નિફ્ટી ૮૪૦૦ થયો, સેન્સેક્સ ૨૮,૦૦૦ ઉપર બંધ

Published: 13th November, 2014 05:32 IST

ચાઇનીઝ માર્કેટ ત્રણ વર્ષ અને જૅપનીઝ નિક્કી સાત વર્ષના નવા શિખરે : બૅન્કેક્સ અને ઑટો ઇન્ડેક્સ નવા સર્વોચ્ચ શિખરે : એમઆરએફમાં ઇન્ટ્રા-ડે ૨૦૦૦ રૂપિયાની ઊથલપાથલ : ૩૬૧ શૅર તેજીની સર્કિટમાં, ૨૯૧ જાતો ઐતિહાસિક ટોચેશૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

બે વખત ઇન્ટ્રા-ડેમાં ૨૮,૦૦૦ પાર થયા બાદ બંધની રીતે પ્રથમ વાર ૨૮,૦૦૦ ઉપર રહેવામાં સેન્સેક્સ ગઈ કાલે સફળ થયો છે. નિફ્ટીમાં ઇન્ટ્રા-ડેમાં પ્રથમ વાર ૮૪૦૦નો આંક જોવા મળ્યો છે. આગલા બંધથી ૪૮ પૉઇન્ટ ગૅપમાં ઉપરમાં ખૂલ્યા બાદ સેન્સેક્સ ગઈ કાલે ૨૮,૧૨૬ની ઑલટાઇમ હાઈ બનાવી છેવટે ૯૯ પૉઇન્ટની આગેકૂચમાં ૨૮,૦૦૯ થયો છે. નિફ્ટી ૮૪૧૫ની ટોચે જઈ ૨૦ પૉઇન્ટના સુધારામાં ૮૩૮૩ રહ્યો છે. સેન્સેક્સ ઉપરાંત મિડ કૅપ, બીએસઈ-૧૦૦, બીએસઈ-૨૦૦, બીએસઈ-૫૦૦, ગ્રીનેક્સ, કાર્બોનેક્સ, ઑટો, બૅન્કેક્સ અને એફએમસીજી જેવા કુલ નવ બેન્ચમાર્કમાં ઐતિહાસિક ઊંચી સપાટી જોવા મળી છે. બજારનું માર્કેટકૅપ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ઉમેરામાં હવે ૯૮.૧૮ લાખ કરોડ રૂપિયા નજીક વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. એશિયા ખાતે ચાઇનીઝ માર્કેટ એક ટકો વધીને ૨૪૯૫ની ત્રણ વર્ષની ટોચે ગયું હતું. હૉન્ગકૉન્ગ અડધો ટકો, ઇન્ડોનેશિયા, જપાન અને સાઉથ કોરિયા સાધારણ પ્લસ હતાં. તાઇવાનીઝ ટ્વેસી ૧.૩ ટકા નરમ હતો. થાઇલૅન્ડનો સૅટ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ નીચે ગયો હતો. યુરોપ નેગેટિવ ઓપનિંગ બાદ સાધારણથી સવા ટકાની રેન્જમાં માઇનસ ઝોનમાં દેખાતું હતું.

માર્કેટકૅપમાં ફિફ્ટી-ફિફ્ટી

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શૅર તથા બજારના ૨૪માંથી ૧૫ બેન્ચમાર્ક વધીને બંધ હતા. બૅન્કિંગ, ઑટો અને એફએમસીજી હેવીવેઇટ્સનો દબદબો હતો. સિપ્લા વધુ ખરાબીમાં ત્રણ ટકા ઘટીને ૬૧૮ રૂપિયા રહ્યો હતો. સનફાર્મા એક ટકાથી વધુ નરમ હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ ૨૦ રૂપિયાના સુધારામાં ૩૪૪૧ રૂપિયા હતો. હેવીવેઇટ લાર્સન સવા ટકો, તાતા પાવર અઢી ટકા, એનટીપીસી સવાબે ટકા, તાતા સ્ટીલ ૨.૪ ટકા નરમ હતા. ઇન્ફોસિસ અને રિલાયન્સ સાધારણ ૦.૪ ટકા ઢીલા હતા. કુલ ૩૧૫૦ શૅરના સોદા પડ્યા હતા. ૧૫૩૬ શૅર વધેલા હતા, ૧૫૧૩ જાતો નરમ હતી. ૩૩૪ કાઉન્ટર ઉપલી સર્કિટે તો ૨૫૩ શૅર મંદીની સર્કિટે બંધ હતા. ભાવની રીતે બીએસઈ ખાતે ૨૯૧ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે ઊંચા શિખરે પહોંચ્યા હતા. સામે ૭૧ કાઉન્ટરમાં ઐતિહાસિક તળિયું જોવા મળ્યું હતું. બાયર ક્રોપસાયન્સ સારાં પરિણામો પાછળ ૨૭૪૫ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૦.૪ ટકાની તેજીમાં ૨૬૪૦ રૂપિયાનો બંધ આપીને એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો હતો. આ શૅર ૨૩૯૨ રૂપિયાના આગલા બંધ સામે ૨૬૩૧ રૂપિયા ખૂલ્યો હતો. ઉપરમાં ૨૭૪૫ રૂપિયા અને નીચામાં ૨૫૮૫ રૂપિયા થયો હતો. અર્થાત્ ઇન્ટ્રા-ડેમાં લગભગ ૭૦૦ રૂપિયાની ઊથલપાથલ થઈ હતી. એમઆરએફમાં દિવસ દરમ્યાન ૧૯૦૦ રૂપિયાની અફડા-તફડી દેખાઈ હતી. એઆઇએ એન્જિનિયરિંગ અને મહિન્દ્ર ફાઇનૅન્સ ૭.૬ ટકા, ફિનોલેક્સ કેબલ્સ સાતેક ટકા તથા યુપીએલ ૫.૭ ટકા પ્લસ હતા. કૅડિલા હેલ્થકૅર નીચામાં ૧૫૬૪ રૂપિયા થઈ સવાચાર ટકાના પ્રૉફિટ-બુકિંગમાં ૧૫૭૧ રૂપિયા રહ્યો હતો. ક્રૂડની નબળાઈમાં આઇઓસી ૪ ટકા, ઑઇલ ઇન્ડિયા ૨.૪ ટકા નરમ હતા. કેઇર્ન ઇન્ડિયા ૦.૬ ટકા ઘટીને ૨૭૨ રૂપિયા હતો. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી સાત શૅરની નરમાઈમાં ૦.૯ ટકા ઘટેલો હતો. જે ત્રણ શૅર વધ્યા હતા એમાં સૌથી મોટો સુધારો હિન્દુસ્તાન ઝિંકમાં ૦.૩ ટકાનો હતો. પાવર ઇન્ડેક્સના ૧૮માંથી માત્ર ચાર શૅર પ્લસ રહેતાં બેન્ચમાર્ક ૧.૪ ટકા નરમ હતો. બ્રૉડ માર્કેટમાં બીએસઈ ૫૦૦ ખાતે ૨૩૨ શૅર વધેલા હતા સામે ૨૬૧ જાતો નરમ હતી.

૭૧ શૅર ઐતિહાસિક તળિયે

શૅરબજારની આજની તેજી વચ્ચે ૨૯૧ શૅર એક વર્ષની ટોચે કે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. બીજી બાજુ ૭૧ શૅરમાં ઐતિહાસિક બૉટમ બની હતી. નવી ટોચે જનારા કેટલાક જાણીતા શૅરનાં નામ આ મુજબ છે : અબોટ ઇન્ડિયા, અપોલો ટાયર, અજન્તા ફાર્મા, ઑર્ચિડપૉલી, અરિહંત ફાઇનૅન્સ, આર્યમાન ફાઇનૅન્સ, બૅન્ક ઑફ બરોડા, ઍક્સિસ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, બ્રિટાનિયા, બોશ લિમિટેડ, કૅપિટલ ટ્રસ્ટ, સિમકો, ફિનકોમ, આઇશર મોટર્સ, ફાઇનોટેક્સ કેમિકલ, ગતિ, ગોદાવરી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, આઇસીઆઇએલ, આઇઆઇએફએલ, ઇન્ડિયા નિપ્પોન, ઇન્ડિયન ટેરાઇન, જય એનર્જી, જેકે ટાયર, કીર્તિ, મહાન, મારુતિ સુઝુકી, મેક્સવેલ ઇન્ડસ્ટ્રીઝ, એમઆરએફ, નેલ્કો, પૉલિલિંક, રત્નમણિ, સદ્ભાવ, શારદા મોટર, વ્હીલ્સ, વેલ્સપન ઇન્ડિયા, ઝેનટેક્નો. તળિયે જનારા શૅરોમાં અરવિંદ ઇન્ટર., ક્રેઇન ઇન્ડિયા, એબીએલ બાયોટેક, ગુજરાત કોટેક્સ, પૃથ્વી ઇન્ફર્મેશન, પ્રોગ્રેસિવ એક્સ., પુરુષોત્તમ ઇન્વે., વરુણ ઇન્ડસ્ટ્રીઝ વગેરે વગેરે.

ઑટો ઇન્ડેક્સ ૧૮,૭૧૦ના બેસ્ટ લેવલે


બીએસઈ ખાતેનો ઑટો ઇન્ડેક્સ બારમાંથી ૧૦ શૅરના સુધારામાં ૧૮,૭૧૦ની સર્વોચ્ચ સપાટી બતાવી ૧.૨ ટકાની મજબૂતીમાં ૧૮,૬૧૭ બંધ હતો. બજાજ ઑટો અગાઉની ૨૬૨૨ રૂપિયાની ઑલટાઇમની સાવ નજીક જઈ બે ટકાના સુધારામાં ૨૫૯૯ રૂપિયા, મારુતિ સુઝુકી ૩૩૬૪ રૂપિયાની વિક્રમી સપાટી હાંસલ કરીને ૦.૮ ટકાની આગેકૂચમાં ૩૩૫૪ રૂપિયા, આઇશર મોટર્સ ૧૩,૨૮૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી ૧.૪ ટકાની તેજીમાં ૧૩,૧૭૫ રૂપિયા બંધ હતા. તાતા મોટર્સ ૧.૭ ટકા અને હીરો ર્મોટોકોપ દોઢ ટકો વધ્યા હતા. મહિન્દ્ર અડધો ટકો નરમ હતો. ટૂ-વ્હીલર્સ સેગમેન્ટમાં કાઇનેટિક એન્જિ. ૨.૪ ટકા તથા મહારાટ્ર સ્કૂટર્સ સવા ટકો નરમ હતા. એલએમએલ ત્રણ ટકા અપ હતો. કમર્શિયલ વેહિકલ્સમાં અશોક લેલૅન્ડ ૭.૪ ટકા ઊંચકાયો હતો. એસ્ર્કોટ્સ બે ટકા જેવી નબળાઈમાં ૧૫૨ રૂપિયા હતો. ટાયર્સ શૅરમાં સીએટ ચાર આંકડે ૧૦૦૯ રૂપિયાની વિક્રમી સપાટીએ જઈ ૬.૫ ટકાની તેજીમાં ૯૯૦ રૂપિયા નજીક રહ્યો હતો. અપોલો ટાયર્સ ત્રણ ટકા, જેકે ટાયર્સ ૩.૨ ટકા. ટીવીએસ શ્રીચક્ર ૧૧.૫ ટકા વધ્યા હતા. એમઆરએફ ૩૩,૩૭૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી સવા ટકા જેવી નબળાઈમાં ૩૩,૨૪૨ રૂપિયા હતો.

સાત બૅન્ક-શૅર નવી ટોચે

ગઈ કાલે બૅન્કેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૦,૧૭૬ના બેસ્ટ લેવલે જઈ બારમાંથી નવ શૅરના સુધારામાં ૧.૧ ટકો વધીને ૨૦,૧૧૭ બંધ હતો. સેન્સેક્સ ખાતે ઍક્સિસ બૅન્ક ૪૮૨ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ત્રણ ટકાના ઉછાળે ૪૮૦ રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૭૧૩ રૂપિયાની વિક્રમી સપાટીએ જઈ ૧.૩ ટકાની મજબૂતીમાં ૧૭૦૬ રૂપિયા તથા એચડીએફસી બૅન્ક ૯૨૦ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ જઈ અડધા ટકાની આગેકૂચમાં ૯૧૨ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને લગભગ ૭૦ પૉઇન્ટનો લાભ થયો હતો. આ ઉપરાંત ડીસીબી ૧૦૨ રૂપિયા નજીક નવું શિખર બનાવી ૧.૬ ટકાના ઘટાડામાં ૯૮ રૂપિયા, ફેડરલ બૅન્ક ૧૪૭ રૂપિયાની નવી ટોચે જઈ પોણા ટકાની વિક્રમી સપાટી નોંધાવી ૩.૬ ટકાની તેજીમાં ૭૦૧ રૂપિયા નજીક બંધ હતા. બૅન્ક ઑફ બરોડા ૧૦૨૪ રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરીને ૦.૮ ટકાના સુધારામાં ૧૦૧૮ રૂપિયા રહ્યો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૧૭ શૅર વધ્યા હતા. સ્ટૅનચાર્ટ જૈસે-થે હતો. ૨૩ શૅર નરમ હતા. લક્ષ્મી વિલાસ બૅન્ક ચાર ટકાની મજબૂતીમાં મોખરે હતો. પંજાબ-સિંધ બૅન્ક સામે એટલો જ ડાઉન હતો. બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરના સુધારામાં ૧૭,૬૩૬ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકો વધી ૧૭,૫૮૭ રહ્યો હતો.

બજારની અંદર-બહાર

મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ ૨૦ ગણા વૉલ્યુમમાં ૬૫૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ચાર ટકાની તેજીમાં ૬૨૯ રૂપિયા બંધ હતો. ૪ માર્ચના રોજ શૅરમાં ૧૬૭ રૂપિયાનું વર્ષનું બૉટમ બન્યું હતું.
હોટેલ લીલા વેન્ચર્સ ૨૪ લાખ શૅરથી વધુના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૬ રૂપિયા નજીક બંધ હતો.
અદાણી ર્પોટ્સ અઢીગણા કામકાજમાં ૩૦૬ રૂપિયાના નવા શિખરે જઈ ત્રણ ટકાથી વધુની મજબૂતીમાં ૩૦૦ રૂપિયા બંધ હતો.
અશોક લેલૅન્ડ આશરે ૫૦ લાખ શૅરના વૉલ્યુમમાં ૫૪ રૂપિયાનું શિખર બતાવી ૭.૪ ટકના ઉછાળામાં ૫૩.૨૦ રૂપિયા રહ્યો હતો.
ઑઇલ ઇન્ડિયાનો ત્રિમાસિક નફો ૩૩ ટકા ઘટીને ૬૦૮ કરોડ રૂપિયા આવતાં શૅર નીચામાં ૫૮૯ રૂપિયા થઈ ૨.૪ ટકાની નરમાઈમાં ૫૯૬ રૂપિયા હતો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK