Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નવા વર્ષથી બજારને નવી દૃષ્ટિએ જોવાનું શીખો

નવા વર્ષથી બજારને નવી દૃષ્ટિએ જોવાનું શીખો

28 October, 2019 08:50 AM IST | મુંબઈ
શેરબજારની સાદી વાત- જયેશ ચિતલિયા

નવા વર્ષથી બજારને નવી દૃષ્ટિએ જોવાનું શીખો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


આ વખતે સાદી વાતમાં આપણે શૅરબજારની સાથે અન્ય ઇન્વેસ્ટમેન્ટ સાધનો ઉપરાંત એના ચોક્કસ સિદ્ધાંતોની વાત કરીએ તેમ જ માર્કેટ-ટ્રેન્ડ ઉપરાંત કંઈક નવી વાત પણ કરીએ. નવા વર્ષે આપણે ઇન્વેસ્ટમેન્ટ જગતમાં સફળ થવા અથવા નિષ્ફળતાથી બચવા શું કરવું જોઈએ એ સમજીએ અને એ સમજ માટે ચોક્કસ સંકલ્પો પણ લઈએ

દિવાળીથી દિવાળીનો માર્કેટ-ટ્રેન્ડ
૨૦૧૮ની દિવાળીમાં સેન્સેક્સ ૩૫૨૦૦ અને નિફટી ૧૦૬૦૦ પૉઇન્ટ આસપાસ હતા. પાંચ વર્ષ અગાઉની દિવાળીમાં સેન્સેક્સ ૨૭૮૦૦ અને નિફટી ૮૩૦૦ આસપાસ હતા. ૨૦૧૯ની દિવાળી પહેલાંના શુક્રવારે આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૩૯૦૫૮ અને નિફટી ૧૧૫૮૩ બંધ રહ્યા હતા. આમ તો ૨૦૧૯ દરમ્યાન એક તબક્કે સેન્સેક્સ ૪૦૦૦૦ને અને નિફટી ૧૨૦૦૦ને પાર કરી ગયા હતા. ત્યાર બાદ ઘણી વૉલેટિલિટી ચાલુ રહી હતી. વરસ દરમ્યાન બજેટે તો ભયંકર નિરાશા આપી હતી, જે પછી સરકારે-નાણાપ્રધાને ભૂલ સુધારી ખરી, પરંતુ સમય લઈ લીધો અને એમાં મૂડીધોવાણ થયું તેમ જ વિશ્વાસનું પણ ધોવાણ થયું હતું. જોકે હજી ઘણા સુધારા અનિવાર્ય છે.
મ્યુચ્યુઅલ ફન્ડના ટ્રેન્ડ
વીતેલા વરસે મ્યુચ્યુઅલ ફન્ડનો ટ્રેન્ડ એકંદરે સારો ગણાય, કિંતુ રોકાણકારોનો એક વર્ગ મ્યુચ્યુઅલ ફન્ડસથી નિરાશ થયો છે, કારણ કે અમુક ઇક્વિટી સ્કીમ્સમાં તેમના વળતર નીચા ગયા છે અને કયાંક વળી નેગેટિવ પણ થયા. એટલું જ નહીં, જેમના રોકાણ સાતથી દસ વરસ જૂના હતા, તેમના રોકાણ સામેના વળતર પણ વરસોની સરખામણીએ બહુ ઓછા હોય એવું ફીલ થયું. હજી વરસ-બે વરસ પહેલાં જ જેમણે રોકાણ કર્યું તેમને તો વિશેષ આંચકો લાગ્યો. ઘણાંએ પોતાના નાણાં ઉપાડી લીધાં અને હવે મ્યુચ્યુઅલ ફન્ડસમાં રોકાણ કરવું નથી એવું નક્કી કરી બેઠા. કોઈ-કોઈ કિસ્સામાં ડેટ ફન્ડમાં રોકાણ પણ નબળાં વળતરવાળા સાબિત થયા, જેના કારણ જુદાં હતાં, કિંતુ ઈન્વેસ્ટરોને નિરાશ કરી ગયા. જો કે સિસ્ટેમેટિકલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)માં પ્રવાહ વધુ-ઓછે અંશે જળવાઈ રહ્યો. મ્યુચ્યુઅલ ફન્ડસનો શૅરબજારમાં રોકાણપ્રવાહ પણ સતત રહ્યો. સિદ્ધાંત અને સમજણ એ રાખવાના છે કે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમને પણ સમય આપવો પડે, આખરે તે પણ બજારની ચાલ આધારિત વળતર આપે છે, વાસ્તે ધીરજ અહીં પણ જરૂરી છે. એ ખરું કે ફન્ડસ ડુબાડતું નથી, ભારે ખોટ કરાવતું નથી. એકંદરે સલામતી આપે છે. તમારા ધ્યેયને અનુરૂપ સમયગાળો નક્કી કરીને રોકાણ કરવું સલાહભર્યું છે.
રિયલ એસ્ટેટ માર્કેટના ટ્રેન્ડ
આમ તો આ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ માટે હવે ઓછું રહ્યું છે. આ સેક્ટર છેલ્લા અમુક વરસથી સતત મંદીમાં અને સ્ટ્રેસમાં જ રહ્યું છે. આ સેક્ટરની અનેક કંપનીઓએ ગ્રાહકો જ નહીં, બૅન્કોને પણ ગંભીર નુકસાન પહોંચાડયું છે, જેથી શૅરબજારમાં પણ આવી કંપનીઓમાં રોકાણ કરવાથી લોકો દૂર રહે છે. હવે પછી સરકાર કોઈ જોરદાર પ્રોત્સાહનનાં પગલાં લે તો વાત બને. બાકી આ સેક્ટરની કંપનીઓએ હજી સંઘર્ષમાં જ સમય કાઢવાનો છે. રોકાણ માટે અવકાશ ઘટતો જાય છે. રોકડ વ્યવહાર ઘટી જવાને લીધે અને બેનામી ઍક્ટને કારણે પણ ઇન્વેસ્ટમેન્ટ પર અસર થઈ છે. સિદ્ધાંત અને સમજણ એ રાખવાની છે કે આવી કંપનીઓથી અને આવા પ્રોજેકટ રોકાણથી બને ત્યાં સુધી સાવચેત રહેવું. જોખમ ઊંચા જ રહેવાના છે.
સોનામાં રોકાણનો ટ્રેન્ડ
આ વર્ષે ચોક્કસ સમયગાળામાં સોનાના ભાવમાં ઉછાળો જોવામાં આવ્યો. ઇક્વિટી ઘટે યા શૅરબજારમાં કટોકટી આવે ત્યારે લોકો સેફ હેવન ગણાતા સોના તરફ વળે છે. લોકો જ નહીં, વિવિધ દેશો પણ સોનાની ખરીદી યા રિઝર્વ વધારતા હોય છે. આમ પણ ફાઇનેન્શિયલ પ્લાનર સુધ્ધાં કહે છે, રોકાણ પોર્ટફોલિયોમાં પાંચથી દસ ટકા હિસ્સો સોનાનો રાખવો જોઈએ. જો કે હવેના સમયમાં ઈ-ગોલ્ડ-ડિમેટ ગોલ્ડનું મહત્ત્વ વધી રહ્યું છે. જેને સાચવવાની અને લે-વેચ કરવાની પદ્ધતિ સરળ-સલામત છે. આ વિષયમાં સિદ્ધાંત અને સમજણ એ લેવાના છે કે ગોલ્ડ ઈટીએફ (એકસચેંજ ટ્રેડેડ ફન્ડ) મારફત રોકાણ કરવું, જેમાં શૅરની જેમ લે-વેચ થઈ શકે છે. ઘરેણાં વાસ્તવમાં જોઈતા હોય તો જ લેવાય. બાકી રોકાણ માટે ડિમેટ ગોલ્ડનું માધ્યમ સારું-સરળ છે, સરકારની ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ પણ ઉપલબ્ધ છે. ગ્લોબલ માહોલ અને સ્ટૉક માર્કેટના માહોલને ધ્યાનમાં રાખી સોનાનું રોકાણ પ્લાન કરી શકાય. બાકી ગોલ્ડ ઈટીએફમાં ધીમે-ધીમે અથવા એસઆઈપી માર્ગે પણ રોકાણ થઈ શકે.
ગ્લોબલ ટ્રેન્ડ પર નજર-સમજણ જરૂરી
ગ્લોબલ ટ્રેન્ડ એટલે અનિશ્ચિતતાનો ટ્રૅન્ડ. આ અનિશ્ચિતતા ધ્યાનમાં રાખ્યા વિના છૂટકો નથી. યુએસ-ચીન ટ્રેડ વૉર-ટૉક પરિબળ હોય કે બ્રેક્ઝિટ હોય, ઈરાન હોય કે સાઉદી હોય, ક્રૂડનો મામલો હોય કે કરન્સીની મેટર હોય, હવેના સમયમાં રોકાણકારોએ આ બધી બાબતથી અપડેટ રહેવું જરૂરી બન્યું છે. આ સમયગાળામાં ભારતીય અર્થતંત્ર અને માર્કેટ પર ગ્લોબલ અસર છવાયેલી છે અને રહેશે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે ભારતીય અર્થતંત્રનો વિકાસદર ઘટ્યો હોવા છતાં આજે પણ ભારતીય ઇકૉનૉમી ફાસ્ટેસ્ટ છે. જો કે હજી ભારતે લાંબી મજલ કાપવાની છે. ભારતને વિકાસ માટે ઉત્તમ સમય પ્રાપ્ત થયો છે. સરકાર બહુમતીવાળી અને મજબૂત, ઝડપી નિર્ણયશક્તિવાળી છે. ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો પણ વધુ વ્યાપક અને સઘન બન્યા છે. બ્રૅન્ડ ઇન્ડિયાએ નવી ઈમેજ ઊભી કરી છે. હવે ભારત સરકારે ડિલિવર કરવાનો ખરો સમય છે. સરકાર કોઈ કારણસર ઇકૉનૉમીના રિવાઈવલમાં અને તેના મૅનેજમન્ટમાં પાછળ રહી છે. મોદી સરકારે વાતો, વચનો અને સપનાઓ બતાવવામાં બહુ જ ઉદારતા દર્શાવી છે, હવે તેનો ઝડપથી અને સારી-વ્યવહારુ રીતે અમલ નહીં થાય તો મોદી સરકાર માટે પણ કપરા દિવસો આવી શકે.



આ પણ વાંચોઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું


સપ્તાહ દરમ્યાન માર્કેટ ટ્રેન્ડ

ગયા સોમવારે કેટલાંક રાજ્યોની ચૂંટણીને કારણે બજાર બંધ રહ્યું હતું. જોકે મંગળવારે સાધારણ વધ-ઘટ સાથે શરૂ થયેલું બજાર ધીમે-ધીમે ઘટતું રહી અંતમાં સેન્સેક્સ ૩૩૪ પૉઇન્ટ અને નિફટી ૭૩ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. મોટેભાગે પ્રોફિટ બુકિંગના કારણે આમ થયું હતું. બુધવારે બજાર સારું એવું વધીને પાછું ફર્યું હતું. ૩૦૦ પૉઇન્ટથી વધુ ઉપર ગયેલો સેન્સેક્સ અંતમાં ૯૫ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી માત્ર ૧૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. ગુરુવારે માર્કેટ સાધારણ વધ-ઘટ સાથે નજીવું ઘટીને બંધ રહ્યું હતું. બજાર પર ઇન્ફોસિસના છબરડા તેમ જ રેટિંગ એજન્સી ફિચે ભારત માટે ચાલુ વર્ષે ગ્રોથ રેટના મૂકેલા ૫.૫ ટકા જેવા નીચા અંદાજની અસર હતી. સેન્સેક્સ ૩૮ પૉઇન્ટ અને નિફટી ૨૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. શુક્રવારે માર્કેટ પ્લસ-માઇનસ થતું રહીને અંતમાં સાધારણ વધીને બંધ રહ્યું હતું. મુખ્યત્ત્વે બૅન્ક સ્ટૉકસમાં તેજી રહી હતી. નિફ્ટી માત્ર એક પૉઇન્ટ પ્લસ થઈ ૧૧૫૮૩ અને સેન્સેક્સ ૩૭ પૉઇન્ટ પ્લસ થઈ ૩૯૦૫૮ બંધ રહ્યો હતો. આ સપ્તાહમાં સિલેક્ટિવ સ્ટૉકસ પર ધ્યાન રહેશે. વધઘટનો અત્યાર જેવો દોર નવા વરસે ફેબ્રુઆરીના બજેટ દિવસ સુધી રહેશે. એ પછી બજેટની જાહેરાતો માર્કેટ અને ઈકૉનૉમિને નવી –નક્કર દિશા આપશે એવી આશા સાથે નવા વરસે સૌને હેલ્ધી અને વેલ્ધી વરસની શુભકામના.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 08:50 AM IST | મુંબઈ | શેરબજારની સાદી વાત- જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK