કોરોનાએ બજારની તો બજાવી જ નાખી: માર્ચ મહિનામાં 44.98 લાખ કરોડ રૂપિયા સાફ

Published: Mar 24, 2020, 07:39 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

એક જ દિવસમાં સેન્સેક્સમાં ૩૯૩૫ પોઇન્ટનો કડાકો: શૅરબજારમાં વિક્રમી મંદી, ડૉલર સામે રૂપિયો નવી નીચી સપાટીએ: માર્ચ મહિનામાં ૪૪.૯૮ લાખ કરોડ રૂપિયા સાફ, રૂપિયો ૭૬.૨૮ની નીચલી સપાટીએ

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ત્રણ બ્લૅક ફ્રાઇડે પછી આજે બ્લૅક મન્ડેની હૅટ-ટ્રિક જોવા મળી હતી. કોરોના વાઇરસને કારણે દેશ લૉકડાઉન તરફ આગળ વધી રહ્યો છે અને એની અસરથી આર્થિક પ્રવૃત્તિ અટકી પડશે એવી દહેશત સાથે આજે શૅરબજારમાં વિક્રમી નૉકડાઉન જોવા મળ્યું હતું. સોમવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૪,૨૨,૨૦૭ કરોડ રૂપિયા ઘટીને ૧૦૧.૮૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

એક જ દિવસમાં સેન્સેક્સ આજે ૩૯૩૪.૭૨ પૉઇન્ટ કે ૧૩.૧૫ ટકા ઘટી ૨૫,૯૮૧.૨૪ની સપાટીએ બંધ આવ્યો હતો અને નિફ્ટી ૧૧૩૫.૨૦ પૉઇન્ટ કે ૧૨.૯૮ ટકા ઘટી ૭૬૧૦.૨૫ની સપાટીએ બંધ આવ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ૧૦ ટકાના ઘટાડા સાથે મંદીની સર્કિટ સાથે ખૂલ્યા પછી પહોંચ્યા હતા અને એને લીધે ૪૫ મિનિટ ટ્રેડિંગ બંધ કરવામાં આવ્યું હતું. આજના ઘટાડા સાથે નિફ્ટી જાન્યુઆરી ૨૦૨૦ની વિક્રમી ઊંચાઈએથી ૩૮.૭૮ ટકા ઘટી ગયો છે. આજના ઘટાડા સાથે નિફ્ટી એપ્રિલ ૨૦૧૬ અને સેન્સેક્સ ડિસેમ્બર ૨૦૧૬ની નીચી સપાટીએ પહોંચી ગયા છે.

કોરોના વાઇરસને કારણે બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી રહી છે. માત્ર માર્ચ મહિનામાં બજારનું કુલ માર્કેટ કૅપ ૪૪,૯૮,૦૯૭ કરોડ ઘટીને આજે ૧,૦૧,૮૬,૯૩૬.૨૮ કરોડ રૂપિયા બંધ આવ્યું છે. ૨૦૧૪ની ૨૮ નવેમ્બરે ભારતીય બજારનું માર્કેટ કૅપ પ્રથમ વખત ૧૦૦ લાખ કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું અને આજનું સ્તર એની નજીક છે એટલે એમ કહી શકાય કે ૬ વર્ષની બધી જ કમાણીનું ધોવાણ થઈ ગયું છે.

માર્ચમાં ડૉલર સામે ૩૯૧ પૈસા ઘટીને રૂપિયો નવી નીચી સપાટીએ

વિશ્વના અન્ય ઊભરતા ચલણ અને બજારોમાં જે રીતે વિદેશી સંસ્થાઓની વેચવાલી જોવા મળી રહી છે એમ ભારતમાં પણ વિદેશી સંસ્થાઓ શૅર અને જીસેક વેચી ડૉલરની સલામતી તરફ આગળ વધી રહ્યા છે. શુક્રવારે ડૉલર સામે રૂપિયો ઇતિહાસમાં પ્રથમ વખત ૭૫ની સપાટીએ જોવા મળ્યો હતો અને આજે એમાં વધારે ઘટાડો થયો છે. ડૉલર સામે રૂપિયો આજે વધુ ૧૦૦ પૈસા ઘટીને ૭૬.૨૦ની સર્વકાલીન નીચી સપાટીએ બંધ આવ્યો હતો. ભારત જેવા આયાત પર નભતા દેશમાં ડૉલર સામે રૂપિયો ઘટે એ ચિંતાનો વિષય છે અને એનાથી આયાત મોંઘી થાય છે. આવશ્યક ચીજોમાં ભારત ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, ખાદ્ય તેલ, કઠોળ, મશીનરી જેવી ચીજોની આયાત કરે છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં ડૉલર સામે રૂપિયો ૬.૭૫ ટકા ઘટી ગયો છે. માત્ર માર્ચ મહિનામાં ડૉલર સામે રૂપિયો ૭૨.૨૯ સામે ઘટીને ૭૬.૨૦ થયો છે જે ૩૯૧ પૈસાનો ઘટાડો દર્શાવે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK