ઇન્વેસ્ટર તરીકે આત્મનિર્ભર બની લાંબા ગાળાનો નિર્ણય લો

Published: May 18, 2020, 12:02 IST | Jayesh Chitalia | Mumbai

શૅરબજારની સાદી વાત- આર્થિક રાહત પૅકેજનો પાવર માર્કેટને હાલ બહુ કરન્ટ આપી શકશે નહીં!

બીએસઈ
બીએસઈ

ગયા સપ્તાહમાં સરકારે આર્થિક રાહતોની વર્ષા કરી, કિંતુ આ રાહતોને  અર્થતંત્રને ઉગારવામાં, તેનું પુનરુત્થાન કરવામાં સમય લાગશે એ નક્કી છે. બજારના રોકાણકારો હમણાં તો વેઈટ અૅન્ડ વૉચ કરે એમાં શાણપણ રહેશે.   

આપણે ગયા વખતે કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સૉલ્યુશન કા પતા નહીં એવી વાત કરી હતી, ગયા મંગળવારે વડા પ્રધાને અને બુધવારે, ગુરુવારે તેમ જ શુક્રવારે નાણાપ્રધાને રાહત પૅકેજની શ્રેણીબંધ જાહેરાત કરીને આર્થિક સમસ્યાના ઉકેલનું, અર્થતંત્રને ઉગારવાનું અને તેને પાટા પર ચઢાવવાનું કંઈક અંશે સૉલ્યુશન આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. જો કે બજારે તેને મોળો પ્રતિસાદ આપ્યો છે, જેનું એક તારણ એ છે કે સરકારના રાહતના કદમ સારા હોવા છતાં અધૂરાં અને અપૂરતાં લાગે છે, એ કરતાં પણ વધુ આ પગલાંની અસર તરત થશે નહીં, બલકે લાંબો સમય લેશે, જે હાલના સંજોગોમાં નિરાશા જન્માવે છે. જો કે કૃષિ ક્ષેત્ર માટે કરાયેલા રિફોર્મ્સ બોલ્ડ સ્વરૂપના હોવાથી તે માટે મોટી આશા જાગી શકે. વધુમાં એમએસએમઈ સેગમેન્ટ અને એનબીએફસી માટે પણ નવો આશાવાદ ખીલી શકે છે.

સોમવાર-મંગળવારની ચાલ

ગયા સોમવારની શરૂઆત તો પૉઝિટિવ થઈ હતી, સેન્સેક્સ ૭૦૦ પૉઇન્ટની વધઘટ સાથે ધીમે-ધીમે પાછો ફરી અંતમાં ૮૧ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૧૨ પૉઇન્ટ જેવો નજીવો નીચે બંધ રહ્યો હતો. રિકવર થયેલી બજારમાં કરેક્શન આવી જવાના કારણમાં પ્રોફિટ બુકિંગનું કારણ મુખ્ય હતું. ૩૧ હજાર ઉપરનો સેન્સેક્સ વાજબી લાગતો નથી, અર્થાત અત્યારના ગંભીર મંદ આર્થિક સંજોગોમાં બજારનું આ ઊંચાઈએ હોવું કે વધવું કૃત્રિમ તેજીની શંકા ઊપજાવે છે. આ તેજી ફંડામેન્ટલ્સના સદંતર અભાવવાળી કહેવાય. જેને લીધે રોકાણકારો તેમાં ખરીદીથી દૂર રહેવાનું પસંદ કરે એ સહજ છે અને નફો બુક કરી લેવામાં શાણપણ સમજે એ પણ સ્વાભાવિક છે. ગયા સપ્તાહમાં ચીનનાં શહેરોમાં કોરોના વાઇરસનો પુનઃ ફેલાવો થવાના અહેવાલે બજારોમાં ફરી નવો ભય ફેલાવી દીધો હતો, જેને પગલે મંગળવારે બજાર નરમ અને નેગેટિવ ખૂલ્યું હતું. ૬૦૦ પૉઇન્ટ સુધી માઈનસ થયા બાદ માર્કેટે રિકવરી શરૂ કરી હતી અને અંતમાં સેન્સેક્સ ૧૯૦ પૉઇન્ટ અને નિફ્ટી ૪૨ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. મંગળવારે જાહેર થયેલા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા નિરાશાજનક રહ્યા હતા. માર્ચમાં હજી તો લૉકડાઉનને માત્ર એક સપ્તાહ થયું હતું, તેમ છતાં માર્ચનો ઔદ્યોગિક ઉત્પાદનનો આંકડો નોંધપાત્ર ઘટી ગયો હતો. જેના પરથી વિચારી શકાય કે એપ્રિલ અને મેમાં કેવા આંકડા આવશે. અર્થતંત્ર માટે આ બુરા અહેવાલ અને સંકેત ગણાય. 

બુધવાર, મંગળવારને કારણે મંગળ બન્યો

બુધવારે માર્કેટ અપેક્ષા મુજબ ઊંચા ગેપથી ખૂલ્યું, કારણ કે મંગળવારે રાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પૅકેજની જાહેરાત કરી હતી. આમાં અગાઉ આપેલી રાહતની રકમ પણ આવી જતી હતી. જો કે મોદીએ આ રાહત પૅકેજ કોને કઈ રીતે અપાશે તે બાબતોની  જાહેરાત નાણાપ્રધાન પર છોડી દીધી હતી, જે પછીના ત્રણ દિવસમાં કરાઈ હતી. મંગળવારે રાતે સિંગાપોર એક્સચેન્જમાં ટ્રેડ થતાં નિફ્ટીમાં આવેલા ઉછાળાથી ભારતમાં બીજા દિવસે માર્કેટ હાઈ ગેપથી ખૂલશે એવા અણસાર આવી ગયા હતા. નિફ્ટી ખૂલીને ૯૫૦૦નું લેવલ વટાવી ગયો હતો અને સેન્સેક્સ ૮૦૦ પૉઇન્ટથી વધુના ઉછાળા સાથે ૩૨૦૦૦નું લેવલ વટાવી ગયો હતો. 

એનબીએફસી અને એમએસએમઈ માટે આશા

નાણાપ્રધાને બુધવારે બજારના બંધ થયા બાદ જાહેર કરેલા રાહત પૅકેજને વધાવવાને બદલે ગુરુવારે બજારે તે પ્રત્યે નિરાશા વ્યકત કરી હતી. મંગળવારની વડા પ્રધાનની જાહેરાતના બીજા દિવસે બુધવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કયા ક્ષેત્રને કેટલી સહાય કરાશે તેની વિગતે માહિતી જાહેર કરી હતી, જેમાં ખાસ કરીને નોન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઝ અને નાના-મધ્યમ એકમોને કરાયેલી સહાયની પૉઝિટિવ અસર થવાની આશા વ્યકત થઈ હતી. સરકારે પ્રવાહિતા વધારવા પર ખાસ ભાર મૂકયો હોવાથી બિઝનેસ પ્રવૃત્તિને બુસ્ટ મળવાની ધારણા મુકાઈ હતી. અલબત્ત, વેપાર-ઉદ્યોગની સરકાર પાસેથી વધુ અપેક્ષા હતી અને છે. જ્યારે કે સરકારે મુખ્યત્ત્વે નાના એકમો, માઈક્રો ફાઇનૅન્સ સંસ્થાઓ, હાઉસિંગ ફાઇનૅન્સ સંસ્થાઓ વગેરે પર વધુ ફોકસ કર્યું હોવાનું નોંધાયું હતું. મૂડીબજાર કે મધ્યમ વર્ગ માટે સીધી કોઈ રાહત નહોતી.  

રાહત પહેલાંનો સુધારો ધોવાઈ ગયો

પરિણામે ગુરુવારે જેમાં માર્કેટ વધુ નીચે ગયું હતું. સેન્સેક્સ ૩૨૦૦૦ની સપાટી તોડી ૮૮૫ પૉઇન્ટ નીચે અને નિફ્ટી ૯૨૦૦નું લેવલ તોડી ૨૪૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો. પીએમ અને એફએમ બન્નેની જાહેરાત બજારને બુસ્ટ આપી શકી નહોતી. બીજી બાજુ યુએસ ઇકૉનૉમી માટે ફેડરલ રિઝર્વના ચૅરમૅન પોવેલે નિરાશાજનક નિવેદન કર્યું હતું, જેમાં  યુએસ ઇકૉનૉમી લાંબા સમય માટે દબાણ હેઠળ રહેશે એવું કહેવાયું હતું, જેની સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર થઈ હતી. ભારતીય બજાર નીચે જવામાં આ પણ એક કારણ બન્યું હતું. મંગળવાર-બુધવારની રાહત પૅકેજની જાહેરાત પહેલાંનો સુધારો ધોવાઈ ગયો.

સપ્તાહનો અંત રિકવરી સાથે થયો

ગુરુવારે નાણાપ્રધાને વધુ એક રાહત પૅકેજમાં નાના ખેડૂતો, માઇગ્રન્ટ વર્કર્સ, રસ્તા પરના ફેરિયાઓ અને અફોર્ડેબલ હાઉસિંગને આવરી લીધા હતા. આ તમામ વર્ગને મોટે ભાગે લોન સુવિધા મારફત રાહત અપાઈ હતી. આમ બીજા પૅકેજમાં પણ મુખ્યત્ત્વે બૅન્ક-સંસ્થાકીય ધિરાણ મારફત ટેકો આપવાની જ વધુ વાત હતી. જોકે શુક્રવારે પણ બજારમાં સરકારી રાહત પૅકેજની પૉઝિટિવ અસર થઈ નહીં. માર્કેટ નકારાત્મક રહ્યું, કિંતુ બંધ થતાં પહેલાં ઘટેલું બજાર રિકવર થઈને અંતમાં સાધારણ જ નીચે બંધ રહ્યું હતું. સેન્સેક્સ માત્ર ૨૫ પૉઇન્ટ ડાઉન થઈ ૩૧૦૯૭ બંધ રહ્યો અને નિફ્ટી માત્ર છ પૉઇન્ટ માઈનસ થઈ ૯૧૩૬ બંધ રહ્યો હતો. આ ઘટના નાણાપ્રધાનના રાહત પૅકેજના ત્રીજા ભાગની જાહેરાત પહેલાં બની હતી. અલબત્ત, શુક્રવારે નાણાપ્રધાને મુખ્યત્ત્વે કૃષિ ક્ષેત્ર માટે ધરખમ સુધારાની જાહેરાત કરી એગ્રીકલ્ચર સેક્ટર માટે નવી દિશા ખોલી આપી હતી. આનો અર્થ એ થઈ શકે કે ફાર્મ સેક્ટરની સારી કંપનીઓ માટે અવકાશ વધશે. આની અસર ગ્રામ્ય ક્ષેત્ર પર પણ પૉઝિટિવ થશે.

બજારનો પ્રતિસાદ કેમ મોળો?

નાણાપ્રધાનના પૅકેજને બજારે મોળો અને નિરાશાજનક પ્રતિભાવ આપવાનું કારણ એ હતું કે તેમાં મોટે ભાગે ધિરાણ સુવિધાની વાત વધુ છે, કોઈ સીધી સહાય નથી. આ પગલાંની અસર લાંબા ગાળામાં થઈ શકે, કિંતુ ટૂંકા ગાળામાં તેનાથી કોઈ નક્કર પરિણામ મળવાની શક્યતા ઓછી છે. વધુમાં સરકારે સપ્લાય સાઈડને ધ્યાનમાં લીધી, જ્યારે કે હાલ વધુ જરૂર ડિમાંડ સાઈડની છે. નાણાપ્રધાન આ સહાય પૅકેજ પણ તબક્કાવાર લાવી રહ્યા છે, જેથી તેની મોટી અસર પડતી નથી કે દેખાતી નથી. કેટલીક જાહેરાતમાં તો સ્પષ્ટતાનો અભાવ છે. બૅન્કો ગેરન્ટી હોવા છતાં ધિરાણ કેટલા લોકોને અને કઈ રીતે તેમ જ કેટલા સમયમાં આપશે એ કળવું કઠિન છે. 

આગામી સમયમાં શું અને શા માટે?

આગામી બદલાતા સંજોગો-સમયમાં ટેલિકોમ અને ટેક્નૉલૉજી સેક્ટરમાં અવકાશ અવશ્ય વધશે એવી આશા ચોક્કસ રાખી શકાય. લોકોમાં આ બે સેક્ટરની માગ ઊંચી રહેશે. આ જ રીતે ફાર્મ સેક્ટરમાં પણ બોલ્ડ રિફોર્મ્સ બાદ લોકોનો અભિગમ બદલાશે. નવી તકો સર્જાશે. આગામી સપ્તાહમાં માર્કેટ વીતેલા સપ્તાહની આર્થિક રાહત પૅકેજની અસર બતાવશે. આનાથી માર્કેટમાં મોટા ઉછાળાની શક્યતા તો નથી, કિંતુ નાની-મોટી વોલેટિલિટી ગ્લોબલ સંજોગોને આધારે ચાલુ રહેશે. આગામી સંજોગોમાં ચાર બાબત નિશ્ચિત છે, એક વોલેટિલિટી, બીજી અનિશ્ચિતતા અને ત્રીજી ગ્લોબલ સંજોગો અને ચોથી બાબત લાંબા સમય સુધી માથા પર રહેવાની છે એ તો તમને ખબર જ છે, યસ કોરોનાના કિસ્સા અને તેની અસર.  આ બધા વચ્ચે એક આશ્વાસન એ ખરું કે લૉકડાઉન હળવું થતાં આર્થિક પ્રવૃત્તિઓને પુનઃ વેગ મળવાનું શરૂ થશે, જે નવું આશારૂપ પરિબળ બની શકે. આ સંજોગોમાં રોકાણકાર નિર્ણય લેવામાં પેનિક કે ઇમોશનલ ન બને અને આત્મનિર્ભર બની સ્વતંત્રપણે લાંબા ગાળાનો નિર્ણય લે એ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK