Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમની મુદતનો લાભ લઈને પોતાનું સ્વપ્ન સાકાર કરો

ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમની મુદતનો લાભ લઈને પોતાનું સ્વપ્ન સાકાર કરો

01 June, 2020 02:16 PM IST | Mumbai Desk
Khyati Mashroo Vasaani

ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમની મુદતનો લાભ લઈને પોતાનું સ્વપ્ન સાકાર કરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સસ્તાં ઘરો માટેની ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમનો લાભ લેવાની મુદત ૩૧ માર્ચ, ૨૦૨૦થી વધારીને ૩૧ માર્ચ, ૨૦૨૧ કરી દીધી છે. 

આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળના પૅકેજની જાહેરાત કરતી વખતે તેમણે આ પ્રમાણેની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમની શરૂઆત કરી હતી. નવા ઘરનું બાંધકામ કરવું હોય, ઘરનું રિનોવેશન કરાવવાનું હોય કે નવું ઘર ખરીદવાનું હોય એ સંજોગોમાં કેન્દ્ર સરકાર તરફથી વ્યાજદરમાં રાહત આપવા માટેની આ યોજના છે. દેશમાં બધા પરિવારોનું પોતાનું ઘર થાય એવા સરકારના ઉદ્દેશ્ય હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.
શહેરી સામાન્ય નાગરિકોની ઘરની જરૂરિયાત પૂરી કરવાની દૃષ્ટિએ સરકાર ઘર માટે સહાય કરનારી હાઉસિંગ અૅન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (હુડકો) અને નૅશનલ હાઉસિંગ બૅન્ક (એનએચબી) જેવી સંસ્થાઓને ઉક્ત યોજના હેઠળ ધિરાણ મળી રહે એવાં પગલાં સરકાર ભરે છે.
આર્થિક રીતે નબળા પરિવારો તથા ઓછી અને મધ્યમ આવક ધરાવતાં કુટુંબો ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમનો લાભ લઈ શકે છે. સરકારે મધ્યમ આવક ધરાવતા વર્ગને પણ બે ભાગમાં વર્ગીકૃત કર્યો છે. પ્રથમ વર્ગમાં ૬થી ૧૨ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. બીજા વર્ગમાં ૧૨થી ૧૮ લાખની આવક ધરાવનારાઓનો સમાવેશ થાય છે.
સ્કીમ ૧ જાન્યુઆરી, ૨૦૧૭થી અમલી બની છે. લોન લેવા ઇચ્છુક વ્યક્તિ વ્યાજદર પરની સબસિડી માટે પોતે પાત્ર છે કે નહીં એ જાતે તપાસી શકે છે. લોન માટે અરજી કરતાં પહેલાં જ પોતાની પાત્રતા ચકાસી લેવી આવશ્યક છે, કારણ કે યોજનાના લાભાર્થીઓની વ્યાખ્યા સરકારે નિશ્ચિત કરી છે. જે વ્યક્તિ ભારતમાં પોતાના નામે એકપણ ઘર ધરાવતી નથી એને જ આ યોજનાનો લાભ મળી શકે છે. કમાનાર બીજી વ્યક્તિ જો પોતાના નામે કોઈ ઘર ધરાવતી ન હોય અને પોતાનાં માતાપિતા કે અન્ય પરિવારજનો સાથે ભાડાના ઘરમાં રહેતી હોય તો તેને અલગ એન્ટિટી ગણી શકાય છે.
સરકારે પહેલાં જૂન ૨૦૧૫માં ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમની શરૂઆત કરી હતી, પણ એ વખતે આર્થિક રીતે નબળા અને ઓછી આવક ધરાવતા લોકો માટે જ હતી. જાન્યુઆરી ૨૦૧૭થી તેમાં મધ્યમ આવક ધરાવતો વર્ગ પણ આવરી લેવાયો છે.
૧૮ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો સુધી આ સ્કીમનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હોવાથી અત્યારના પડકારભર્યા સમયમાં એ આશાના કિરણ સમાન છે.
આવકના આધારે પરિવારોને અલગ અલગ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઘરનો કાર્પેટ એરિયા પણ દરેક શ્રેણી માટે અલગ રાખવામાં આવ્યો છે.
શેડ્યુલ્ડ કમર્શિયલ બૅન્ક, પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક, હાઉસિંગ ફાઇનૅન્સ કંપની, રાજ્ય સહકારી બૅન્ક, શહેરી સહકારી બૅન્ક, સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની વગેરે જેવી પ્રાઇમરી લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના આધારિત લોન લઈ શકાય છે.
લોનની મુદત મહત્તમ ૨૦ વર્ષની હોવી જોઈએ. તેનાથી ઓછી મુદત રાખી શકાય છે.
વર્તમાન સંજોગોમાં પોતાના સ્વપ્નનું ઘર બનાવવા માટે આ યોજનાનો લાભ લેવા જેવો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 02:16 PM IST | Mumbai Desk | Khyati Mashroo Vasaani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK