Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આંશિક વેપાર સમજૂતીથી બજારોને રાહત : યુઆન અને રૂપિયામાં તેજી

આંશિક વેપાર સમજૂતીથી બજારોને રાહત : યુઆન અને રૂપિયામાં તેજી

16 December, 2019 03:39 PM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

આંશિક વેપાર સમજૂતીથી બજારોને રાહત : યુઆન અને રૂપિયામાં તેજી

ભારતીય શેર બજાર

ભારતીય શેર બજાર


આખરે અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની સમજૂતી થયાના સમાચારોથી બજારોને એક જાતનો હાશકારો થયો છે. ૨૦ મહિનાથી ચાલતા વેપારયુદ્ધમાં એક વિરામ આવ્યો છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે મોટી ડીલ થઈ છે એમ કહ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ડીલ અંતર્ગત ચીન અમેરિકા પાસેથી વરસે ૫૦ અબજ ડૉલરની ખેતપેદાશો ખરીદશે અને કેપિટલ ગૂડઝ ખરીદશે. ટેક્નૉલૉજી અને બૌદ્ધિક સંપદા અંગે અને કરન્સી રેટ અંગે પણ સમજૂતી થઈ છે.

તબક્કાવાર બન્ને દેશો ટેરિફ ઘટાડશે. હાલપૂરતું અમેરિકા નવી ટેરિફ નહીં નાખે, પણ ૨૫ ટકા ટેરિફ લાગુ થઈ હતી એ હજી ચાલુ રહેશે. હજી ઘણું અધ્ધરતાલ છે. બજારે ક્ષણિક ઉમળકો દેખાડી આંતરિક અચોક્કસતાનો પરિચય કરાવ્યો છે. વધુ વિગતો આવે અને ડીલ શબ્દોની સાથે સાથે અૅક્શનમાં પણ દેખાય પછી બજાર પોતાનો મૂડ સ્પષ્ટ કરશે. અમેરિકી શૅરબજારો વિક્રમી તેજીમાં વિહરી રહ્યા છે પણ ડૉલરમાં ધીમો ઘસારો છે.

ટ્રમ્પે ટ્રેડ ડીલ હાથવેંતમાં છે એવી ટ્વીટ કરતાં જ બજારોમાં ફરી તહલકો મચ્યો હતો. આ વખતે યુઆનમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને એક દિવસમાં યુઆન ૭.૦૪થી ઊછળીને ૬.૯૮ થઈ ગયો હતો. ડૉલર ઇન્ડેકસમાં મોટું ગાબડું પડ્યું હતું. એકસચેન્જ રેટનો ટ્રેડ ટૂલ તરીકે ન ઉપયોગ કરવો એવી કોઈ સમજૂતી થઈ હોવી જોઈએ અને એના ભાગરૂપે યુઆનમાં આવી મોટી તેજી થઈ હશે.

દરમ્યાન યુકેની ચૂંટણીમાં શાસક ટોરી પક્ષને આસાન બહુમતી મળી છે અને બોરિસ જૉન્સન જીતી ગયા છે. લેબર પક્ષનો કારમો પરાજય થયો છે. હવે યુકેનું યુરોઝોનમાંથી નીકળવું એટલે કે બ્રેક્ઝિટનો અમલ સરળ બનશે. અંતરાયો સાવ નાબૂદ થયા નથી. સ્કોટિશ પાર્ટીને ઘણા મત મળ્યા છે અને એ બ્રેક્ઝિટની તરફેણમાં નથી, પણ બોરિસ જૉન્સનની સ્થિતિ હવે ઘણી મજબૂત થઈ છે. પાઉન્ડમાં કદાચ હવે નફારૂપી વેચવાલી આવશે. વેપાર સમજૂતી અને બ્રેક્ઝિટ, બે મોટી અચોક્કસતા દૂર થતાં નવા વરસથી શૅરબજારોમાં અને એસેટ બજારોમાં તેજીને વેગ મળવાની ધારણા છે.

ઘરઆંગણે રૂપિયામાં જબરદસ્ત ઉછાળો હતો. એક તબક્કે રૂપિયો ૭૦.૫૨ થઈ છેલ્લે ૭૦.૮૧ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં તેજી હતી. રૂપિયો ૭૨.૨૪થી એકધારો સુધરીને ૭૦.૫૨ થયો છે. એની પહેલાં રૂપિયો ૬૯.૩૦થી એકધારો ઘટીને ૭૨.૨૪ થયો હતો. આમ પાછલા ત્રણ માસમાં બે બાજુ ૭-૮ ટકાની મોટી વધઘટ આવી છે. ડૉલરની આવક સારી છે. નિકાસ, ઔદ્યોગિક ઉત્પાદન, ફુગાવો જેવા પંરપરાગત પરિબળો ભૂલીને રૂપિયો શોર્ટ ટર્મ કેપિટલ ફ્લો પર વધુ નિર્ભર બની ગયો છે. તેજી-મંદી અમુક અંશે શૅરબજાર જેવી થઈ ગઈ છે. રૂપિયામાં બન્ને બાજુ સ્વિંગ આવે છે અને વધઘટની માત્રા ઘણી ઝડપી અને ઘણી મોટી રહી છે. હવે રૂપિયામાં પણ દેશની બહાર ટ્રેડિંગ બહુ વધી ગયું છે. શોર્ટ ટર્મ રેન્ડ ૭૦.૩૭-૭૧.૧૭ છે. બ્રોડ રેન્જ ૬૯.૮૭-૭૨.૨૦ ગણાય.

વૈશ્વિક બજારોમાં ફેડ અને ઇસીબીએ વ્યાજદરો યથાવત્ રાખ્યા છે. ફેડની બેઠકમાં ચૅરમૅન પોવેલે કહ્યું છે કે ૨૦૨૦માં આખું વરસ વ્યાજદર હોલ્ડ પર રહેશે. બદલાવ નહીં આવે, સિવાય કે સંજોગો બદલાય. આમ ૨૦૧૯માં થયેલા ત્રણ ઘટાડાને આપણે મિડ સાઇકલ એડજસ્ટમેન્ટ ગણી શકીએ. શુક્રવારે ડોલેકસ ૯૬.૬૦ થઈ ૯૭.૧૫ બંધ હતો.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

શૅરબજારોમાં ફાટફાટ તેજી હતી. નિક્કી ૬૦૦ પૉઇન્ટ અને હેંગસેંગ ૬૯૩ પૉઇન્ટ વધ્યા હતા. શાંઘાઇ બજારમાં પણ શાનદાર તેજી હતી. નેધરલૅન્ડ બજાર ૧૮ વરસની ઊંચી સપાટીએ હતું. નિફ્ટી અને સેન્સેક્સમાં પણ તેજી હતી. કરન્સી બજારોમાં પાઉન્ડ એક તબક્કે ૧.૩૫ થયા પછી ૧.૩૩ હતો. યુરો ૧.૧૧૧૭ હતો. યેન થોડો ઘટ્યો હતો. નાતાલનું છેલ્લું પખવાડિયું હોઈ ફન્ડ મેનેજરો હવે વેકેશન મૂડમાં છે, પણ વરસના આરંભથી બુલ માર્કેટ ઇન એવરીથિંગ- ફોમો એટલે કે ફિઅર ઑફ મિસિંગ આઉટ ફેકટરની વાપસી થશે. ઇમર્જિંગ બજારોમાં નવેસરની તેજીના મંડાણ થયા છે અને એનો લાભ ભારતીય બજારોને પણ મળશે.

(vakilbiren@gmail.com)


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 03:39 PM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK