Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મોદી હૈ તો મુમકિન હૈ, મગર મોદી હૈ ફિર ભી મુશ્કિલ હૈ!

મોદી હૈ તો મુમકિન હૈ, મગર મોદી હૈ ફિર ભી મુશ્કિલ હૈ!

13 January, 2020 09:32 AM IST | Mumbai Desk
Jayesh Chitaliya

મોદી હૈ તો મુમકિન હૈ, મગર મોદી હૈ ફિર ભી મુશ્કિલ હૈ!

મોદી હૈ તો મુમકિન હૈ, મગર મોદી હૈ ફિર ભી મુશ્કિલ હૈ!


ઇકૉનૉમી રિવાઇવલઃ બજારમાં બે મત!

યે તો હોના હી થા. યુએસના ઈરાન પરના આક્રમણ બાદ માર્કેટનું તૂટવું વાજબી પરિબળ હતું. ખાસ કરીને ક્રૂડના ભાવ ભડકશે એવાં એંધાણ સાથે ભારતીય શૅરબજારે ગયા સોમવારે બજાર ખૂલતાં જ એની અસર બતાવી હતી. આમ તો આગલા શુક્રવારે યુએસ-ઈરાનના તનાવે અસર શરૂ કરી દીધી હતી, જે સોમવારે વધુ જોરથી આગળ વધી હતી. બપોર સુધીમાં સેન્સેક્સે ૮૦૦ પૉઇન્ટથી વધુ કડાકો બોલાવી દીધો હતો. જોકે બજાર બંધ થતી વખતે સેન્સેક્સ ૭૮૮ પૉઇન્ટ અને નિફ્ટી ૨૩૩ પૉઇન્ટ ડાઉન થઈને ૧૨૦૦૦ની નીચે ઊતરી ગયો હતો. યુએસ તરફથી ઈરાનના લશ્કરી લીડરની હત્યા બાદ ઈરાનને ધમકી અપાઈ હતી. જેની સામે ઈરાને પણ યુએસને વળતા જવાબની ધમકી આપી હોવાથી ક્રૂડના ભાવ ઊંચે ગયા હતા. જેની અસર ગ્લોબલ માર્કેટ પર થઈ હતી. બીજી બાજુ ઈરાકે પણ યુએસની અૅક્શનનો વિરોધ નોંધાવ્યો હતો. આમ આ ઘટનાથી વૈશ્વિક સ્તરે પણ ટેન્શન ફેલાયું હતું. ડૉલર રૂપિયા સામે વધી ગયો હતો. જ્યારે ઊંચી નાણાં ખાધનો સામનો કરી રહેલા ભારત માટે ક્રૂડના ઊંચા ભાવ ભારે પડે એમ હોવાથી ભારતીય સ્ટૉક માર્કેટમાં ત્રણ લાખ કરોડનું મૂડીધોવાણ થઈ ગયું હતું. 



વધીને પાછું ફરી જાય છે
જોકે મંગળવારે કરેકશન કે કડાકો આગળ વધવાને બદલે બજારે પૉઝિટિવ ટર્ન લઈ લીધો હતો. આમ તો સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ ઉપર વધીને પાછો ફર્યો હતો, જે અંતમાં ૧૯૩ પૉઇન્ટ પ્લસ સાથે બંધ રહ્યો અને નિફ્ટી ૬૦ પૉઇન્ટ પ્લસ સાથે ૧૨૦૦૦ ઉપર બંધ રહ્યો હતો. યુએસ સાથેના વિવાદમાં વધુ ઉગ્ર નહીં બનવા ઈરાન પર વિશ્વનું દબાણ આવ્યું હોવાની ચર્ચા હતી, પરિણામે ક્રૂડના ભાવ સ્થિર થયા હતા. ઈરાન ક્રૂડનું મોટું નિકાસકાર રાષ્ટ્ર છે. નિફટી રિઅલ્ટી ઈન્ડેકસમાં વધારો થયો હતો તેમ જ ઈન્ડેકસના કેટલાક અગ્રણી મુખ્ય સ્ટૉકસ વધતા સેન્સેક્સ અને નિફ્ટીની રિકવરી થઈ હતી. અલબત્ત, મિડ કૅપ અને સ્મોલ કૅપની વધુ રિકવરી થઈ હતી.
ઈરાન-યુએસ તનાવની અસર
બુધવારે બજારની શરૂઆત ફરી નેગેટિવ થઈ હતી, જેનું કારણ ઈરાન અને યુએસ વચ્ચે યુદ્ધના ભણકારાનું હતું. યુએસની ઇરાકમાં રહેલી ફોર્સ પર ઈરાને હુમલો કરતાં આ ભય ફેલાયો હતો. જોકે પાછળથી બન્ને દેશોએ યુદ્ધ નહીંના સંકેત આપ્યા હતા. બીજી બાજુ ભારત સરકારની નૅશનલ સ્ટેટેસ્ટીકલ ઑફિસ (એનએસઓ) દ્વારા જીડીપી ગ્રોથના અંદાજની જાહેરાત થઈ હતી, જે પાંચ ટકાના દરે રહેવાની શક્યતા મુકાઈ હોવાથી બજારમાં નિરાશા ફેલાઈ હતી. બજાર નોંધપાત્ર ઘટયા બાદ રિકવર થઈ સેન્સેક્સ માત્ર બાવન પૉઇન્ટ અને નિફટી ૨૭ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. સ્મોલ અને મિડ કૅપ ઈન્ડેક્સ સુધર્યા હતા. બજારમાં હાલ વૉલેટિલિટી ચાલુ રહેવાની શકયતા ઊંચી છે. જોકે લાંબા ગાળે બજાર સુધારાતરફી રહેશે એવી આશા પણ ઊંચી છે.
આમ પણ ઇકૉનૉમિક સ્લો ડાઉનની હકીકત સૌની સામે છે ત્યારે આવા આંકડા તેના વધુ નક્કર પુરાવા બની જાય છે. છેલ્લા ૧૫ વરસમાં આ સૌથી નીચો ગ્રોથ રેટ નોંધાયો છે. વડા પ્રધાને તાજેતરમાં ઉદ્યોગપતિઓ –કૉર્પોરેટસ સાથેની મીટિંગમાં ભલે કહ્યું કે પાંચ ટ્રિલ્યન ઇકૉનૉમી એક તબક્કો છે, આપણે તેનાથી પણ ઊંચે જવાનું લક્ષ્ય છે, પરંતુ ઇકૉનૉમીના વૃદ્ધિદરની આ વાસ્તવિકતા સરકારના લક્ષ્યને કપરું બનાવતું જણાય છે. અલબત્ત સરકારે આ માટે ધરખમ ઝડપી અને અસરકારક પગલાં લેવાના રહેશે.
ઈરાનની શાંતિ ચાલશે?
જોકે ગુરુવારે બજારે ગજબનો વળાંક લઈને જબ્બર કૂદકો માર્યો હતો. એક કારણ યુએસ-ઈરાન વચ્ચેનું ટેન્શન હળવું થવાના સંકેત હતા તો બીજું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જાહેર થયું હતું. જોકે ઈરાન મામલે શાંતિના વરતારા દેખાવાના ભલે શરૂ થયા હોય, હજી તેની કયાંક અનિશ્ચિતતા ગણીને ચાલવું રહ્યું. નિષ્ણાતો ઈરાન સંબંધી કરેકશન અને રિકવરીને શોર્ટ ટર્મ માને છે, આ પરિસ્થિતિ અંકુશમાં આવતા બજાર પુનઃ વેગ પકડશે. જોકે પરિસ્થિતિ વિફરે તો આ કડાકા ફરી આવી શકે.
વડા પ્રધાનના આશાવાદની અસર
શુક્રવારે બજારે શરૂથી પૉઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખ્યો હતો. ઈરાન-અમેરિકાની શાંતિના અહેવાલ અને વડા પ્રધાનની ઇકૉનૉમી સંબંધી બેઠકમાં વ્યક્ત થયેલો આશાવાદ અને રિકવરીનો વિશ્વાસ બૂસ્ટ આપી ગયો હતો. મોદીએ કહ્યું હતું કે ઇકૉનૉમી મજબૂત છે અને તે પુનઃ સક્રિય થશે. એક્સપર્ટ વર્ગે આ બેઠકમાં પોતાના મત સ્વરૂપે જાહેર ખર્ચ અને રોકાણ વધારવા, નીચલા સ્તરે કરપ્શન દૂર કરવા, નીતિવિષયક તેમ જ રૂલ્સ-રેગ્યુલેશન બાબતે અનિશ્ચિતતા દૂર કરવા અને નિકાસ વધારવા પર ભાર મૂકયો હતો. સરકાર આને અનુસરે તો બહુ સારું પરિણામ મળી શકે છે. વડા પ્રધાન જે રીતે અર્થતંત્રના રિવાઈવલ માટે ગંભીર રસ લઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખતા ‘મોદી હૈ તો મુમકિન હૈ’ની આશા વધી છે, કિંતુ આ સાથે ‘મોદી હૈ ફીર ભી મુશ્કીલ હૈ’ની ચિંતા પણ ઊભી છે.
નવા સપ્તાહમાં નવી સપાટી?
નવા સપ્તાહમાં નવા સંકેત સાથે માર્કેટ હજી એકવાર નવી સપાટી બનાવે તો નવાઈ નહીં, કિંતુ આ સાથે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા પણ ઊંચી છે. ઇન શોર્ટ, સરકાર તરફથી ખાસ કરીને બજેટના નવા સંકેત આવી શકે તેમ જ ઈરાન અને યુએસએના ઠંડા પડેલા તનાવ પર પણ નજર રહેશે. આ સપ્તાહમાં ચીન અને અમેરિકા વચ્ચે પ્રથમ તબક્કાના વેપારકરાર સંબંધી સહી થવાની છે, જેની પણ અસર જોવા મળશે. સ્થાનિક સ્તરે આ સપ્તાહમાં રિટેલ ફુગાવાનો આંકડો પણ જાહેર થવાનો છે જે સંભવિત ઊંચો આવવાની શકયતા છે. આમ વિવિધ પૉઝિટિવ પરિબળને લીધે માર્કેટ ઊંચું જશે તો નેગેટિવ ઘટનાથી નીચે પણ આવી જશે. સતત ઊંચે ટકી રહેવાનું કઠિન જણાય છે.
બૅન્ક સ્ટૉક્સ પર શેની અસર થશે
ઇન્સૉલવન્સી કોડના પરિણામે બૅન્કોની બૅડ લોન્સની સમસ્યાના હલ આવતા જાય છે અને રિકવરી પણ સુધરતી જાય છે, આની અસર બૅન્ક શૅરો પર પડે એ સહજ છે. જ્યારે બીજી બાજુ જાહેર ક્ષેત્રની બૅન્કોના ચીફ સાથે મીટિંગ કર્યા બાદ હવે નાણાપ્રધાન રિઝર્વ બૅન્ક સાથે બૅન્કોની બેડ લોન્સ અને તેની જોગવાઈઓ અંગે ચર્ચા કરશે. જેમાં ટેલિકૉમ કંપનીઓનો મુદ્દો વિશેષ રહેશે, કારણ કે આ કંપનીઓની બેલેન્સ શીટ અને લોન્સ સંવેદનશીલ મુદ્દો બન્યો છે. આ બેઠક બજેટ પૂર્વે થશે, તેથી તેના સંદર્ભમાં પગલાં બજેટમાં જોવા મળશે. બૅન્કોના ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ક્વૉર્ટરના પરિણામ પર તેની અસર જોવાશે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 09:32 AM IST | Mumbai Desk | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK