ખેડૂતોને જંગી સહાય કરતી જૂની-પુરાણી સરકારી યોજનાઓથી માત્ર બરબાદી

Published: 1st December, 2014 05:07 IST

અત્યારે રૂના ખેડૂતોને સહાય કરવા સરકાર પ્રજાના ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું પાણી કરશે: સરકારી સહાયને બદલે માર્કેટયંત્રણાથી ખેડૂતો આપમેળે કમાય એવી નીતિ ઘડવી જોઈએ: સરકારી સહાયનું મૉડલ ખેડૂત, માર્કેટ અને દેશના અર્થતંત્રને લાભકર્તા બને એવું હોવું જોઈએ


indian farmer


કૉમોડિટી અર્થકારણ-મયૂર મહેતા

દેશના ખેડૂતોનો માત્ર વોટબૅન્ક તરીકે જ ઉપયોગ કરીને અત્યાર સુધીના તમામ સત્તાધીશોએ દેશના ખેડૂત અને કૃષિ સેક્ટર બન્નેને પછાત રાખ્યાં છે. વિશ્વમાં સૌથી વધારે કુદરતી સંપદા અને ફળદ્રુપ જમીન ધરાવતું ભારત મોટા ભાગની કૃષિઊપજો માટે ફૉરેનથી થતી ઈમ્પોર્ટ પર અવલંબિત રહે છે. હરિયાળી ક્રાન્તિ, હરિત ક્રાન્તિ, શ્વેત ક્રાન્તિ જેવા રૂડારૂપાળા ઓઠા હેઠળ અનેક યોજનાઓ લાવ્યા બાદ પણ ભારતનું કૃષિ સેક્ટર હજી ત્યાંનું ત્યાં જ છે. વિશ્વના અનેક દેશોએ બાયોટેક્નૉલૉજી અને આધુનિક ટેક્નૉલૉજીને અપનાવીને અનેકગણું ઉત્પાદન મેળવ્યું છે, જ્યારે ભારતમાં હજી પણ પ્રતિહેક્ટર ઉત્પાદકતા ગોકળગાય ગતિએ વધી રહી છે એની સામે વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોવાથી કૃષિસેક્ટરમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ વર્ષોવર્ષ ધોવાતો રહ્યો છે. સરકારી નીતિ કૃષિસેક્ટરના વિકાસને બદલે ખેડૂતોની વોટબૅન્ક મજબૂત કરવા તરફ વધારે કેન્દ્રિત રહી છે.

રૂના ખેડૂતોને સહાય

વિશ્વમાં રૂના ભાવ અત્યારે પાંચ વર્ષના તળિયે પહોંચ્યા છે. ચીને છેલ્લાં ત્રણ વર્ષથી ઢગલાબંધ રૂની ઈમ્પોર્ટ કર્યા બાદ એકાએક ઈમ્પોર્ટ પૉલિસીમાં ફેરફાર કરતાં વિશ્વની સાથોસાથ ભારતમાં પણ કપાસ અને રૂના ભાવ તળિયે પહોંચી ગયા છે. આ ભાવ એટલી હદે નીચે ઊતરી ગયા છે કે ખેડૂતોને રૂની ખેતી કરવા માટે જે ખર્ચ કર્યો હતો એટલાં નાણાં પણ અત્યારે મળતાં નથી એથી રૂના ખેડૂતોને સહાય કરવા માટે સરકારે ખોટ ખાઈને કપાસ-રૂની ખરીદી કરવાનો વખત આવ્યો છે. કેન્દ્ર સરકારની સંસ્થા CCI (કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા) અત્યારે દેશનાં તમામ રાજ્યોમાંથી દરરોજ ઢગલાબંધ કપાસની ખરીદી કરી રહી છે. આ કપાસખરીદીને જીનિંગ મિલો ભાડે રાખીને CCI એમાંથી રૂ બનાવી રહી છે. આ રૂ બનાવવામાં CCIને જંગી ખોટ જઈ રહી છે. CCIના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી સરકારે નક્કી કરેલી MSP (મિનિમમ સર્પોટ પ્રાઇસ)થી કપાસ ખરીદીએ તો CCIને એક ખાંડી (૩૫૬ કિલો)દીઠ ૪૫૦૦ રૂપિયાની ખોટ જઈ રહી છે. આ જ રીતે તેલંગણમાંથી કપાસ ખરીદતાં એમાંથી રૂ બનાવવામાં આવે તો ખાંડીદીઠ ૬૮૦૦ રૂપિયાની ખોટ જઈ રહી છે. આંધ્ર પ્રદેશમાંથી કપાસ ખરીદીને રૂ બનાવવામાં આવે તો CCIને ખાંડીદીઠ ૭૨૦૦ રૂપિયાની ખોટ જઈ રહી છે. CCIએ ખેડૂતોને સહાય કરવા માટે દોઢ કરોડ ગાંસડી રૂની ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આટલો મોટો જથ્થો જો CCI ખરીદશે તો એને એટલે કે સરકારને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની ખોટ જશે. વળી આ રૂનો જથ્થો વિદેશમાં વેચાઈ શકે એમ નથી, કારણ કે અત્યારે ઑલરેડી ભારતના રૂના ભાવ વિશ્વબજાર કરતાં પાંચથી સાત ટકા ઊંચા છે.

રૂ ઇન્ડસ્ટ્રી મૃતપ્રાય


ભારતીય ખેડૂતોની જેમ રૂ-ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા જીનર્સો, પ્રેસિંગ એકમો અને રૂના નિકાસકારોના ધંધા હાલ સાવ ઠપ થઈ ચૂક્યા છે. CCI ખેડૂતોનો કપાસ MSPથી ખરીદીને રૂ બનાવે અને CCIને જો નુકસાન થતું હોય તો ઇન્ડસ્ટ્રી ખેડૂતોનો કપાસ MSPથી ખરીદે તો કઈ રીતે માર્કેટમાં ઊભા રહી શકે? સરકારે નક્કી કરેલા MSPથી કપાસ ખરીદી કરીને રૂ બનાવવામાં આવે તો વિશ્વબજારની સરખામણીમાં ભારતીય રૂ પાંચથી આઠ ટકા મોંઘું બને છે. દેશની ટેક્સટાઇલ મિલોને ભારતીય રૂ કરતાં વિદેશમાંથી સસ્તું રૂ મળી રહ્યું છે. આવા સંજોગોમાં ટેક્સટાઇલ મિલોએ જો વિશ્વબજારની સ્પર્ધામાં ઊભું રહેવું હોય તો એ શા માટે ભારતનું મોંઘું રૂ ખરીદે? હાલ જીનર્સો પણ ખેડૂતો પાસેથી MSPથી કપાસ ખરીદે તો તેઓને બજારભાવથી ખાંડીએ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાની ખોટ જઈ રહી છે. નિકાસકારો પણ ભારતીય બજારભાવે રૂ ખરીદે તો એનું વિશ્વબજારમાં કોઈ લેવાલ નથી. વિશ્વબજારમાં રૂના ભાવ પ્રતિટન ૬૬થી ૬૭ સેન્ટ ચાલી રહ્યા છે એની સામે ભારતીય રૂની પડતર ૭૧થી ૭૨ સેન્ટ પડી રહી છે. આવા વિપરીત સંજોગોમાં સરકાર દ્વારા ખેડૂતોને મળનારી સહાય માત્ર ને માત્ર મારા-તમારા ખિસ્સામાંથી દેશની તિજોરીમાં ગયેલાં નાણાંની બરબાદી સિવાય કશું જ નથી. વળી કપાસની ખેતીની પ્રોડક્શન-કોસ્ટ કરતાં સરકારની MSP પણ ઘણી નીચી હોવાથી ખેડૂતો પણ સરકારની સહાયથી નારાજ છે. આવા સંજોગોમાં દેશનો ખેડૂત, રૂ-ઇન્ડસ્ટ્રીઝ, નિકાસકારો કે દેશનું અર્થતંત્ર કોઈને સરકારી સહાયથી ફાયદો થવાનો નથી.

નીતિવિષયક ઉપાય

રૂના મામલે જે પેચીદો પ્રશ્ન હાલ ઊભો થયો છે એ કાંઈ પહેલી વખત નથી બન્યો. આવા મામલા અનેક વખત બન્યા છે, પણ સરકારે દરેક વખતે એક જ રીતે કામ ચલાવ્યું છે. પાંચેક વર્ષ અગાઉ જ્યારે વિશ્વબજારમાં તેલીબિયાંના ભાવ તળિયે પહોંચ્યા છે ત્યારે સરકારે રાયડાની ખરીદી MSP ૧૭૦૦ રૂપિયાના ભાવે કરી હતી. વિશ્વબજારની સરખામણીમાં અહીં રાયડાના ભાવ ઊંચા હોવાથી બજારમાં રાયડાનો ભાવ ૧૪૦૦ રૂપિયા હતો અને સરકારે ૧૭૦૦ રૂપિયામાં રાયડાનો જંગી જથ્થો ખરીદ્યો હતો. રાયડાની ખરીદીમાં પણ સરકારને જંગી ખોટ ગઈ હતી. એ વર્ષે રાયડાની ક્રશિંગ-ઇન્ડસ્ટ્રીને એટલો મોટો ધક્કો લાગ્યો હતો કે આખી ઇન્ડસ્ટ્રી બેથી ત્રણ વર્ષ મૃતપ્રાય અવસ્થામાં રહી હતી. કપાસ-રૂ અને રાયડા જેવી સ્થિતિ જ્યારે-જ્યારે સર્જા‍ય ત્યારે-ત્યારે સરકારે ખેડૂતોને સહાય કરવાને બદલે ઇન્ડસ્ટ્રીને ઇન્સેન્ટિવ આપીને બજારમાં ખેડૂતોને આકર્ષક ભાવ મળે એવી નીતિ ઘડવી જોઈએ. હાલના સંજોગોમાં વિશ્વબજારમાં ભારતીય રૂની નિકાસ વધે એ માટે સરકારે નિકાસકારોને એક્સર્પોટ પર ઇન્સેન્ટિવ આપવું જોઈએ. કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાના અંદાજ પ્રમાણે આ વર્ષે ભારતમાં કુલ ૪.૦૫ કરોડ ગાંસડી રૂના ઉત્પાદન અને કૅરિફૉર્વર્ડ સ્ટૉકમાંથી ૧.૭૪ કરોડ ગાંસડી રૂ સરપ્લસ રહેવાનું છે. ઘ્ઘ્ત્ની ખરીદીથી આ સરપ્લસ રૂનો નિકાલ થવાનો નથી, પણ જો નિકાસકારોને ઇન્સેન્ટિવ આપવામાં આવે તો સરપ્લસ રૂની નિકાસ થાય, જીનિંગ-પ્રેસિંગ ઇન્ડસ્ટ્રી ફરી ધમધમતી થાય અને દેશની તિજોરીમાંથી દેશના ખેડૂતો માટે સહાયરૂપે જે નાણાં બરબાદ થવાનાં છે એ પણ બચી શકે. રૂ-ઇન્ડસ્ટ્રીઝના અંદાજ અનુસાર જો નિકાસ પર ઇન્સેન્ટિવ આપવામાં આવે તો સરકારને ૭૦૦થી ૮૦૦ કરોડ રૂપિયાનો બોજો પડી શકે છે. નિકાસમાં ઇન્સેન્ટિવથી સરકારના ૧૨,૦૦૦ કરોડ રૂપિયા બચી શકે છે. એ ઉપરાંત માત્ર નિકાસકારોને જ નહીં; પણ ખેડૂતો, જીનિંગ-પ્રેસિંગ ઇન્ડસ્ટ્રી બધાને આ રીતે લાભ થઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK