ડૉલરની નબળાઈ વચ્ચે પણ સોના-ચાંદીમાં કોઈ વૃદ્ધિ નહીં, 3 સપ્તાહથી ભાવ નરમ

Published: 24th November, 2020 13:14 IST | Mumbai correspondent | Mumbai

ચાંદી માર્ચ વાયદો ૦.૯૮ ટકા કે ૨૪ સેન્ટ ઘટી ૨૪.૨૫ અને હાજરમાં ૦.૪૧ ટકા કે ૧૦ સેન્ટ ઘટી ૨૪.૦૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

ડૉલરની નબળાઈ વચ્ચે પણ સોના-ચાંદીમાં કોઈ વૃદ્ધિ નહીં, 3 સપ્તાહથી ભાવ નરમ
ડૉલરની નબળાઈ વચ્ચે પણ સોના-ચાંદીમાં કોઈ વૃદ્ધિ નહીં, 3 સપ્તાહથી ભાવ નરમ

વૈશ્વિક બજારમાં ડૉલર સાત સપ્તાહની નીચી સપાટીએ હોવા છતાં સોનું અને ચાંદીમાં નરમ હવામાન જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ડૉલરના ભાવમાં ઘટાડા વચ્ચે, સોનાની ખરીદી અન્ય ચલણમાં આકર્ષક બને એટલે સોના અને ચાંદીના ભાવ વધતા હોય છે. જોકે બજારમાં કોરોનાની વેક્સિનનો આશાવાદ, શૅરબજારમાં વિક્રમી ખરીદી અને ઊંચાઈઓ વચ્ચે જોખમ લેવાની વૃત્તિમાં વધારો થઈ રહ્યો હોવાથી સલામતીનું સ્વર્ગ ગણાતાં સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. અમેરિકન ડૉલરનું વિશ્વના છ અન્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગત સપ્તાહે ૦.૩૯ ટકા ઘટ્યો હતો. આજે પણ તે ૦.૪૦ ટકા ઘટી ૯૨.૦૨ની સપાટી ઉપર છે. ત્રણ સપ્તાહથી સોનું અને ચાંદી ઘટી રહ્યાં છે. ગત સપ્તાહે સોનું ૦.૪૨ ટકા અને ચાંદી ૦.૮૮ ટકા ઘટ્યા હતા. સોમવારે સોનું ફેબ્રુઆરી વાયદો ૦.૩૨ ટકા કે ૬.૧૦ ડૉલર ઘટી ૧૮૭૨.૧૦ અને હાજરમાં ૦.૨૯ ટકા કે ૫.૫૧ ડૉલર ઘટી ૧૮૬૫.૪૮ ડૉલરની સપાટી ઉપર છે. ચાંદી માર્ચ વાયદો ૦.૯૮ ટકા કે ૨૪ સેન્ટ ઘટી ૨૪.૨૫ અને હાજરમાં ૦.૪૧ ટકા કે ૧૦ સેન્ટ ઘટી ૨૪.૦૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
ભારતમાં સોના-ચાંદી નરમ
વૈશ્વિક બજારમાં નરમ હવામાન વચ્ચે ભારતમાં પણ સોનું અને ચાંદી નરમ રહ્યાં હતાં. ડૉલર સામે રૂપિયો મજબૂત થયો હોવાથી પડતર ઘટતાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે મુંબઈ હાજરમાં સોનું ૧૨૦ ઘટી ૫૨,૧૧૦ અને અમદાવાદ ખાતે ૧૩૦ ઘટી ૫૨,૧૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. વાયદામાં એમસીએક્સ ઉપર સોનું ડિસેમ્બર વાયદો ૧૨૪ ઘટી ૫૦,૦૮૮ રૂપિયા ઉપર સાંજના સત્રમાં છે.
ચાંદીમાં મુંબઈ હાજર ૯૯૦ ઘટી ૬૩,૨૪૦ અને અમદાવાદ ખાતે ૯૯૦ ઘટી ૬૩,૧૯૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીનો ડિસેમ્બર વાયદો એમસીએક્સ ઉપર ૮૬૧ ઘટી ૬૧,૪૯૭ રૂપિયા પ્રતિ કિલોની સપાટી ઉપર છે.
ડૉલર સામે રૂપિયો બે સપ્તાહની ઊંચી સપાટીએ
વૈશ્વિક બજારમાં જોખમ લેવાની વૃત્તિ વધી રહી છે ત્યારે ઇમર્જિંગ અર્થતંત્રમાં વધારેને વધારે વિદેશી મૂડીપ્રવાહ આવશે એવી આશાએ ડૉલર સામે રૂપિયો વધી રહ્યો છે. આ ઉપરાંત નવેમ્બર મહિનામાં શૅરબજારમાં વિક્રમી ફંડ્સ આવી રહ્યા હોવાથી રૂપિયાને ટેકો મળી રહ્યો છે. ડૉલર સામે શુક્રવારે ૭૧.૧૬ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૪.૧૨ ખૂલી વધીને ૭૪.૦૪ થયા બાદ દિવસના અંતે પાંચ પૈસા વધી ૭૪.૧૧ બંધ રહ્યો હતો. આજની બંધ સપાટી બે સપ્તાહ અગાઉ તા. ૬ નવેમ્બરના જોવા મળી હતી. ગત સપ્તાહે પણ ડૉલર સામે રૂપિયો ૪૬ પૈસા વધ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK