Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગ શૅરના સહારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી સામાન્ય વૃદ્ધી

બૅન્કિંગ શૅરના સહારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી સામાન્ય વૃદ્ધી

12 November, 2019 12:40 PM IST | Mumbai
Stock Talk

બૅન્કિંગ શૅરના સહારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળી સામાન્ય વૃદ્ધી

ભારતીય શેર બજાર

ભારતીય શેર બજાર


ભારતીય શૅરબજાર માટે ગઈ કાલનું સત્ર સાવચેતી અને સાંકડી વધઘટનું જોવા મળ્યું હતું. મંગળવારે ગુરુનાનક જયંતીની રજા હોવાથી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કોઈ મોટી ખરીદી કે વેચાણ કરી જોખમ લેવાનું રોકાણકારોએ ટાળ્યું હતું. પાંખા કામકાજ વચ્ચે બજારમાં વધઘટ જોવા મળી હતી. એશિયાઈ બજારો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર અંગેની સમજૂતી ફરી વિલંબમાં પડે એવી ધારણાએ ઘટીને બંધ આવ્યાં હતાં. ગઈ કાલની બજારમાં જોકે બૅન્કિંગ શૅરોમાં નીકળેલી ખરીદીના કારણે દિવસની નીચી સપાટીએથી વધીને બંધ આવ્યા હતા.

સેન્સેક્સ ૨૧.૪૭ પૉઇન્ટ કે ૦.૦૫ ટકા વધી ૪૦,૩૪૫.૦૮ અને નિફ્ટી ૪.૮૦ પૉઇન્ટ કે ૦.૦૪ ટકા વધી ૧૧,૯૧૨.૮૫ની સપાટીએ બંધ આવ્યા હતા. બજારમાં ૧૨૪૪ વધેલા શૅર સામે ૧૨૯૩ શૅર ઘટ્યા હતા જે દર્શાવે છે કે ખરીદી જેટલું જ વેચાણ પણ જોવા મળ્યું હતું. રોકડ બજારમાં ટર્નઓવર શુકવારની સામે અડધાથી પણ ઓછું હતું અને વાયદામાં પણ કામકાજ ઓછું જોવા મળ્યું હતું.


આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાંથી ચાર ઘટ્યાં હતાં જેમાં એફએમસીજી અને આઇટી સૌથી વધુ ઘટ્યા હતા. એકચેન્જ પર ૩૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહ ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૬૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૦૬ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.


બીએસઈ ઉપર ૬૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૩૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૩૮માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્માલ કૅપ ઇન્ડેક્સ ૦.૧૭ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૨૯ ટકા ઘટ્યા હતા.

બૅન્કિંગમાં ખરીદી
સત્રના છેલ્લા ભાગમાં બૅન્કિંગ શ.રોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૧.૨૭ ટકા વધી ૩૧,૧૩૮.૯૦ની સપાટીએ બંધ આવ્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્કની આગેવાની હેઠળ છેલ્લાં ચાર સત્રમાં આ ઇન્ડેક્સ ૩.૦૪ ટકા વધ્યો છે. ખાનગી બૅન્કોમાં આરબીએલ ૬.૦૨ ટકા, યસ બૅન્ક ૫.૮૦ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૫૩ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૫૦ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૧૨ ટકા, કોટક મહિન્દ્ર ૦.૯૪ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૭૩ ટકા વધ્યા હતા.

સરકારી બૅન્કોમાં આઇડીબીઆઇ બૅન્ક ૧.૬૮ ટકા, કૅનેરા બૅન્ક ૧.૩૨ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧.૨૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૦૫ ટકા, યુનિયન બૅન્ક ૧.૦૧ ટકા, યુનાઇટેડ બૅન્ક ૦.૯૧ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૭૮ ટકા અને પંજાબ નૅશનલ બૅન્ક ૦.૫૭ ટકા વધ્યા હતા. શુકવારે સારાં પરિણામ જાહેર કર્યાં હોવાથી બૅન્ક ઑફ બરોડાના શૅર પણ ૨.૮૮ ટકા વધ્યા હતા.

પરિણામની અસરે વધઘટ
સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નફો ૩૬.૩ ટકા અને આવક ૫.૬૬ ટકા વધી હોવાથી એનટીપીસીના શૅર ૦.૭૨ ટકા વધ્યા હતા. ધારણા કરતાં નબળાં પરિણામના કારણે નેસ્લેના શૅર ૨.૫૪ ટકા ઘટ્યા હતા. તાતા પાવરના શૅર પણ નબળા પરિણામના કારણે ૩.૭૦ ટકા ઘટીને બંધ આવ્યા હતા. બીજી તરફ, સારાં પરિણામના કારણે ડૉ. લાલ પાથલૅબ્સના શૅર ૨.૦૨ ટકા વધ્યા હતા. કંપનીનો નફો ૪૧.૪ ટકા અને આવક ૧૫.૧૫ ટકા વધી હતી.

અમરરાજા બેટરીના શૅર આજે ૯.૮૩ ટકા વધ્યા હતા. કંપનીનો નફો ૮૧ ટકા વધી ૨૧૮.૬ કરોડ રૂપિયા અને આવક ઘટી ૧૬૯૫.૩ કરોડ રૂપિયા રહી હતી. વાહનોના ઘટી રહેલા વેચાણ વચ્ચે પણ બેટરી બનાવતી આ કંપનીનો નફો અને નફાના માર્જિન વધ્યા હોવાથી શૅરમાં ઉછાળો જોવા મળ્યો હતો. નારયણ હૃદયાલયના શૅર આજે ૫.૪૦ ટકા વધ્યા હતા. કંપનીનો નફો ૨૩૩ ટકા વધી ૪૫.૩૩ કરોડ રૂપિયા અને આવક ૧૫.૬ ટકા વધી હતી. ઑટો પાર્ટ્સ બનાવતી મધરસન સુમીના શૅર ૪.૧૪ ટકા વધ્યા હતા. કંપનીનો નફો ૪ ટકા વધી ૩૮૫ કરોડ રૂપિયા અને આવક ૬ ટકા વધી ૧૫,૭૦૯ કરોડ રૂપિયા આવી હતી.

અન્ય શૅર
ઑક્ટોબરમાં પણ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિએ પોતાનું ઉત્પાદન ઘટાડ્યું હોવાની જાહેરાત કરતાં શૅરના ભાવ ઘટ્યા હતા. કંપનીને સતત સાતમા મહિને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે. શૅરનો ભાવ આજે ૦.૯૪ ટકા ઘટ્યો હતો. બીજી તરફ, તાતા મોટર્સના શૅર આજે ૧.૬૮ ટકા વધ્યા હતા. કંપનીની કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા જેગુઆર લૅન્ડ રોવરનું વેચાણ ચીનમાં સતત બીજા મહિને વધીને આવ્યું હોવાથી શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જેગુઆર માટે ચીન સૌથી મોટું બજાર છે.

દેશની બીજા ક્રમની ટ્રક બનાવતી કંપની અશોક લેલૅન્ડના શૅરમાં આજે ભારે વધઘટ જોવા મળી હતી. દિવસની શરૂઆતમાં શૅર આજે ૭.૨ ટકા ઘટી ૭૧ રૂપિયાની સપાટીએ ખુલ્યા હતા અને નબળા પરિણામના કારણે ભાવ ઘટીને બંધ આવશે એવી ધારણા હતી ત્યારે દિવસના અંતે નીચા મથાળે ત્વૅલ્યુ બાઇંગ જોવા મળતાં શૅરના ભાવ શુક્રવારના બંધ સામે ૩.૪૬ ટકા વધી ૭૯.૨૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

એચડીએફસી ઍસેટ વિક્રમી સપાટીએ
દેશના સૌથી મોટા નાણાકીય સેવાઓ ક્ષેત્રે કાર્યરત ગ્રુપની એચડીએફસી ઍસેટ મૅનેજમેન્ટના શૅર આજે વધુ એક વિક્રમી સપાટીએ બંધ આવ્યા હતા. દિવસના અંતે શૅરનો ભાવ ૪.૮૬ ટકા વધી ૩૩૪૬.૩૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. સતત ત્રણ દિવસથી કંપનીના શૅર ૧૪ ટકા વધીને બંધ આવ્યા છે. ૬ ઑગસ્ટ ૨૦૧૮ના રોજ ૧૧૦૦ રૂપિયાના ભાવે પબ્લિક ઇશ્યુ આવ્યા પછી શૅરનો ભાવ એક વર્ષથી થોડા વધુ સમયમાં ૨૦૪ ટકા વધી ગયો છે.

યસ બૅન્કમાં પણ તેજી જોવા મળી રહી
કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં વિશ્વની બધી બૅન્કોના શૅરમાં યસ બૅન્કના શૅર સૌથી વધુ ઘટ્યા છે પણ છેલા એક મહિનામાં વિશ્વની બધી જ બૅન્કોના શૅરમાં આ કંપનીના શૅરમાં સૌથી મોટો ઉછાળો પણ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શૅર ૫.૮૦ ટકા વધી ૭૩ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં શૅરનો ભાવ ૫૦ ટકા વધી ગયો છે. બીજી તરફ સમગ્ર વર્ષમાં જોકે શૅરનો ભાવ ૬૩ ટકા જેટલો ઘટ્યો પણ હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 12:40 PM IST | Mumbai | Stock Talk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK