Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ...તો લોકો હાથમાં વધુ રોકડ રાખી બિનજરૂરી ખરીદી ટાળી રહ્યા છે

...તો લોકો હાથમાં વધુ રોકડ રાખી બિનજરૂરી ખરીદી ટાળી રહ્યા છે

21 September, 2020 10:37 AM IST | Mumbai
Sushma B Shah

...તો લોકો હાથમાં વધુ રોકડ રાખી બિનજરૂરી ખરીદી ટાળી રહ્યા છે

અર્થતંત્ર

અર્થતંત્ર


કેન્દ્ર સરકાર ઑગસ્ટ મહિનાના માસિક આર્થિક અવલોકનમાં જણાવે છે કે દેશમાં રેલ ટ્રાફિક, સ્ટીલનું ઉત્પાદન, વીજળીનો વપરાશ, જીએસટીની આવક જેવા માપદંડ બતાવી રહ્યા છે કે દેશનો આર્થિક વિકાસ અંગ્રેજી શબ્દ Vની જેમ ફરી ઊછળી રહ્યો છે, પણ સંસદમાં મીડિયમ ટર્મ ફિસ્કલ પેપરમાં જણાવે છે કે મહામારીના કારણે દેશના આર્થિક વિકાસદરનો અંદાજ કળવો મુશ્કેલ છે એટલે ૨૦૨૧-’૨૨ કે ૨૦૨૨-’૨૩ના ખર્ચના અંદાજ આપવા શક્ય નથી. બીજી તરફ, દેશનું આંતરિક અને બાહ્ય દેવું ઑગસ્ટના અંતે વધી ૧૦૧ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ બધી જ ચીજો વિરોધાભાસી સ્થિતિ દર્શાવી રહી છે અને એના કારણે આર્થિક વિકાસદર વિશે લોકોની મૂંઝવણ વધી રહી છે.

જોકે લૉકડાઉનની અસરથી જે નુકસાન થયું છે એ એટલું મોટું છે કે દેશનો આર્થિક વિકાસદર ૨૦૨૧-’૨૨માં ચોક્કસથી નેગેટિવ રહેશે. નાણાપ્રધાન, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને દેશની અને વિદેશની સંસ્થાઓ આ વિશે એકમત છે. ઘટાડો કે નેગેટિવ રેટ કેટલો હશે એ અંગે જ મતમતાંતર છે, પણ આ સ્થિતિમાં ગ્રાહકોની વર્તણૂક બદલાઈ છે અને લોકો વધુ ને વધુ રોકડ હાથ પર રાખતા થઈ ગયા છે એ ચોંકાવનારું છે અને આગામી દિવસોમાં ખ્યાલ આવશે કે વધી રહેલા વાઇરસની અસર અને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચેલા કોરોનાથી ગ્રામ્ય અર્થતંત્ર દેશના આર્થિક વિકાસને કેટલો ટેકો આપે છે?



લોકોના હાથ પર રોકડ વધારે


કોરોનાએ દેશની અર્થવ્યવસ્થા અને ગ્રાહકોની વર્તણૂકમાં એક મોટો ફેરફાર લાવ્યો છે. લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે, હાથ પર રોકડ રાખી રહ્યા છે. રોકડ હાથ પર રાખી તેઓ કોઈ મોટા આકસ્મિક ખર્ચ માટે કે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી રહ્યા છે.

આંકડાઓ દર્શાવે છે કે લૉકડાઉન અમલમાં આવ્યું ત્યારે એટલે કે ૨૦મી માર્ચે રિઝર્વ બૅન્કના આંકડા અનુસાર દેશમાં કુલ ૨૪.૦૯ લાખ કરોડ રૂપિયાનું ચલણ વ્યવહારમાં (કરન્સી ઇન સર્ક્યુલેશન) હતું. લૉકડાઉન દરમિયાન બજારો બંધ હતાં, ઑફિસો બંધ હતી એટલે ગ્રાહકોની ખરીદી ઘટે એ સ્વાભાવિક છે અને એના કારણે હાથ પર રોકડનું પ્રમાણ પણ વધે.


૨૦ મેએ એટલે કે લૉકડાઉનની શરતો હળવી થઈ ત્યાં સુધીમાં વ્યવહારમાં ચલણ ૨.૦૧ લાખ કરોડ રૂપિયા વધી ૨૬.૧૧ લાખ કરોડ રૂપિયા થયું છે. જોકે લૉકડાઉન ખુલ્યા પછી પણ ચલણમાં રોકડ વધી રહી છે અને લોકો હજી પણ ખરીદી કરી રહ્યા નથી. ૧૧ સપ્ટેમ્બરે વ્યવહારમાં રોકડ વધી ૨૬.૯૬ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે એટલે કે માર્ચ મહિનાની સામે ૨૨.૪૦ ટકા કે ૪.૯૩ લાખ કરોડ રૂપિયા વધી છે, મે મહિનાની સામે એમાં ૨.૮૬ લાખ કરોડ રૂપિયા કે ૧૧.૯ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.

આ વિશે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે લૉકડાઉન સમયે લોકો રોકડનો સંગ્રહ કરી રહ્યા હતા. તેમને ચિંતા હતી કે લૉકડાઉન કેટલો સમય ચાલશે, તેમનો પગાર ચાલુ રહેશે કે નહીં, બૅન્કિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે કે નહીં. આ ઉપરાંત બચત ખાતામાં વ્યાજના દર ઘટી રહ્યા છે, ફિક્સ ડિપોઝિટ પરના દર પણ ઘટ્યા છે અને શૅરબજારમાં ભારે કડાકા પછી અનિશ્ચિતતા હતી એટલે રોકડ વધી રહી હતી.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચીફ ઇકૉનૉમિસ્ટ સૌમ્ય કાંતિ ઘોષ જણાવે છે કે પહેલાં કરતાં લોકો હાથ પર વધારે સમય રોકડ રાખી રહ્યા હોવાથી દર પખવાડિયામાં એમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. એવી શક્યતા છે કે લોકો હજી પણ ચિંતિત છે કે મહામારીની આ સ્થિતિ કેટલો સમય ચાલશે, તેમને બહાર નીકળવા પર અચનાક નિયંત્રણ આવી પડે તો? એવી ચિંતાના કારણે રોકડ વધી રહી છે.

આવી જ રીતે એટીએમ પરથી રોકડ ઉપાડવાની વૃત્તિ પણ વધી છે. એપ્રિલમાં ૪૬ ટકા વૃદ્ધિ સામે ઑગસ્ટમાં રોકડ ઉપાડવાની વૃત્તિ ૯૦ ટકા જેટલી વધી છે. નાનાં શહેરો અને ગ્રામીણ એટીએમમાં રોકડ ઉપાડનું પ્રમાણ વધ્યું છે.

માત્ર ખપપૂરતી જ ખરીદી થઈ રહી છે

મે અને ઑગસ્ટમાં બહાર પડેલા જીડીપીના આંકડા સ્પષ્ટ જણાવે છે કે દેશમાં ગ્રાહકોની ખરીદી (પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પ્શન) ઘટી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલથી જૂન)માં ગ્રાહકોનો વપરાશ કે ખરીદી ૨૮.૭૭ લાખ કરોડ રૂપિયાની હતી જે ૨૦૨૦-’૨૧ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલથી જૂન)માં ઘટી ૨૧.૭૨ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઘટાડો ૭.૦૫ લાખ કરોડ રૂપિયાનો છે. હવે ગયા વર્ષના ચોથા ક્વૉર્ટર (જાન્યુઆરીથી માર્ચ)માં ગ્રાહકોનો વપરાશ ૩૧.૭૧ લાખ કરોડ રૂપિયાનો હતો એની સામે નવા વર્ષમાં ઘટાડો ૯.૯૯ લાખ કરોડ રૂપિયાનો છે.

ઉપરોક્ત આંકડા દર્શાવી રહ્યા છે કે લૉકડાઉનની ભારે અસર જોવા મળી છે અને ગ્રાહકોની ખરીદી પ્રથમ ક્વૉર્ટરમાં અટકી પડી હતી. સવાલ એ છે કે હવે નિયમો હળવા થયા છે એટલે ગ્રાહકોની ખરીદી પરત ફરી છે કે નહીં એ જોવું જરૂરી છે. જૂન મહિનામાં ગ્રાહકોની ખરીદી બજારમાં પરત આવી હતી, પણ ધીમે-ધીમે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુટર અસોસિએશનના મતે હવે ગ્રામીણ ભારતમાં પણ માગ ૧૦ ટકા જેટલી ઘટી રહી છે. માત્ર આવશ્કય ચીજો નહીં, પણ બિનઆવશ્યક ચીજોની ખરીદી પણ ઘટી રહી છે.

બજારમાં હજી પણ લોકો માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. એવી ચીજો કે જેની આવશ્યકતા હોય એના પર વધારે ભાર છે. કોરોના વાઇરસનો વ્યાપ ભારતમાં સતત વધી રહ્યો છે અને એનાથી લૉકડાઉન ફરી આવશે એવો સતત ડર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, પગારમાં ઘટાડો, નોકરી ગુમાવવાથી આવકમાં પડેલી ખોટ અને એની અસર પણ લોકોની ખરીદી પર જોવા મળી રહી છે.

દેશની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી અને રિસર્ચ સંસ્થા ક્રિસિલ દ્વારા ૧૦ સપ્ટેમ્બરે વર્ષ ૨૦૨૦-’૨૧નો આર્થિક વિકાસદરનો અંદાજ ઘટાડી નેગેટિવ નવ ટકા કરવામાં આવ્યો છે. અગાઉ એજન્સી નેગેટિવ પાંચ ટકાનો અંદાજ ધરાવતી હતી. ક્રિસિલ જાણે છે કે પ્રથમ ક્વૉર્ટરમાં કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ સારી રહી છે, પણ કૃષિનો હિસ્સો ગ્રામ્ય અર્થતંત્રમાં માત્ર ૩૯.૨ ટકા છે (આ અંદાજ નીતિ આયોગનો છે) એટલે માત્ર કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તો ગ્રામ્ય અર્થતંત્ર અને ગ્રામ્ય આવક પણ વધશે એવું માની લેવું જરૂરી નથી. બીજું, હવે વાઇરસની અસર ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તરી રહી છે એટલે એની અસરથી ગ્રામ્ય અર્થતંત્ર પણ ધીમું પડી શકે છે.

ગ્રાહકોની ખરીદી કે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પ્શન અંગે ક્રિસિલ જનાવે છે કે કૃષિના લીધે ગ્રામ્ય અર્થતંત્રને ટેકો ચોક્કસ મળશે, પણ વર્તમાન નાણાકીય વર્ષમાં કન્ઝમ્પ્શન ચોક્કસ ઘટશે. વાઇરસ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યો છે એટલે સ્થિતિ વધારે જટિલ બની શકે છે. સીધી અસર થશે કે રોજગારી ઘટી શકે અને લોકોની આવક પણ ઘટી શકે. આ ઉપરાંત પ્રવાસન, સ્પોર્ટ્સ, મનોરંજન,  હોટેલ્સ અને રેસ્ટોરાંજેવી સેવાઓ હવે છ મહિનાથી બંધ છે અથવા અડધી ક્ષમતાએ ચાલી રહી છે. આની અસરથી લોકોની ખરીદી ઘટી શકે છે, એ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની અને વેપાર-ઉદ્યોગની આવક ઘટી શકે છે અને એની પણ અર્થતંત્ર પર અસર પડવાની છે. 

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2020 10:37 AM IST | Mumbai | Sushma B Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK