અમેરિકા અને ઈરાનની તંગદિલીથી ક્રૂડના ભાવ ભડકે બળ્યા : ચાર મહિનાની ટોચે

Published: Jan 04, 2020, 13:43 IST | New Delhi

ઇરાક ઉપર એક મિસાઈલ હુમલામાં અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરની હત્યા કરી નાખતા ક્રૂડ ઑઈલના ભાવમાં તેજી ફાટી નીકળી હતી.

ક્રૂડ ઑઈલ
ક્રૂડ ઑઈલ

ઇરાક ઉપર એક મિસાઈલ હુમલામાં અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરની હત્યા કરી નાખતા ક્રૂડ ઑઈલના ભાવમાં તેજી ફાટી નીકળી હતી. વાયદા બજારમાં અમેરિકા અને લંડનમાં ક્રૂડ ઑઈલના ભાવ ચાર ટકા જેટલા વધી ગયા છે. બજારમાં એવી દહેશત છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો તંગ બનતા વિશ્વમાં ક્રૂડ ઑઈલનું સૌથી વધુ ઉત્પાદન કરતા એશિયાઇ દેશોમાં તંગદિલી વધી જશે અને તેના કારણે ક્રૂડ ઑઈલના ઉત્પાદન ઉપર પણ અસર પડી શકે છે.

આ લખાય છે ત્યારે લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૨.૫૮ ડૉલર કે ૩.૯૪ ટકા વધી ૬૮.૮૩ ડૉલર પ્રતિ બેરલ અને અમેરિકામાં વેસ્ટર્ન ટેક્સાસ વેરાઈટીના વાયદાના ભાવ ૩.૬૬ ટકા કે ૨.૨૪ ડૉલર વધી ૬૩.૪૨ ડૉલર પ્રતિ બેરલની સપાટી ઉપર છે. ક્રૂડ ઑઈલના ભાવ સપ્ટેમ્બરમાં સાઉદી અરામ્કો ઉપર હુમલામાં જોવા મળેલી સપાટીની નજીક પહોંચી રહ્યા છે. ભારતમાં ક્રૂડતેલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ બેરલદીઠ ૪૩૬૦ ખૂલી, ઉપરમાં ૪૬૦૩ અને નીચામાં ૪૩૬૦ રૂપિયા બોલાઈ પ્રથમ સત્રના અંતે ૨૨૭ વધીને ૪૫૭૦ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગૅસ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૭૦ પૈસા ઘટીને બંધમાં ૧૫૧.૭ રૂપિયા રહ્યો હતો.

અમેરિકાએ ઈરાન સાથેની પરમાણુ સંધિ રદ કરતાં બન્ને દેશ વચ્ચે સંઘર્ષ વધી ગયેલો હતો ત્યારે ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી નેતા ઉપરનો હુમલો સ્થિતિ વકરે એવા ચિહન આપી રહ્યો છે. ઈરાને અમેરિકાના આ પગલાંને ગંભીર ગણાવ્યું છે અને વળતા હુમલાની ધમકી પણ ઉચ્ચારી છે. ફ્રાન્સે આ ઘટનાને વખોડી કાઢી જણાવ્યું છે કે આનાથી એશિયામાં અશાંતિ ફેલાવાનું જોખમ વધી રહ્યું છે.

જોકે અત્યારે કોઈ પણ ક્રૂડ ઑઈલ ઉત્પાદન કેન્દ્રો ઉપર કોઈ તકલીફ નથી પણ બજારને એવી દહેશત છે કે ઈરાન વધારે ઘાતકી રીતે વળતો પ્રહાર કરશે અને તેનાથી ક્રૂડ ઑઈલનું ઉત્પાદન, વિતરણ અને પુરવઠો ખોરવાઈ શકે છે. પર્શિયન ગલ્ફ વિશ્વના કુલ ક્રૂડ પરિવહનમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે અને અહીં કોઈ અશાંતિ થાય તો તેની અસર સમગ્ર વિશ્વમાં પડી શકે છે.

ભારત માટે ક્રૂડ ઑઈલના ભાવ વધવા વધારે ચિંતાજનક છે, કારણ કે ભારત તેની કુલ જરૂરિયાતના ૭૫ ટકા જેટલી ક્રૂડની આયાત કરે છે. ભારતને ઈરાન પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઑઈલ ખરીદવાની અમેરિકાએ છૂટ પણ આપી છે. ભારતીય અર્થતંત્ર નાજુક હાલતમાં છે ત્યારે ક્રૂડના ઊંચા ભાવ, ઘટી રહેલા રૂપિયાના કારણે ઇંધણના ભાવ વધી શકે અને તેનાથી ફુગાવો પણ વધી શકે છે.

દરમ્યાન બજારમાં હજુ પણ ક્રૂડ ઑઈલની માગ કરતાં પુરવઠો માર્ચ ૨૦૨૦થી વધી શકે તેવી ધારણા છે એટલે જો આ સમયમાં શાંતિ જળવાઈ રહે અને બન્ને દેશ વચ્ચે તંગદિલી વધારે ભડકે નહીં તો ક્રૂડ ઑઈલના ભાવ વધ્યા એટલી જ ઝડપે ઘટી પણ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK