Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મહામારીનો ફેલાવો વધ્યો એ જ ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર પણ સુધર્યો

મહામારીનો ફેલાવો વધ્યો એ જ ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર પણ સુધર્યો

30 November, 2020 11:12 AM IST | Mumbai
Jitendra Sanghvi

મહામારીનો ફેલાવો વધ્યો એ જ ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર પણ સુધર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગયા અઠવાડિયે જાહેર કરાયેલા સરકારી આંકડા પ્રમાણે ફિસ્કલ ૨૧ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસના દરમાં ૭.૫ ટકાનો ઘટાડો થયો છે. અગાઉના એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં આ દરમાં ૨૪ ટકા જેટલો મોટો ઘટાડો થયો હતો. આમ સતત બે ક્વૉર્ટર માટે આર્થિક વિકાસનો દર ઘટ્યો હોઈ ભારતનું અર્થતંત્ર ટેક્નિકલ રીતે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે એમ કહેવાય.

આ સાથે ફિસ્કલ ૨૧ના પૂર્વાર્ધ (એપ્રિલ-સપ્ટેમ્બર)માં આર્થિક વિકાસના દરમાં ૧૫.૭ ટકાનો ઘટાડો થયો છે.



અનેક એજન્સીઓના ૮થી ૧૩ ટકા વચ્ચેના સપ્ટેમ્બર ક્વૉર્ટરના ઘટાડાના અંદાજ પછી આવેલ આ ઘટાડો અપેક્ષા કરતાં ઓછો છે. એટલું જ નહીં રિઝર્વ બૅન્કના ૮.૬ ટકાના ઘટાડાના અંદાજ કરતાં પણ તે ઓછો હોઈ આ આંકડા સરકાર માટે રાહતના સમાચાર ગણાય.


એક તરફ મહામારીનો ફેલાવો જે ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં વધ્યો તે જ ક્વૉર્ટરમાં આર્થિક વિકાસના દરમાં આટલો મોટો સુધારો થયો (ઘટાડાનો દર ઓછો થયો એ મોટો સુધારો ગણાય). તેનું મુખ્ય કારણ સંપૂર્ણ દેશવ્યાપી લૉકડાઉન પછીના અનલૉકને લીધે આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો તે છે.

વિકાસના ઘટાડાનો દર મર્યાદિત થવા માટેનો યશ કૃષિ ક્ષેત્રના વિકાસના દરમાં થયેલ વધારાને આપી શકાય. કૃષિ ક્ષેત્રમાં સતત બીજા ક્વૉર્ટર માટે ૩.૪ ટકાનો વધારો થયો છે. સાઉથ-વેસ્ટ મોન્સૂનના સારા દેખાવને કારણે આ વધારો અપેક્ષિત હતો, પણ આશ્ચર્ય તો એ વાતનું કહેવાય કે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર કે જેમાં મોટા ઘટાડાની અપેક્ષા હતી તે ક્ષેત્રે અડધા ટકા જેટલો વધારો થયો છે. જોકે ફિસ્કલ ૨૦૨૦ના આ ક્વૉર્ટરમાં અડધા ટકા જેટલો ઘટાડો થયો હતો, એટલે સપ્ટેમ્બર ક્વૉર્ટરનો દેખીતો વધારો નીચા બેઝને આભારી ગણાય.


ઑક્ટોબર મહિનાના સેવા ક્ષેત્ર માટેના અને ઉત્પાદન ક્ષેત્ર માટેના પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેકસના સારા એવા સુધારાને કારણે મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રનો દેખાવ ફિસ્કલ ૨૧ના ત્રીજા ક્વૉર્ટરથી સુધરવાની આશા જન્મી હતી. હવે અનેક મુખ્ય શહેરો અને રાજ્યોમાં મહામારીની બીજી અને ત્રીજી લહેર ચાલુ થયેલ હોઈ અનેક રાજ્ય સરકારો રાત્રિના કરફ્યુ પછી દિવસના લૉકડાઉન અને કરફ્યુ વિશે વિચારી રહી છે. એ લહેર જોર પકડે અને આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ સીમિત કરવાની ફરજ પડે તો મૅન્યુફૅકચરિંગ ક્ષેત્ર પર અને છેવટે આર્થિક વિકાસના દર પર તેની ખરાબ અસર પડે જ. આ સંજોગોમાં આર્થિક રીકવરી ધીમી પડી શકે કે મોડી શરૂ થઈ શકે.

એ રિકવરી ફિસ્કલ ૨૧ના ત્રીજા ક્વૉર્ટરમાં વેગ પકડે છે કે ચોથા ક્વૉર્ટરમાં તે વિશે નિશ્ચિત રીતે કાંઈ કહી શકાય નહીં. એટલું ખરું કે ફિસ્કલ ૨૧ના ઉત્તરાર્ધ (ઑકટોબર ૨૦૨૦-માર્ચ ૨૦૨૧)માં આર્થિક વિકાસનો દર પૉઝિટિવ બનવાની સંભાવના છે. તો પણ પૂર્વાર્ધના ૧૬ ટકા  જેટલા મોટા ઘટાડાને લઈને ૨૦૨૦-૨૧માં આર્થિક વિકાસનો દર પૉઝિટિવ થાય એવા ઊજળા સંજોગો હાલ પૂરતા જણાતા નથી. ઑક્ટોબર માટેના પીએમઆઇ ઇન્ડેક્સનો દેખાવ સુધર્યો છે પણ કોર સૅક્ટર ઇન્ડેક્સમાં સતત આઠમે મહિને ૨.૫ ટકાનો ઘટાડો થયો છે.

અમુક મેક્રો ઇકૉનૉમિક પૅરામીટર્સ સુધર્યા હોય અને અમુકનો દેખાવ હજી નબળો હોય એટલે પરિસ્થિતિ નવેમ્બર ડિસેમ્બરમાં કેવો ટર્ન લેશે તે ઉપર ઘણોબધો આધાર ગણાય.

સરકારી ખર્ચમાં ફિસ્કલ ૨૧ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન)માં વધારો થયા પછી બીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં ૨૨ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે જે સરકારના સ્ટિમ્યુલસ-રિલીફ પૅકેજની નબળાઈ દર્શાવે છે. બીજા શબ્દોમાં મોટી મોટી જાહેરાતોના પ્રમાણમાં પ્રજા સુધી રાહતો પહોંચી નથી અથવા રાહતનો કેટલોક ભાગ ગેરંટીના રૂપમાં હોઈ તે ખર્ચ કરવાની જરૂર જ ઊભી ન થઈ હોય. સરકાર અને નાણાપ્રધાન એ વાતથી વાકેફ છે અને એટલે દિવાળીના તહેવાર પહેલાં જાહેર કરાયેલ આત્મનિર્ભર ભારત ૩.૦નું માળખું એવી રીતે તૈયાર કરાયું છે કે જેથી પ્રજાને વધુ પ્રમાણમાં રાહત મળી રહે.

સરકારી ખર્ચના બીજા ક્વૉર્ટરના ઘટાડા પછી પણ કેન્દ્ર સરકારની ફિસ્કલ ડેફિસિટ વર્ષના પ્રથમ સાત મહિનામાં ૨૦૨૦-૨૧ના આખા વર્ષના લક્ષ્યાંકને ઓળંગી ૧૨૦ ટકા જેટલી થઈ છે, જે સરકારના કરવેરા અને અન્ય રેવન્યુની નબળી સ્થિતિની શાખ પૂરે છે.

મૂડીરોકાણ જે પહેલા ક્વૉર્ટરમાં ૪૭ ટકા જેટલું ઘટ્યું હતું તે ઘટાડો સીમિત થયો હોવા છતાં બીજા ક્વૉર્ટરમાં પણ ચાલુ રહ્યો છે (૭ ટકા). આગળના ક્વૉર્ટરની સપ્લાય ચેઇનના ભંગાણને કારણે ન સંતોષાઈ શકાયેલી માગના વધારા પછી પણ બીજા ક્વૉર્ટરમાં ખાનગી વપરાશ ખર્ચ (જે જીડીપીના લગભગ ૬૦ ટકા જેટલું હોય છે) ૧૧ ટકા જેટલું ઘટ્યું છે (અગાઉના ક્વૉર્ટરનો ૨૭ ટકા ઘટાડો).

મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રે વૅલ્યુ ટર્મમાં બીજા ક્વૉર્ટરનો નજીવો વધારો અગાઉના ચાર ક્વૉર્ટરના ઘટાડા પછીનો પહેલો વધારો છે એટલે એ સારા અને રાહતના સમાચાર ગણાય, પણ વૉલ્યુમ (ઉત્પાદનના કદને આધારે) ટર્મમાં આ ક્ષેત્રમાં ૬.૭ ટકા જેટલો ઘટાડો થયો છે (પહેલા ક્વૉર્ટરમાં ૪૦ ટકાનો ઘટાડો) એટલે વૅલ્યુ ટર્મના નજીવા વધારાને મૅન્યુફૅકચરિંગ ક્ષેત્ર માટેના ટર્ન અરાઉન્ડ તરીકે ન ગણાવી શકાય. ઔદ્યોગિક ઉત્પાદનના મૅન્યુફૅકચરિંગ સૅક્ટરના ઇન્ડેકસમાં વધારો થાય તેને જ આ ક્ષેત્રનું સાચું ટર્ન અરાઉન્ડ (ખરાબ પરિસ્થિતિમાંથી સુધરતી જતી પરિસ્થિતિ) ગણી શકાય.

અર્થશાસ્ત્રીઓના મતે ડિસેમ્બર મહિનાથી કદાચ મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રના વૉલ્યુમ ટર્મમાં નાના પાયે વધારાની શરૂઆત થઈ શકે, જેને પણ ટર્ન-અરાઉન્ડ ન કહી શકાય.

સરકારે આત્મનિર્ભર ભારત ૩.૦માં જાહેર કરેલ ઉત્પાદન માટે અપાયેલ પ્રોત્સાહન (પ્રોડક્શન લિન્કડ ઇન્સેન્ટિવ) સ્કીમ મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના ટર્ન-અરાઉન્ડમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે.

આર્થિક વિકાસનો દર વધારવા માટે સરકારે લેબર ઇન્ટેન્સિવ (શ્રમબળનો વધુ ઉપયોગ થતો હોય તેવા ક્ષેત્રો) મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર પર મોટો મદાર રાખ્યો છે. ભૂતકાળના આપણા આર્થિક વિકાસમાં રોજગારીના સર્જન પર પ્રમાણમાં ઓછો ભાર મુકાતો હતો એટલે આપણા વિકાસનો દર વધતો હતો છતાં રોજગારીનું સર્જન જોઈએ એટલા પ્રમાણમાં થતું નહીં.

મહામારીના ફેલાવાની અનિશ્ચિતતા વચ્ચે સરકારે હાલની રિકવરીને વી આકારની રીકવરી ગણાવી છે (જેના બૉટમ પછી તરત વિકાસનો દર વધવા માંડે).

આપણા આર્થિક વિકાસના દરનો ઘટાડો અપેક્ષા કરતાં ઓછો હોવા છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતે લાંબી મજલ કાપવાની છે. અમેરિકા, જપાન અને યુરોપના અન્ય દેશોમાં પણ ફિસ્કલ ૨૧ના પહેલા અને બીજા ક્વૉર્ટરનો દર નેગેટિવ રહ્યો છે, પણ આમાંના મોટા ભાગના દેશોમાં ભારત કરતાં ઓછો ઘટાડો નોંધાયો છે. આશ્ચર્યજનક રીતે વિશ્વના મોટા દેશોમાં ચીન એકમાત્ર એવો દેશ રહ્યો છે જ્યાં એપ્રિલ-જૂન ક્વૉર્ટરથી જ આર્થિક વિકાસનો દર (૩.૨ ટકા) પૉઝિટિવ રહ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં તે દર વધીને લગભગ પાંચ ટકાનો થયો.

કોરોનાની વૅક્સિન વિકસાવવા બાબતે લગભગ ૨૦૦ જેટલી કંપનીઓ અને સંખ્યાબંધ દેશો કામે લાગ્યા હતા. એમાં ભારત બાયોટેક, સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઝાયડ્સ કૅડિલા કંપનીઓ રેસમાં આગળ નીકળી ગઈ છે. એ કંપનીઓની રસીની કોવિડ-19ના દરદીઓ પરની ટ્રાયલ ગમે ત્યારે શરૂ થવામાં છે. વડા પ્રધાન મોદીએ આ રસી વિકસાવતા હૈદરાબાદ, પુણે અને અમદાવાદ ખાતેનાં રિસર્ચ સેન્ટરોની જાતે મુલાકાત લીધી છે. જે આ રસી પ્રજાના બહોળા વર્ગ માટે વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ બને એ માટે વડા પ્રધાન કેટલા ગંભીર છે તેનો ખ્યાલ આપે છે.

આ બધા વચ્ચે જાતજાતનાં સંશોધનોના અભ્યાસના તારણ પ્રસિદ્ધ થતા રહે છે. જેમાંના બે તારણોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ૧. માસ્કનો વ્યવસ્થિત બહોળા પ્રમાણમાં ઉપયોગ કોવિડ-19ના પ્રસારને મોટા પ્રમાણમાં અટકાવી શકે. ૨. દેશમાં લગભગ સાત કરોડ લોકો કોવિડ-19થી સંક્રમિત થઈ ચૂકયા છે. નજીકના ભવિષ્યમાં આવાં કેટલાં તારણો નજર સામે આવશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી.

જોવાનું માત્ર એટલું જ છે કે મહામારીનો ફેલાવો વધે તેમ છતાં સાથે સાથે આર્થિક રીકવરી પણ વેગ પકડે. કોઈ પણ સંજોગોમાં લૉકડાઉનના અમલ દ્વારા અર્થતંત્રને બ્રેક મારવાનું હવે આપણને પરવડે તેમ નથી. ઇનફ ઇઝ ઇનફ.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર

જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2020 11:12 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK