શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજની ઘોષણાથી સોનું અને ચાંદી ઊછળ્યાં

Published: 21st January, 2021 11:03 IST | Mayur Mehta | Mumbai

અમેરિકન નવનિયુક્ત નાણામંત્રી જેનેટ યેલેનની શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજની ઘોષણાથી સોનું અને ચાંદી ઊછળ્યાં, ડોનલ્ડ ટ્રમ્પે કૉર્પોરેટ ટૅક્સમાં કરેલો ઘટાડો રદ થવાની શક્યતાને પગલે બૉન્ડ યીલ્ડ અને ડૉલર ઘટ્યાં

શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજની ઘોષણાથી સોનું અને ચાંદી ઊછળ્યાં
શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજની ઘોષણાથી સોનું અને ચાંદી ઊછળ્યાં

અમેરિકન નવનિયુક્ત ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજની જરૂરત હોવાની ઘોષણા કરતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઊછળ્યાં હતાં, જેને પગલે મુંબઈ માર્કેટમાં પણ સોનું-ચાંદી વધ્યાં હતાં. મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૮૭ રૂપિયા વધ્યો હતો.
વિદેશી પ્રવાહો
અમેરિકી નવા ટ્રેઝરી સેક્રેટરી (નાણામંત્રી) જેનેટ યેલેને સેનેટ સમક્ષ આપેલા વક્તવ્યમાં જણાવ્યું હતું કે અમેરિકાની ઇકૉનૅમિક રિકવરી માટે શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજોની ખાસ જરૂરત છે અને એના માટે બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન કટિબદ્ધ રહેશે. જેનેટ યેલેનની જાહેરાતને પગલે ડૉલર ઘટ્યો હતો અને સોનામાં નવેસરથી ખરીદી નીકળતાં સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં ૧૮૫૦ ડૉલરની સપાટીને ઓળંગી ગયો હતો. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા ૨૦૧૭માં કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો એ નિર્ણય રદ કરવાનો ઇશારો જેનેટ યેલેન દ્વારા મળતાં ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ઘટી ગયા હતા. જેનેટ યેલેનની કમેન્ટને પગલે સોનામાં ચમકારો જોવા મળ્યો હતો. સ્પોટ માર્કેટમાં સોનું ૦.૭થી ૦.૮ ટકા અને ચાંદી ૦.૮થી ૦.૯ ટકા સુધરી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બ્રિટનનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ૦.૬ ટકા રહ્યું હતું જે નવેમ્બરમાં ૦.૩ ટકા અને માર્કેટની ધારણા ૦.૫ ટકા રહેવાની હતી. જર્મનીનો પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ છેલ્લા ૧૧ મહિનામાં પહેલી વખત ડિસેમ્બરમાં ૦.૨ ટકા વધ્યો હતો જે વિશે માર્કેટની ધારણા ૦.૩ ટકા ઘટાડાની હતી. ક્રૂડ તેલના ભાવ વર્લ્ડ માર્કેટમાં ૦.૮ ટકા વધ્યા હતા. ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૦માં ૬.૨ ટકા વધીને ૧૪૪.૩૭ અબજ ડૉલર રહ્યું હતું, ડિસેમ્બરમાં સતત નવમા મહિને ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ૮.૪ ટકા વધ્યું હતું. ચીનમાં હાલ નેધરલૅન્ડ અને બ્રિટનથી સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. બ્રિટન અને જર્મનીના ઇન્ફલેશન અને પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા તેમ જ ચીનના ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેટા સહિત તમામ ઇકૉનૉમિક ઇન્ડિકેટર સોનામાં તેજીનો સંકેત આપનારા રહ્યા હતા.
શૉર્ટ ટર્મ - લાન્ગ ટર્મ ભાવિ
વર્લ્ડના ટૉપમોસ્ટ ઇકૉનૉમિસ્ટોની જેનેટ યેલેનના વક્તવ્ય પછીની કમેન્ટ એ હતી કે બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશનનાં તમામ પગલાંથી માર્કેટમાં લિક્વિડિટી સતત વધતી રહેશે જે ઇન્ફ્લેશનરી પ્રેશર વધારશે. સોનું ઇન્ફલેશન સામે બેસ્ટ હેજિંગ ટુલ્સ હોવાથી બાઇડનની શપથવિધિ પછી સોનામાં ખરીદીનું આકર્ષણ સતત વધતું રહેશે. ચીનમાં કોરોના વાઇરસનો બીજો વેવ ચાલુ થયાના સમાચાર વચ્ચે છેલ્લાં બે સપ્તાહથી ચીનના ઇકૉનૉમિક ડેટા સતત સુધરી રહ્યા છે, પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા છેલ્લા ૧૫ દિવસથી લગભગ દરરોજ ઇકૉનૉમીને રિવાઇવ કરવા માર્કેટમાં જંગી ફંડ ઠાલવવામાં આવી રહ્યું છે, જે ચાઇનીઝ લોકોની ખરીદીશક્તિ વધારશે, જેની અસર સોનાની ખરીદી પર પણ જોવા મળશે. આમ, સોનામાં હવે ફરી તેજીના એક પછી એક નવાં કારણો ઉમેરાઈ રહ્યાં છે, જે સોનાનું લૉન્ગ ટર્મ ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK