Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કેન્દ્ર સરકારનું 2.65 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પકેજ-૩ જાહેર થયું

કેન્દ્ર સરકારનું 2.65 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પકેજ-૩ જાહેર થયું

13 November, 2020 11:27 AM IST | New Delhi
Mumbai Correspondent

કેન્દ્ર સરકારનું 2.65 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પકેજ-૩ જાહેર થયું

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ


માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર થયાના બીજા જ દિવસથી કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક દ્વારા અસરગ્રસ્ત અર્થતંત્રને ટેકો આપવા, દેશનો આર્થિક વિકાસદર મંદીમાંથી બને એટલો જલદી બહાર આવે એ માટે એક પછી એક પૅકેજની અને રાહતની જાહેરાત કરે છે. ગઈ કાલે કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આત્મનિર્ભર પૅકેજના ત્રીજા ભાગમાં ૨,૬૫,૦૮૦ લાખ કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથેની એક ડઝન જેટલી જાહેરાત કરી હતી. ખેડૂતોને વધારે સબસિડી, મકાન ખરીદવામાં કેટલીક રાહત, રોજગારી સર્જન, નિકાસને વેગ અને લઘુ અને મધ્યમ કદની રાહતની મુદ્દત લંબાવવા જેવી બાબતોનો પૅકેજમાં સમાવેશ થાય છે. જોકે, આ સહાયના સ્વરૂપની આ જાહેરાતથી કોઈના ખિસ્સામાં સીધાં નાણાં આવવાનાં નથી, પણ માગને ટેકો મળે એવી આશા છે.

આ સાથે કોરોનાકાળમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં વિવિધ પૅકેજ અને કેન્દ્રના આત્મનિર્ભર ભારતનાં ત્રણ પૅકેજ સહિત કુલ ૨૯.૮૭ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે, જે નાણાપ્રધાનના મત અનુસાર દેશના આર્થિક કદ (જીડીપી)ના ૧૫ ટકા જેટલી થવા જાય છે. અહીં નોંધવું જોઈએ કે બુધવારે જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના માસિક બુલેટીનમાં જણાવ્યું હતું કે દેશનો આર્થિક વૃદ્ધિદર જુલાઈથી સપ્ટેમ્બરમાં પણ નેગેટિવ ૮.૬ ટકા રહેશે. પ્રથમ ક્વૉર્ટરમાં ૨૩.૭ ટકાના નેગેટિવ જીડીપી બાદ બીજા ક્વૉર્ટરમાં પણ નેગેટિવ જીડીપી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બનતી ઘટના છે.



ટેક્નિકલ રીતે સતત બે ક્વૉર્ટર સુધી (બે સમયગાળા દરમિયાન) જો આર્થિક વૃદ્ધિ નેગેટિવ રહે તો એને રીસેશન કે મંદી કહેવાય છે. જોકે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પૅકેજની જાહેરાત અગાઉ જણાવ્યું હતું કે દેશનો આર્થિક વૃદ્ધિદર કોરોના મહામારીના કપરા કાળમાંથી બહાર નીકળી રહ્યો છે અને દરેક રીતે આર્થિક પ્રવૃત્તિમાં સુધારો જોવા મળી રહ્યો છે.


રિયલ એસ્ટેટમાં ઇન્કમ ટૅક્સની રાહત

અત્યારે જંત્રી (કે સર્કલ રેટ કે રેડી રેકનર)ના ભાવ અને મકાન કે જમીન ખરીદી વખતે દસ્તાવેજ નોંધણીના ભાવમાં ૧૦ ટકા સુધીનો તફાવત હોય તો આવકવેરા હેઠળ રાહત મળે છે. કેન્દ્ર સરકારે આ રાહત હવે ૨૦ ટકા સુધી કરવાની જાહેરાત કરી છે એટલે કે તફાવત ૨૦ ટકા જેટલો હોય તો, રૂપિયા બે કરોડથી ઓછી કિંમતના રેસિડેન્શિયલ યુનિટ માટે રાહત આપવામાં આવશે. જોકે, એવાં કેટલાંક રાજ્યો છે જેમાં દસ્તાવેજની નોંધણી જંત્રીથી નીચા ભાવે શક્ય જ નથી એટલે ત્યાં આ લાભ મળશે નહી.


સરકારી અને અન્ય કૉન્ટ્રૅક્ટમાં કામકાજ કરતા કૉન્ટ્રૅકટરને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી ડિપોઝિટ અને અર્નેસ્ટ મની ડિપોઝિટમાં (ઈએમડી) નાણાં ફસાયેલાં રહેતાં હતાં. હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ટેન્ડર માટે ત્રણ ટકા ઈએમડીના સ્થાને કૉન્ટ્રૅકટરના પોતના નિવેદન ઉપર, બાંયધરી થકી ચાલશે એવી જાહેરાત કરવામાં આવી છે.

શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વધારાના ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આડે હવે માત્ર સાડાચાર મહિના બાકી છે ત્યારે આ વધારાની ફાળવણી થકી શહેરી આવાસ યોજનાઓમાં કાર્ય ઝડપી બનશે એવી ધારણા છે. આ ફાળવણી બજેટ સિવાયના સ્રોત અને બજેટ થકી ઊભી કરવામાં આવશે.

પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) હેઠળ બુધવારે કેન્દ્રીય મંત્રી મંડળમાં વધારાનાં ક્ષેત્રોને આવરી લેવાની જાહેરાત કરી હતી. વધારાના સેક્ટરને પણ એમાં આવરી લેવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાની રાહત થકી દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વધે, વધુ લોકોને રોજગારી મળે અને આર્થિક વિકાસને બળ મળે એવી ધારણા છે.

રોજગારી સર્જન માટે મોટી રાહત

ઑક્ટોબર ૨૦૨૦થી અમલમાં આવે એ રીતે રોજગારીનું સર્જન થાય એવી એક નવી યોજના કેન્દ્ર સરકારે અમલમાં મૂકી છે. કોઈ સંસ્થા કે જે એમ્પ્લૉઈઝ પ્રૉવિડન્ટ ફંડ (ઈપીએફ) સાથે જોડાયેલી હોય તે ૧૫,૦૦૦ રૂપિયા સુધી ઓછા માસિક પગારે કોઈને નોકરીએ રાખે અથવા તો માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે આ સંસ્થા સાથે જોડાયેલા કર્મચારીને ફરીથી નોકરીએ રાખે તેમને બે વર્ષ માટે કેન્દ્ર સરકાર સબસિડી આપશે. આ સબસિડી હેઠળ કેન્દ્ર સરકારે કર્મચારી અને સંસ્થાનું ૧૨ ટકા લેખે ઈપીએફની રકમ ભરપાઈ કરશે. આ માટે સંસ્થામાં ૧૦૦૦થી ઓછા કર્મચારીઓ કામ પર હોવા જોઈએ. આનાથી વધારે કર્મચારીઓ હોય તો કેન્દ્ર સરકાર કર્મચારીનો હિસ્સો જ ભરપાઈ કરી આપશે. નવા કર્મચારી તરીકેની સબસિડીનો લાભ લેવા માટે ૫૦ કર્મચારીઓ કે તેનાથી ઓછા માટે ઓછામાં ઓછા બે નવા કર્મચારીને અને જેની પાસે ૫૦ કરતા વધારે કર્મચારી હોય તેના માટે ઓછામાં ઓછા પાંચ નવા કર્મચારીઓને નોકરી આપવી ફરજિયાત છે.

અન્ય જાહેરાતો અને ફાળવણી, ૧૦,૦૦૦ કરોડનું ઔદ્યોગિક રોકાણ

ડિફેન્સ ઇક્વિપમેન્ટ, ઉદ્યોગોને સહાય, ગ્રીન એનર્જી અને ઔદ્યોગિક માળખાકીય સવલતોના વિકાસ માટે કેન્દ્ર સરકારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા વધારાના ખર્ચ કરવાની જાહેરાત કરી છે. આ ખર્ચ નવા મૂડીરોકાણ માટે વાપરવામાં આવશે.

પ્રોજેક્ટ એક્સપોર્ટ માટે ૩૦૦૦ કરોડ

કેન્દ્રની નિકાસ પ્રોત્સાહનની આઇડિયા સ્કીમની જેમ પ્રોજેક્ટ એક્સપોર્ટની નિકાસને પ્રોત્સાહન માટે વધારાના ૩૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી ઍક્ઝિમ બૅન્કને કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધારાની ફાળવણી

મનરેગા, ગ્રામ સડક યોજના વગેરે પાછળ ખર્ચ કરવા માટે ગરીબ ગ્રામીણોને રોજગારી માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધારાના ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ખાતર સબસિડી માટે ૬૫,૦૦૦ કરોડ

આગામી પાકની મોસમમાં ખાતરની માગ વધવાની ધારણા છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ બને અને રાહત ભાવે એ મળી રહે એ માટે ખાતરની સબસિડી હેઠળ ૬૫,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ૬૦૦૦ કરોડ

અત્યારે નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ હેઠળ ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ ડેટ હેઠળ થયું છે અને લગભગ ૮૦૦૦ કરોડ રૂપિયાનું ધિરાણ મળી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટ કાર્યરત છે. ઇન્ફ્રાસ્ટ્રકચર હેઠળ રોકાણ વધારે થાય, ખાનગી રોકાણ પણ આવે એ માટે ફંડની ઇક્વિટીમાં ૬૦૦૦ કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2020 11:27 AM IST | New Delhi | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK