Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચોક્કસ તબક્કે બજારમાં પ્રોફિટ લુકિંગ કરતાં પ્રોફિટ બુકિંગ વધુ સારું

ચોક્કસ તબક્કે બજારમાં પ્રોફિટ લુકિંગ કરતાં પ્રોફિટ બુકિંગ વધુ સારું

25 January, 2021 10:29 AM IST | Mumbai
Jayesh Chitalia

ચોક્કસ તબક્કે બજારમાં પ્રોફિટ લુકિંગ કરતાં પ્રોફિટ બુકિંગ વધુ સારું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ માત્ર નવથી દસ મહિનામાં બમણો થઈ જાય એનાથી વધુ શું જોઈએ? એ પછી પણ જો રોકાણકારો નફો બુક ન કરતા હોય તો એ ક્યાંક ભૂલ થઈ રહી હોવાનું પ્રતિત કરાવે છે. ૫૦,૦૦૦ના સેન્સેક્સ સમયે પ્રોફિટ બુકિંગ થયું ખરું, કિંતુ આ સાથે   સેન્સેક્સ ૧ લાખ તરફ આગળ વધવાની વાતો પણ શરૂ થઈ ગઈ, અલબત્ત બજેટ શું લઈને આવે છે તેની રાહ જોવી રહી.

ગયા સપ્તાહમાં ગુરુવારે સેન્સેક્સે ૫૦૦૦૦ની સપાટી વટાવ્યા બાદ તરત જ  સેન્સેક્સ આગામી પાંચ વર્ષમાં ૭૫૦૦૦ અને ૧ લાખ સુધી જઈ શકે છે એવી આગાહી બજારમાં શરૂ થઈ ગઈ હતી, આ આગાહી કરનારા માર્કેટ એક્સપર્ટ હતા, કોઈ સાધારણ ટ્રેડર્સ કે ઑપરેટર કે પંટર નહોતા. ભારતીય માર્કેટના બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ તો ૨૦૦૭માં એવી આગાહી કરી હતી કે સેન્સેક્સ આગામી સાતેક વર્ષમાં ૫૦૦૦૦ પહોંચશે, જોકે તેને પહોંચતા થોડો વધુ સમય લાગ્યો. એમ હાલ જે એક્સપર્ટ વર્ગ સેન્સેક્સના ૭૫૦૦૦ અને એક લાખના લેવલની આગાહી કરી રહ્યા છે તેને પૂરી થતાં પાંચ વર્ષની બદલે દસ વર્ષ પણ લાગી શકે તોય વાત તો તેજીના ટ્રેન્ડની જ છે. લાંબા ગાળાના રોકાણકારોએ આ વાતને સમજવાની ખાસ જરૂર છે. આ સાથે માત્ર અને માત્ર ફન્ડામેન્ટલ્સને આધારે જ શૅરની પસંદગી કરવી અનિવાર્ય છે. વર્તમાન ભાવે (૪૮-૪૯૦૦૦ના ઇન્ડેકસ સ્તરે) શૅરોની ખરીદી કરવી અને એકાદ વર્ષમાં ઊંચા ભાવની આશા રાખવી ઠગારી નીવડી શકે છે. આમ પણ છેલ્લા બે દિવસમાં માર્કેટે પ્રોફિટ બુકિંગને લીધે કરેક્શનનું જોર પણ જોઈ લીધું હતું. ખાસ કરીને શુક્રવારે-સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ ૭૪૬ પૉઇન્ટ અને નિફ્ટી ૨૧૮ પૉઇન્ટના કડાકા સાથે અનુક્રમે ૪૯૦૦૦ની નીચે અને ૧૪૪૦૦ની નીચે ઊતરી ગયા હતા. 



બજારના ફુગ્ગાની હવા ઓછી થઈ


આગલા સપ્તાહના છેલ્લા દિવસે-શુક્રવારે જે કરેક્શન આવ્યું હતું તે આવશ્યક હતું અને તેણે ગયા સપ્તાહમાં પ્રથમ દિવસે એ કરેક્શનને આગળ ધપાવ્યું હતું એટલું જ નહીં, માર્કેટ હજી ઘટશે એવી હવા પણ ફેલાતાં પ્રોફિટ બુકિંગને વધુ બળ મળ્યું હતું. જેને પગલે સેન્સેક્સ ૪૭૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૨ પૉઇન્ટ તૂટી ગયા હતા, જ્યારે કે માર્કેટ કૅપમાં પોણા ત્રણ લાખ કરોડનું ગાબડું પડ્યું હતું. આગલા શુક્રવારે પણ પોણા ત્રણ લાખ કરોડનું ગાબડું થયું હતું. કૉકિંગ કોલસાના ભાવ વધવાની શક્યતાના અહેવાલે અને ચીનમાં વધી રહેલા કોરોના કેસને કારણે પણ બજારમાં વેચવાલી હતી. ખરેખર તો બજારમાં નબળાઈનો માહોલ હતો. આમ પણ બજાર વધીને ફુગ્ગો થઈ રહ્યું હતું, જેની હવા ઓછી કરવાની જરૂર હતી.

માર્કેટની પુનઃ રિકવરી


જોકે છેલ્લા એ બે સત્રના ઘટાડાની ૮૫ ટકા રિકવરી માત્ર મંગળવારના એક જ દિવસમાં થઈ ગઈ હતી, ૨૦૨૦નાં કારમા વર્ષમાં ચીનનું અર્થતંત્ર પૉઝિટિવ રહ્યું હોવાના અહેવાલની સકારાત્મક અસરે એશિયન માર્કેટમાં તેજી થઈ હતી, જેની અસર ભારતીય માર્કેટ પર તો હતી જ, પરંતુ સાથે-સાથે ગ્લોબલ સ્તરે વિદેશી રોકાણપ્રવાહે રિકવરીમાં મોટો ભાગ ભજવ્યો હતો. બજેટ સુધી બજારમાં વિદેશી રોકાણપ્રવાહ ચાલુ રહેવાની આશા અકબંધ છે, જે તેજીને આગળ ધપાવી રહી છે. ગ્લોબલ પ્રવાહિતા હાલ ભરપૂર છે, જે ટૂંક સમયમાં અટકે એવા એંધાણ નથી. સેન્સેક્સ ૮૩૪ પૉઇન્ટ વધીને ૪૯૩૯૮ અને  નિફ્ટી ૨૪૦ પૉઇન્ટ વધીને ૧૪૫૨૧ બંધ રહ્યો હતો. માર્કેટ કૅપમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. આમ આગલા બે દિવસમાં થયેલું

બુધવારે બજારે અગાઉના કડાકાની પૂરી વસૂલી કરી લીધી હતી. ગ્લોબલ સંકેત અને ભારતીય અર્થતંત્રની ઝડપી રિકવરી થવાની વધતી આશા તેમ જ સારા બજેટની અપેક્ષાએ સેન્સેક્સ બુધવારે ૩૯૪ પૉઇન્ટની છલાંગ સાથે ૪૯૭૯૨ પૉઇન્ટ અને નિફટી ૧૨૪ પૉઇન્ટની છલાંગ લગાવીને ૧૪૬૪૪ બંધ રહ્યો. સેન્સેક્સ બજેટ પહેલાં જ ૫૦૦૦૦નો આંકડો વટાવી જાય એવું સેન્ટિમેન્ટ બની ગયું હતું.

૫૦૦૦૦નો વિક્રમ દિવસ

યસ, એમ જ થયું. ગુરુવારનો દિવસ શૅરબજાર માટે ઐતિહાસિક દિવસ રહ્યો હતો, આ દિવસે સેન્સેક્સે ૫૦૦૦૦નું ઉચ્ચત્તમ લેવલ ક્રોસ કર્યું હતું, આમ તો આ તેજીની ચરમસીમા કહેવાય, પણ મજાની વાત એ છે કે સેન્સેક્સને દોડવું હતું ને ઢાળ મળી ગયો, વિદેશી રોકાણના અવિરત પ્રવાહનો ઢાળ, સારા કૉર્પોરેટ પરિણામનો ઢાળ, પૉઝિટિવ સેન્ટિમેન્ટનો ઢાળ, આવી રહેલા બજેટની અપેક્ષાનો ઢાળ, આમ બધાં જ પરિબળો તેજીના તાલે નાચવા માટે સજ્જ હતા. જોકે બજાર બંધ થતાં પહેલાં વૅક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટના મકાનમાં આગ લાગવાના સમાચારે રોકાણકારોમાં પૅનિક ફેલાયું હતું અને એ છેલ્લા કલાકની વેચવાલીમાં માર્કેટ માઇનસ થઈ જતાં અંતે સેન્સેક્સ ૧૬૭ પૉઇન્ટ નીચે ઊતરી જઈ ૪૯૬૨૪ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૫૪ પૉઇન્ટ ઘટીને ૧૪૫૯૦ બંધ રહ્યો હતો. અલબત્ત નફો ઘેર લઈ જવાની મનોવૃત્તિ પણ કામ કરી ગઈ હતી. કહેવાય છે કે ચોક્કસ તબક્કે પ્રોફિટ લુકિંગ કરતાં પ્રોફિટ બુકિંગ સારું ગણાય (નફાને કાગળ પર જોયા કરવા કરતાં તેનો લાભ અંકે કરી લેવામાં વધુ સાર). હવે પછીનો સમય રોકાણકારોએ આ ઢાળને  સમજીને પોતાના રોકાણનો તાલ ગોઠવવાનો રહેશે. આનો અર્થ એ જ છે કે નફો ઘરમાં લઈ લેવો. બજેટ બાદ પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે.

મોટાં ગાબડાં મહત્ત્વનું સપ્તાહ

શુક્રવારે બજારે શાણપણ બતાવ્યું હતું, ગુરુવાર છેલ્લા કલાકમાં આવેલું કરેક્શન ચાલુ રાખીને બજારે શુક્રવારે સેન્સેક્સને મોટે પાયે (૭૪૬ પૉઇન્ટ) વધુ નીચે લઈ જવાની ભૂમિકા ભજવી હતી, આ સમય હેલ્ધી કરેક્શન માગે છે. અલબત્ત, લાંબા ગાળાના સંજોગો તેજી તરફ જાય એવા છે, તેમ છતાં આ તેજી વોલેટિલિટી કે કરેક્શન વિના આગળ વધે એ સંભવ નથી. બજેટ પહેલાંના દિવસોમાં માહોલ કંઈક આવો જ રહે તો નવાઈ નહીં. વર્તમાન ઊંચા ભાવે પ્રવેશવામાં ચોક્કસ જોખમ છે એ ગણીને ચાલવું જોઈશે. આગામી સપ્તાહમાં અમેરિકામાં નવા પ્રેસિડન્ટ બાઇડનની પૉલિસી, ફેડરલ રિઝર્વની બેઠક, યુરોપમાં ઇઝી મની પૉલિસી, કોરોનાની રસીની કામગીરી, રિલાયન્સના પરિણામ વગેરે જેવાં પરિબળોની અસર જોવા મળશે. ઇન્વેસ્ટરોએ વધુ સિલેક્ટિવ સ્ટૉકસ પર નજર રાખવી જોઈશે. લાંબા ગાળાની તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે.

પડકાર છે તો તક પણ છે

શૅરબજારની અત્યાર સુધીની  તેજી-ઊંચાઈ કે વોલેટિલિટી સંબંધી મત વ્યક્ત કરતા નિષ્ણાતો સતત કહેતા રહ્યા હતા કે આ તેજી પ્રત્યે સાવચેત રહેવાનો સમય છે. આ સમયમાં જે રીતે બજારમાં વિદેશોથી નાણાં ઠલવાય છે એ જ ગતિએ નાણાં પાછાં લઈ જવામાં કે ઉપાડવામાં આવે એવું બનવાની શક્યતા નકારી શકાય નહીં, ત્યારે રોકાણકારો ઊંઘતા ઝડપાઈ શકે છે.   

બજેટના સંકેત સમજવા જેવા

નાણાપ્રધાને બજેટ વિશે તાજેતરમાં આપેલા કેટલાંક સંકેત મહત્ત્વના છે, જે ઇકૉનૉમી અને માર્કેટને બુસ્ટ આપશે એવું ચોક્કસ કહી શકાય. નાણાપ્રધાન નિર્મલા સીતારમણના કહેવાનુસાર બજેટ વાઇબ્રન્ટ રહેશે અને તેમાં માળખાકીય ક્ષેત્ર પાછળ જંગી ખર્ચ કરાશે, ડિસઇન્વેસ્ટમેન્ટને વેગ અપાશે, સરકારી ખર્ચ પર જોર આપવાનું ચાલુ રખાશે. ઇન શોર્ટ, બજેટ ઇકૉનૉમી રિવાઇવલ અર્થે મહત્તમ જોર લગાવશે. આ મુદ્દા માર્કેટને નવી આશા બાંધવા માટે સહાયભૂત થાય એવા છે. આનો ઇશારો સમજવો હોય તો એ છે કે ઘટાડામાં સિલેક્ટિવ સ્ટૉકસની ખરીદી લાંબા ગાળા માટે કરવી જોઈએ. ઉછાળામાં અને ઊંચા લેવલે આંશિક પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ.

૫૦૦૦૦ના સેન્સેક્સ બાદ પાંચ નિષ્ણાતોના નિવેદનની ઝલક

નિલેશ શાહ (કોટક મ્યુચ્યુઅલ ફંડ): આ સમયમાં રોકાણકારોએ લિવરેજ ટાળવું જોઈએ અને એલૉકેશન સમાન વેઇટ લેવલે કરવું જોઈએ. ઇક્વિટી હાલ થોડી મોંઘી છે.

પ્રશાંત જૈન (એચડીએફસી એએમસી): ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ધીરજ માગી લે છે. દરેક સ્તરે આપણને થાય કે આ ભાવે ખરીદી કરાય? કારણ કે શોર્ટ ટર્મ કાયમ અનિશ્ચિત હોય છે. કરેક્શન ચોક્કસ આવી શકે છે, પણ લોંગ ટર્મ માટે બજાર સારું લાગે છે.

શંકર શર્મા (ફ્રર્સ્ટ ગ્લોબલ): ડૉલરની નબળાઈ વિદેશી રોકાણના પ્રવાહને જાળવી રાખશે યા વધારશે. ઊભરતા દેશોમાં વધુ રોકાણપ્રવાહ આવતો રહેતા બે કે ત્રણ વરસમાં સારું વળતર મળી શકે.

સમીર અરોરા (હેલિઓસ કેપિટલ): ગ્લોબલ લિક્વિડિટી માર્કેટને તેજીમાં રાખશે, ઇમર્જિંગ માર્કેટને તેનો વધુ લાભ મળશે. જોકે નવા અમેરિકી પ્રમુખ બાઇડનની કેટલીક પૉલિસીની ભારત માટે નેગેટિવ અસર થઈ શકે છે.

રામદેવ અગરવાલ (મોતીલાલ ઓસવાલ): ભારતીય માર્કેટ જબરદસ્ત બુલિશ છે, સેન્સેક્સ પાંચ વર્ષમાં ૧ લાખ થઈ જાય તો નવાઈ નહીં. આ તેજીના ત્રણ આધાર પ્રવાહિતા, સરકાર તરફથી સતત રિફૉર્મ્સ અને કંપનીઓના અર્નિંગ ગ્રોથ મુખ્ય પરિબળ રહેશે. અલબત્ત વચ્ચે કરેક્શન આવશે એ નક્કી છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2021 10:29 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK