Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને રાહત મળે એવા સમાચાર

જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને રાહત મળે એવા સમાચાર

13 June, 2020 10:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાના વેપારીઓને રાહત મળે એવા સમાચાર

જીએસટી

જીએસટી


ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ના નિયમન, કરના દર અને પ્રક્રિયા અંગે અંતિમ નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા ધરાવતી જીએસટી કાઉન્સિલની ૪૦મી બેઠકમાં નાના વેપારીઓને કેટલીક રાહતો આપે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને તા. ૧૨ જૂન સુધી કોઈ કારણોસર જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ ગયા હોય તો તે ફરી જીવંત કરવા માટેની મુદતમાં વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

જો કે આજની બેઠકમાં બે મહત્વની ચર્ચાઓ જીએસટીના અમલ પછી જે રાજ્ય સરકારને કરની આવકમાં ઘટાડો થયો છે અને તેની નુકસાનની ભરપાઈ કરવા માટેના વળતર અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવી જ રીતે કાચા માલમાં ઊંચા ટૅક્સ અને તૈયાર માલમાં નીચા કરના દરના કારણે ઊભી થયેલી સમસ્યાઓ અંગે પણ બેઠક અનિર્ણિત રહી હતી.



રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયામાં કોરોના મહામારીના સમયમાં રાહત આપવા માટે જેમણે જીએસટીઆર ૩ બી ફોર્મ જુલાઈ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૨૦ના સમયગાળા માટે ભર્યું નથી તો તેમને રિટર્ન મોડું ફાઈલ કરવા માટે લેવામાં આવતી લેટ ફીમાં રાહત આપવામાં આવી છે. આવા કરદાતાઓને જો કોઈ જીએસટી ભરવાનો થતો હોય તો કોઈ લેટ ફી ભરવી નહીં પડે અને જો કર ભરવાનો થતો હોય તો મહત્તમ ૫૦૦ રૂપિયા પ્રતિ રિટર્ન ભરવાના થશે. આ માટે કરદાતાને તા. ૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે આ લેટ રિટર્ન ફાઈલ કરી દેવાના રહેશે.


ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના રિટર્ન ફાઈલ કરવા માટે નાના કરદાતાને રાહત આપવામાં આવી છે. રૂપિયા ૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના રિટર્ન મોડા ફાઈલ કરવા માટે ટૅક્સ ઉપર વ્યાજ વસૂલવામાં આવે છે તેનો દર વર્તમાન ૧૮ ટકાથી ઘટાડી ૯ ટકા રહેશે એવી જાહેરાત કરી છે. આ નિયમ અનુસાર લેટ રિટર્ન ફાઈલ કરવા માટે તા. ૬ જુલાઈ સુધી વ્યાજમાં મુક્તિ રહેશે અને પછીથી તેના ઉપર વ્યાજ ભરવાનું થશે.

મે, જૂન અને જુલાઈના રિટર્ન માટે રૂપિયા પાંચ કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને આ મહિનાના માલના વેચાણ માટે જીએસટીઆર ૩-બી ફાઈલ કરવાના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે અને તેની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.


કોઈ કારણોસર તા.૧૨ જૂન સુધી જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હોય તો તેમને પોતાનું રજિસ્ટ્રેશન પુનઃ જીવંત કરવા માટે તા. ૩૦ સપ્ટેમ્બર સુધીની રાહત આપવામાં આવી છે.

આ ઉપરાંત બજેટમાં રજૂ થયેલા જીએસટી એક્ટના કેટલાક સુધારાઓ તા. ૩૦ જૂનના અમલમાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે.

જો કે ટેક્સટાઈલ્સ ઉદ્યોગની માગણી હતી કે કાચા માલ ઉપર ઊંચા જીએસટી દર અને તૈયાર માલ ઉપર નીચા દરના કારણે તેમનાં નાણાં ફસાયેલા રહે છે અને સરકારને ઊંચા રિફંડ આપવા પડે છે, પણ આ અંગે બેઠકમાં કોઈ ચર્ચા થઈ નહીં હોવાનું પત્રકાર પરિષદમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

રાજ્યોના વળતર અંગે જુલાઈમાં બેઠક

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પણ આર્થિક વૃદ્ધિ નબળી હોવાથી કેન્દ્ર સરકાર અને રાજ્યોની જીએસટીની આવક લક્ષ્યાંક કરતાં નીચે રહી છે. આ વર્ષે આવકમાં ઘટાડો થતાં કેટલાંક રાજ્યોને બંધારણીય જોગવાઈ હોવા છતાં વળતર ચૂકવવામાં કેન્દ્ર સરકાર વિલંબ કરી રહી છે. આ વળતર અંગે યોગ્ય નવી વ્યવસ્થા હોવી જોઈએ એવી કેટલાંક રાજ્યોની માગ છે. આ અંગે અલગથી માત્ર જીએસટી વળતર ઉપર જ ચર્ચા કરવા માટેની કાઉન્સિલની બેઠક જુલાઈમાં યોજવામાં આવશે એવી જાહેરાત નાણાપ્રધાને કરી હતી.

કરની આવક અંગે ભવિષ્યમાં જ ખ્યાલ આવશે

અઢી મહિના સુધી લૉકડાઉનના કારણે કેન્દ્ર સરકારની જીએસટી આવક ઘટી ગઈ છે અને એવી જ રીતે રાજ્યોની કરની આવક પણ ઘટી ગઈ છે. આ અંગે પૂછતાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે દરેક રાજ્યો પોતાની કરની આવક અંગે જાણકારી ધરાવે છે. કેન્દ્ર અને રાજ્યોની આવક અંગેનો ચોક્કસ ખ્યાલ આગામી મહિનામાં આવશે કારણ કે લૉકડાઉનના કારણે કર ભરવાની અને રિટર્ન ફાઈલ કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિના પછી જ આ અંગે માહિતી ઉપલબ્ધ બનશે, અત્યારે કરની જે આવક છે તે યોગ્ય ચિત્ર આપી શકે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2020 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK