સરકારનું ટાર્ગેટ ગૉલ્ડ: લિમિટથી વધુ સોનું હશે તો ઇન્કમ ટૅક્સ ભરવો પડશે

Published: Oct 31, 2019, 09:40 IST | નવી દિલ્હી

દેશની પ્રજા પાસે રહેલું સોનું જાહેર કરાવવા માટે એમનેસ્ટી સ્કીમ શરૂ કરી શકે છે, પહોંચ વગર ખરીદેલા સોના ઉપર ટૅક્સ લેવાની તૈયારી કરી રહી છે સરકાર

ગોલ્ડ
ગોલ્ડ

નવેમ્બર ૨૦૧૬માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં કાળું નાણું બહાર લાવવા માટે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની તત્કાલીન નોટ રદ કરી નોટબંધી જાહેર કરી હતી. દિવાળી પછી થયેલી આ જાહેરાતથી સમગ્ર દેશની પ્રજા પોતાના હાથ ઉપર રહેલી જૂની નોટો બદલવા અથવા તો તેને બૅન્કમાં જમા કરાવવા માટે ૫૦ દિવસ સુધી લાઈનમાં ઊભી રહેલી જોવા મળી હતી. હવે દિવાળી ૨૦૭૫ પછી સરકાર ફરી એકવાર કાળું નાણું બહાર લાવવા માટે નવી સ્કીમ લઈને આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી, પણ સૂત્રો આધારિત મળી રહેલા ખબર અનુસાર આ વખતે સરકારની નજર પ્રજાના ઘરમાં રહેલા સોના ઉપર છે. ભારતીયો સોનું ખરીદવા અને તેનો સંગ્રહ કરવાના પ્રેમ માટે જાણીતા છે. ભારતીયો પાસે લગભગ ૨૦,૦૦૦ ટન સોનું હોવાનો અંદાજ છે અને તેમાં સત્તાવાર સિવાય આવેલું સોનું, વારસાઈ સોનું અને સ્મગલિંગ થકી આવેલું સોનું ગણવામાં આવે તો ૨૫,૦૦૦ ટન જેટલું થાય છે. વર્તમાન ભાવે તેની કિંમત લગભગ ૧.૫ ટ્રિલ્યન ડૉલર કે ૧૦૬ લાખ કરોડ રૂપિયા થાય!

મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર લોકો પાસેનું સોનું જે તે જાહેર કરવા માટે એમનેસ્ટી સ્કીમ જાહેર કરી શકે છે. આ યોજના અનુસાર કેટલીક ચોક્કસ માત્રામાં સોનું હોય તેના કરતાં વધારે સોનું કોઈ પાસે હોય તો તેના ઉપર ઇન્કમ ટૅક્સ ભરવાનો આવશે. આ ચોક્કસ માત્રા કે કેટલો ઇન્કમ ટૅક્સ એ અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય હેઠળનું રેવન્યુ અને ઇકૉનૉમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ આ સ્કીમ તૈયાર કરી રહ્યું છે તેને કૅબિનેટ સમક્ષ મૂકવામાં આવશે અને પછી તેની જાહેરાત થઈ શકે છે, એવું સૂત્રો ઉમેરે છે.

વધુ વિગતો અનુસાર સોનાની ખરીદી અંગે કોઈની પાસે ખરીદીની પહોંચ હોય તે પુરાવા તરીકે પણ લોકોએ આપવાના રહેશે. એમનેસ્ટી સ્કીમ એક ચોક્કસ મુદતની હશે. આ પછી ચોક્કસ માત્રા કરતાં વધારે સોનું મળી આવે તો સરકાર તેમની પાસેથી કર અને ભારે પૅનલ્ટી વસૂલ કરવામાં આવે એવી વિચારણા કરી રહી છે.

સૂત્રો જણાવે છે કે નોટબંધી સમયે સરકારને રોકડ સ્વરૂપે રહેલું કાળું નાણું બહાર લાવવામાં નિષ્ફળતા મળી હતી. એ સમયે એવી દલીલ થઈ હતી કે દેશની પ્રજા રોકડ સ્વરૂપે બહુ ઓછું કાળું નાણું રાખે છે અને તેનું સ્વરૂપ સોનું અને રિઅલ એસ્ટેટમાં વધારે માત્રામાં છે. એટલે જ ૧૫.૪ લાખ કરોડ રૂપિયાની નોટો રદ થઈ તેમાંથી ૯૯.૩ ટકા નોટો બૅન્કોમાં જમા થઈ ગઈ હતી. આ પછી સરકારે પોતાનો નોટબંધીનો ઉદ્દેશ બદલી તેને ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો કરી નાખ્યો હતો. અત્રે એ નોંધવું જોઈએ કે દેશમાં અત્યારે પ્રજાના હાથ ઉપરની રોકડનું પ્રમાણ ૨૧.૩૦ લાખ કરોડ રૂપિયા જેટલું થઈ ગયું છે જે નોટબંધીની જાહેરાત કરતાં પણ વધારે છે.

એ પણ નોંધવું જોઈએ કે નોટબંધી પછી તરત જ ઇન્કમ ટૅક્સ છુપાવ્યો હોય તેવા લોકો માટે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના’ નામની એમનેસ્ટી સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ માત્ર ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની છુપાયેલી આવક બહાર આવી હતી અને તેમાં મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદમાં એવા કિસ્સા બહાર આવ્યા હતા કે જેમની આવક વર્ષે રૂપિયા લાખ પણ નહોતી એવી વ્યક્તિઓએ હજારો કરોડ રૂપિયાની છૂપી આવક જાહેર કરી હતી.

ડિજિટલ કૅશના નામે નાણાં મંત્રાલયે ઑપરેશન ક્લીન મની નામે એક યોજના જાહેર કરી હતી. સ્વચ્છ ધન અભિયાનની આ યોજનામાં સરકારે મે ૨૦૧૭ પછી કોઈ પણ અપડેટ આપી નથી. માત્ર ૫૦૩ નાગરિકો આ યોજનામાં સ્વયંસેવક તરીકે જોડાયા છે અને પછી તેનું શું થયું તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK