નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓનું ધિરાણ 24 મહિનામાં સૌથી ઓછું

Published: Sep 09, 2019, 08:08 IST | મુંબઈ

વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં ધિરાણમાં ૩૦ ટકાનો ઘટાડો

ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે કે લોકોની આવક ઘટી રહી છે એટલે લોકો વધુ વપરાશ માટે ખર્ચ કરી રહ્યા નથી. બીજી તરફ, નાણાંની તીવ્ર ખેંચના કારણે નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની ધિરાણ આપવાની ક્ષમતા પણ ઘટી રહી છે. એનબીએફસીના સહારે માર્ચ ૨૦૧૫થી જે ઝડપથી વ્યક્તિગત લોન માટે ધિરાણ થઈ રહ્યું હતું એ હવે ધડામ દઈ ઘટી ગયું છે. સતત ત્રીજા ક્વૉર્ટરમાં ધિરાણ ઘટી ગયું હોવાના આંકડા આજે ફાઇનૅન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (એફઆઇડીસી) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૧૮માં નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓનું કુલ ધિરાણ આગલા વરસ કરતાં ૧૭ ટકા ઘટ્યું હતું. એ પછી જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ વચ્ચે એ ૩૧ ટકા ઘટ્યા બાદ હવે એપ્રિલથી જૂનના ક્વૉર્ટરમાં વધારે ૩૦.૩૧ ટકા ઘટ્યું હોવાનું એફઆઇડીસીએ આજે જાહેર કર્યું હતું. જૂન ૨૦૧૮ના અંતે એનબીએફસીનું કુલ ધિરાણ ૨,૫૭,૫૮૨ કરોડ રૂપિયાનું હતું જે જૂન ૨૦૧૯ના અંતે ઘટીને ૧,૭૯,૫૦૫ કરોડ રૂપિયાનું થયું છે. જૂન ૨૦૧૭થી ઉપલબ્ધ આંકડાઓ સામે એટલે કે છેલ્લા ૨૪ મહિનામાં આ ધિરાણ સૌથી ઓછું છે.

બૅન્કો ઉપર જ્યારે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)નું દબાણ વધી ગયું હતું ત્યારથી એનબીએફસી દેશમાં ધિરાણ કરવામાં બહુ અગત્યનો ભાગ ભજવી રહી છે. આ કંપનીઓનું ધિરાણ અને એનો બજારહિસ્સો પણ વધી રહ્યો હતો, પણ હવે એ બદલાઈ રહ્યું છે.

માત્ર બે રાજ્યોમાં ધિરાણ વધ્યું!

જૂનના અંતે સમગ્ર દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માત્ર ત્રિપુરા અને મિઝોરમમાં જ ધિરાણ વધ્યું છે બાકી ૩૪ રાજ્યો (કે કેન્દ્રશાસિત પ્રદેશ)માં ધિરાણમાં ઘટાડો જોવા મળ્યો છે. માર્ચના અંતે ૭ જગ્યાએ ધિરાણમાં વધારો જોવા મળ્યો હતો. ત્રિમાસિક ગાળામાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કે એથી વધુ ધિરાણ ધરાવતાં દરેક રાજ્યોમાં ધિરાણમાં ઘટાડો જ જોવા મળ્યો છે. ગયા વર્ષે દેશના એનબીએફસીના કુલ ધિરાણમાં મહારાષ્ટ્રનો હિસ્સો લગભગ ૨૫ ટકા જેટલો હતો એ ઘટીને જૂનના અંતે ૧૯ ટકાનો થયો છે. મહારાષ્ટ્રમાં કુલ ધિરાણ ૬૧,૦૫૮ કરોડ રૂપિયાથી ૪૩ ટકા જેટલું ઘટી જૂનના અંતે ૩૪,૭૭૬ કરોડ રૂપિયા રહ્યું છે.
માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં, પણ ગ્રામ્ય, મધ્યમ કદનાં શહેરોમાં પણ સતત બીજા ક્વૉર્ટરથી ધિરાણ ઘટી રહ્યું. આ આંકડાઓ દર્શાવે છે કે દેશનો આર્થિક વિકાસદર જે એપ્રિલ-જૂનમાં માત્ર પાંચ ટકા રહ્યો એમાં ઘટી રહેલું ધિરાણ પણ મહત્ત્વનું પરિબળ છે જેની અસરથી લોકોની ખરીદી અટકી છે અને વાહનો, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, વાઇટ ગુડ્સ સહિત દરેક ચીજોમાં એની અસર પડી છે. બીજી તરફ, વ્યાપાર અને ઉદ્યોગોની ધિરાણમાગ પણ ઘટી રહી છે જે દર્શાવે છે કે સાહસિકો અર્થતંત્ર માટે આશાવાદી નથી અને એટલે ઉત્પાદન ઘટાડી રહ્યાં છે અથવા તો ઓછી માગણીના કારણે તેમની પોતાની ધંધો ચલાવવાની નાણાકીય જરૂરિયાત ઘટી છે.

મોટા ભાગની લોન ઘટી રહી છે

ચિંતાજનક બાબત એવી છે કે ધિરાણ ઘટી જવાથી જે ક્ષેત્રો થકી રોજગારીનું સર્જન થઈ શકે છે એવા ઉદ્યોગોને પણ ધિરાણ ઘટી રહ્યું છે. કમર્શિયલ વેહિકલ, વાહનો માટેની લોન, બાંધકામ માટે વપરાતાં સાધનો માટેની લોન, ગૃહ ધિરાણ એવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં ધિરાણ ઘટી રહ્યું છે. એની અસર અન્ય ક્ષેત્રો ઉપર પણ પડી શકે છે. કુલ ૩૭ પ્રકારની લોન આપવામાં આવે છે એમાંથી માત્ર પર્સનલ લોન, બિલ ડિસ્કાઉન્ટ અને ગોલ્ડ લોન જેવી કુલ ચાર શ્રેણીમાં જ લોનનું પ્રમાણ વધ્યું છે. બાકી દરેક ક્ષેત્રમાં માર્ચ ક્વૉર્ટરના અંતે ધિરાણમાં ઘટાડો જોવા મળ્યો છે એમ એફઆઇડીસીના આંકડા પરથી જાણવા મળે છે.

ધિરાણ લેવાની ક્ષમતામાં ઘટાડો

આંકડાઓ દર્શાવે છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં દેશનો આર્થિક વિકાસ પ્રજાના વપરાશ અને ખરીદીને આભારી છે. આ વિકાસ અત્યારે અટકી ગયો છે, કારણ કે પ્રજા ઉપર દેવું વધી ગયું છે, તેમની નવી લોન લેવાની શક્તિ ઘટી રહી છે. તેમની આવક સ્થિર છે અથવા બેરોજગારીના કારણે ઘટી છે એટલે તેમનો વપરાશ અટક્યો છે, ઘટ્યો છે કે હાલપૂરતો માત્ર પ્રાથમિક જરૂરિયાત માટે જ છે.

૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાનનાં પાંચ વર્ષમાં ભારતની માથાદીઠ આવક ૪૩,૬૦૪ રૂપિયાથી વધી ૭૯,૧૧૮ રૂપિયા થઈ હતી. આ વધારો ૮૧ ટકા કે ૩૫,૫૧૪ રૂપિયાનો હતો. હવે ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન માથાદીઠ આવક ૪૫ ટકા વધી ૧,૧૪,૯૫૮ રૂપિયા થઈ હતી અને આ વખતે વધારો ૩૫,૮૪૦ રૂપિયાનો હતો. સીધા શબ્દોમાં કહીએ તો ૨૦૦૯ અને ૨૦૧૪ના સમયગાળા સામે ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળામાં દેશનો આર્થિક વિકાસ ધીમો પડ્યો અને એની સાથે પ્રજાની માથાદીઠ આવક પણ લગભગ સ્થિર થઈ ગઈ છે.

ક્રેડિટ સ્કોર ઉપર નજર રાખતી દેશની અગ્રણી સંસ્થા સિબિલ (ક્રેડિટ બ્યુરો ઇન્ફર્મેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ)ના જૂન ૨૦૧૯ના રોજ રજૂ થયેલા અહેવાલના આંકડા ચોંકાવનારા છે. આ અહેવાલ દર્શાવે છે કે છેલ્લાં ચાર વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દેવા આધારિત છે અને એ પણ વ્યક્તિગત લોકોએ મેળવેલી લોનને આધારિત છે.

આ પણ વાંચોઃ Gold Bondની વેચાણ સોમવારથી થશે શરૂ, આટલી છે કિંમત

માર્ચ ૨૦૧૫ના અંતે દેશનો જીડીપી ૧૨૫ લાખ કરોડ રૂપિયા હતો જે માર્ચ ૨૦૧૯ના અંતે વધીને ૧૯૦ લાખ કરોડ રૂપિયા થયો એટલે કે એમાં ૬૫ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો. આની સામે દેશમાં કુલ દેવાનું પ્રમાણ (સરકાર, ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, વ્યક્તિગત લોન, વેપારીઓએ લીધેલી લોન બધું જ મળી) ૧૫૪ લાખ કરોડ રૂપિયાથી વધી ૨૫૩ લાખ કરોડ રૂપિયા થયું છે એટલે કે એમાં ૯૯ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. સરળ શબ્દોમાં દેશનો જીડીપી વધ્યો (આર્થિક વિકાસ થયો) એના કરતાં દેવું વધારે ઝડપથી વધ્યું છે. હવે, કુલ દેવામાં સૌથી વધુ વધારો વ્યક્તિગત લોનનો છે. આ વ્યક્તિગત લોનમાં માત્ર વાહન, કન્ઝ્યુમર કે હાઉસિંગ નહીં પણ વ્યક્તિગત પેઢી, વેપારીઓએ લીધેલી લોનનો પણ સમાવેશ થાય છે. આવી લોનનું પ્રમાણ માર્ચ ૨૦૧૫માં ૨૩.૭ લાખ કરોડ રૂપિયા હતું જે વધીને માર્ચ ૨૦૧૯ના અંતે ૫૨.૬ લાખ કરોડ રૂપિયા થયું છે એટલે બમણાથી પણ વધારે. જીડીપીમાં હિસ્સાની દૃષ્ટિએ વ્યક્તિગત લોન ૧૯ ટકાથી વધી ૨૭.૭ ટકા થઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK