મોદી ૨.૦ શાસનના ૧૦૦ દિવસ

Published: Sep 16, 2019, 10:49 IST

રાજકીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે નરેન્દ્ર મોદી સરકારની વચનપૂર્તિની શરૂઆત થઈ ગઈ : આર્થિક સ્લેડાઉનના સામના બાબતે આમ કહી શકાય એમ નથી

મોદી ૨.૦ના શાસનકાળના પ્રથમ ૧૦૦ દિવસ દરમ્યાન સરકાર ચૂંટણીપ્રચાર દરમ્યાન રાજકીય ક્ષેત્રે જનતાને આપેલાં વચનો પૂરાં કરવામાં ઝડપભેર આગળ વધી છે. રાજ્યસભામાં બહુમતી ન હોવા છતાં સરકારે બંધારણના આર્ટિકલ-૩૭૦ અને ૩૫-એને નાબૂદ કરાવી (જમ્મુ-કાશ્મીરને મળેલ વિશેષ દરજ્જો પાછો ખેંચી લઈને) જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવીને અને દેશના મુખ્ય પ્રવાહમાં ભેળવીને વન-નેશન, વન-કૉન્સ્ટિટ્યુશનનું સ્વપ્ન સાકાર કર્યું છે. એટલું જ નહીં, યુએનમાં રશિયા, અમેરિકા અને અન્ય રાષ્ટ્રોનો સાથ મેળવીને આ મુદ્દે પાકિસ્તાનના, ચીન સાથે મળીને, ભારતને પછાડવાના પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે. પ્રજાને આપેલ આ વચનસિદ્ધિ માટે સરકારે દાખવેલી કુનેહ દાદ માગી લે એવી છે. 

બીજી ટર્મના પ્રથમ ૧૦૦ દિવસોમાં સરકારને મળેલ એવી જ બીજી સિદ્ધિમાં ટ્રિપલ તલાકના કાયદાની નાબૂદીને ગણી શકાય. આતંકવાદ (ટેરરિઝમ)ને ડામવા માટે પસાર કરાવાયેલ બિલનો પણ સરકારની રાજકીય મોરચાની સિદ્ધિઓમાં ઉલ્લેખ કરવો પડે. રાજકીય ક્ષેત્રે જે કુનેહ અને જે ઝડપ મોદી સરકારે દાખવી છે એવી ઝડપ કે કુનેહ દાખવવામાં સ્વતંત્ર ભારતની આ પહેલી સરકાર છે. રાજકીય ક્ષેત્રે સરકારને જે સિદ્ધિ મળી છે એવી સિદ્ધિ આર્થિક ક્ષેત્રે (અર્થતંત્રમાં પ્રવર્તમાન સ્લૉડાઉનનો સામનો કરવાની) સરકારને મળી નથી. આ ક્ષેત્રે સરકારની સર્જિકલ સ્ટ્રાઇક બાલાકોટની આતંકવાદીઓ પરની સર્જિકલ સ્ટ્રાઇક જેવી અસરકારક નથી રહી.

સરકારે કેટલાક સરકારી અધિકારીઓ અને વિપક્ષી નેતાઓ સામે ભ્રષ્ટાચારના આરોપસર પગલાં લેવાનું શરૂ કર્યું છે. એની પહેલી ટર્મમાં કાળાં નાણાં વિશે સરકાર ખાસ કાંઈ કરી શકી ન હતી. ૨૦૧૬માં સરકારે કરેલ ડિમૉનેટાઇઝેશનને કારણે અને ૨૦૧૭માં કરેલ જીએસટીના અમલને કારણે ઘણાં બધાં ક્ષેત્રોનાં રોકડાનાં અને બિલ વગરનાં કામકાજ બંધ થયાં છે. કરવેરાની જાળ વિસ્તૃત થવાને લીધે સરકાર પાસે ઉદ્યોગ-ધંધાની માહિતીનો બેઝ વિસ્તૃત થતાં આવકવેરો ભરતા લોકોની સંખ્યા વધી છે એ ખરું, પણ ડિમૉનેટાઇઝેશનનો કાળાં નાણાં બહાર કઢાવવાનો જે મૂળભૂત ઉદ્દેશ હતો એ બર આવ્યો નથી. એનું એક કારણ કાળાં નાણાં સંઘરવાનો એક માત્ર રસ્તો રોકડ રકમ (કૅશ) જ નથી. સોના અને રિયલ એસ્ટેટ જેવી બીજી અસ્ક્યામતોમાં પણ કાળું નાણું મોટા પ્રમાણમાં સંગ્રહ કરાય છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ જોરદાર મંદ પ્રવર્તી રહી છે. બેનામી પ્રૉપર્ટી પર ઘા કરવા માટે સરકાર કાયદો બનાવી રહી હોવાના અહેવાલ છે જે મુજબ સ્ટૉક (કંપનીઓના શૅર)ની જેમ પ્રૉપર્ટીના સોદા પણ ડીમેટ અકાઉન્ટ મારફતે જ કરી શકાય એવા નિયમો દાખલ કરાશે. આમ થાય તો પ્રૉપર્ટીમાં થનાર કાળાં નાણાંનો ઉપયોગ ઘટી શકે. પ્રૉપર્ટીના ભાવોમાં કડાકો પણ બોલી શકે. પ્રતિષ્ઠિત બિલ્ડરો જેણે નાદારી નોંધાવી છે કે લગભગ એવી સ્થિતિમાં છે તેમના પર આવા કાયદાની શી અસર થશે એ તો આવનાર સમય જ કહી શકશે.

દરમ્યાન સ્વિસ બૅન્કમાં અકાઉન્ટ હોય અને ત્યાં નાણાં પડ્યાં હોય તેવા લોકોનાં નામની યાદી સરકારને આપવા માટે પણ સમજૂતી કરાઈ છે. સરકાર આવી યાદી મેળવવાની પેરવી કરી રહી હતી અને એમાં સફળ થાય તો તે સ્વિસ બૅન્કના ખાતેદારો (અનેક મોટાં માથાંઓ) માટે ભારે મુશ્કેલી સર્જી શકે એ ગણતરીએ આવાં અનેક ખાતાંઓમાંથી નાણાંની ઉચાપત થઈ ગઈ છે એટલે કાળાં નાણાંને ઘટાડવાનું આ પગલું પણ કેટલું અસરકારક નીવડશે એવો સવાલ ઊભો થયો છે.

ચંદ્રયાન-2 દ્વારા વિશ્વનો કોઈ દેશ જ્યાં નથી પહોંચ્યો એ ચંદ્રના સાઉથપોલ પર પહોંચવાના સઘન અને સંનિષ્ઠ પ્રયાસો બદલ વડા પ્રધાને ઇસરોના અધ્યક્ષ સિવન અને તેમની ટીમના સાથી વૈજ્ઞાનિકોની તેમના લડાયક મિજાજ માટે જે રીતે સરાહના કરીને તેમની પીઠ થાબડી છે એણે તેમના ઉત્સાહમાં અનેક ગણો વધારો કર્યો છે. વડા પ્રધાને એને ‘ઇસરો સ્પિરિટ’ તરીકે ઓળખાણ આપી છે. દેશના પ્રત્યેક ક્ષેત્રે, ખાસ કરીને સ્લોડાઉનનો સામનો કરી રહેલા આર્થિક ક્ષેત્રે આજે આ સ્પિરિટની આવશ્યકતા છે. એ સ્પિરિટ જ આર્થિક સ્લોડાઉન માટે ‘ઍનિમલ સ્પિરિટ’નું કામ કરશે. એ માટે સરકારે અને વિરોધ પક્ષોએ, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તથા જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રએ ખભેખભા મિલાવીને કામ કરવું પડશે.

આ ૧૦૦ દિવસોમાં લોકસભા અને રાજ્યસભાનાં સત્રોની રેકૉર્ડ કામગીરી સાથે અને અગાઉની સરકારો જે નથી કરી શકી એવા અઘરામાં અઘરા બિલો પાસ કરાવીને મોદી સરકારે તેની બીજી ટર્મની સારી શરૂઆત કરી છે. સરકારે આર્થિક ક્ષેત્રે જે પણ પગલાં લીધાં છે એ વિશ્વની બગડતી આર્થિક પરિસ્થિતિ વચ્ચે અને અમેરિકા-ચીન વચ્ચેના વેપારયુદ્ધને પરિણામે ભારતમાં પણ સ્લોડાઉન આવશે એવી અપેક્ષાએ અગમચેતી (પ્રો-ઍક્ટિવ) રૂપે નહીં, પણ એ સ્લૉડાઉન આવ્યા પછી એમાંથી બહાર નીકળવાના ઉપાય જેવા છે.

આર્થિક સ્લોડાઉનની વાત કરીએ એટલે સૌથી વધુ નુકસાન વેઠેલ ઑટોમોબાઇલ સેક્ટરની વાત પહેલાં કરવી પડે. તહેવારો કે ઉત્સવોના થોડા મહિનાઓ / દિવસો પહેલાં ઑટોમોબાઇલ ઉદ્યોગ હતાશ જણાય છે. પૅસેન્જર વેહિકલ્સનું વેચાણ ઑગસ્ટમાં ૩૨ ટકા જેટલું ઘટ્યું છે. આ ઘટાડો છેલ્લાં ૨૦ વરસનો સૌથી મોટો ઘટાડો છે. આ વેચાણ ૧૦ મહિનાથી સતત ઘટતું રહ્યું છે. પૅસેન્જર વેહિકલ્સ, કમર્શિયલ વેહિકલ્સ અને બે પૈડાં અને ત્રણ પૈડાંનાં વાહનોને સાથે લઈએ તો તેમના વેચાણમાં ૨૪ ટકાનો ઘટાડો થયો છે.

કમર્શિયલ વેહિકલ્સના વેચાણમાં ૩૯ ટકાનો, ત્રણ પૈડાંનાં વાહનોના વેચાણમાં ૭ ટકાનો અને બે પૈડાંનાં વાહનોના વેચાણમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે. માગના અભાવે એક પછી એક કાર ઉત્પાદન કરતી કંપનીઓ ઉત્પાદન ઘટાડવા માટે ફૅક્ટરીઓ બંધ રાખવાના દિવસો વધારતી જાય છે આમાં અશોક લેલૅન્ડ અને મારુતિ-સુઝૂકીનો સમાવેશ થાય છે. પરિણામે આ કારખાનાંઓમાં કામ કરતા કારીગરોના બેકાર હોવાના દિવસો વધતા જાય છે. ફોર્ડ મોટર કંપની એના ભારત ખાતેના બે ઉત્પાદન એકમોમાંથી એક વેચવા માટેની સક્રિય વાટાઘાટો ચલાવી રહી છે.

પેટ્રોલ / ડીઝલના ભાવના વધારાને કારણે વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે એવી દલીલ કરાય છે. તો બીજી તરફ ઓલા અને ઉબર ઍપને કારણે અને મેટ્રોને કારણે તરુણો અને યુવાનોમાં કાર ખરીદવાનું આકર્ષણ ઘટ્યું છે. તેમને માટે કારની માલિકી એ સામાજિક મોભાનું પ્રતીક નથી. કારની જાળવણી (મેઇન્ટેનન્સ)ની કિંમત અને ડ્રાઇવરના પગારની ગણતરી માંડીએ તો ઓલા અને ઉબર કરતાં પોતાની માલિકીની કાર કિંમતની રીતે મોંઘી પડે અને પરવડે નહીં. જોકે આ વિશે કરાયેલા ઑનલાઇન સર્વેનાં તારણો યુવાપેઢીની આવી અલગ વિચારશરણીની તરફેણમાં નથી.

ઑટોમોબાઇલ કંપનીઓએ વાહનો પરનો જીએસટી (જે કેટલાંક વાહનો માટે ૪૩ ટકા જેટલો ઊંચો છે) ઘટાડવાની માગણી કરી છે. જીએસટી કાઉન્સિલની ૨૦ સપ્ટેમ્બરની મીટિંગમાં એ વિશે નિર્ણય લેવાશે. વપરાશખર્ચ વધારીને આર્થિક વિકાસનો દર વધારવા માટે નાણાપ્રધાન સરકારી ખર્ચ વધારવાની દરખાસ્ત પર વિચારણા કરે છે. માળખાકીય સવલતો માટેનો રોકાણખર્ચ શરૂઆતનાં વરસોમાં કેમ વધે (ફ્રન્ટલૉડિંગ) એ માટે નાણાપ્રધાને રચના કરી છે જેથી અંદાજપત્રમાં જાહેર કરેલ માળખાકીય પ્રકલ્પો માટેનું ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવતાં પાંચ વરસમાં અગ્રતાને ધોરણે કરી શકાય.

સરકાર માટે મોદી ૨.૦ ના શાસનના પ્રથમ ૧૦૦ દિવસમાં શું સિદ્ધ કર્યું એ કરતાં હવે પછીના ૧૦૦ દિવસોમાં શું સિદ્ધ કરવાનું છે એ એજન્ડા વધુ મહત્ત્વનો છે. એનાં બે કારણો છે: (૧) લોકસભાની ચૂંટણીઓમાં પછડાટ ખાધા પછી વિરોધ પક્ષો હજી ઊભા થઈ શક્યા નથી એટલે હાલ પૂરતું સરકાર પર કોઈ ખાસ રાજકીય દબાણ નથી. તો પણ જે રીતે દેશનું અર્થતંત્ર ગતિ કરી રહ્યું છે એ જોતાં નજીકના ભવિષ્યમાં આર્થિક સમસ્યાઓ સરકાર સામે ગંભીર પડકાર ઊભો કરી પણ શકે. (૨) હવેના ૧૦૦ દિવસોમાં લેવાયેલ નિર્ણયો આવતાં પાંચ વરસ માટે અર્થતંત્ર કેવો વળાંક લેશે એનો ટોન નક્કી કરી શકે. હવે પછીના ત્રણ મહિના આવનારા ચાર-પાંચ મહિનામાં રજૂ કરાનારા ૨૦૨૦-’૨૧ માટેના અંદાજપત્રની દિશા નક્કી કરવા માટે બહુ કટોકટીભર્યા ગણાય. હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં નજીકના ભવિષ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ સરકારની સાવધાની અને અર્થતંત્રને પાટે ચડાવવાનો એજન્ડા એટલો જ મહત્ત્વનો છે.

કેન્દ્ર સરકાર ઘટતા જતા રેવન્યુ વચ્ચે ખર્ચ વધારીને અર્થતંત્રને ઉગારવાની આવશ્યકતાને કારણે તથા રાજ્ય સરકારો પોતાની કરવેરાની આવક ઓછી ન થાય એ માટે જીએસટીના સ્લૅબ પાંચમાંથી ઘટાડીને ત્રણ કરવા માટે કે મિનિમમ જીએસટીનો દર નીચો કરવા માટે રાજી નથી. પરિણામે જીએસટીના અમલની કાર્યક્ષમતા કે સરળીકરણ કેન્દ્ર અને રાજ્ય સરકારો માટેના અગ્રક્રમમાં પાછળ ઠેલાયા છે.


આ પણ વાંચો: NASSCOM એ જણાવ્યું ગુજરાતના ઉદ્યોગો ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે

વપરાશખર્ચનો, મૂડીરોકાણનો અને નિકાસોનો ઘટાડો એ અર્થતંત્રમાં માગ ઘટવા પાછળનાં મૂળભૂત કારણો છે. મર્યાદા બહારનું ડેફિસિટ સ્પેન્ડિંગ દેવા અને વ્યાજના દરમાં વધારો કરે, ભાવવધારામાં પરિણમે અને આખરે દેવાના અસ્વીકારમાં. પરિણામે મૂડીરોકાણકારનો વિશ્વાસ તૂટે અને વિકાસનો દર પણ ઘટે.

ઊંચી ફિસ્કલ ડેફિસિટ છતાં સરકારે કરેલ ખર્ચની ગુણવત્તા ઊંચી હોય એટલે કે એ થકી મૂડીરોકાણ થતું હોય, નોકરીઓનું સર્જન થતું હોય અને લોકોની આવક વધતી હોય તો અર્થતંત્ર ઊંચી ફિસ્કલ ડેફિસિટનાં વમળમાં ફસાયાં સિવાય આર્થિક વિકાસનો દર વધારવાનું ધાર્યું પરિણામ લાવી શકે. આવી ઊંચી ગુણવત્તા ધરાવતો સરકારી ખર્ચ વધારવાનો આ સમય છે. સરકારે રચેલ ટાસ્ક ફોર્સમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરાવો જોઈએ. એ પછી આ ટાસ્ક ફોર્સનાં સૂચનો સરકારને અગ્રતાના ધોરણે મળી જાય અને એનો અમલ પણ એટલી જ ત્વરાથી કરાય તો હજી આર્થિક ક્ષેત્રની બાજી પલટાવવા માટેનો સમય આપણી પાસે છે. વર્કિંગ ટુગેધર વર્ક્સ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK