Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચૂંટણી પહેલાં સાવચેતીના માહોલ વચ્ચે સોના-ચાંદીમાં સાંકડી વધઘટે જ કામકાજ

ચૂંટણી પહેલાં સાવચેતીના માહોલ વચ્ચે સોના-ચાંદીમાં સાંકડી વધઘટે જ કામકાજ

28 October, 2020 12:23 PM IST | Mumbai
Mumbai correspondent

ચૂંટણી પહેલાં સાવચેતીના માહોલ વચ્ચે સોના-ચાંદીમાં સાંકડી વધઘટે જ કામકાજ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડૉલરમાં થઈ રહેલી વધઘટ, અમેરિકામાં એકદમ નજીક આવી ગયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીઓ અને તેજી કે મંદીના નવા કોઈ કારણના અભાવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં સોમવારે સોનું ૦.૦૪ ટકા ઘટી ૧૯૦૪.૯૦ અને ચાંદી ૦.૨૯ ટકા વધી ૨૪.૪૯૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા હતા. અમેરિકન ડૉલરનું વિશ્વનાં છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ૦.૩૦ ટકા વધ્યો હતો. તેજી અને મંદીનાં કારણો એકસમાન રીતે હોવાથી, રાજકીય રીતે બહુ મોટી ઘટના આવી રહી છે ત્યારે સાવચેતીના માનસ વચ્ચે જ ટ્રડિંગ જોવા મળી રહ્યું છે.
આજે ડૉલર ઇન્ડેક્સ સામાન્ય કે ૦.૧૩ ટકા નરમ છે. અમેરિકન સત્ર શરૂ થયું ત્યારે સોનું ડિસેમ્બર વાયદો ૦.૦૨ ટકા કે ૩૦ સેન્ટ ઘટી ૧૯૦૫.૪૦ અને હાજરમાં ૧.૯૫ ડૉલર વધી ૧૯૦૪.૩ પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૫ સેન્ટ વધી ૨૪.૪૭ અને હાજરમાં ૧૦ સેન્ટ વધી ૨૪.૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
ફંડામેન્ટલ્સના અભાવે સાંકડી વધઘટ
ઑક્ટોબર મહિનામાં સોનાના ભાવમાં વર્તમાન ભાવસપાટીથી ૧.૬ ટકાની વધઘટ જોવા મળી રહી છે. આ મહિનામાં ૧૯૩૯ ડૉલર પ્રતિ ઔંસની ઊંચી સપાટી છે અને ૧૮૭૭ ડૉલર પ્રતિ ઔંસની નીચી સપાટી છે. ભાવમાં મહદઅંશે વધઘટ માત્ર ડૉલરના મૂલ્યના આધારે જોવા મળી રહી છે. ફંડામેન્ટલ્સની દૃષ્ટિએ તેજી કે મંદી માટે કોઈ મોટાં કારણો જોવા મળી રહ્યાં નથી. તેજી માટેનાં કારણોમાં કોરોના વાઇરસ અમેરિકા અને યુરોપમાં ફરી માથું ઊંચકી રહ્યો છે અને એનાથી અર્થતંત્રની રિકવરીને અસર પડી શકે છે, નવું સ્ટિમ્યુલસ આવે તો ડૉલર નબળો પડે, ફુગાવો વધે અને એનાથી સોનાને ફાયદો થઈ શકે એમ છે. સામે વાઇરસની અસર વધતાં શૅર અને અન્ય કૉમોડિટીમાં વેચાણ જોવા મળી રહ્યું છે અને એના કારણે ડૉલર વધી રહ્યો છે, બેરોજગારીનું પ્રમાણ ઘટી રહ્યું છે એવાં કારણોથી તેજી અટકી રહી છે. માગ અને પુરવઠાનાં કારણોમાં ઈટીએફની નવી ખરીદી ધીમી પડી છે, જ્વેલરી અને સેન્ટ્રલ બૅન્કની માગ પણ નરમ છે એટલે સોના માટે કોઈ મોટી તેજી અત્યારે જણાતી નથી.
ભારતમાં બીજા દિવસે સોનું નરમ, ચાંદી મક્કમ
ભારતમાં સોનું બીજા દિવસે પણ નરમ રહ્યું હતું. મુંબઈ હાજર ૧૪૦ ઘટી ૫૨,૮૧૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૨૫ ઘટી ૫૨,૭૨૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૦૬૫ ખૂલી, ઉપરમાં ૫૧,૧૧૪ અને નીચામાં ૫૦,૭૦૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૪૯ ઘટીને ૫૦,૭૮૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫૪૦ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૦૧૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૮ વધીને ૧ ગ્રામદીઠ ૫૧૨૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૬ ઘટીને બંધમાં ૫૦,૮૩૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં મુંબઈ હાજર ૪૬૫ વધી ૬૩,૭૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૧૫ વધી ૬૩,૬૬૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૨,૩૪૧ ખૂલી, ઉપરમાં ૬૨,૫૮૦ અને નીચામાં ૬૧,૮૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૮૪ વધીને ૬૧,૯૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૯૩ વધીને ૬૨,૦૧૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૯૮ વધીને ૬૨,૦૧૮ રૂપિયા બંધ રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 12:23 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK