાં જવાના ચાન્સ વધુ હોવાથી રોકાણકારો માટે વધે તો પ્રૉફિટ બુક કરો અને ઘટે તો ખરીદો જેવો ફંડા ફૉલો કરવામાં શાણપણ રહેશે.

ગયા સોમવારે બજારમાં કરેક્શન આગળ વધવાની નિશ્ચિત ધારણા હતી, જેની સામે શરૂમાં નેગેટિવ ટ્રેન્ડ અને પછી સતત સાધારણ વધઘટ સાથે સેન્સેક્સ અંતમાં ૬૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૧ પૉઇન્ટ વધીને બંધ રહ્યો હતો. યુએસ માર્કેટમાં વેચવાલી, નબળા ગ્લોબલ સંકેત અને ભારત-ચીન સીમાવિવાદના ટેન્શનની ભારતીય માર્કેટમાં અસર હતી. કોવિડના સતત વધતા જતા કેસ ભારત માટે ગંભીર ચિંતાનું પરિબળ બનતું જાય છે. મંગળવારે વિદેશી રોકાણકારોની ભરપૂર વેચવાલીને પગલે માર્કેટ ઊંચે જઈને પાછું ફર્યું હતું. વધુમાં જીડીપીના નિરાશાજનક આંકડાએ માર્કેટને વધુ નિરાશ કર્યું હતું. જેણે ઊંચે જઈને રેકૉર્ડ કરવાનો હતો એ વિકાસદર હાલ મોટે પાયે નીચે પડી રહ્યો છે, જે ક્યારે અને કઈ રીતે ઊભો થશે એની અનિશ્ચિતતા પણ ઊભી છે.



રિલાયન્સની જબ્બર જમાવટ


બુધવારે બજારે નેગેટિવ ટ્રેન્ડ સાથે આરંભ કર્યો હતો. કરેક્શન સેન્સેક્સને ૩૫૦ પૉઇન્ટ માઇનસમાં લઈ ગયું હતું, પછીથી રિલાયન્સ સહિત ચોક્કસ અગ્રણી સ્ટૉક્સમાં કરન્ટ આવતાં માર્કેટ રિકવર થયું હતું. જોકે અંતમાં સેન્સેક્સ ૧૭૧ પૉઇન્ટ અને નિફ્ટી ૩૯ પૉઇન્ટ ડાઉન થઈ બંધ રહ્યા હતા. નબળા ગ્લોબલ સંકેત, યુએસમાં ટેક શૅરોની વેચવાલી, ભારત-ચીનનો સીમા મુદ્દો, વૅક્સિન ટ્રાયલની નિષ્ફળતાના અહેવાલ ઘટાડાનાં કારણ બન્યાં હતાં. આમ પણ તેજી માટે માર્કેટ પાસે હાલમાં કોઈ જ ટ્રિગર નહીં હોવાનું કારણ પણ કરેક્શન માટે નિમિત્ત બન્યું હતું. નવાઈની વાત એ છે કે ગુરુવારે આશ્ચર્યજનક રીતે માર્કેટનો આરંભ ૩૦૦થી વધુ પૉઇન્ટના ઉછાળા સાથે થયો હતો. બુધવાર બાદ ગુરુવારે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરે બજારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગુરુવારે તો રિલાયન્સ રીટેલ ઍમેઝૉન સાથે કરાર કરી રહી હોવાના અને રિલાયન્સને જિયોની જેમ જંગી વિદેશી રોકાણ પ્રાપ્ત થઈ રહ્યું હોવાના અહેવાલે રિલાયન્સના શૅરને જબરદસ્ત બુસ્ટ આપ્યો હતો. હજી આગલા દિવસે જ સિલ્વર લેક નામની કંપનીએ રિલાયન્સ રીટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સાઉદી અરેબિયાનું ફંડ પણ રિલાયન્સ રીટેલમાં મોટું રોકાણ કરે એવી શક્યતા બહાર આવી હતી. દરમ્યાન નવો વિક્રમ એ થયો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૦ અબજ ડૉલર વૅલ્યુએશન ધરાવતી પ્રથમ ભારતીય કંપની બની હતી. યુએસ માર્કેટ પણ પીકઅપ થયું હતું તેમ જ એશિયન માર્કેટમાં પણ તેજીનો કરન્ટ હતો, જેને પગલે સેન્સેક્સે ૬૪૬ પૉઇન્ટનો જંગી કૂદકો માર્યો હતો અને નિફટીએ ૧૭૧ પૉઇન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો. આગલા બે દિવસનું ધોવાણ લગભગ સરભર થઈને આગળ વધી ગયું હતું.

આ સપ્તાહમાં વધુ કરેક્શન સંભવ


શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે માર્કેટ સાધારણ વધઘટ સાથે નજીવું પ્લસ રહ્યું હતું. કોવિડની રસીના સારા સમાચાર સંકેતના અભાવે તેમ જ ચીન-ભારત બૉર્ડર ઇશ્યુની ચિંતાએ માર્કેટમાં કરન્ટ રહ્યો નહોતો. આમ પણ છેલ્લા અમુક દિવસથી સ્થાનિક ફંડ હાઉસિસ અને એફઆઇઆઇ સતત વેચવાલ રહ્યા છે. યુએસ માર્કેટમાં પણ કરેક્શન ચાલુ રહ્યું હતું. સેન્સેક્સ માત્ર ૧૪ પૉઇન્ટ વધીને ૩૮,૮૫૪ બંધ રહ્યો અને નિફ્ટી માત્ર ૧૫ પૉઇન્ટના વધારા સાથે ૧૧,૪૬૪ બંધ રહ્યો હતો. હાલમાં માર્કેટ વૅલ્યુએશન પણ એની ફેવરમાં નહી હોવાથી ઉપર જવાની શક્યતા કરતાં કરેક્શનની સંભાવના વધુ ઊંચી છે.

હૅપીએસ્ટ અને રૂટ મોબાઇલની સફળતા

ગયા સપ્તાહમાં આવેલા હૅપીએસ્ટ માઇન્ડ અને રૂટ મોબાઇલના આઇપીઓની જબરદસ્ત સફળતા બાદ વધુ આઇપીઓ પાઇપલાઇનમાં છે, જે રોકાણકારો માટે નવી તક બની રહી છે, જેમાં પણ સરકાર એલઆઇસી (લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન)ના આઇપીઓને લીલી ઝંડી આપે એના પર માર્કેટની વિશેષ મીટ છે. હજી એન્જલ બ્રોકિંગ કંપની, કૅમ્સ (સીએએમએસ), યુટીઆઇ એએમસી સહિતની કંપનીઓ પણ આઇપીઓ લાવી રહી છે. આ આઇપીઓ સેકન્ડરી માર્કેટમાં વેચવાલીનું કારણ પણ બની શકે. રોકાણકારો અહીં વેચાણ કરીને આઇપીઓમાં તક અજમાવે એવી શક્યતા ઊંચી છે.

ઘટેલા લાર્જ કૅપ સ્ટૉક્સ પર ધ્યાન

તાજેતરના સમયમાં માર્કેટના કરેક્શનને ધ્યાનમાં રાખી રોકાણકારો ચોક્કસ લાર્જ કૅપ સ્ટૉક્સ તરફ પાછા વળી રહ્યા છે, જેમાં ભાવ નીચે ગયા છે. આ સ્ટૉક્સ લાંબા ગાળા માટે સારા મનાતા હોવા છતાં એમાં ઘટાડો થયો છે. આ ઘટાડાને તક ગણીને ઇન્વેસ્ટરો આવા સ્ટૉક્સ ધીમે-ધીમે જમા કરે એમાં ખોટું નથી.

આઇપીઓની ગ્રે માર્કેટ સક્રિય બનતાં લિસ્ટિંગ પૂર્વે પણ નફાની તક

ગુજરાતના ચોક્કસ શહેરોમાં આઇપીઓની ગ્રે (પ્રીમિયમ) માર્કેટ ધૂમ ચાલતી હોય છે, જ્યાં આઇપીઓના આગમન સમયના અને લિસ્ટિંગ પહેલાંના દિવસોમાં એના પ્રીમિયમના બિન-સત્તાવાર સોદા થાય છે. આ સમયે બોલાતા ભાવ ઇશ્યુ કેવો મજબૂત યા નબળો છે એનો સંકેત આપતો હોય છે. જોકે દિમાગ બંધ રાખીને એનું અનુકરણ કરાય નહીં. આમાં ઑપરેટરો વધુ સક્રિય હોય છે. જોકે તેઓ માર્કેટમાં લિસ્ટિંગ બાદ શું થશે યા થઈ શકે એનો સંકેત અમુક અંશે આપી દે છે. ગયા સપ્તાહમાં ખૂલીને જબ્બર છલકાઈ ગયેલા હૅપીએસ્ટ માઇન્ડ ટેક્નૉલૉજીસના શૅરનું ગ્રે માર્કેટમાં ૧૨૦ રૂપિયા પ્રીમિયમ બોલાવાનું શરૂ થયું હતું, જ્યારે અન્ય એક કંપની રૂટ મોબાઇલના આઇપીઓનું પ્ર‌ીમિયમ ૨૨૦ રૂપિયા બોલાવા લાગ્યું હતું. હૅપીએસ્ટ માઇન્ડમાં માર્કેટમાં અરજી સામે જ લોકો ૯૦૦૦ રૂપિયા ઑફર કરી ખરીદી કરવા લાગ્યા હતા. દા.ત. જો તમને તમારી અરજી પર શૅર લાગે તો તમારે સીધા એ બાયરને આપી દેવાના, બાયર તમને લિસ્ટિંગ પહેલાં જ ૯૦૦૦ રૂપિયા આપી દે. આમ લિસ્ટિંગ પહેલાં ગૅર‍ન્ટેડ નફો (શૅરની ફાળવણી મળવાની શરતે) ઑફર કરાય છે. આ શૅરનો ભાવ લિસ્ટિંગ વખતે વધુ ઊંચો ખૂલવાની ધારણાએ આવા સોદા થતા હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 05:00 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK