Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી, બૅન્ક નિફ્ટી અને સેન્સેક્સ વિક્રમી સપાટીએ બંધ

નિફ્ટી, બૅન્ક નિફ્ટી અને સેન્સેક્સ વિક્રમી સપાટીએ બંધ

18 December, 2019 11:04 AM IST | Mumbai Desk

નિફ્ટી, બૅન્ક નિફ્ટી અને સેન્સેક્સ વિક્રમી સપાટીએ બંધ

નિફ્ટી, બૅન્ક નિફ્ટી અને સેન્સેક્સ વિક્રમી સપાટીએ બંધ


ભારતીય શૅરબજારમાં આજે વિક્રમી તેજીનો દિવસ હતો. એક દિવસના ઘટાડા બાદ ફરી બજારમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર સંધિના કારણે વૈશ્વિક આર્થિક વિકાસને ટેકો મળશે, કેન્દ્ર સરકાર બજેટમાં આર્થિક સુધારણા માટે નવાં પગલાં લેશે અને રિઝર્વ બૅન્ક વ્યાજનો દર હજી પણ ઘટાડશે એવી આશાએ તેજી જોવા મળી હતી. વિદેશી સંસ્થાઓની વ્યાપક ખરીદીના કારણે બજારમાં જોરદાર તેજી સાથે બંધ આવ્યાં હતાં. વિદેશી સંસ્થાઓએ મંગળવારે ૧૨૪૮ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી. 

આજે નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ, કેટલીક બૅન્કો, મેટલ્સ અને આઇટી કંપનીના શૅરોના સહારે નિફ્ટી બૅન્ક, નિફ્ટી અને સેન્સેક્સ ત્રણેય એક સાથે સર્વકાલીન ઊંચી સપાટી ઉપર બંધ રહ્યા હતા. જોકે નાની અને મધ્યમ કદની કંપનીઓમાં ઉછાળો હતો, પણ તેમાં વૃદ્ધિ સેન્સેક્સ કે નિફ્ટી જેટલી તીવ્ર નહોતી.
વિક્રમી સપાટી ૪૧૪૦૧ પહોંચ્યા બાદ દિવસના અંતે સેન્સેક્સ ૪૧૩.૪૫ પૉઇન્ટ કે ૧.૧૦ ટકા વધી ૪૧૩૫૨.૧૭ અને નિફ્ટી ૧૨૧૮૨.૭૫ની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સત્રના અંતે ૧૧૧.૦૫ પૉઈન્ટ કે ૦.૯૨ ટકા વધી ૧૨૧૬૫ની સૌથી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. અગ્રણી કંપનીઓમાં તાતા સ્ટીલ ૪.૩૮ ટકા, ભારતી એરટેલ ૪.૩૭ ટકા, વેદાન્તા ૩.૫૦ ટકા, તાતા મોટર્સ ૩.૦૩ ટકા, એચડીએફસી ૨.૪૬ ટકા અને બજાજ ફાઇનેન્સ ૨.૩૯ ટકા વધ્યા હતા. ઘટેલા શૅરમાં સન ફાર્મા ૧.૩૭ ટકા, મહિન્દ્રા અૅન્ડ મહિન્દ્રા ૦.૬૩ ટકા, બજાજ ઑટો ૦.૫૬ ટકા અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૮ ટકાનો સમાવેશ થાય છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટરમાંથી રિઅલ એસ્ટેટ અને ફાર્મા સિવાય બધામાં વૃદ્ધિ જોવા મળી હતી. સૌથી વધુ ઉછાળો મેટલ્સ, આઇટી અને ઑટો શૅરમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૨૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જયારે ૫૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૨૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૭૧ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૪૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૩૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૦.૬૬ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૩૮ ટકા વધ્યા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન મંગળવારે ૧,૨૨,૪૬૬ કરોડ વધી ૧૫૪.૨૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ઇન્ડેક્સ વધ્યા, માર્કેટ કૅપ નહીં
૩ જૂન ૨૦૧૯ના રોજ નવી સરકારના પ્રધાનોએ શપથ લીધા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેએ પોતાની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. એ દિવસે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપ ૧૫૬.૧૪ લાખ કરોડ રૂપિયા હતું, આજે સેન્સેક્સ તેની જૂની વિક્રમી સપાટી કરતાં ઘણો વધી ગયો છે અને નિફ્ટીએ પણ પોતાની વિક્રમી સપાટી પાર કરી છે, પણ બજારમાં રોકાણકારોની સંપત્તિમાં એટલો વધારો થયો નથી. બીએસઈ ઉપર આજે માર્કેટ કૅપ ૧૫૪.૨૨ લાખ કરોડ હતું જે ૩ જૂન કરતાં ૧.૯૨ લાખ કરોડ રૂપિયા ઓછું છે.
પેપર કંપનીઓમાં તેજી
આગામી બજેટમાં કેન્દ્ર સરકાર પર્યાવરણને જાળવી રાખવા માટે પ્લાસ્ટિક સામે પેપર ઉદ્યોગ માટે પગલાં જાહેર કરશે એવી આશાએ આજે પેપર અને પેપર પ્રોડક્ટ બનાવતી કંપનીઓના શૅરમાં વૃદ્ધિ જોવા મળી હતી. ઇમામી પેપર ૯.૯૭ ટકા, ઇન્ટરનૅશનલ પેપર ૬.૩૩ ટકા, જેકે પેપર ૩.૯૪ ટકા અને વેસ્ટ કોસ્ટ પેપરના ભાવ ૩.૬૫ ટકા વધ્યા હતા.
બૅન્કિંગમાં ખરીદી
નિફ્ટી બૅન્ક પણ આજે ૩૨૨૧૩.૩૫ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ૩૨૧૪૦.૨૫ બંધ આવ્યો હતો. ખાનગી બૅન્કોમાં સિટી યુનિયન બૅન્ક ૨.૧૮ ટકા, યસ બૅન્ક ૧.૭૧ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૧૯ ટકા, આરબીએલ ૧.૧૦ ટકા, કોટક મહિન્દ્રા બૅન્ક ૦.૫૧ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૪૨ ટકા વધ્યા હતા. જાહેર ક્ષેત્રની બૅન્કોમાં પંજાબ નૅશનલ બૅન્ક ૧.૬૫, સિન્ડિકેટ બૅન્ક ૧.૪૧ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૨૪ ટકા, કૅનેરા બૅન્ક ૦.૬૬ ટકા, યુંનાઈટેડ બૅન્ક ૦.૫૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૪૨ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૩૨ ટકા વધીને બંધ આવ્યા હતા.
આઇટી શૅરોમાં ખરીદી
નિફ્ટી આઇટી ઇન્ડેક્સ આજે સતત ત્રીજા દિવસે વધ્યો હતો. આ ઇન્ડેક્સ આજે ૧.૮૮ ટકા અને ત્રણ દિવસમાં ૪.૪૪ ટકા વધ્યો છે. કંપનીઓમાં ઈન્ફોસિસ ૨.૧૪ ટકા, ટીસીએસ ૧.૭૯ ટકા, એચસીએલ ટેક ૦.૯૪ ટકા, વિપ્રો ૦.૬૬ ટકા, ટેક મહિન્દ્રા ૦.૬૧ ટકા વધ્યા હતા.
શૅરોમાં વધઘટ
રિલાયન્સના શૅર જોકે આજની વિક્રમી સપાટીમાં ભાગ લઈ શક્યા નહોતા. વિક્રમી તેજી પછી આજે શૅરના ભાવે થોડો નફો બુક થયો હતો અને શૅર ૦.૨૮ ટકા ઘટી ૧૫૬૨.૧૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. સિપ્લાના શૅરના ભાવ ડાયાબિટીસની એક દવાના ભારતમાં વેચાણના હક્કો ખરીદી લેતાં આજે ૧.૧૨ ટકા વધ્યા હતા. શ્રીરામ ટ્રાન્સપોર્ટના શૅર ક્રેડિટ રેટિંગ ઘટી જતાં ૦.૬૬ ટકા ઘટી ૧૦૯૩.૬૦ની સપાટીએ બંધ આવ્યા હતા. મારુતિના શૅર પ્રોફિટ વિદેશી બ્રોકરેજ દ્વારા ખરીદીની સલાહે ૦.૮૭ ટકા વધી ૭૧૯૬.૮૫ રૂપિયા બંધ આવ્યા હતા. શૅર બાયબેક માટે બોર્ડ મીટિંગની જાહેરાત થતાં એનઆઇઆઇટી ટૅકના શૅર ૮.૯૭ ટકા વધી ૧૬૦૫ બંધ આવ્યા હતા. વ્હર્લપુલના શૅર આજે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું આપી દેતા ૪.૧૯ ટકા ઘટી ૨૧૫૯.૬૫ બંધ આવ્યા હતા. ક્રેડિટ રેટિંગ નબળું થતાં મેગ્મા ફિન્કોર્પના શૅર આજે પાંચ ટકાની નીચી સર્કિટ સાથે ૫૩.૨૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.
અમેરિકન કંપની ફેડરલ મોગુલના શૅર આજે ૧૯.૪૯ ટકા વધી ૬૬૧.૭૫ બંધ આવ્યા હતા. કંપનીના શૅરનો હિસ્સો ખરીદવા માટે કંપનીના બોર્ડે ૪૦૦નો ભાવ નક્કી કર્યો હતો અને તેને સેબીએ ફરીથી મૂલ્યાંકન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સેબીની પદ્ધતિ અનુસાર શૅરનો ભાવ ૬૦૮.૪૬ આવતો હતો. આ પછી કંપનીએ એપેલેટ ટ્રિબ્યુનલમાં સેબીના આદેશ સામે જીત મેળવી હતી. આ જીતને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અને આજે સુપ્રીમ કોર્ટે સેબીના આદેશને માન્ય રાખતા શૅરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2019 11:04 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK