સરકારને જવાબ આપવા રિઝર્વ બૅન્ક બંધાયેલી છે : બિમલ જાલન

Jan 11, 2019, 08:58 IST

રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલને કહ્યું છે કે કેન્દ્રીય બૅન્ક સરકારને જવાબ આપવા બંધાયેલી છે અને એણે સરકાર દ્વારા નક્કી થયેલા માળખા અનુસાર નીતિઓ ઘડવી જોઈએ

સરકારને જવાબ આપવા રિઝર્વ બૅન્ક બંધાયેલી છે : બિમલ જાલન
બિમલ જાલન

નોંધનીય છે કે 77 વર્ષના બિમલ જાલનને રિઝર્વ બૅન્કની અનામત સરકારને આપવી કે નહીં એ મુદ્દે ભલામણ કરવા માટેની ટુકડીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલે અનામત સરકારને આપવાના મુદ્દે સરકાર સાથે મતમતાંતર થયા બાદ રાજીનામું આપ્યું હતું અને તેમના સ્થાને સનદી અધિકારી શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે.

કેન્દ્રીય બૅન્ક બૉન્ડ અને કરન્સીના ટ્રેડિંગ દ્વારા જે નફો રળે છે એમાંથી કેટલો ભાગ સરકારને ટ્રાન્સફર કરવો જોઈએ અને કેટલો અનામતમાં જમા કરવો જોઈએ એના વિશે વિચારણા કરવાનું કામ બિમલ જાલનના અધ્યક્ષપદ હેઠળની ટુકડીને સોંપાયું છે.

બિમલ જાલને રૉઇટર્સ સાથેની વાતચીતમાં ટુકડીની ભલામણો વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું, પરંતુ એટલું કહ્યું હતું કે રિઝર્વ બૅન્ક સરકારને જવાબ આપવા બંધાયેલી છે. સ્વાયત્ત સંસ્થા તરીકે એણે સરકારના નીતિગત માળખા અનુસાર સેવાઓ આપવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે ‘સરકારમાં રહી ચૂકેલી વ્યક્તિ હવે ગવર્નર છે. મને આશા છે કે કેન્દ્રીય બૅન્ક તેમના વડપણ હેઠળ સારી રીતે કામ કરશે. મતભેદો તો હોય, પરંતુ દેશના હિતમાં તેમનો આંતરિક સ્તરે જ નિવેડો આવવો જોઈએ.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK