Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિર્મલા સીતારમણના બજેટે રિઝર્વ બૅન્ક સામે ફેંકી છે ચૅલેન્જ

નિર્મલા સીતારમણના બજેટે રિઝર્વ બૅન્ક સામે ફેંકી છે ચૅલેન્જ

08 February, 2021 01:11 PM IST | Mumbai
Jitendra Sanghvi

નિર્મલા સીતારમણના બજેટે રિઝર્વ બૅન્ક સામે ફેંકી છે ચૅલેન્જ

નિર્મલા સીતારમણના બજેટે રિઝર્વ બૅન્ક સામે ફેંકી છે ચૅલેન્જ

નિર્મલા સીતારમણના બજેટે રિઝર્વ બૅન્ક સામે ફેંકી છે ચૅલેન્જ


આર્થિક વિકાસને વેગ આપવા માટે અને તે દ્વારા કોરોનાની મહામારીને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયેલા અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચડાવવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણના ઐતિહાસિક અંદાજપત્રે રિઝર્વ બૅન્ક માટે કેટલાક પડકાર ઊભા કર્યા હતા. રિઝર્વ બૅન્કે અંદાજપત્ર બાદ પેશ કરાયેલી મોનેટરી પૉલિસીમાં વ્યાજના દર યથાવત્‌ જાળવી રાખીને લીધેલાં અન્ય પગલાંઓ દ્વારા આ પડકારોને પહોંચી વળવાનો કરાયેલ પ્રયાસ સરાહનીય છે.
સરકાર સામે કરવેરાની ઘટેલી આવક વચ્ચે કરવેરા વધાર્યા સિવાય મૂડીરોકાણ વધારવાનો પડકાર હતો. એટલે સરકારે ૨૦૨૧-૨૨ના વર્ષે ૧૨ લાખ કરોડ રૂપિયાની લોન લેવાનો (સરકારી દેવું વધારવાનો) અને તે દ્વારા મૂડીરોકાણ વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું.
સરકાર આટલી મોટી રકમ ઊભી કરે ત્યારે વ્યાજના દર ન વધે અને દેશમાં નાણાકીય બજારની સ્થિરતા જળવાઈ રહે તે રિઝર્વ બૅન્ક સામેનો પડકાર.
આ રકમ સરકાર ઊભી કરી શકે તે માટે રિઝર્વ બૅન્કે છૂટક રોકાણકારોને પણ સરકારી જામીનપત્રો ઑનલાઇન ખરીદવાની આ પૉલિસી દ્વારા છૂટ આપી એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ સાથે ભારત આવી છૂટ આપનાર એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. વિશ્વના અન્ય દેશો જ્યાં આવી છૂટ છે તેમાં યુકે, યુએસએ અને બ્રાઝિલનો સમાવેશ થાય છે.
નાના રોકાણકારોને બૅન્કોની ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણ સાથે પોતાના નાણાંની વધુ સલામતીવાળા રોકાણનું વધુ એક સાધન મળશે. બૅન્ક નાદારી નોંધાવે તો ડિપોઝિટનાં નાણાં મર્યાદિત પાંચ લાખ સુધી જ પાછા મળી શકે છે. સરકારી જામીનપત્રોનું રોકાણ ૧૦૦ ટકા સલામત અને વળતર પણ વધુ.
સરકારના રાહત પૅકેજો સાથે ગત દસ મહિનામાં રિઝર્વ બૅન્કે પણ વ્યાજના નીચા દરે ઉદ્યોગોને લોન મળી રહે તે માટે રોકડ નાણાં (લિક્વિડિટી)માં સારો એવો વધારો કર્યો હતો. પરિણામે આજે બૅન્કિંગ સિસ્ટમમાં ૬.૭૧ લાખ કરોડની રોકડ સરપ્લસ છે.
હવે મહામારીનો ફેલાવો ઓછો થતાં અને ઉદ્યોગ-ધંધા કોવિડ-19 પહેલાંના સ્તરે પહોંચવાની શરૂઆત સાથે અસાધારણ રીતે વધારાયેલ આ લિક્વિડિટી ઓછી ન કરાય તો કૉમોડિટીના સટ્ટા દ્વારા ભાવવધારામાં પરિણમે. ભાવવધારાનું જોખમ હજી ઊભું જ છે. રિઝર્વ બૅન્કે એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૧નું ભાવવધારાનું તેનું લક્ષ્ય વધારીને ૫.૧ ટકાનું કર્યું છે.
બૅન્કિંગ સિસ્ટમની લિક્વિડિટી ઓછી કરવા માટે રિઝર્વ બૅન્કે બૅન્કોને કૅશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) ૩ ટકામાંથી વધારીને ૪ ટકા કર્યો છે. બૅન્કિંગ સિસ્ટમની લિક્વિડિટીમાં તે દ્વારા ૧.૪ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે. આ ઘટાડો એકસાથે થાય તો સરકારને નવી લોન ઊભી કરવામાં મુશ્કેલી ઊભી થાય. અંદાજપત્રની ભલામણો દ્વારા ખાનગી ક્ષેત્રનો રોલ વધે ત્યારે તે ક્ષેત્રને પણ બૅન્ક ધિરાણ લેવામાં મુશ્કેલી ઊભી થાય. એટલે સીઆરઆર બે તબક્કામાં (માર્ચ ૨૦૨૧ અને મે ૨૦૨૨) ઘટાડવાનું નક્કી કરાયું છે.
મૂડીરોકાણના વધારાને કારણે હેલ્થકૅર, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિસર્ચ અને ઇનોવેશન જેવા ક્ષેત્રોની રિકવરી ઝડપી બનશે. આવે વખતે આર્થિક વિકાસને પુશ કરી શકાય એ માટે રિઝર્વ બૅન્કે તેનો પૉલિસીનો એકોમોડેટિવ અભિગમ જાળવી રાખ્યો છે.
આપણે ત્યાં કૅપેસિટી યુટિલાઇઝેશન ૭૦ ટકા જેટલું હોઈ મૂડીરોકાણ વધતાં ઉત્પાદનમાં વધારો થશે. ક્રૂડ ઑઇલ, ધાતુઓ અને અન્ય ચીજવસ્તુઓના વિશ્વબજારમાં ભાવ વધતા હોવા છતાં ઉત્પાદન વધવાને કારણે છૂટક ભાવવધારાનો દર છ ટકાથી નીચો રહેવાનો રિઝર્વ બૅન્કનો અંદાજ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની બદલાયેલી નીતિઓને કારણે અમેરિકા અને ઇરાનના રાજકીય સંબંધો સુધરે તો ક્રૂડનું ઉત્પાદન વધે અને ભાવ દબાય પણ ખરા.
રિઝર્વ બૅન્કના મતે ડિસેમ્બર ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૧માં કેટલાક મેક્રો પેરામિટર્સમાં થયેલ વધારો પેન્ટ-અપ (આગલા લૉકડાઉનના મહિનાઓમાં ભેગી થયેલ વણસંતોષાયેલ) ડિમાન્ડને કારણે જ નથી, પણ વપરાશકારના વધેલ વિશ્વાસને કારણે અને વધતી જતી આવકોને કારણે આ વધારો ટકી રહેવાની અપેક્ષા છે. જે મૂડીખર્ચની ગુણવત્તાની શાખ પૂરશે અને આર્થિક વિકાસ વધવાની ખાતરી આપશે. એટલે રિઝર્વ બૅન્કે ૨૦૨૧-૨૨માં આર્થિક વિકાસના ૧૦.૫ ટકાના દરનું લક્ષ્યાંક રાખ્યું છે.
સરકારી બૉન્ડમાં રોકાણની છૂટક રોકાણકારોને છૂટ મળતાં લોકો ડિપોઝિટમાં નાણાં નહીં જ રોકે એમ નહીં બને. આજે પણ લોકો સ્મૉલ સેવિંગ્ઝ (પોસ્ટ ઑફિસ વગેરે)નાં સાધનોમાં બૅન્કના રોકાણ કરતાં વધુ વ્યાજ મળતું હોવા છતાં આ વર્ષે બૅન્ક ડિપોઝિટમાં ૧૧ ટકાથી વધુ વધારો થયો છે.
વ્યાજના દર નીચા સ્તરે જળવાઈ રહેશે એવો આડકતરો સંદેશ રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસે બૉન્ડ-માર્કેટ પ્લેયર્સને આપ્યો છે. આ માટે ચીલ્ડ (બૉન્ડ પરના વળતરનો દર)ની યોગ્ય સ્તરે જાળવણીને પબ્લિક ગૂડઝ તરીકે ઓળખાવી છે. જેનો સામાન્ય પરિભાષામાં અર્થ થાય છે જે ગૂડ્‌ઝ પ્રોડક્ટ કે એવા નફા સિવાય પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે પૂરા પાડવામાં આવતા હોય.
સીઆરઆરમાં કરાનાર તબક્કાવાર વધારો પણ રિઝર્વ બૅન્કનો અર્થતંત્ર સુધરી રહ્યું હોવાનો વિશ્વાસ દર્શાવે છે.
બૅન્કોને એનબીએફસીને ધિરાણ આપવામાં પ્રોત્સાહન મળે તે માટે ગવર્નર ડૉ. દાસે આવા ધિરાણને લાંબા ગાળાના રેપો દ્વારા રિફાઇનૅન્સ કરવાનું અને બૅન્ક એમએસએમઇ એકમોને પ્રથમવાર રૂપિયા ૨૫ લાખ સુધીની જે લોન આપે તેવી તેમની ડિપોઝિટોને સીઆરઆર તરીકે રિઝર્વ બૅન્કમાં નાણાં રાખવામાંથી છૂટ આપવાનું પણ જાહેર કર્યું છે. આ છૂટ ઑકટોબર ૧, ૨૦૨૧ સુધી ચાલુ રહેશે. આ પગલાં એનબીએફસી અને નાના ઉદ્યોગો માટે રાહતરૂપ સાબિત થશે.
આ છૂટને પરિણામે બૅન્કો એમએસએમઈ એકમોને રૂપિયા ૨.૩૩ લાખ કરોડની લોન મળવાની સંભાવના ઊભી થઈ છે જે આવા એકમોનું ઉત્પાદન વધારવામાં સહાયરૂપ બનશે. જોકે બૅન્કોના આવા એકમોને લોન આપવાનું જોખમ ટાળવાના વલણને કારણે અને સીઆરઆર પરના વ્યાજનો મર્યાદિત ફાયદો થવાનો હોઈ આવા એકમોને અપાતી લોનનું પ્રમાણ ઓછું હોઈ શકે.
સીઆરઆરના વધારાને કારણે સરકારના બોરોઇંગ પ્રોગ્રામને સપોર્ટ કરવાની રિઝર્વ બૅન્કની ક્ષમતા વધશે. તો છૂટક રોકાણકારોને સરકારી બૉન્ડમાં રોકાણની છૂટ આપવાથી પણ આ બૉન્ડ ખરીદવાનું ફન્ડ વધશે.
ઘણાં વર્ષથી આપણે સરકારી બૉન્ડ માટેનું માર્કેટ વિસ્તારવાનું વિચારીએ છીએ એટલે સરકારનું દેવું વધારવાની વાત અંદાજપત્રમાં આવી એટલે સરકારી બૉન્ડના રોકાણકારોનો બેઇઝ વિસ્તૃત કરવાનું પગલું રિઝર્વ બૅન્કે અગ્રતાને ધોરણે લીધું. આ એક મોટો માળખાકીય સુધારો છે. નાણાપ્રધાનના અંદાજપત્રે શરૂ કરેલ નાણાકીય ક્ષેત્રના માળખાકીય સુધારાઓ બૅન્કોનું અને ઇન્સ્યુરન્સ કંપનીનું ખાનગીકરણ, જાહેર ક્ષેત્રની કંપનીઓનું ડીસઇન્વેસ્ટમેન્ટ, અમુક ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રનો હિસ્સો મર્યાદિત કરવો અને સરકારની માળખાકીય સવલતોની જમીન સહિતની અસ્કયામતોનું મોનેટાઇઝેશન રિઝર્વ બૅન્કે આગળ ધપાવ્યું છે. એ સંદર્ભમાં સરકારની ફિસ્કલ પૉલિસી અને રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી એકબીજાના પૂરક (કૉમ્પ્લિમેન્ટરી) બન્યા છે.
સરકારે જાહેર ક્ષેત્રના સુધારાઓ કરવાની સારી રાજકીય હિંમત દાખવી છે. તે સાથે જાહેર ક્ષેત્રના પ્રોજેક્ટોમાં દેવું વધારીને રોકાણ કરવું અને પછી તેની ચલાવવાની જવાબદારી ખાનગી ક્ષેત્રને સોંપવી, આમ ખાનગી ક્ષેત્ર માટે પણ રોકાણની તક ઊભી કરાઈ રહી છે.
પરિણામ જાહેર ક્ષેત્રે નવા મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોમાં રોકવાનાં નાણાં ફાજલ પડશે. આમ જાહેર ક્ષેત્ર જાતે ધંધો કરવાને બદલે ધીમે ધીમે ખાનગી ક્ષેત્રને ધંધો કરવાની વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવાનો રોલ ભજવશે જે સૌથી મોટો આર્થિક સુધારો ગણાય. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્કના આવા બિગ ટિકિટ આર્થિક સુધારાઓ સાથે ભારતમાં નવા આર્થિક યુગના મંડાણ થશે. જેમાં જાહેર ક્ષેત્ર બન્નેનો રોલ મહત્ત્વનો રહેશે, પણ અલગ અલગ જવાબદારીઓ સાથે.
(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 01:11 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK