મેટલ અને સ્ટેનલેસ સ્ટીલના વેપારીઓ ગુજરાતમાં સ્થળાંતર કરવાની તૈયારીમાં

Published: 28th December, 2014 05:00 IST

મહારાષ્ટ્ર સરકારનાં ખોટાં વચનોથી કંટાળી જઈને લીધો ફેંસલો : આનંદીબહેન પટેલને મળી આવ્યા : અમદાબાદમાં પ્લૉટ જોઈ આવ્યાસપના દેસાઈ

મહારાષ્ટ્ર સરકારનાં ખોટાં વચનો અને અનેક પ્રકારના ટૅક્સની ઝંઝટથી કંટાળી ગયેલા એશિયાના મોટામાં મોટા ગણાતા મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશન સાથે સીધા અને આડકતરી રીતે સંકળાયેલા ૨૦૦૦ જેટલા વેપારીઓએ પોતાનો ધંધો સંકેલી લઈને કાયમ માટે મુંબઈ છોડીને ગુજરાતમાં સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે અને ગુજરાત સરકારે તેમને આવકારવા માટે લાલ જાજમ બિછાવી હોવાનું કહેવાય છે.

જમીન જોઇ આવ્યા

હાલમાં મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશનના બોર્ડના સભ્યો ગુજરાત સરકારના આમંત્રણ બાદ અમદાવાદમાં અડાલજ પાસે વિશાળ જમીનનો પ્લૉટ  જોઈ આવ્યા હતા. આ બાબતે અસોસિએશનના મીડિયા ચૅરપર્સન પ્રવીણ બોહરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અસોસિએશનનું એક ડેલિગેશન હાલમાં જ ગુજરાત સરકારના આમંત્રણ બાદ અડાલજમાં જમીન જોઈ આવ્યું છે અને હવે આવતા અઠવાડિયે અસોસિએશનના એક્ઝિક્યુટિવ બોર્ડની મીટિંગ થવાની છે જેમાં અસોસિએશનના તમામ વેપારીસભ્યો સાથે ચર્ચા કરીશું અને ત્યાર બાદ આગળનો નિર્ણય લઈશું. માર્કેટ પૂરેપૂરી શિફ્ટ થતાં બેથી ત્રણ વર્ષ લાગી શકે છે; કારણ કે જમીન પર દુકાન, ગોડાઉન અને રહેઠાણ જેવી સગવડ ઊભી કરવી પડશે.’

સરકારે નિરાશ કર્યા

મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગધંધા ગુજરાતમાં શિફ્ટ કરવાના નિર્ણય બાબતે પ્રવીણ બોહરાએ કહ્યું હતું કે ‘અમારા અસોસિએશનના ૨૦૦૦થી વધુ વેપારીસભ્યો છે અને મુંબઈમાં લગભગ ૪૦૦૦ જેટલી ઑફિસો તથા દુકાનો છે. તમામ વેપારીઓ મહારાષ્ટ્ર સરકારનાં ખોટાં વચનોથી કંટાળી ગયા છે. સેલ્સ ટૅકસ, LBT, ઇન્કમ ટૅક્સ જેવા અનેક ટૅક્સ ભરવાના અને પાછી સરકારી અધિકારીઓની મનમાની પણ સહન કરવાની. એ ઉપરાંત પૈસા વસૂલ કરવા આવતા અમલદારોની દાદાગીરી સહન કરવાની. આ બધાથી અમે કંટાળી ગયા છીએ. વેપારની આવકનો મોટો હિસ્સો મહારાષ્ટ્ર સરકાર વિવિધ કરરૂપે લઈ જાય છે છતાં સરકારે અમને હંમેશાં નિરાશ જ કર્યા છે. હવે બહુ સમય બરબાદ નહીં કરતાં અમારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે મુંબઈમાંથી વેપારધંધો બીજા રાજ્યમાં સ્થાળાંતર લઈ જવો એ જ અમારા હિતમાં રહેશે એવો નિર્ણય અસોસિએશનના અધ્યક્ષ નરસિંગમલ જૈન, ઉપાધ્યક્ષ ઘેવરચંદ જૈન, સેક્રેટરી જિતેન્દ્ર શાહ, અસોસિએશનના સભ્ય છબિલભાઈ અને પ્રકાશ અદાણી જેવા પદાધિકારીઓએ કર્યો છે.’

પ્રથમ પસંદગી ગુજરાત

અસોસિએશનના પદાધિકારીઓની સલાહ મુજબ પ્રથમ પસંદગી ગુજરાત છે અને ત્યાં શિફ્ટ થવાનો નિર્ણય વેપારીઓ માટે યોગ્ય સાબિત થઈ શકે છે એવું કહેતાં તેમણે ઉમેર્યું હતું કે ‘અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમની સાથે આ બાબતે ચર્ચા થઈ હતી. તેમણે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું. હવે ચીફ મિનિસ્ટર આનંદીબહેન પટેલને પણ અમે મળી આવ્યા છીએ. તેમણે પણ અમે જો ત્યાં શિફ્ટ થઈએ તો ઘટતું તમામ કરી આપવાનું વચન આપ્યું છે. અમે જે જગ્યા જોઈ છે ત્યાં ઑફિસ, ગોડાઉન અને રેસિડન્સ વગેરે અમને બનાવી આપવાના હોય તો ખોટું શું છે? તેઓ અમને બધી સગવડ આપવા તૈયાર છે એટલે વહેલી તકે એ બાબતે નિર્ણય લેવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK