સરકાર દ્વારા પૉલિસી-ઍક્શનને પગલે બજારમાં સુધારો જોવા મળશે

Published: 14th August, 2012 05:56 IST

નિફ્ટી ૫૩૧૨-૫૩૫૦ પૉઇન્ટ્સનું લેવલ ક્રૉસ કરશે તો ૫૪૦૦-૫૫૦૦ પૉઇન્ટ્સના સ્તરે પહોંચી જશે

govt-policyદેવેન ચોકસીની કલમે

બજારને ૫૧૦૦ પૉઇન્ટ્સના લેવલે મોટો સપોર્ટ મળ્યો અને ગયા સપ્તાહમાં બજાર ફરીથી રિબાઉન્ડ થયું. અપેક્ષા મુજબ અને મેં ગયા સપ્તાહમાં જણાવ્યું હતું એમ જ રિઝર્વ બૅન્કે પૉલિસી રેટ્સમાં કોઈ જ ફેરફાર કર્યા ન હતા. રિઝર્વ બૅન્ક અર્થતંત્રના વિકાસ પર ફોકસ કરવાને બદલે ફુગાવાને નિયંત્રણમાં લેવા બાબતે વધુ ધ્યાન આપવા માગે છે. બજારે રિઝર્વ બૅન્કના નિર્ણયને પચાવી લીધો અને એ દિવસે નીચા મથાળેથી ઇન્ડાઇસિસમાં રિકવરી જોવા મળી હતી.

ઇન્ટરનૅશનલ માર્કેટ્સમાં પણ કોઈ સક્રિયતા જોવા ન મળી, કારણ કે રોકાણકારો નવું રોકાણ કરવા નથી માગતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હજી પણ વ્યાજદરમાં ઘટાડો કરવા તૈયાર નથી એને કારણે મોટા ભાગની ગ્લોબલ માર્કેટ્સ ઘટી હતી. યુરોને જાળવી રાખવા માટે કંઈ પણ કરવા તૈયાર છે એવી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની કમેન્ટ પોકળ પુરવાર થઈ છે. જોકે રોકાણકારો માટે આવી બધી વાતોની નવાઈ નથી.

હવે મોટા ભાગના ઇન્વેસ્ટરો અને ટ્રેડરોના મનમાં એક જ સવાલ છે કે હજી બજારમાં નવો ઘટાડો જોવા મળશે? મારું માનવું છે કે દરેકના મનમાં એવો સવાલ ઊઠવો જોઈએ કે ઘટાડો કેટલો મોટો હશે? પરંતુ મારું હજી પણ માનવું છે કે સ્થિતિમાં સુધારો થશે, કારણ કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને ફેડરલ રિઝર્વ બજારની ફેવર માટે હજી વધારે પગલાં લેવા આતુર છે. આપણી સરકારની જેમ માત્ર સ્થિતિ જોયા નહીં કરે.

અપેક્ષા મુજબ ગયા સપ્તાહથી ચોમાસું સક્રિય બન્યું હોય એમ જણાય છે. વરસાદે કૉમોડિટીઝના વધી રહેલા ભાવની કાળજી લેવી જોઈએ. હવે સરકારે પગલાં લેવાનો સમય આવી ગયો છે. સરકારે લૅન્ડ ટ્રાન્સફર બિલમાં સુધારા કર્યા છે એને કારણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધરાવતા પ્રોજેક્ટ્સ સક્રિય થશે. જે પ્રોજેક્ટ્સ વિલંબમાં છે એમાં સક્રિયતા આવશે. નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ શકશે. આને કારણે કંપનીઓ નવા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે આગળ આવશે અને એનો ઝડપી અમલ કરી શકશે. આ પગલાંને કારણે રેલવે, રોડ, ઍરપોર્ટ તેમ જ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ટ્રૅક પર આવશે એની અસર આ સેક્ટરની કંપનીઓના શૅરના ભાવ પર જોવા મળશે. નાણાપ્રધાન પી. ચિદમ્બરમ પણ વિદેશી રોકાણને લગતી બાબતોનો નિવેડો લાવશે. મારું માનવું છે કે છેલ્લા ૩-૪ મહિનાથી હું જે બાબતોની ચર્ચા કરી રહ્યો છું એનો ઉકેલ આવી જશે. રોકાણકારોએ હવે ઉપર જણાવેલાં સેક્ટર્સ ધ્યાનમાં રાખવાં જોઈએ તેમ જ પ્રાઇવેટ સેક્ટરની બૅન્કો પર નજર રાખવી જોઈએ. જાહેર ક્ષેત્રની બૅન્કો કરતાં પ્રાઇવેટ સેક્ટરની બૅન્કોની કામગીરી સારી રહી છે.

સોલર ઇન્ડસ્ટ્રીઝ

સોલર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાએ ફસ્ર્ટ ક્વૉર્ટરમાં પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. કંપની નવી ઉત્પાદનક્ષમતા સ્થાપીને ડિફેન્સ સેક્ટરના બિઝનેસનો લાભ લેવા માગે છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં કંપની જે એક્સપાન્શન પ્લાન્સનો અમલ કરી રહી છે એને કારણે કામગીરીમાં વધુ સુધારો થશે. આ ઉપરાંત અમારું માનવું છે કે બે કોલ બ્લૉક્સમાં રોકાણ કરવાથી પણ લાભ થશે. અત્યારે કંપની આ બ્લૉક્સમાં વધુ રોકાણ કરવા નથી માગતી, પરંતુ સ્ટ્રૅટેજિક પાર્ટનર લાવવાની અપેક્ષા રાખે છે અથવા તો બ્લૉક્સ વેચી દેવા માગે છે. અમે આ કંપનીના શૅર માટે ૧૦૪૩ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે.

આગામી ચાલ

નિફ્ટીમાં ૫૧૮૨-૫૧૯૦ પૉઇન્ટ્સના લેવલે સપોર્ટ જોવા મળશે. જો નિફ્ટી ૫૩૧૨-૫૩૫૦ પૉઇન્ટ્સનો સ્તર ક્રૉસ કરશે તો આસાનીથી ૫૪૦૦-૫૫૦૦ પૉઇન્ટ્સના લેવલે પહોંચી શકશે. મને એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બૅન્ક જેવા શૅર્સ સારા લાગે છે. કરેક્શન બાદ તાતા મોટર્સ અને અદાણી પોર્ટના શૅર્સ અટ્રૅક્ટિવ જણાય છે. નિફ્ટીમાં વૃદ્ધિની અપેક્ષાએ આ શૅર્સમાં ઊંચું વળતર જોવા મળશે. સ્ટરલાઇટ ટેક્નૉલૉજીનો સમાવેશ પોર્ટફોલિયોમાં કરવા જેવો છે. એમાં ૩૦થી ૪૦ ટકાની વૃદ્ધિ વર્તમાન લેવલથી થઈ શકે છે. કોલ ઇન્ડિયાનો શૅર પણ ધ્યાનમાં રાખવા જેવો છે.

એસબીઆઇ = સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

આઇસીઆઇસીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK