Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એક દિવસના વિરામ બાદ ફરી તેજી

એક દિવસના વિરામ બાદ ફરી તેજી

07 November, 2019 11:16 AM IST | Mumbai

એક દિવસના વિરામ બાદ ફરી તેજી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સતત સાત દિવસની તેજી બાદ મંગળવારે શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે એક દિવસના વિરામ બાદ ગણતરીની કંપનીઓમાં જોવા મળેલી તેજીને કારણે આજે સેન્સેક્સ ફરી એક વખત સૌથી ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી પણ દિવસ દરમ્યાન જુલાઈ પછી પ્રથમ વખત ૧૨,૦૦૦ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો હતો. જોકે બન્ને ઇન્ડેક્સ દિવસની ઊંચાઈ કરતાં નીચે બંધ આવ્યા હતા. આજની તેજી માટે પ્રાઇવેટ બૅન્કો, રિયલ એસ્ટેટ કંપનીઓ અને ઇન્ફસિસ જ જવાબદાર હતાં.
દિવસના અંતે સેન્સેક્સ ૨૨૧.૫૫ પૉઇન્ટ કે ૦.૫૫ ટકા વધીને ૪૦,૪૬૯.૭૮ અને નિફ્ટી ૪૩.૮૦ પૉઇન્ટ કે ૦.૩૭ ટકા વધીને ૧૧,૯૬૧ની સપાટીએ બંધ આવ્યા હતા. દિવસના મધ્ય ભાગમાં સેન્સેક્સ ૪૦,૬૦૬.૯૧ અને નિફ્ટી ૧૨,૦૦૨.૯૦ની ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા. સેન્સેક્સની આ સૌથી ઊંચી બંધ સપાટી છે જ્યારે નિફ્ટી હજી પણ એની સર્વકાલીન ઊંચી સપાટીથી ૧૪૨.૦૫ પૉઇન્ટ કે ૧.૧૯ ટકા દૂર છે.
આજે બજારમાં ઉછાળો માત્ર ગણતરીની કંપનીઓમાં જ હતો. સેન્સેક્સ ભલે ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ બંધ આવ્યો હોય, પણ એનાથી એકંદરે રોકાણકારોને કોઈ ફાયદો જોવા મળ્યો નથી. આજે શૅરબજારમાં માર્કેટ કૅપ માત્ર ૨૩૮ કરોડ રૂપિયા વધ્યું હતું જે દર્શાવે છે કે જે કંપનીઓના ભાવમાં વૃદ્ધિ થઈ તો સામે ઘટાડો પણ જોવા મળ્યો હતો. બીએસઈ પર ૧૨૨૪ કંપનીઓના શૅર વધ્યા હતા તો ૧૨૮૦ના ઘટ્યા પણ હતા. એનએસઈ ઉપર પણ ૮૬૭ વધેલી કંપની સામે ૯૩૧ કંપનીઓ એવી હતી જેના શૅરના ભાવ ઘટ્યા હતા. વિદેશી રોકાણકારોએ આજે ભારતીય શૅરબજારમાં ભારે ખરીદી કરી હતી. એવી ધારણા કરવામાં આવી રહી છે કે એમએસસીઆઇ ઇન્ડેક્સમાં સપ્તાહના અંતે જે ફેરફાર થવાના છે એની તૈયારીના ભાગરૂપે આ સંસ્થાઓ ભારતીય શૅરમાં ખરીદી કરી રહી છે. આજે વિદેશી ફન્ડ્સ દ્વારા ૧૦૧૧ કરોડ રૂપિયા શૅરની ખરીદી કરવામાં આવી હતી. જોકે સ્થાનિક ફન્ડ્સ દ્વારા સતત પાંચમા દિવસે વેચવાલી જાળવી રાખવામાં આવી હતી.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ સેક્ટરમાંથી પીએસયુ બૅન્કિંગ, મીડિયા અને ઑટોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે રિયલ એસ્ટેટ અને પ્રાઇવેટ બૅન્કો ઊછળી હતી. એક્સચેન્જ પર ૩૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૪૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૯૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૫૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૦૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૪૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૨૭ મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૩૬ ટકા ઘટ્યો હતો અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૧૫ ટકા વધ્યો હતો.
રાહતની આશાએ રિયલ એસ્ટેટમાં તેજી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે નિવેદન આપ્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે અને આ માટે આર્થિક સુધારા આવી શકે છે. આ નિવેદનને પગલે નિફ્ટી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ આજે ૨.૩૦ ટકા વધીને બંધ આવ્યો હતો. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૪.૯૫ ટકા, શોભા ડેવલપર ૪.૪૪ ટકા, ડીએલએફ ૪.૦૭ ટકા, ગોદરેજ પ્રૉપર્ટી ૩.૪૬ ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ ૩.૦૫ ટકા, સનટેક રિયલ્ટી ૧.૫૮ ટકા, ઑબેરૉય રિયલ્ટી ૧.૦૨ ટકા, મહિન્દ્ર લાઇફસ્પેસ ૦.૩૧ ટકા અને ઓમેક્સ ૦.૨૪ ટકા વધ્યા હતા. મળતા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક સાથે મળીને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલી મંદીને દૂર કરવા માટે પગલાંની જાહેરાત કરે એવી શક્યતા છે. ક્ષેત્ર માટે સૌથી મોટી સમસ્યા છે કે નાણાંના અભાવે કંપનીઓ પોતાના પ્રોજેક્ટ પૂર્ણ કરી શકી નથી.
પ્રાઇવેટ બૅન્કોમાં તેજી
આજે ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં આઇસીઆઇસીઆઇની આગેવાની હેઠળ તેજી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક આજે ૧.૨૩ ટકા વધ્યો હતો. ખાનગી બૅન્કોમાં ઇન્ડસઇન્ડ ૧.૭૪ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૪૨ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૨૯ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૧૩ ટકા, યસ બૅન્ક ૦.૫૯ ટકા અને ફેડરલ બૅન્કો ૦.૩ ટકા વધ્યા હતા.
વિદેશી ફન્ડ્સ જેના આધારે ભારતીય શૅરમાં ખરીદી કરે છે એવા એમએસસીઆઇ ઇન્ડેક્સમાં આઇસીઆઇસીઆઇ બૅન્કનો હિસો વધે એવી શક્યતા બજારમાં ચાલી રહી છે. ફેરફાર કરેલા ઇન્ડેક્સની જાણ ૮ નવેમ્બરે કરવામાં આવશે. બજારમાં એવી ચર્ચા છે કે આઇસીઆઇસીઆઇ બૅન્કનું મહત્ત્વ વધે તો લગભગ ૧.૨ અબજ ડૉલરના શૅરની ખરીદી થાય. આ ચર્ચાના આધારે બૅન્કના શૅર આજે ૨.૬૪ ટકા વધ્યા હતા. મોટા ભાગની જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅર આજે ઘટ્યા હતા. બૅન્ક ઑફ બરોડા ૨.૪૧ ટકા, આઇડીબીઆઇ બૅન્કો ૧.૧૮ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૦.૮૫ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૬૪ ટકા અને સ્ટેટ બૅન્કો ઑફ ઇન્ડિયા ૦.૫૨ ટકા ઘટ્યા હતા.
સન ફાર્મા વધ્યો
દેશની જેનેરિક દવાઓ બનાવતી સૌથી મોટી કંપની સન ફાર્માના શૅર આજે ૫.૩૭ ટકા વધી ૪૫૩ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીએ જાહેરાત કરી હતી કે પોતાની કૅન્સરની કેટલીક દવાઓ ચીન અને જપાનમાં વેચવા માટે બ્રિટનની એસ્ટ્રઝેનેકા તૈયાર થઈ છે અને આ માટે બન્ને કંપનીઓ વચ્ચે કરાર થયા છે. આ જાહેરાતના પગલે શૅરના ભાવ વધ્યા હતા.
ઈન્ફોસિસમાં તેજી
વ્હિસલબ્લોઅરની ફરિયાદ પર કંપની તપાસ ચલાવી રહી છે. કોઈ હકીકત કે પુરાવા મળે તો કંપની જવાબદાર સામે ચોક્કસ પગલાં લેશે એવું ઇન્ફોસિસના ચૅરમૅન નંદન નીલેકનીએ આજે રોકાણકરો સાથે કૉન્ફરન્સ-કોલ કરીને જાહેર કર્યું હતું. આ જાહેરાત પછી ઇન્ફોસિસના શૅર ૨.૩૭ ટકા વધીને ૭૧૨.૩૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.
પરિણામના આધારે હલચલ
ફાર્મા કંપનીઓમાં આગેવાન એવી લુપિનના શૅર આજે ૨.૨૯ ટકા વધી ૭૭૨.૧૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. જુલાઈથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કંપનીની આવક ૧૦.૩૪ ટકા વધી ૪૩૫૯.૬૫ કરોડ રૂપિયા આવી હતી, જ્યારે આકસ્મિક ખોટને બાદ કરતાં કંપનીએ ૧૨૭ કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી.
અન્ય ફાર્મા કંપની સિપ્લાના શૅર આજે ૨.૭૬ ટકા વધી ૪૮૦.૫૦ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીનો નફો ૨૫ ટકા અને આવક ૧૦ ટકા વધી હતી. ટાઇટનના શૅર આજે સતત ત્રીજા દિવસે ઘટ્યા હતા. શૅરનો ભાવ આજે ૯.૯૬ ટકા ઘટી ૧૧૫૬ની સપાટીએ બંધ આવ્યો હતો. ઊંચા સોનાના ભાવના કારણે ઘરેણાની માગ ઘટી રહી હોવાથી કંપનીના પરિણામ અપેક્ષા કરતાં નબળાં આવ્યાં હતાં. કંપનીનું વેચાણ માત્ર ૦.૪ ટકા વધ્યું હતું, જ્યારે નફો માત્ર ૧.૮૩ ટકા વધ્યો હતો. કંપનીએ ભવિષ્યમાં વેચાણ અગાઉની ૨૦ ટકાની વૃદ્ધિ સામે માત્ર ૧૧ ટકા જ વધશે એવી આગાહી કરતાં શૅરના ભાવમાં વધારે ઘટાડો જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 11:16 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK