Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માત્ર સેન્ટિમેન્ટ કામ કરી રહ્યું છે, ફન્ડામેન્ટલ્સ નહીં

માત્ર સેન્ટિમેન્ટ કામ કરી રહ્યું છે, ફન્ડામેન્ટલ્સ નહીં

01 June, 2020 01:28 PM IST | Mumbai Desk
Jayesh Chitalia

માત્ર સેન્ટિમેન્ટ કામ કરી રહ્યું છે, ફન્ડામેન્ટલ્સ નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉનના પ્રથમ દિવસે (૨૩ માર્ચે) ૨૫૯૮૧ સુધી નીચે ગયેલો સેન્સેક્સ હાલ (૨૯ મે)ના રોજ ૩૨૪૨૪ ઃ ખરાબમાં ખરાબ આર્થિક સંજોગો વચ્ચે આવો સુધારો શા માટે? આ સવાલ વિચારવા જેવો છે. આ માત્ર સેન્ટિમેન્ટ કામ કરી રહ્યું છે, ફન્ડામેન્ટલ્સ નહીં એ યાદ રાખીને ચાલજો

વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે ઈદ નિમિત્તે બજાર બંધ હતું જેથી સપ્તાહ માત્ર ચાર દિવસનું હતું. મંગળવારનો આરંભ ૩૦૦ પૉઇન્ટ પ્લસ સાથે પૉઝિટિવ થયો હતો. જોકે બપોર પછી માર્કેટ સતત ઘટવા લાગ્યું હતું અને અંતમાં તો સાધારણ નેગેટિવ રહ્યું હતું. સેન્સેક્સ ૬૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦ પૉઇન્ટ નીચે બંધ રહ્યા હતા. જોકે મુખ્ય કારણ પ્રૉફિટ બુકિંગનું ગણાતું હતું. અલબત્ત, લૉકડાઉન ખૂલવાના દિવસો નજીક આવતાં બજારને ક્યાંક કરન્ટ મળી રહ્યો હોવાની ચર્ચા હતી. સાવ બંધ પડેલી આર્થિક પ્રવૃત્તિ જે કંઈ અંશે શરૂ થશે એ પૉઝિટિવ ગણાશે. બુધવારે બજારે નરમાઈ સાથે શરૂઆત કરી હતી. મોટાં શહેરોમાં લૉકડાઉન લંબાઈ જવાની શંકા કે ભીતી માર્કેટ સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર બતાવતા હતા. જોકે પછીથી માર્કેટે ઝડપી રિકવરી શરૂ કરી હતી અને સડસડાટ વધતું રહી સેન્સેક્સ અંતમાં ૯૯૫ પૉઇન્ટ પ્લસ સાથે ૩૧૬૦૫ બંધ રહ્યો અને નિફ્ટી ૨૮૫ પૉઇન્ટ પ્લસ સાથે ૯૩૧૪ બંધ રહ્યો હતો. ખાસ કરીને બૅન્ક અને ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં ઉછાળા જોવાયા હતા. જોકે નવાઈની વાત એ છે કે ભારત અને ચીનની સીમા પર તનાવ ચાલી રહ્યા છે, તેમ જ ભારતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે તેમ છતાં આ રિકવરી જોવાઈ હતી. અમુક કારણ શૉર્ટ કવરિંગનું પણ હતું.



સેન્સેક્સ ૩૨૦૦૦ને પાર
ગુરુવારે પુનઃ બૅન્ક સ્ટૉક્સની રેલીને કારણે માર્કેટ પૉઝિટિવ રહ્યું હતું જેમાં સેન્સેક્સ ૩૨૦૦૦ને અને નિફ્ટી ૯૪૦૦ને પાર કરી ગયા હતા. યુરોપિયન દેશોમાં અપેક્ષા કરતા જંગી સ્ટિમ્યુલસ પૅકેજના અહેવાલે અને ભારતમાં આર્થિક પ્રવૃત્તિ ખૂલવાની શરૂઆતને કારણે સેન્ટિમેન્ટ પૉઝિટિવ બન્યું હતું. વિદેશી અને સ્થાનિક ફંડ્સની ખરીદી મોટી રહી હતી. બજારના અંતે સેન્સેક્સ ૫૯૫ પૉઇન્ટ પ્લસ, જ્યારે નિફ્ટી ૧૭૫ પ્લસ બંધ રહેતાં રોકાણકારોની મૂડીમાં ગુરુવારે બે લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. બજારની નજર શુક્રવારે જીડીપી ડેટાની જાહેરાત પર મંડાઈ હતી જેની માટે આમ તો સારો આશાવાદ તો નહોતો જ. તેમ છતાં બપોર સુધી નેગેટિવ ઝોનમાં રહેલું બજાર અંતમાં પૉઝિટિવ બંધ રહ્યું હતું. રિકવરીની આ હૅટ-ટ્રિક હતી જેમાં સેન્સેક્સ ૨૨૩ પૉઇન્ટ વધીને ૩૨૪૨૪ અને નિફ્ટી ૯૦ પૉઇન્ટ સુધરીને ૯૫૮૦ બંધ રહ્યો હતો. માર્ચ ક્વૉર્ટરના જીડીપી દર ઘટીને ૩.૧ ટકા નોંધાયો હતો. સંપૂર્ણ વર્ષનો દર ૪.૨ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો. જોકે આ મામલે ચાલુ નાણાકીય વર્ષની દશા તો વધુ કફોડી રહેવાનું નક્કી છે. નવાઈની વાત એ છે કે બૂરામાં બૂરા આર્થિક સંજોગોમાં બજાર સુધરી રહ્યું છે.


સૌથી ખરાબ આર્થિક સંજોગોનું વર્ષ
જ્યારે કે બીજી બાજુ ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક સમાચાર આવતા રહે છે, જેમાં અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક દર પાંચ ટકા (નેગેટિવ) નીચે જવાની ધારણા મૂકી છે. ક્રિસિલના અભ્યાસ મુજબ ભારતે અત્યાર સુધીમાં ત્રણ મોટી મંદી (રિસેશન) જોઈ છે ૧૯૫૮, ૧૯૬૬ અને ૧૯૮૦માં. આ ત્રણેય મહામંદી નબળા કે નિષ્ફળ ચોમાસાને કારણે હતી, જ્યારે આ વખતની સૌથી વર્સ્ટ મંદી કોવિડ-19 નિમિત્તે જોવાઈ છે. વાસ્તવમાં આ એક મેડિકલ ક્રાઇસિસ હોવાથી આર્થિક નિષ્ણાતો માટે પણ આગળ જતા શું થશે એ વિશે ધારણા બાંધવાનું કઠિન બની રહ્યું છે. પ્રથમ ક્વૉર્ટર નૉન-ઍગ્રિકલ્ચર સેક્ટર માટે સૌથી ખરાબ રહી શકે છે.

રાહતના કર્મ હમણા, પરિણામનાં ફળ પછી
અત્યારે મોટા ભાગના લોકો એવું માને છે કે સરકારે જે પાંચ રાહત પૅકેજ જાહેર કર્યાં અને રિઝર્વ બૅન્કે પણ જે પૅકેજ જાહેર કર્યું એની બજારે અવગણના કરી છે. વાત તો સાચી છે. બજારે આ રાહતોને આવકારી કે વધાવી નથી, કારણ કે આ રાહતોની અસર લાંબે ગાળે જ થવાની છે, એના અમલમાં પણ સમય લાગવાનો છે. હવે પછી લૉકડાઉન ખૂલશે ત્યાર બાદ કયા ધંધા કઈ રીતે શરૂ થાય છે? કયા ઉત્પાદન એકમો, વેચાણ-ટ્રેડિંગ એકમો કઈ રીતે કાર્યરત થાય છે એ પછી આર્થિક પ્રવૃત્તિનો ખરો તાગ નીકળવાનું શરૂ થશે. અલબત્ત, આ કાર્ય ધીમી ગતિએ જ થવાનું છે. વાસ્તવમાં કોરોના સામેની લડાઈનો ખરો કસોટીનો સમય લૉકડાઉન બાદ શરૂ થશે, જ્યારે કે વધુ સંખ્યામાં લોકો બહાર નીકળશે, એકબીજાને મળશે, બજારો ભરાશે, ઑફિસો ખૂલશે વગેરે. હા, તો સરકારી અને રિઝર્વ બૅન્કના રાહત પૅકેજની અસર પણ એ પછી જ દેખાવાની શરૂ થશે. અલબત્ત, સરકારે એના અમલમાં સાવચેતી, વ્યવહારદક્ષતા અને કાર્યક્ષમતા જાળવવી જોઈશે. રાહત પૅકેજની સફળતાનો આધાર એનો અમલ બનશે. આમ આ રાહત પૅકેજથી હાલમાં ભલે રાહત થઈ નથી, પરંતુ એનું રિઝલ્ટ આગામી સમયમાં (મિનિમમ છથી બાર મહિના) જોવા મળવાનું શરૂ થશે. હાલ તો જીડીપી જ શૂન્ય અથવા નેગેટિવ રહેવાની વાત થતી હોય ત્યાં બજારને કે ઇકૉનૉમીને બળ મળે ક્યાંથી? આ બળના અભાવે સેન્ટિમેન્ટ સુધરે ક્યાંથી? એકલી પ્રવાહિતા કોઈ નક્કર પરિણામ આપી શકે નહીં અર્થાત્ લાંબા સમયની રાહ જોવાની જેમની પાસે ધીરજ-વિવેક અને ક્ષમતા હોય તેઓ જ માર્કેટમાં દરેક મોટા ઘટાડામાં શૅર જમા કરતા જાય. બાકીના લોકો મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી કે બૅલૅન્સ યોજના પર વધુ જોર રાખે.


લૉકડાઉન પહેલાં અને બાદ સેન્સેક્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ માર્ચથી દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. એ પછીનો દિવસ ૨૩ માર્ચ સોમવાર હતો, જે દિવસે સેન્સેક્સ ૩૯૩૫ પૉઇન્ટના કડાકા સાથે ૨૫૯૮૧ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી ૧૧૩૫ના કડાકા સાથે ૭૬૧૦ પહોંચી ગયો હતો. આ સેન્સેક્સ લૉકડાઉન પૂર્વે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ૪૧૦૦૦ ઉપર જઈ આવ્યો હતો. એપ્રિલના અંતે સેન્સેક્સ રિકવર થઈને ૩૩૭૧૭ બંધ આવ્યો હતો, જ્યારે મેમાં સેન્સેક્સ સતત ૩૦થી ૩૨૦૦૦ની રેન્જમાં રહ્યો છે. વીતેલા સપ્તાહમાં સેન્સેક્સ પુનઃ સુધારા સાથે ૩૨૪૨૪ અને નિફટી ૯૫૮૦ પહોંચી ગયો હતો. એક વાત નોંધવી રહી કે બજાર અતિ બુરા આર્થિક સંજોગોમાં પણ ઝાઝૂ તૂટી જતું નથી. ઉપરથી સુધરતું પણ રહે છે. જોકે ઇન્ડેક્સના ઉછાળા સિલેક્ટિવ સ્ટૉક્સને કારણે હોય છે એ યાદ રાખવું જરૂરી છે. આવા સમયમાં સાવચેતી વધુ જરૂરી બની જાય છે. લૉકડાઉનના બે મહિનામાં સેન્સેક્સ ૬૦૦૦ પૉઇન્ટથી વધુ રિકવર થયો છે. અલબત્ત, ગમે ત્યારે ઇન્ડેક્સ તૂટી પણ શકે છે. વાસ્તે, વર્તમાન સુધારાને તેજી સમજી દોરાઈ જવું નહીં. લૉકડાઉન બાદ બહાર નીકળતી વખતે જેટલી કાળજી લેવાની છે એટલી કાળજી બજારમાં રોકાણ કરતી વખતે પણ લેવાની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 01:28 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK