Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગની આગેવાની હેઠળ શૅરબજાર ચોથા દિવસે પણ તેજીમય રહ્યું

બૅન્કિંગની આગેવાની હેઠળ શૅરબજાર ચોથા દિવસે પણ તેજીમય રહ્યું

07 February, 2020 11:10 AM IST | Mumbai Desk

બૅન્કિંગની આગેવાની હેઠળ શૅરબજાર ચોથા દિવસે પણ તેજીમય રહ્યું

બૅન્કિંગની આગેવાની હેઠળ શૅરબજાર ચોથા દિવસે પણ તેજીમય રહ્યું


વૈશ્વિક શૅરબજારોમાં જોવા મળી રહેલી ખરીદી અને રિઝર્વ બૅન્કે વ્યાજદર સ્થિર રાખ્યા પછી પણ બૅન્કો માટે મૂડીપ્રવાહિતા વધે એવાં પગલાંની જાહેરાત કરતાં સતત ચોથા દિવસે ગઈ કાલે ભારતીય શૅરબજારમાં તેજીનો દોર જળવાઈ રહ્યો હતો. બૅન્કિંગ, નાણાસંસ્થાઓમાં ખરીદીના કારણે શૅરબજારમાં તેજી જળવાઈ રહી હતી. નિફ્ટી બૅન્ક ૦.૯૨ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૨.૬૩ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક્સ એક ટકો જેટલા વધીને બંધ આવ્યા હતા. આજની વૃદ્ધિ સહિત ચાર દિવસમાં સેન્સેક્સ ૧૫૭૦.૫૦ કે ૩.૯૫ ટકા અને નિફ્ટી ૪૭૧.૮૦ કે ૪.૦૫ ટકા વધી ગયા છે.

સેન્સેક્સ આજે ૧૬૩.૩૭ પૉઇન્ટ કે ૦.૪૦ ટકા વધી ૪૧,૩૦૬.૦૩ અને નિફ્ટી ૪૪.૫૦ પૉઇન્ટ કે ૦.૩૭ ટકા વધી ૧૨,૧૩૩.૬૫ની સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, બજાજ ફાઇનૅન્સ, ભારતી ઍરટેલ, એચડીએફસી, ઍક્સિસ બૅન્ક અને હીરો મોટો કૉર્પ ઊછળ્યા હતા. સામે ઇન્ફોસિસ, ટાઇટન, આઇટીસી, કોટક બૅન્ક અને એશિયન પેઇન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો.



બે દિવસથી ખરીદી કરી રહેલી વિદેશી સંસ્થાઓએ ગઈ કાલની બજારમાં ૫૬૦ કરોડ રૂપિયાના શૅરની વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ ૩૦૪ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. એવું લાગી રહ્યું હતું કે ઊંચા મથાળે વિદેશી સંસ્થાઓ નફો બુક કરી રહી છે.


ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રમાં એફએમસીજી, આઇટી અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બાકીના આઠમાં વૃદ્ધિ હતી. એક્સચેન્જ પર ૫૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૫૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૯૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૯૩ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર ૯૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૧૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૮૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૦૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૫૨ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૮૧ ટકા વધીને બંધ આવ્યા હતા. ગઈ કાલે બીએસઈનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૮૯,૨૪૭ કરોડ વધી ૧૫૯.૦૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.


બૅન્કિંગને રિઝર્વ બૅન્કની રાહતથી તેજી
રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં ફેરફાર કર્યો હતો નહીં, પણ બીજાં પગલાંનો સીધો ફાયદો મળશે એવી અપેક્ષાએ શૅરોમાં તેજી આવી હતી. ખાસ વ્યવસ્થા હેઠળ રૂપિયા એક લાખ કરોડના એક વર્ષ કે ત્રણ વર્ષની મુદતના રેપો-રેટ ઑપરેશન થકી બૅન્કોની નાણાપ્રવાહિતા વધારી વ્યાજના દર ઘટે અને ધિરાણ વધે એવાં પગલાં રિઝર્વ બૅન્કે આજે ધિરાણનીતિમાં લીધાં હતાં. આ પગલાંની જાહેરાતના કારણે નિફ્ટી બૅન્ક ૦.૯૨ ટકા વધ્યો હતો અને સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૨.૬૩ ટકા વધ્યો હતો. સરકારી બૅન્કોમાં યુકો બૅન્ક ૪.૯૮ ટકા, યુનાઇટેડ બૅન્ક ૪.૬ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૯૭ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૫૫ ટકા અને પંજાબ નૅશનલ બૅન્ક ૨.૯૯ ટકા વધ્યા હતા. ખાનગી બૅન્કોમાં ઇન્ડસઇન્ડ બૅન્ક ૪.૮૫ ટકા, આરબીએલ બૅન્ક ૪.૫૩ ટકા, યસ બૅન્ક ૨.૫૩ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૭૭ ટકા, ફેડરલ બૅન્ક ૧.૬૫ ટકા, સિટી યુનિયન બૅન્ક ૧.૩૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૫૧ ટકા વધ્યા હતા.

રિયલ એસ્ટેટમાં તેજીનો કરન્ટ, ડીએલએફ ઘટ્યો
નિફ્ટી રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની ડીએલએફનાં નબળાં પરિણામને કારણે ઘટીને બંધ આવ્યો હતો. રિઝર્વ બૅન્કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને નબળી લોન જાહેર કરવાની મુદત વધુ એક વર્ષ લંબાવી મોટી રાહત આપી હતી. અન્ય કંપનીઓના શૅર જોકે ઊછળ્યા હતા. યુનિટેક ૪.૩૩ ટકા, પાર્શ્વનાથ ડેવલપર ૨.૪૮ ટકા, ગોદરેજ પ્રૉપર્ટી ૧.૯૩ ટકા, ડીબી રિયલ્ટી ૧.૭૭ ટકા, શોભા ૧.૪૦ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૧.૧૬ ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ ૧.૦૬ ટકા, ઑબેરૉય રિયલ્ટી ૦.૫૨ ટકા અને સનટેક રિયલ્ટી ૦.૦૪ ટકા વધ્યા હતા. અપેક્ષા કરતાં નબળાં પરિણામના કારણે ડીએલએફના શૅર ઘટ્યા હતા. કંપનીનો નફો ૨૩.૫ ટકા અને આવક ૩૯.૫ ટકા વધી હોવા છતાં શૅરનો ભાવ ૨.૮૮ ટકા ઘટીને બંધ આવ્યો હતો.

ભારતી ઍરટેલનો નવો વિક્રમ
ભારતી ઍરટેલના શૅર આજે નવા વિક્રમી સ્તર ૫૫૨.૮૫ રૂપિયા પર પહોંચ્યા હતા અને દિવસના અંતે ૨.૪૮ ટકા વધી ૫૪૬.૭૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. સપ્ટેમ્બર ક્વૉર્ટર અને ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીએ જંગી ખોટ નોંધાવી હતી, પણ હિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીની ગ્રાહક દીઠ કમાણી વધી હોવાથી શૅરના ભાવ સતત વધી રહ્યા છે. આજે એક તબક્કે કંપનીનું બજારમૂલ્ય ત્રણ લાખ કરોડ રૂપિયાથી પણ વધી ગયું હતું.

એવન્યુ સુપરમાર્કેટ વિપ્રોથી આગળ
એક સમયે ઇન્ફોસિસ પછી રોકાણકારો માટે સૌથી માનીતી કંપની વિપ્રો કરતાં ડી માર્ટની માલિક એવન્યુ સુપરમાર્કેટનું બજારમૂલ્ય વધી ગયું છે અને આજે દેશની ૨૦મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ હતી. એવન્યુ સુપરમાર્કેટના શૅર આજે એક તબક્કે પાંચ ટકા વધી ૨૩૬૧ રૂપિયા થઈ સત્રના અંતે ૨૨૯૪ રૂપિયા પર બંધ આવ્યા હતા. કંપનીએ સંસ્થાકીય રોકાણકાર પાસેથી નાણાં એકત્ર કરવાની જાહેરાતના પગલે શૅરના ભાવ આજે વધીને બંધ આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 11:10 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK