Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મેટલ, ઑટો ને આઇટીની પકડમાં શૅરબજાર મજબૂત

મેટલ, ઑટો ને આઇટીની પકડમાં શૅરબજાર મજબૂત

30 October, 2014 05:36 AM IST |

મેટલ, ઑટો ને આઇટીની પકડમાં શૅરબજાર મજબૂત

મેટલ, ઑટો ને આઇટીની  પકડમાં શૅરબજાર મજબૂત



શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ



અમેરિકાના ફેડની પૉલિસી મીટિંગના પરિણામ તથા નિફ્ટી ઑક્ટોબર વલણની વિદાયની પૂર્વસંધ્યાએ બજારમાં સુધારાની પકડ વધુ મજબૂત બની છે. સેન્સેક્સ ૨૧૭ પૉઇન્ટની આગેકૂચમાં ૨૭,૦૯૮ તથા નિફ્ટી ૬૩ પૉઇન્ટ વધીને ૮૦૯૦ બંધ રહ્યા છે. ડાઉ એક ટકો અને નૅસ્ડૅક પોણાબે ટકા પ્લસમાં બંધ આવતાં એશિયન બજારોમાં ઘણા દિવસ બાદ નોંધપાત્ર સુધારો દેખાયો હતો. ચીન, હૉન્ગકૉન્ગ, જપાન, તાઇવાન, ઇન્ડોનેશિયા સવાથી દોઢ ટકો તો સાઉથ કોરિયન માર્કેટ પોણાબે ટકાથી વધુ ઊંચકાયું હતું. યુરોપ સાધારણથી પોણા ટકા જેવું ઉપર હતું. ઘરઆંગણે આરંભથી અંત સુધી મજબૂતી જળવાઈ હતી. વધ-ઘટની રેન્જ સાંકડી હતી. સેન્સેક્સ નીચામાં ૨૬,૯૭૧ અને ઉપરમાં ૨૭,૧૨૬ થયો હતો. નિફ્ટીમાં ૮૦૫૨નું બૉટમ તથા ૮૦૯૮ નજીકની ટોચ બની હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૦ શૅર તથા બજારના ૨૪માંથી ૨૨ ઇન્ડાઇસિસ પૉઝિટિવ ઝોનમાં હતા. હિન્દાલ્કો સવાછ ટકા, તાતા સ્ટીલ પોણાપાંચ ટકા, સેસા સ્ટરલાઇટ બે ટકાથી વધુ ઊંચકાતાં મેટલ શૅરમાં માનસ બદલાયું હતું. ભૂષણ સ્ટીલ અને એનએમડીસીના નહીંવત્ ઘટાડાને બાદ કરતાં બાકીના આઠ શૅરના સુધારામાં મેટલ ઇન્ડેક્સ ૨૯૭ પૉઇન્ટ કે ૨.૬ ટકા વધ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯ ટકા વધીને ૯૫૧ રૂપિયા બંધ આવતાં બજારને ૪૦ પૉઇન્ટ મળ્યા હતા. ઇન્ફોસિસ ૩૮૯૪ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૬ ટકાની તેજીમાં ૩૮૯૨ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને સર્વાધિક બાવન પૉઇન્ટનો લાભ થયો હતો. ટીસીએસ એક ટકો વધી ૨૫૦૨ રૂપિયા હતો. બૅન્કેક્સ અને હેલ્થકૅર ઇન્ડેક્સ નહીંવત્ ઘટ્યા હતા. પાવર ઇન્ડેક્સ ૧૮માંથી બાર શૅર પ્લસ હોવા છતાં નામ કે વાસ્તે ૦.૦૧ ટકા વધ્યો હતો.



મારિકો સર્વોચ્ચ શિખરે


મારિકોનો શૅર ગઈ કાલે ૩૨૦ રૂપિયા નજીક સર્વોચ્ચ શિખર બનાવી છેલ્લે પાંચ ટકાના સુધારામાં ૩૧૦ રૂપિયા બંધ હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર ડિસેમ્બર ૨૦૦૧માં સાડાચાર રૂપિયાના તળિયે હતો. ત્રિમાસિક પરિણામો તથા ઇન્ટરિમ માટે ર્બોડ-મીટિંગ ૭ નવેમ્બરના રોજ મળશે. ઇન્ડસ્ટ્રીના ૪૪ના પી/ઈ સામે આ શૅર હાલમાં ૩૫ની નીચેના પી/ઈ પર ચાલે છે. છેલ્લે બોનસ માર્ચ ૨૦૦૪માં ૧:૧ આપ્યું હતું. પર્સનલ કૅર સેક્ટરના અન્ય શૅરમાં ડાબર ઇન્ડિયા ગઈ કાલે ૨.૨ ટકા વધીને ૨૧૮ રૂપિયા બંધ હતો. ૩૦ ઑક્ટોબરે જેનાં પરિણામો જાહેર થવાનાં છે એ પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ ૫૪૫૮ રૂપિયા થઈ ચાર ટકાની તેજીમાં ૫૪૪૯ રૂપિયા હતો. ગોદરેજ કન્ઝ્યુમર ૧.૪ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર એક ટકો અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬ ટકા વધ્યા હતા. જેએલ મોરિસન ૧.૮ ટકા, જીકેબી ઑપ્થાલ્મિક સાત ટકા, જીલેટ ઇન્ડિયા અડધો ટકો નરમ હતા.

ઑટો શૅરમાં તેજીની સવારી


ઑટો ઇન્ડેક્સ બારમાંથી ૯ શૅરના સુધારામાં ઉપરમાં ૧૮,૨૮૪ થઈ છેલ્લે ૧.૮ ટકાની મજબૂતીમાં ૧૮,૨૬૩ બંધ હતો. તાતા મોટર્સ ૩.૪ ટકા વધીને ૫૨૬ રૂપિયા, મહિન્દ્ર ૧.૮ ટકાના સુધારામાં ૧૨૯૬ રૂપિયા, બજાજ ઑટો ૧.૯ ટકા વધી ૨૨૫૦ રૂપિયા તથા મારુતિ સુઝુકી પોણાબે ટકા વધી ૩૨૦૫ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને કુલ ૭૦ પૉઇન્ટ લાભ થયો હતો. હીરો ર્મોટોકોપ ૮૦ પૈસા નરમ હતો. અન્ય ચલણી ઑટો શૅરમાં આઇશર મોટર્સ ૧૨,૭૬૨ રૂપિયા સર્વોચ્ચ સપાટી બનાવી છેલ્લે ૧.૭ ટકા વધીને ૧૨,૫૮૦ રૂપિયા, અશોક લેલૅન્ડ ૪૬.૩૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ દર્શાવી જૈસે-થે ૪૫.૫૫ રૂપિયા, બજાજ ઑટો ૨૫૫૯ રૂપિયાની વિક્રમી સપાટી બાદ ૨૫૫૦ રૂપિયા, મેજેસ્ટિક ઑટો ૧૧૦ રૂપિયા નજીક ૫૮ માસના શિખરે જઈ છ ટકાના જમ્પમાં ૧૦૦ રૂપિયા, એસ્ર્કોટ્સ ૨૦૧૧ની ૩ જાન્યુઆરી પછીની ૧૭૪ રૂપિયા પ્લસની ટોચે જઈ એક ટકાના ઘટાડે ૧૬૯ રૂપિયા બંધ હતા. એલએમએલ ૪ ટકા, મહારાષ્ટ્ર સ્કૂટર્સ ૧.૧ ટકા, સ્કૂટર્સ ઇન્ડિયા પાંચ ટકા, ટીવીએસ મોટર્સ અડધો ટકો પ્લસ હતા. ઍન્સિલિયરી શૅરમાં એન્કેઇ વ્હીલ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧૮ રૂપિયાની વિક્રમી સપાટીએ હતો. ઑટો સ્ટૅમ્પિંગ, કાર મોબાઇલ, આઇપી રિંગ્સ, ઇન્ડિયા નિપ્પોન, મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ, મુંજાલ શોવા, ઓમેક્સ ઑટો, સુબ્રોસ, ટાલબ્રોસ ઑટો જેવાં કાઉન્ટરો ત્રણથી સાડાછ ટકા ઊંચકાયાં હતાં.

ઓબીસી પાછળ બૅન્કિંગમાં પીછેહઠ

ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સનો ત્રિમાસિક નફો ૧૬ ટકા જેવો વધીને ૨૯૧ કરોડ રૂપિયા આવવાની સાથે ગ્રોસ એનપીએ ૪૮૮૭ કરોડ રૂપિયાથી વધીને ૬૬૪૪ કરોડ રૂપિયા થયાના વસવસામાં શૅર ચાર ગણાથી વધુના કામકાજમાં ૨૮૨ રૂપિયાથી લથડીને ૨૬૧ રૂપિયા થયા બાદ છેલ્લે ૪.૩ ટકાની ખરાબીમાં ૨૬૭ રૂપિયા નીચે બંધ હતો. બૅન્કિંગ શૅરમાં પ્રૉફિટ-ટેકિંગ તથા નબળું માનસ કામે લાગ્યાં હતાં. બૅન્કેક્સ બારમાંથી ૮ શૅરની નરમાઈમાં ૦.૨ ટકા ડાઉન હતો. પીએનબી ૧.૮ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૬ ટકા, યુનિયન બૅન્ક ૩ ટકા, આંધ્ર બૅન્ક ૧.૬ ટકા, આઇઓબી બે ટકા, સ્ટેટ બૅન્ક ઑફ માયસોર ૧.૪ ટકા, યુકો બૅન્ક એક ટકો, દેના બૅન્ક એક ટકો નરમ હતા. પીએસયુ સેક્ટરના ૨૪ બૅન્ક-શૅરમાંથી માત્ર છ શૅર પ્લસ હતા. પ્રાઇવેટ સેક્ટરની ૧૭ બૅન્કમાંથી ૧૧ બૅન્ક ડાઉન હતી. જોકે ઘટાડાનું પ્રમાણ સાધારણ હતું. બીજી તરફ ધનલક્ષ્મી બૅન્ક બે ટકા, ડીસીબી ૨.૬ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક પોણો ટકો અને ઇન્ડિયન બૅન્ક ૦.૯ ટકા વધીને બંધ હતા. બૅન્કેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૯,૧૮૪ નજીક નવા શિખરે ગયો હતો. પ્રાઇવેટ બૅન્કમાં આઇએનજી વૈશ્ય ૨.૯ ટકા અને જેકે બૅન્ક ૧.૪ ટકા ઘટ્યા હતા.

ડૉ. રેડ્ડીનાં પરિણામો ફાર્મા શૅરને નડ્યાં


હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે ૧૪,૨૨૭ની ઇન્ટ્રા-ડે ટોચથી નીચામાં ૧૪,૦૨૯ થઈ છેલ્લે ૧૭માંથી ૧૧ શૅરના ઘટાડામાં ૦.૩ માઇનસ હતો. ત્રિમાસિક નફામાં ૧૭ ટકા જેવી નબળાઈ બાદ ડૉ. રેડ્ડીઝ લૅબ ૩૧૧૭ રૂપિયાની ટોચથી ગગડી ૨૯૯૬ રૂપિયા થયા બાદ છેલ્લે ૧.૧ ટકાની નરમાઈમાં ૩૦૪૬ રૂપિયા હતો. જ્યુબિલન્ટ લાઇફ સાયન્સની ખોટ વધીને આવતાં શૅર ૧૧ ટકા ધોવાયો હતો. અજન્ટા ફાર્મા ૩ ટકા, બાયોકોન ૨.૯ ટકા, હેક્સ્ટર બાયો ૧.૧ ટકા, ઇપ્કા લૅબ દોઢ ટકા, કપ્પાક ફાર્મા પાંચ ટકા, રૅનબૅક્સી ૧.૯ ટકા, સનોફી એક ટકો, સનફાર્મા એક ટકો, વાયેથ ૨.૩ ટકા ડાઉન હતા. સિપ્લા ૬૫૮ રૂપિયા નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧.૬ ટકાના સુધારામાં ૬૫૫ રૂપિયા બંધ હતો. એસ્ટેક લાઇફ ૯.૭ ટકાના ઉછાળે ૯૧ રૂપિયા રહ્યો હતો. બાલ ફાર્મા ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૪ રૂપિયા હતો. જગસન ફાર્મા ૧૯ ટકા, માર્કસન્સ ૮ ટકા, લાયકા લૅબ-નૅચરલ કૅપ્સ્યુલ્સ-ક્રેબ્સ બાયો-વિન્ટાક જેવાં કાઉન્ટરો પાંચ-પાંચ ટકા વધ્યાં હતાં. ન્યુલૅન્ડ લૅબ ૯ ટકા વધીને ૫૦૮ રૂપિયા બંધ હતો. અરબિંદો ફાર્મા એક ટકો ડાઉન હતો તો કૅડિલા હેલ્થકૅર એક ટકો વધી ૧૩૮૭ રૂપિયા રહ્યો હતો. વૉકહાર્ટ ૧.૭ ટકા, સિન્કોમ હેલ્થકૅર ૩.૩ ટકા, પીરામલ એન્ટરપ્રાઇસિસ ૪.૫ ટકા પ્લસ હતા.

એ-ગ્રુપના ૬૧ ટકા શૅર વધીને બંધ

પૉઝિટિવ માર્કેટ-બ્રેડ્થમાં ૧૬૦૯ શૅર વધ્યા હતા, ૧૩૫૫ જાતો નરમ હતી. એ-ગ્રુપ ખાતે ૬૧ ટકા કે ૧૮૨ શૅર ઊંચકાયા હતા. બી-ગ્રુપમાં આ પ્રમાણ બાવન ટકાનું અને ટી-ગ્રુપમાં ૪૯ ટકાનું હતું. ૩૧૩ શૅર તેજીની સર્કિટમાં તો ૨૫૭ કાઉન્ટર મંદીની સર્કિટમાં બંધ હતાં. ૧૮૦ શૅર બીએસઈ ખાતે ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે ગયા હતા. સામે ૬૭ સ્ક્રિપ્ટ ઐતિહાસિક તળિયે પહોંચી હતી. પેટ્રોન એન્જિનિયરિંગ બૅક-ટુ-બૅક ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૫૧ રૂપિયા ઉપર બંધ હતો. ઝુઆરી ઍગ્રો ત્રિમાસિક ગાળામાં ૩૯૮૦ રૂપિયા લાખની ચોખ્ખી ખોટમાંથી ૨૧૯૫ રૂપિયા લાખના નેટ પ્રૉફિટમાં આવતાં ભાવ ૪૦ ગણા કામકાજમાં સવાસત્તર ટકા વધીને ૨૩૩ રૂપિયા રહ્યો હતો. બીએફ યુટિલિટી ૮ ટકા, જસ્ટ ડાયલ-એનસીસી અને મેક્સ ઇન્ડિયા સાત ટકાથી વધુ ઝળક્યા હતા. પરિણામની પૂવર્‍સંધ્યાએ સીએટ અડધા કામકાજમાં ૪ ટકા વધીને ૮૭૨ રૂપિયા બંધ હતો. રેમન્ડ નબળા દેખાવમાં ૫૧૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી ૩ ટકાના ઘટાડે ૪૮૮ રૂપિયા હતો.

આજનાં કંપની-પરિણામો

આજે મહત્વની આટલી કંપનીઓ પરિણામો જાહેર થવાનાં છે : એસીસી, અંબુજા સિમેન્ટ્સ, અજન્ટા ફાર્મા, અલાહાબાદ બૅન્ક, બાલાજી ટેલિ, ભારતી ઍરટેલ, સીએટ, આંધ્ર બૅન્ક, કેસ્ટ્રોલ ઇન્ડિયા, ઈઆઇએચ હોટેલ્સ, એન્કેઇ વ્હીલ્સ, જિલેટ, ગ્લેનમાર્ક ફાર્મા, એચસીસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, આઇડીએફસી, આઇઓબી, જેકે લક્ષ્મી, જ્યુબિલન્ટ ફૂડ્સ, મારુતિ સુઝુકી, એનએચપીસી, સ્નોમૅન લૉજિસ્ટિક્સ, સુજિત એન્જિનિયરિંગ, તાજ જીવીકે, ટાઇટન, ટીઆરએફ, વ્હીલ્સ ઇન્ડિયા, યસ બૅન્ક, પ્રોક્ટલ ઍન્ડ ગેમ્બલ, ઑન મોબાઇલ.

બજારની અંદર-બહાર

બેલ ઍગ્રોમશીન દ્વારા ઇક્વિટી રિડક્શન સ્કીમ હેઠળ ૩૫૦ લાખ રૂપિયાની ઇક્વિટીમાં ૯૦ ટકા રિડક્શન માટેની રેર્કોડ-ડેટ ૭ નવેમ્બર જાહેર કરવામાં આવી છે.


પીઆઇ ઇન્ડસ્ટ્રીઝનો નેટ પ્રૉફિટ ૧૧ ટકા ઘટીને ૪૯ કરોડ રૂપિયા આવતાં શૅર મોટા વૉલ્યુમમાં ૩૭૬ રૂપિયાનું બૉટમ બનાવી છેલ્લે છ ટકાની ખરાબીમાં ૪૧૬ રૂપિયા હતો.


આઇએલ ઍન્ડ એફએસ એન્જિનિયરિંગને દીધી ર્પોટ ખાતે મલ્ટિ-પર્પઝ ટર્મિનલના ડેવલપમેન્ટ માટે ૧૮૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળતાં શૅર ઉપરમાં ૭૦ રૂપિયા થઈ અંતે ૬.૪ ટકાની તેજીમાં ૬૬ રૂપિયા નજીક હતો.


જ્યુબિલન્ટ લાઇફ સાયન્સની ત્રિમાસિક ખોટ ૮૧ કરોડ રૂપિયાથી વધીને ૯૪ કરોડ રૂપિયા થતાં શૅર ૧૧ ટકા તૂટીને ૧૪૭ રૂપિયા નીચે હતો.


એસઆરએફનો સપ્ટેમ્બર ક્વૉર્ટરનો ચોખ્ખો નફો ૬૧ ટકા વધીને ૭૬૮૫ લાખ રૂપિયા આવતાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૦૫ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો.


સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૧૦ રૂપિયાના શૅરના એક રૂપિયામાં વિભાજન માટે ૨૧ નવેમ્બરની રેકૉર્ડ-ડેટ કરાવી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૬૭૮ રૂપિયા થઈ અંતે અડધા ટકાના ઘટાડે ૨૬૪૩ રૂપિયા નજીક બંધ હતો.


એમટીએનએલ દસેક ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૩૧ રૂપિયા પ્લસ બતાવી છેલ્લે ૧૧.૨ ટકાની વૃદ્ધિમાં ૩૦.૩૦ રૂપિયા બંધ હતો.


માર્કસન્સ ફાર્મા ત્રણગણા કામકાજમાં ઉપરમાં ૬૫ રૂપિયા થઈ અંતે ૮ ટકાની મજબૂતીમાં ૬૪ રૂપિયા બંધ હતો. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર વર્ષ પૂર્વે નવ રૂપિયાની નીચે ચાલતો હતો.


મૅજેસ્ટિક ઑટો બુલ-રનની આગેકૂચમાં ૧૦૯ રૂપિયાની ૫૮ માસની ઊંચી સપાટી બનાવી અંતે છ ટકા વધીને ૧૦૦ રૂપિયા નજીક બંધ હતો. ત્રણ દિવસમાં આ શૅર ૩૮૨ રૂપિયા જેવો ઊંચકાયો છે.


એવરેડી ઇન્ડસ્ટ્રીઝ ૧૨૫ રૂપિયાની એપ્રિલ ૨૦૦૬ પછીની ઊંચી સપાટીએ જઈ છેલ્લે ૫.૫ ટકાની આગેકૂચમાં ૧૨૪ રૂપિયા હતો.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2014 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK