ફેસબુક ભારતીય ભાષાઓમાં ઍપ્લિકેશન્સ માટે નાણાં પૂરાં પાડશે : ઝકરબર્ગ

Published: 10th October, 2014 03:24 IST

ફેસબુક ભારતીય ભાષાઓમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટેની ઍપ્લિકેશન્સ તથા સર્વિસિસ વિકસાવવા માટે નાણાં પૂરાં પાડશે એવી જાહેરાત કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર માર્ક ઝકરબર્ગે કરી છે.ભારતની મુલાકાતે આવેલા ઝકરબર્ગે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારવાની જરૂર છે. ઇન્ટરનેટ ફક્ત શ્રીમંતો અને વગદાર વ્યક્તિઓ પૂરતું સીમિત રહેવું જોઈએ નહીં. પાયાના સ્તરનું નેટ ઍક્સેસ સૌને ઉપલબ્ધ હોવું જોઈએ.’

તેમણે નવી ઊભરતી માર્કેટ ધરાવતા દેશોમાં ઍપ્લિકેશન્સ વિકસાવવા માટે ભંડોળ ઊભું કરવાની પણ જાહેરાત કરી હતી.

છેલ્લાં દસ વર્ષમાં ફેસબુકે ઇન્ટરનેટની સુવિધા સૌને ઉપલબ્ધ કરાવવાની ઝુંબેશ આદરી છે. ભારતમાં આજની તારીખે ૨૪૩ મિલ્યન લોકો ઇન્ટરનેટ વાપરે છે છતાં હજી ઘણા લોકો સુધી આ સર્વિસ પહોંચાડવાની જરૂર છે એમ કહેતાં માર્કે જણાવ્યું હતું કે ‘ફેસબુક ગ્રામીણ ભારતમાં કનેક્ટિવિટી વધારવા માટે ખાસ કાર્યરત છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ગામડાંને સાંકળવા માટે ફેસબુકનો ઉપયોગ કરવા વિશે ચર્ચાવિચારણા કરીશ.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ટેલિકૉમ ઑપરેટરો ઇન્ટરનેટના ભાવ ઘટાડે એ ઉપાય લાંબા સમય સુધી ચાલી શકે એવો નથી, કારણ કે તેઓ ઘણાં નાણાંનું રોકાણ કરતા હોય છે. ઇન્ટરનેટની વૃદ્ધિના માર્ગમાં ભાષાના અવરોધો પણ ઘણા મોટા છે. ફેસબુક એવી કેટલીક સર્વિસ શરૂ કરવા માટે કાર્યરત છે જેમાં ઇન્ટરનેટના પ્લાનની જરૂર પડે નહીં.’

વૉટ્સઍપની ખરીદી કરનાર ફેસબુક નજીકના ભવિષ્યમાં વૉટ્સઍપમાંથી નાણાં કમાવાનું કોઈ આયોજન ધરાવતી નથી એમ પણ ઝકરબર્ગે કહ્યું હતું.

આજની તારીખે વૉટ્સઍપ પહેલા વર્ષ માટે ફ્રી છે અને પછીથી એના માટે ૯૯ સેન્ટની વાર્ષિક સબસ્ક્રિપ્શન ફી રાખવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK